- નિલેશ અંતાણી
- સાંજ પડી. મીનળ ફરીથી ઘંટીએ બેઠી. 'ઘરર...ઘરર...' અવાજ ફરી શરૂ થયો. ફરક માત્ર એટલો હતો કે સવારે બેડાં ખાલી હતાં, અને અત્યારે મીનળની આંખો ભરેલી હતી
સ વારના સાડા ચાર વાગ્યા હતા. ગામ હજી ઘસઘસાટ ઊંઘતું હતું, પણ મીનળની ઓસરીમાં ઘંટીનો 'ઘરર...ઘરર...' અવાજ શરૂ થઇ ગયો હતો.આ અવાજ જાણે તેના જીવનનું એકમાત્ર સંગીત હતું.
બાજરી દળતાં દળતાં મીનળનું ધ્યાન ઓસરીના ખૂણામાં પડેલા ખાલી બેડાં પર ગયું. હજી તો દળણું પતશે ત્યાં જ પાણી ભરવા સીમમાં જવું પડશે. ગામના કૂવાનાં તળિયાં દેખાવા માંડયા હતા. જેમ કૂવાનું પાણી ઊંડું ઊતરતું ગયું હતું, તેમ તેમ મીનળના જીવનમાંથી સુખ પણ ઊંડુ ઊતરી ગયું હતું.
''વહુ, આજે મોડું ન કરતી હોં ! ખેતરે ભાત લઇને વેળાસર આવજે.'' સાસુમાંનો કર્કશ અવાજ ખાટલામાંથી આવ્યો. ડોશીમાને કમરનો દુ:ખાવો હતો, પણ જીભ તો કાતર જેવી ચાલતી.
મીનળે નિસાસો નાખ્યો, પણ હોઠ સીવેલા રાખ્યા. મીનળ જાણતી હતી સામો જવાબ આપવો એ પથ્થર પર પાણી રેડવા સમાન છે.
માથે બેડું અને કાખમાં નાનકડી દીપુને તેડીને મીનળ કૂવે પહોંચી. ત્યાં ગામની અન્ય સ્ત્રીઓનો મેળાવડો જામ્યો હતો. પણ અહીં વાતો મનોરંજનની નહોતી, દુ:ખની હતી.
''આ વર્ષેય વરસાદ ખેંચાયો છે, મીનળ, ખેતરમાં મોલ સુકાય છે અને ઘરમાં માણસ.'' પડોશમાં રહેતી સુમીએ પાણી ખેંચતા કહ્યું. મીનળે કૂવામાં ડોકિયું કર્યું. પાણી ડહોળું હતું. તેને થયું, 'આ પાણી જેવું જ મારું નસીબ છે, તળિયે બેસી ગયેલું અને ડહોળાયેલું.'
ઘરે આવીને તેણે ઝડપથી રોટલા ટીપ્યા. ચૂલાના ધુમાડાથી આંખો બળતી હતી, પણ એ બળતરા હૃદયની બળતરા આગળ કશું જ નહોતી. તેનો પતિ, ગમન હમણાં જ ખેતરેથી આવ્યો હતો. દેવું વધી ગયું હતું એટલે એનો મિજાજ પણ તપેલો રહેતો.
'રોટલામાં મીઠું ઓછું છે !' ગમન એ પહેલો કોળિયો મોમાં મૂકતાં જ થાળી હડસેલી.
મીનળ થથરી ગઇ. મીઠું તો બરાબર જ હતું, પણ ગમનનો ગુસ્સો શાહુકાર પરનો હતો. જે અત્યારે મીનળ પર ઉતરી રહ્યો હતો. તે કશું જ બોલી નહીં. ચૂપચાપ થાળીને પાછી ખેંચી લીધી. અને ખૂણામાં જઇને બેઠી.
તેને વિચાર આવ્યો, 'શું સ્ત્રી એટલે માત્ર કામ કરવાનું યંત્ર ? ખેતરમાં મજૂરી કરવાની, ઢોર સાચવવાના, ઘર સાચવવાનું અને બદલામાં શું ? માત્ર ઉતારી પાડેલા શબ્દો ?'
બપોરે બળબળતા તાપમાં તે ખેતરે ભાત લઈને નીકળી. પગમાં પહેરેલા ચંપલ ઘસાઈ ગયા હતા, નીચેની ગરમ રેતી પગના તળિયાં દઝાડતી હતી. રસ્તામાં એક સુકાયેલું બાવળનું ઝાડ આવ્યું. મીનળ ત્યાં ક્ષણભર ઊભી રહી.
તેને થયું કે, 'આ બાવળ અને હું સરખા જ છીએ. બંનેને કોઈ ખાતર પાણી નથી આપતું, છતાં ટકી રહ્યાં છીએ. માત્ર કાંટા અને તાપ સહન કરવા માટે.'
ખેતરે પહોંચી ત્યારે ગમન પરસેવે રેબઝેબ હતો. મીનળે લોટામાં પાણી આપ્યું. ગમનએ એકીશ્વાસે પાણી પી લીધું અને મીનળ સામું જોયું. કદાચ તેને પોતાની ભૂલ સમજાઈ હશે, પણ પુરૂષનો અહંકાર માફી માંગવા દેતો નથી. તેણે માત્ર એટલું જ કહ્યું, ''સાંજે આવતી વખતે ચારાનો ભારો લેતી આવજે.''
મીનળે માથું હલાવ્યું. પાછા ફરતી વખતે તેણે જોયું તો તેની દીકરી દીપુ ધૂળમાં રમી રહી હતી. દીપુએ મલકાઈને પૂછ્યું, 'માં, હું મોટી થઇને તારા જેવી થઇશ ને ?'
મીનળનું કાળજું કંપી ગયું. તેણે દીકરીને છાતી સરસી ચાંપી દીધી. મનોમન પ્રાર્થના કરી, 'ના બેટા, તું મારા જેવી ન થતી. તું તો વાદળ જેવી થજે. જે મન મૂકીને વરસી શકે. મારા જેવી તરસ્યા કૂવા જેવી ન થતી.'
સાંજ પડી. મીનળ ફરીથી ઘંટીએ બેઠી. 'ઘરર...ઘરર...' અવાજ ફરી શરૂ થયો. ફરક માત્ર એટલો હતો કે સવારે બેડાં ખાલી હતાં, અને અત્યારે મીનળની આંખો ભરેલી હતી. પણ એ આંસુ લોટમાં ભળી ગયાં, જે કોઇને દેખાવાના નહોતા. રાત જામતી ગઈ. ગામમાં કૂતરાંના રડવાનો અવાજ અને તમરાંનો અવાજ એકમેકમાં ભળી ગયાં હતાં. ઓરડામાં એક ખૂણે ફાનસનું અજવાળું થરથરતું હતું. ગમન ખાટલામાં પડખાં ઘસતો હતો. ઊંઘ તો તેનેય ક્યાં આવતી હતી ? શાહુકારના માણસે આજે સાંજે જ ચેતવણી આપી હતી કે, 'જો વ્યાજ નહીં ભરાય તો બળદ છોડાવી જઈશ.'
મીનળે ઘરનું કામ પતાવીને પગ દબાવવા ખાટલા પાસે બેઠી. ગમનની આંખો છતર પર ખોડાયેલી હતી. થોડીવાર શાંતિ રહી. પછી અચાનક જ ગમન બોલ્યો, ''મીનળ, તારા લગન વખતે બાપાએ પેલી સોનાની કડીઓ આપી હતી ને ?''
મીનળનો હાથ ગમનના પગ પર થંભી ગયો. એ કડીઓ તો તેના પિયરની છેલ્લી નિશાની હતી. તેના બાપાએ ખેતર ગીરો મૂકીને એ કડીઓ ઘડાવી હતી.
''હું કાલે વેચી દઉં તો ? બળદ જશે તો ખેતી શું કરીશું ?'' ગમનના અવાજમાં લાચારી અને હુક્મ બંને ભળેલા તા.
મીનળનું હૈયું ચિરાઇ ગયું. તેને કહેવું હતું કે, 'એ કડીઓ તો દીપુ માટે સાચવી છે.' પણ જીભ ઉપડી નહીં. તેણે માત્ર એટલું જ પૂછ્યું, ''પછી ? પછી શું વેચશો ? હું ?''
આ શબ્દો મીનળના મોમાંથી કેવી રીતે નીકળી ગયા, એ તેને પોતાને પણ સમજાયું નહીં. ગમન ચોંકીને બેઠો થઇ ગયો. મીનળની આંખોમાં આજે પહેલીવાર એક વિચિત્ર તેજ હતું - ભીનાશ નહોતી, પણ એક ઠંડી આગ હતી. ગમન કશું બોલી શક્યો નહીં. તે પાછો સૂઈ ગયો, પણ ઓરડાની હવામાં એક ભાર વર્તાવા લાગ્યો.
બીજી સવારે, મીનળ જ્યારે કૂવે જવા નીકળી ત્યારે દીપુ જીદ કરીને પાછળ દોડી, 'મા, મારેય નિશાળે જાવું છે. પેલી ટીની જાય છે એમ.'
સાસુમાં ઓટલે બેઠાં દાતણ કરતાં હતાં. તેમણે તરત ટકોર કરી, 'ચલ, છાનીમાની ઘરમાં બેસ. આપણે તો પેટનો ખાડો પૂરવાના સાંસા છે ને તારે ભણવું છે ! છોડીઓને ભણીને શું કલેકટર થાવું છે ?'
રોજ મીનળ ચૂપ રહેતી, પણ આજે રાતની ઘટનાએ તેનામાં કંઇક બદલી નાખ્યું હતું. તેણે બેડું નીચે મૂક્યું. દીપુ પાસે ગઈ, તેના વિખરાયેલા વાળ સરખા કર્યા અને સાસુ સામે જોયા વગર જ ધીમેથી પણ સ્પષ્ટ અવાજે બોલી, 'બા, કલેકટર નહીં થાય તો ચાલશે, પણ મારા જેવી મજૂર તો નહીં જ થાય.'
સાસુનો હાથ હવામાં જ રહી ગયો. આ ઘરમાં મીનળનો આવો અવાજ પહેલીવાર સંભળાયો હતો.
મીનળ દીપુને લઇને સીધી ગામની નિશાળે પહોંચી. માસ્તર સાહેબ ઓટલે બેઠા હતા. મીનળે પાલવામાં બાંધેલી એક નાનકડી પોટલી કાઢી. એમાં થોડાક પરચુરણ સિક્ક હતા - શાકભાજીમાં ભાવતાલ કરીને બચાવેલી તેની 'મૂડી'.
'માસ્તર સાહેબ, આ મારી દીપુ, એને ભણાવશો ? ફીના પૈસા તો નથી, પણ આટલા છે. બાકી હું નિશાળનું આંગણું વાળી જઇશ, પાણી ભરી દઈશ'
માસ્તર સાહેબ મીનળની આંખોમાં રહેતી મક્કમતા જોઈ રહ્યા. તેમણે પૈસા પાછા આપતાં કહ્યું, 'બેન, સરકારી નિશાળમાં ફી ન હોય. તું કાલથી એને મોકલજે.'
મીનળના ચહેરા પર આછું સ્મિત ફરક્યું. એ સ્મિત એવું હતું જાણે વર્ષો પછી કોરીધાકોર ધરતી પર લીલુંછમ સપનું ઊગી નીકળ્યું હોય ! તેને થયું કે કૂવાનું પાણી ભલે પાતાળમાં ગયું હોય, પણ તેની દીકરીના નસીબનું પાણી તે સુકાવા નહીં દે.
ઘરે પાછી ફરી ત્યારે ગમન ઓસરીમાં બેઠો હતો. તેની નજર મીનળના ખાલી કાન પર ગઈ. કડીઓ ગાયબ હતી. ગમનને થયું કે મીનળે કડીઓ સંતાડી દીધી હશે.
મીનળે પાણીનું બેડું ઉતાર્યું અને ગમન સામે જોઇને કહ્યું, ''કડીઓ તમે કાલે લઇ જજો. શાહુકારનું મોઢું બંધ કરજો. પણ મારી એક શરત છે.'' ગમન અવાચક બનીને જોઈ રહ્યો.
'દીપુ ભણશે. એને હવે કોઈ રોકશે નહીં, નહીં તમે, નહીં બા.'
ગમને મીનળના ચહેરા પર જે તેજ જોયું, તે કોઈ દબાયેલી સ્ત્રીનું નહોતું, પણ એક રક્ષક માતાનું હતું. તેણે નીચું જોઇને ધીમેથી માથું હલાવ્યું.
સાંજે ફરી પાછો ઘંટીનો અવાજ શરૂ થયો. 'ઘરરર...ઘરરર...' પણ આજે એ અવાજમાં મીનળને એક લય સંભળાતો હતો. જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાતા અનાજમાંથી જ નવું જીવન, નવો લોટ અને નવી આશા તૈયાર થઇ રહી હતી.
બહાર આકાશમાં વાદળાં ઘેરાયાં હતાં. કદાચ આજે વરસાદ આવશે. પણ જો નહીં આવે, તોય હવે મીનળને ડર નહોતો. તેણે પોતાની અંદર એક નવો કૂવો ખોદી લીધો હતો, જે ક્યારેય સુકાવાનો નહોતો.


