- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- ''સ્વીકારભાવ એ તો એક મસ્તી છે. હવે કોઈ પણ પ્રસંગ સાધકની આ મસ્તીને ભંગ નહીં કરી શકે. જ્યારે કશા પણ માટે કોઈ પૂર્વનિર્ણય ન હોય કે આમ થાય તો ઠીક, આમ ન થાય તો ઠીક... તો કોઈ પસંદગી નહીં રહે''
બી જમાંથી વિશાળ વૃક્ષ ફૂલેફાલે, એ આસપાસ-ચોપાસ ફેલાય અને એની ડાળીઓ અને પાંદડાં ક્યાંય ક્યાંય સુધી વિસ્તરી જાય, એ રીતે પ્રત્યેક ચિંતક, વિચારક કે સંત પાસે એક વિચાર હોય છે અને એ વિચારના બીજમાંથી વિરાટ વટવૃક્ષ સર્જાય છે. જીવન પ્રત્યેનું આપણું વલણ કેવું હોય જોઈએ એ વિશે એક કેન્દ્રીય વિચાર મળે છે અને એવો એક કેન્દ્રીય વિચાર પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ આપ્યો કે સત્પુરુષના આશ્રયે અંતર્મુખતાનો પુરુષાર્થ કરવો, જેનો પ્રારંભ શાંત-સ્વીકારથી ક૨વો અને સાક્ષીભાવમાં એને પરિણમવો.
અર્થાત્ જીવનને શાંતિથી સમજવું, જે કોઈ સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગો, સમસ્યાઓ કે સંઘર્ષો ઊભા થાય તેને સ્વીકા૨વા, એને સમજવાનો પ્રયત્ન કરવો અને પછી જે કોઈ પરિસ્થિતિ આવે એમાં આનંદિત રહેવાનો એવો દ્દઢ નિર્ણય કરવો અને એ સંદર્ભે અવિરત જાગૃતિ રાખવી. આ રીતે જીવનમાં સુખી થવું હોય તો પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. જો વ્યક્તિ એ અભિગમ બદલે નહીં તો એને માટે દુ:ખ અને અશાંતિ અનિવાર્ય બની જાય છે અને તેથી સાધકનો કયો ધર્મ હોય એને વિશે પૂજ્યશ્રી રાકેશજીનું અધ્યાત્મદર્શન જોઈએ.
તેઓ કહે છે, ''થોડા દિવસ પહેલાં મારી પાસે બેરી સ્ટિવન્સનું એક પુસ્તક આવ્યું. તેનું નામ છે - 'નદીને ધક્કો ન મારો'. સાધકનો મુદ્રાલેખ મને એમાં જડયો. નદીને ધક્કો ન મારો, કારણ કે એ પોતાની મેળે વહેતી હોય છે અને જીવન પણ પોતાની મેળે વહેતું હોય છે. જીવનને ધક્કો ન મારો, વહેવા દો, વધવા દો. પોતાની ગતિએ એને ચાલવા દો, તો જ જીવન જીવન રહેશે અને નદી નદી ૨હેશે. નદીને, જીવનને ધક્કો મારવાની ચેષ્ટા અનિવાર્યપણે દુ:ખની જ જનની બનશે.
''જે પુસ્તકનું આ નામ છે, એમાં એક ચિત્ર છે. તે આવો જ પ્રસંગ દર્શાવે છે. એક નદી છે, વચ્ચે એક માણસ પાણીમાં છે અને બંને હાથે પાણીને ધક્કા મારી મારીને નદીને આગળ ધપાવવા પ્રયત્ન કરે છે. એનું મોં તંગ છે, એનું શરીર આગળ નમેલું છે, એના હાથ જોર કરે છે... અને એની આંગળીઓ વચ્ચેથી પાણી સ૨કતું જાય છે. એ માણસની દયા આવે છે. પાણીમાં છે, ફાંફાં મારે છે, દુ:ખી થાય છે. નદીનું સૌંદર્ય માણતો નથી, કુદરતની ભવ્યતા જોતો નથી. વ્યર્થ ધક્કા મારે છે અને પોતાની નિષ્ફળતાથી ત્રાસી ઊઠે છે. દયામણું ચિત્ર છે.
''અને એ ચિત્ર આપણા સૌનું છે. જીવન વહેતું રહે છે. આપણે એની વચ્ચે ઊભા છીએ. પાણી કમર સુધી છે અને હાથના હલેસાં બનાવીને આપણે એ પાણીને ધકેલતા રહીએ છીએ. નદી હસે છે. આ કેવો મૂર્ખ છે ! મને કેમ શાંતિથી વહેવા દેતો નથી ? મારો ધર્મ વહેવાનો છે અને એ હું બરાબર જાણું છું, નિભાવું છું...
''તો આપણો ધર્મ શું છે ? જે બને તેનો સહજ સ્વીકાર એ છે સાધકનો ધર્મ. તેને બદલે આપણે પ્રસંગોના વહેણનો ધક્કો મારવાની કોશિશ કરતાં રહીએ છીએ. આમ જ થવું જોઈએ અને આમ ન જ થવું જોઈએ એવા વિપરીત વલણથી ફરિયાદ ઊગશે. ફરિયાદથી ફેરફાર કરવાની ચેષ્ટા જાગશે અને તેમાંથી નિષ્ફળતા સિવાય બીજું કંઈ નીપજી શકે એમ નથી. અસંતોષ, હરીફાઈ, જીદ, ઉતાવળ, આગ્રહ, સંક્લેશ... આ બધું હોય ત્યાં સુધી શાંત સ્વીકાર કઈ રીતે થઈ શકે ?''
આ રીતે તેઓ દર્શાવે છે કે સહજ સ્વીકાર કરવો એ સાધકનો ધર્મ છે, પરંતુ એ સ્વીકાર એટલે શું ? કયા પ્રકારે એનો સ્વીકાર કરવો જોઈએ એ સંદર્ભમાં પૂ. ગુરુદેવશ્રી રાકેશજી
કહે છે, ''તો શું જીવનમાં જે થાય તે થવા દેવું ? શું આપણે હાથ પર હાથ જોડી બેસી રહેવું અને કંઈ જ ન કરવું ? શું પરિવાર કે સંસારના વ્યવહાર પાળવા નહીં ?''
''ના, આમાં આળસુ કે અનુદ્યમી બનવાની વાત નથી. ફરજોથી કે વ્યવહારથી ભાગપિછોડો ક૨વાની સલાહ પણ નથી. માત્ર સુખી થવાની ચાવીનો નિર્દેશ છે. માત્ર બહારનું પરિવર્તન નહીં, અંતરંગ પરિવર્તન સાધકજીવનમાં અભિપ્રેત છે. તેથી કામ તો જરૂ૨ ક૨ીએ, પણ માથું ન મા૨ીએ. ફ૨જો તો જરૂર બજાવીએ, વ્યવહાર તો યથાયોગ્યપણે આદરીએ, પણ ઉતાવળીયા ન થઈએ. કર્તવ્યો તો અવશ્ય પાળીએ, પરંતુ પરના પરિણામની લગામ આપણા હાથમાં લેવાની અશક્ય ચેષ્ટામાં સમય અને શક્તિ ન વેડફીએ. જીવનની આગવી ગતિ હોય છે. કોઈ વાર ધીર અને શાંત, તો કોઈ વખત તેજ અને તોફાની. આપણે એની સાથે ચાલવાનું છે અને એમાં જ જીવનનો સાચો અર્થ અને સાચો આનંદ છે.
''શાંત સ્વીકાર કરવામાં બેદરકાર બની જવાનો સવાલ નથી. એ એક વધારે ઊંચા પ્રકારની દરકાર છે. તેમાં નિરુદ્યમી થવાની વાત નથી, એક વિશિષ્ટ પુરુષાર્થ આચરવાનો પડકાર છે. વહેણની સાથે વહેવું, સામે થવું નહીં, ધક્કો મારવો નહીં. જે બને છે તે બનવા દો - થવા દો. ન ફરિયાદ, ન ફેરફાર કરવાની વૃત્તિ. આજુબાજુ જીવનમાં જે જે ઘટે છે તેને થવા દો... એ ખરી સહજતા છે અને સહજ જીવન જ સુખી જીવન છે.''
હવે આપણે વિચાર કરીએ કે જીવન છે તો સમસ્યાઓ આવવાની, પરિસ્થિતિ બદલાવાની, પરિવર્તન પણ થવાનું એ વિશે તેઓએ ચિંતન વ્યક્ત કરતા કહ્યું,
''એક વટેમાર્ગુએ ભરવાડને પૂછયું, 'આજે હવા કેવી રહેશે ?' ભરવાડને પ્રકૃતિનો નિત્ય પરિચય હોવાથી તેને હવામાનનો સાચો ખ્યાલ હોય છે એમ માનીને વટેમાર્ગુએ આ પ્રશ્ન પૂછયો હતો. ભરવાડે તરત જવાબ આપ્યો, 'મને ગમે એવી જ હવા આજે રહેશે.' વટેમાર્ગુએ આ પ્રશ્ન પૂછયો હતો. ભરવાડે તરત જવાબ આપ્યો, 'મને ગમે એવી જ હવા આજે રહેશે.' વટેમાર્ગુને નવાઈ લાગી. એણે પૂછયું, 'તમે આટલી ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો છો કે આજની હવા તમને ગમે એવી જ હશે ?' ખુલાસો મળ્યો, 'સાહેબ, હું જિંદગીમાં શીખ્યો છું કે જેવું મને પસંદ પડે એવું હંમેશા તો બનતું નથી, માટે મેં મારું વલણ બદલી નાખ્યું. મેં મારા મનની સાથે એવું નક્કી કર્યું છે કે જીવનમાં જે કંઈ મને આવી મળે, એ મને પસંદ આવવું જ જોઈએ. એ અભ્યાસના બળે હું કહી શક્યો કે આજની હવા મને ગમે એવી જ હશે.'
''અનુકૂળ-પ્રતિકૂળ એ કંઈ વરસાદ-તડકાની વાત નથી, મનની તૈયારીની વાત છે. જે આવે, જે ઘટે તે અનુકૂળ એવી વ્યાખ્યા થઈ એટલે હવામાનની ચિંતા મટી ગઈ. પરિસ્થિતિને પોતાને અનુકૂળ-પ્રતિકૂળ કલ્પવાની, બનાવવાની મહેનત ગઈ, વિરોધની વ્યાખ્યા બદલાઈ ગઈ, તેથી બધા ઝઘડા અને ક્લેશ મટી ગયા.''
''લોકોનું જીવન ધક્કા-મુક્કીનું છે. બધે જ જોર અને જીદ, ઘૂસણખોરી અને અસંતોષ. માત્ર ફાંફાં મારતાં આવડે છે, સામે થતાં આવડે છે, ખલેલ પહોંચાડતાં આવડે છે. એના કરતાં જેમ થાય તેમ થવા દો, જેમ ચાલે તેમ ચાલવા દો... તો સફળતા મળશે. ભરવાડ જેવી દ્રષ્ટિ કેળવશો તો જેમ હવામાનમાં તેમ જીવનમાં પણ તડકો-છાંયડો આવતાં - ગમે તેવી અણગમતી ઘટના થતાં ફરિયાદ, અશાંતિ કે દુ:ખ નહીં નીકળે. હ૨ હાલતમાં માત્ર પ્રસન્નતા જ પ્રસરશે. સાચા સંતોષનો, આનંદનો સ્ત્રોત બહાર નહીં, આપણા અંતરમાં જ છે.
''સ્વીકારભાવ એ સાધકનો ભાવ છે. જે અવસરે જે પ્રાપ્ત થાય તેનો પૂરો સ્વીકાર કરવો. સંતોષમાં રહેવું. અન્યથા થાઓ એવી કોઈ માંગ નહીં. સાધક તો તેની ચેકબૂક આંકડો ભર્યા વિના, હસ્તાક્ષર કરી પ્રભુને અર્પણ કરી દે છે કે હવે તું જે લખે તેનો સ્વીકાર. કોઈ પસંદગી નહીં, કોઈ માંગ નહીં. જે મળે તેના માટે સંતોષ... ''
''સ્વીકારભાવ એ તો એક મસ્તી છે. હવે કોઈ પણ પ્રસંગ સાધકની આ મસ્તીને ભંગ નહીં કરી શકે. જ્યારે કશા પણ માટે કોઈ પૂર્વનિર્ણય ન હોય કે આમ થાય તો ઠીક, આમ ન થાય તો ઠીક... તો કોઈ પસંદગી નહીં રહે. કોઈ પસંદગી નહીં રહે તો કોઈ માંગ નહીં રહે. કોઈ માંગ નહીં તો કોઈ કોઈ પ્રતીક્ષા નહીં, કોઈ ભય નહીં. ચિત્તને વિક્ષિપ્ત થવાનો કોઈ અવકાશ જ નહીં ! જે બને તેમાં રાજી. અર્થાત્ સુખ-દુ:ખરૂપ સિક્કાની કોઈ બાજુ જોવાની જરૂ૨ નહીં. સિક્કા પ્રત્યે જ ઉપેક્ષા ! તેની આ મસ્તી કોઈ પણ વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ ઉપર નિર્ભર નથી, કારણ કે તેનું સુખ કે દુ:ખ બહારથી આવતું નથી. કોઈ પદાર્થાદિ માટે કોઈ પૂર્વનિર્ણય નહીં. જે બને તે બનવા દેવું. આવા વલણના કારણે તેની મસ્તી એવી ને એવી જ ટકી રહે છે. લોકો તેને તપસ્વી કહે છે પણ પોતે કંઈ કર્યું હોય એવું તેને લાગતું જ નથી. તે તો માત્ર સ્થિર રહ્યો અને બહારમાં કાંઈ ન કર્યું ! પ્રસંગોથી અપ્રભાવિત રહી જે પોતાની મસ્તીમાં રહે તે છે સાધક.''
''સ્વીકારભાવનું રહસ્ય આ જ છે - કોઈ પણ પૂર્વનિર્ણયનું ન રહેવું. સર્વ પસંદગી ખરી જવી. Be choiceless and nothing can disturb you. - પસંદગીરહિત થાઓ અને જુઓ, તમને કંઈ જ વિક્ષિપ્ત કરી નહીં શકે.''


