- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- ભારતમાં આશરે 35 લાખ મંદિરો છે. એ સાધકને સ્વરૂપનું જ્ઞાન આપે છે અને ઊર્ધ્વજીવનની પ્રેરણા આપે છે. અહીં દરેક વ્યક્તિ કશાય ભેદભાવ વિના અહીં ઈશ્વરને મળી શકે છે
છે ક પ્રાચીનકાળથી અનેક ધર્મોમાં મંદિર અગત્યનું સ્થાન ધરાવતું આવ્યું છે. આજે પણ હિંદુ, જૈન, બૌદ્ધ, યહૂદી, કન્ફ્યૂશ્યસ, તાઓ, શીખ વગેરે ધર્મોમાં પૂજાગૃહોને મંદિર કહેવામાં આવે છે. એના આવા વિશિષ્ટ મહત્ત્વને કારણે એ મંદિરની રચના ભવ્ય, કલામય સર્જવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવવામાં આવે છે. આને પરિણામે જ મંદિરો દીર્ઘકાળ સુધી એના ઉપાસકોની ધર્મભાવનામાં વૃદ્ધિ કરતા હોય છે.
છેક ઈ. સ. પૂર્વે ૨૦૦૦ના સમયમાં ઇજિપ્તમાં મંદિરો ઉન્નત સ્થાપત્ય સ્વરૂપ ધરાવતા હતા. એ પૂર્વેનાં મંદિરોનાં અવશેષો પણ મળે છે અને ભારતમાં તો હજારો વર્ષ જૂની આ પરંપરા આજે પણ અસ્ખલિત રૂપે વહી રહી છે. આ મંદિરો પહેલાં માત્ર ઉપાસના કેન્દ્રો હતા, પરંતુ સમય જતાં એમાં પ્રજાકલ્યાણનાં કાર્યોનો ઉમેરો પણ થયો. તિરુપતિનું મંદિર આનું જ્વલંત ઉદાહરણ છે. આજે ઘણા ધર્મસંપ્રદાયોમાં મંદિરોની પરંપરા વધતી જાય છે. બીએપીએસ સંસ્થાએ તો છેક અબુ ધાબીમાં મંદિરનું નિર્માણ કર્યું છે અને આ મંદિરનાં ઉપાસના સ્થાનોની ઠેર ઠેર રચના થાય છે.
મંદિરનાં બાહ્ય રૂપને તો આપણે હંમેશાં જોયું છે, પરંતુ ખરું મહત્ત્વ તો એના આંતરિક અધ્યાત્મમાં રહેલું છે. આ મંદિર માનવમનમાં રહેલી મનોવ્યથાને દૂર કરીને શાંતિ આપે છે. વિપત્તિના સમયમાં સામાન્ય માનવીને આશ્વાસન આપે છે. અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં એને દ્રઢ શ્રદ્ધાસ્થાન આપે છે અને કેટલીક વ્યક્તિમાં એ આત્મજાગરણ કે ચૈતન્યનાં આવિર્ભાવનું નિમિત્ત બને છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના મનોભાવ પ્રમાણે મંદિરમાં ભગવાન પાસે પ્રાર્થના કરતી હોય છે.
મંદિરના દર્શન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ઘંટ વગાડીએ છીએ, કપાળમાં તિલક કરીએ છીએ. મોટાભાગની વ્યક્તિઓ તો મંદિરમાં જઈને ચીલાચાલુ ક્રિયાઓ કરતી હોય છે, પણ આ બધાની પાછળ ભીતરમાં માનવીય ભાવોનો ઉર્ધ્વતાનો અને ઈશ્વર ઉપાસનાનો ગૂઢ સંકેત છુપાયેલો છે. જેમકે મંદિરનો ઘુમ્મટ મારી પ્રાર્થનાને પ્રબળ બનાવે છે. શા માટે મંદિરનો ઉપરનો ભાગ ચોરસ હોતો નથી? ચોરસ હોય તો મારા ભીતરની પ્રાર્થના વિખરાઈ જાય. જ્યારે મારા અંતરનો અવાજ એ છેક પ૨માત્મા સુધી પહોંચે તેનું કારણ એ બહાર નીકળેલો ધ્વનિ ફરી પાછો ફરીને એ મંદિરના વાતાવરણમાંથી વધુ પ્રબળ બનીને મારા ભીતરમાં પાછો આવે છે અને એથી જ આ મંદિરની ઉપર ઘુમ્મટ છે, કોઈ ખુલ્લી જગા નથી. ખુલ્લી જગા હોત તો આકાશમાં મારી ભક્તિ અવકાશમાં વેરાઈ જાત. ભીતરમાં ભક્તિ અને અધ્યાત્મના ભાવોનો પ્રતિધ્વનિ જાગે, તે જરૂરી છે. બાહ્યઆચરણ આંતરિક પરિવર્તનમાં પરિવર્તિત થવું જોઈએ.
એ જ રીતે શા માટે મંદિરનો ઘંટ વગાડીએ છીએ ? શું ઈશ્વરને જગાડવા માટે ? કે પછી કોઈના ઘરમાં પ્રવેશીએ અને બેલ વગાડીએ એમ બેલ વગાડવા માટે. ના, એ ઘંટથી જ એક મંગલ ધ્વનિ ઊભો થાય છે અને એ મંગલધ્વનિ વ્યક્તિની આસપાસ એક કવચ રચે છે. એનું પહેલું કવચ છે અશુભ અને અમંગલ અવાજોનો, અશુભ વૃત્તિ અને અમંગલ તત્ત્વોનો નાશ. એ સમયે જાગતી ભક્તિની એકાગ્રતા અને ચિત્તશાંતિમાં આને કારણે કોઈ ખલેલ પડતી નથી. ઘંટનાદનો એનો બીજો અર્થ છે એ ઘંટ, શંખ કે બીજા વાઘ દ્વારા ઁનો નાદ ઉત્પન્ન કરું છું અને તેથી જ અશુભ શક્તિઓ પણ નષ્ટ થઈ જાય છે. મંદિરમાં થતો ધ્વનિ ભીતરની સંવેદનાઓ જગાવે છે. ભારતીય મંત્રોને વર્ષો સુધી એ ધ્વનિ સાથે સંબંધ હતો અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને સંભળાવતી. આથી તો એ શાસ્ત્રોને શ્રુતિ કહેવામાં આવતા. ધ્વનિનો મહિમા એ છે કે એ કાનથી હૃદયમાં સ્પર્શે છે. જ્યારે ધ્વનિ કે મંત્ર પૂરો થાય ત્યારે વ્યક્તિનું સ્વયં ભીતરી રૂપાંતર થશે. ભારતીય સંસ્કૃતિમાં મંત્ર છે, શાસ્ત્ર છે, પ્રભુ છે, ખગોળ છે અને આ બધાનું એક રૂપ તે મંદિર છે. એ મંદિરનો ધ્વનિ ભક્તના હૃદયમાં અદ્ભુત ભાવના જગાડે છે. પરમશાંતિ અને આધ્યાત્મિક આનંદ પેદા કરે છે અને એવો અનુભવ કરનારની સમગ્ર ચેતનામાં રૂપાંતરણ થાય છે. આ મંદિરો એ ભાવનાઓના પ્રતીક છે. એની રચના કોઈ રાજાએ બળજબરીથી મજૂર પાસે આકરી મજૂરી કરાવીને કરી નથી. કોઈ રાજ્યના રક્ષણ માટે થઈ નથી. એનો જન્મ તો કોઈ ભાવના, સાધના, ઉપાસના અને ભક્તિમાંથી થયો છે અને તેથી જ મંદિરની પ્રત્યેક ક્રિયામાં ગહન રહસ્ય છે, જેમ કે ચંદનની સુવાસ એવી છે કે જેમાંથી શીતળતાનો અનુભવ થાય છે અને જ્યારે લલાટ પર એ ચંદન લગાડવામાં આવે ત્યારે એ આજ્ઞાચક્રને જાગૃત કરે છે. આપણા ભીતરની ઊર્જા એ આજ્ઞાચક્રથી જ ફેલાતી હોય છે, આથી કપાળમાં તિલક કરવામાં આવે છે. બે ભ્રમરોની વચ્ચેનું સ્થાન એ સ્મૃતિશક્તિ અને ચિંતનશક્તિનું સ્થાન છે.
યોગની ભાષામાં એ આજ્ઞાચક્ર છે. કોઈના ચહેરા પર તિલક જોઈએ ત્યારે આપણને ઈશ્વરનું સ્મરણ થાય છે. આ રીતે મંદિરના રહસ્યને ખોજવાની આપણે ચાવી શોધવી પડે. ક્યારેક એવું લાગે કે વિશાળ જમીન, મોટું મકાન, અનેક દરવાજા, મુખ્ય દરવાજા અને એની ચાવી ખોવાઈ ગઈ છે. આપણા ધર્મનાં વૈજ્ઞાનિક રહસ્યો આપણે ખોઈ બેઠા છીએ.
ભારતીય સંસ્કૃતિમાં છેક અથર્વવેદથી આરંભીને બૃહદ્ સંહિતા, અગ્નિપુરાણ, પ્રાસાદમંડન જેવા ગ્રંથોએ મંદિરના મર્મને પ્રગટ કરવા પ્રયાસ કર્યો છે. મંદિરના વાસ્તુવિજ્ઞાનનો ઉદ્ભવ તો અથર્વવેદમાં મનાય છે અને મંદિર એટલે સમગ્ર વિશ્વ.
આનું કારણ શું? આનું કારણ છે મંદિરનું વાતાવરણ - આથી જ મંદિર એ માત્ર ગરીબોનું સ્થાન નથી, તવંગરોનું પણ સ્થાન છે. મંદિર એ દુ:ખી કે બિમારને માટે પ્રાર્થનાનું સ્થાન છે તો સુખીને માટે પ્રભુ પ્રત્યે આભારનું - કૃતજ્ઞાતાનું - સ્થાન છે. ઈચ્છા અને પ્રાપ્તિ બંને મંદિરમાં પ્રભુપ્રતિમાને નમન કરતા હોય છે.
વ્યક્તિના મૃત્યુ પછી મંદિરમાં પ્રભુ પ્રાર્થના થતી હોય અને નવદંપતિ પોતાના દાંપત્યજીવનનો પ્રારંભ કરતા હોય ત્યારે લગ્ન બાદ તત્કાળ મંદિરમાં દર્શને આવતા હોય છે. આનું કારણ એ છે કે અહીં રહેલી જીવંત ચેતના સહુને પોતાની આસાએશ આપે છે. મંદિર માનવચિત્તની હોસ્પિટલ છે. જ્યાં ચિત્ત પ્રાર્થનામાં ડૂબી જાય છે અને એમાંથી જીવનબળ પામે છે એ ચૈતન્યમય વાતાવરણથી વીંટળાઈ જાય છે, જે એનું રક્ષાકવચ બને છે. ગાંધીજીએ જીવનની મૂંઝવણ વખતે પ્રાર્થનાની સહાય લીધી હતી. એક અર્થમાં કહીએ તો મંદિર એટલે પ્રકૃતિ, પુરુષ અને સમગ્ર બ્રહ્માંડ. એ કોઈ એક સ્થળે હોય, પરંતુ એ સ્થળેથી એ મંદિર આખી સૃષ્ટિને પોતાના વ્યાપમાં લે છે. શક્તિને સર્જે છે અને બ્રહ્માંડ સાથેનું અનુસંધાન સાધી આપે છે. ક્યારેક વાસ્તુપુરુષ મંડલનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવશે કે વાસ્તુ એટલે પ્રકૃતિ અને આસપાસની સૃષ્ટિ. એટલે શક્તિ અને મંડળ એટલે ખગોળવિજ્ઞાનનો આલેખ - પુરુષ આમ સૃષ્ટિ, શક્તિ અને બ્રહ્માંડનો ત્રિવેણી સંગમ એ મંદિર દ્વારા સધાય છે.
ભારતીય સંસ્કૃતિનો બીજો મર્મ છે પુરુષ અને પ્રકૃતિ. એ મર્મ પણ આ મંદિરોમાં પ્રગટ થાય છે. મંદિરનો આકાર કે મંદિરની પ્રકૃતિ અને મંદિરમાં પ્રતિષ્ઠિત પુરુષ એ પરમ પુરુષ. આ પરમ પુરુષની કલ્પના કેવી અદ્ભુત છે ! મંદિરનું શિખર એ પરમપુરુષનું મસ્તક છે. મંદિરનું દ્વાર એ એનું મુખ છે. કળશ એ મંદિરના કેશ છે. ગ્રીવા એ એનો કંઠ છે. સુકનાસ એ એની નાસિકા છે.
ભદ્ર એના હાથ છે, વેદી એનો સ્કંધ છે અને સ્તંભ એ એના પગ છે. એ મંદિરોના સ્થાપત્યનો આપણે વિચાર કરીએ, ત્યારે એક બાબત ૫૨ ધ્યાન આપવું જોઈએ. ખંડિત થઈ ગયેલાં મંદિરોનું રિનોવેશન કરવામાં આવે, ત્યારે વિશેષ તકેદારી રાખવાની જરૂ૨ છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ રાણકપુર તીર્થ અને તારંગા તીર્થનો જે રીતે જીર્ણોદ્ધાર કર્યો અને એ તીર્થો પૂર્વે જેવા હતા તેવા રચ્યા એ ઘટનાને સમજવી જોઈએ. વળી રિનોવેશન કરતા પૂર્વે બધા એંગલથી એની તસવીરો લેવી જોઈએ અને પછી એની પ્રાચીનતા જાળવી રાખીને રિનોવેશન થવું જોઈએ. જૂના શિલાલેખો ખંડિત થાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ તેમ જ પ્રતિમાનું ઉત્થાપન કરે ત્યારે મૂર્તિ - લેખોને નુકસાન ન થાય તે જોવું જોઈએ આ મૂર્તિલેખોમાં એ સમયનો ઈતિહાસ, સમાજ અને ધર્મપરંપરા જળવાયેલાં હોય છે. મંદિરનો જે પ્રમાણે નકશો હોય તે બદલવો જોઈએ નહીં. આત્મપ્રસિદ્ધિ કે ભવ્યતાની ઘેલછાથી ઘણી વ્યક્તિઓ આવી ભૂલ કરી બેસે છે.
ભારતમાં આશરે ૩૫ લાખ મંદિરો છે. એ સાધકને સ્વરૂપનું જ્ઞાન આપે છે અને ઊર્ધ્વજીવનની પ્રેરણા આપે છે. અહીં દરેક વ્યક્તિ કશાય ભેદભાવ વિના અહીં ઈશ્વરને મળી શકે છે. અને એ અર્થમાં મંદિરો એ ભારતીય જીવનનું કેન્દ્ર છે અને એનું સ્થાપત્ય એ માત્ર કલાત્મક સૌંદર્ય જ ધરાવતું નથી, પરંતુ એના ભક્તોએ ઈશ્વરને આપેલી અંજલિની રચના છે અને આથી જ ભારતીય મંદિરોના સ્થાપત્યનો ઉલ્લેખ વિદેશમાં પવિત્ર સ્થાપત્ય (સેક્રેડ આર્કિટેક્ચર) તરીકે કરવામાં આવે છે, કારણ કે આ મંદિરો માત્ર પથ્થર કે શિલ્પોનો કલાત્મક ઘાટ ધરાવતું સ્થાન નથી, પરંતુ એ ભારતીય જીવનના બાહ્ય પાસાંઓ અને આંતરિક જગત બંનેને એક સાથે અખિલાઈથી પ્રગટ કરે છે.
ક્ષણનો સાક્ષાત્કાર
કહેવાય છે કે ભાગ્ય જ મનુષ્યની સફળતા-નિષ્ફળતાનો શિલ્પી છે, પણ હકીકતમાં વ્યક્તિ પોતે જ પોતાની સફળતાનો શિલ્પી છે. એનો મર્મ એટલો કે સફળતા એ બાહ્ય યશોગાનમાં નથી, કિંતુ આંતરિક પ્રસન્નતામાં છે. મોટેભાગે માનવી પોતાની સફળતા પારકાનાં અવાજમાં સાંભળવા ચાહે છે, પરંતુ એનો અર્થ તો એ થાય કે તમે આકરી મહેનત કરીને મેળવેલી તમારી સફળતા પર બીજાનો 'કોપીરાઇટ' છે. જો એ તમારી પ્રશસ્તિ કરે, તો જ તમે પોતાની જાતને સફળ થયેલી માનો છો. આ વિશ્વમાં સફળ થનારી વ્યક્તિઓનો ભવ્ય ઇતિહાસ છે, પણ સવાલ એ જાગે છે કે એમને પ્રાપ્ત થયેલી સફળતાનો બાહ્ય આનંદ કેટલો ટક્યો હતો ? કેટલા લાંબા સમય સુધી એ સફળતાની શરણાઈ અને ઢોલ- નાગારાનાં અવાજો એને સાંભળવા મળ્યા હતા ? આવી પારાવાર સફળતાનો હકીકતે અંત કેવો આવ્યો, તેને માટે સિકંદર, નેપોલિયન કે હિટલરના જીવનને જોવું જોઈએ અને ખ્યાલ આવશે કે સફળતા કેટલી ક્ષણજીવી અને અલ્પાયુષી હોય છે. એ સફળ વ્યક્તિના નિવાસસ્થાને એકાદ વર્ષ પછી મુલાકાત લેશો તો એ સફળતાની સ્મૃતિઓ સાવ જરી-પુરાણી થઈ ગઈ હશે. એક જમાનામાં એ સફળ વ્યક્તિનો ચોતરફ ડંકો વાગતો હતો, પણ જમાનો પલટાતા એના સ્વજનો જ એને ભૂલી ગયા હશે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકારની પ્રથમ પુણ્યતિથિએ યોજાયેલી સભામાં આયોજકો સિવાય સમ ખાવા માટે પણ કોઈ સાહિત્યકાર નજરે પડયા નહીં. હકીકતમાં તમારી સફળતાનું નિવાસસ્થાન તમારું હૃદય છે. ઉદારતા, સેવાભાવ અને આત્મવિશ્વાસથી તમે પોતે તમારું જે મૂલ્ય આંકો છો, એના પર તમારી સફળતા ટકેલી છે. બીજી વ્યક્તિઓ તમે સફળતા પામ્યા છો, એવા યશોગાન ગાતી રહે એવી ઘેલછા રાખવાને બદલે તમારા ભીતરમાં એ સફળતાનો આનંદ માણવો જોઈએ. બીજાના સન્માન કરતાં પોતાના ભીતરનું સન્માન વિશેષ મહત્ત્વનું છે અને તેથી એ સફળતાનો પારાવાર આનંદ તમારા ભીતરમાં કેટલો છલકે છે, એના પર તમારી સફળતાનો આધાર છે.


