- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
શું તમે ક્યારેય વિચાર્યું છે કે માનવ પ્રજાતિનું પ્રેમજીવન, અન્ય પ્રાણીઓથી કેટલું અલગ છે? એન્ટાર્કટિકામાં વિશાળ બરફની શીલા ઉપર એક વિશાળ, ત્રણ ટનનો નર 'એલિફન્ટ સીલ' બેઠો છે. તેની આસપાસ અડતાળીસ માદાઓનો સમૂહ છે. તે પોતાની સાતસો પાઉન્ડની પત્નીઓ કરતાં ખૂબ જ વિશાળ અને વજનદાર છે. બીજી તરફ, દક્ષિણપૂર્વ એશિયાના જંગલોનાં એકાંતમાં, એક એકલી અટૂલી ગિબન્સની જોડીઓ રહે છે. એક નર અને એક માદા, પરસ્પર વફાદાર અને એક સમાન કદના.ત્યાર પછીનાં ક્રમમાં આપણે આવીએ. આપણે એટલે કે માનવી ઉર્ફે હોમો સેપિયન્સ. પૃથ્વી ઉપર વસનાર દરેક પ્રાણીની સેક્સ્યુઅલ લાઈફ, અન્ય જીવો કરતા અલગ અલગ હોય છે. તેમના જાતીય જીવનમાં પણ આંખે ઉડીને આવે તેવા તફાવત જોવા મળે છે. પ્રાણીઓ સાથે મનુષ્યની સરખામણી કરીએ ત્યારે.. મનુષ્યની લૈંગિકતા પ્રાણીજગતના દ્રષ્ટિકોણથી સાવ વિચિત્ર છે. માનવ બનવાની આપણી ઉત્ક્રાંતિ યુક્ત સફરે, માત્ર મનુષ્યના હાડકા અને મગજને જ બદલ્યા નથી. તેણે આપણું કુટુંબ જીવન અને લૈંગિક જીવનને એવી રીતે પુન:નિર્માણ કર્યું કે જે 'આપણને બધા જીવોમાં અનન્ય બનાવે છે. મનુષ્યનું જાતીય જીવન કઈ રીતે અન્યથી અલગ પડે છે ?'
ખોરાક, મગજ અને માનવ લૈંગિકતાનો સમન્વય
મનુષ્યની સેક્સ્યુઅલ લાઇફની વાત, માત્ર બેડરૂમમાંથી શરૂ થતી નથી. પ્રાચીન કાળમાં માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં, મનુષ્યનું જાતીય જીવન, એક વધુ મૂળભૂત જરૂરિયાત સાથે શરૂ થાય છે : જેને આપણે ખોરાક કહીએ છીએ. લાખો વર્ષો પહેલા આપણા પૂર્વજોએ, તેમની જીવન શૈલીમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન કર્યું હતું. તેઓ શાકાહારી આહારથી માંસનો સમાવેશ કરતા આહાર તરફ વળ્યા હતાં. છતાં તેમને ક્યારેય વાઘ જેવા તીક્ષ્ણ દાંત કે પંજા વિકસ્યા નહીં! તેના બદલે તેમણે એક શક્તિશાળી નવું શસ્ત્ર વિકસાવ્યું : મોટું મગજ.
અહીં સમસ્યા નવા જન્મ લેતા બાળકોએ ઉભી કરી હતી. માનવ બાળકો, નવી વસ્તુઓ અને આજુબાજુના પરિવેશને સહજતાથી જાણી શકતા ન હતા. તેમને દરેક નવી પ્રક્રિયા શીખવાડવી પડતી હતી. એક સફળ શિકારી-સંગ્રહકારને લગભગ હજાર વિવિધ છોડ અને પ્રાણી પ્રજાતિઓ વિશે જાણકારી મેળવવી જરૂરી બની ગઈ હતી. જન્મ સમયે બાળકના મગજનું કદ, પુખ્ત થયેલ મનુષ્યના કદના લગભગ ૨૫% જેટલું હોય છે. ધારી લો કે જન્મ સમયે તેનું મગજ, પુખ્ત વયની વ્યક્તિ જેટલું હોય તો, મનુષ્ય બાળકનો પ્રાકૃતિક રીતે જન્મ થવો અશક્ય બની જાય. કદાચ કુદરતે એટલા માટે જ તેની અલગ રચના કરી છે કે 'કેટલીક વાર બાળક અધૂરા મહિને નાના કદ સાથે જન્મે છે. બાળક સ્ત્રીના ગર્ભાશયની બહાર, વધુ વિકાસ પામે છે, જેના કારણે તેનું બાળપણ લાંબુ બની જાય છે.
બાળકને લગતી બીજી પણ સમસ્યા છે. માનવ બાળકને માત્ર મોં વાટે ખોરાક આપી દો, એટલે સમસ્યાનો ઉકેલ આવી જતો ન હતો. તેમને નાજુક આંગળીઓનો ઉપયોગ, પ્રાણી કરતા અલગ રીતે કરવો પડતો હતો. ખતરા સામે બચાવ કરવા માટેના, નવાં સાધનો વિકસાવવા માટે, મનુષ્યને આંગળીઓના સૂક્ષ્મ સંકલનને વિકસાવવામાં વર્ષો લાગી જતા હતા. આજે ચાર વર્ષનું બાળક કમ્પ્યુટર બનાવી શકતું નથી. એ જ રીતે ભૂતકાળમાં ચાર વર્ષનું શિકારી બાળક પથ્થરની કુહાડી તીક્ષ્ણ કરી શકતું ન હતું.
પુરુષનું કદ, સ્ત્રીનાં શરીર કરતાં શા માટે મોટું હોય છે?
બહુપત્નીત્વ પ્રથાએ આપણા શરીર ઉપર કાયમી બદલાવ લાવવાનું કામ કર્યું! પ્રાણી વિશ્વમાં, નર અને માદા વચ્ચેનો કદનો તફાવત તેમની સમાગમ શૈલીનું સીધું પ્રતિબિંબ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'સરેરાશ પુરુષો સ્ત્રીઓ કરતાં કદ અને આકારમાં થોડા મોટા કેમ છે?' ઉત્ક્રાંતિ કાળમાં સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો લગભગ ૮ ટકા વધુ ઊંચા અને ૨૦ ટકા ભારે શરીરવાળા બન્યા હતા. એક વિવાહી પ્રજાતિઓમાં, જ્યાં દરેક નરને એક માદા જીવનસાથી મળે છે, ત્યાં નર અને માદા સમાન કદના હોય છે. જેમ કે ગિબન્સ. જ્યાં થોડાક નર, અનેક માદાઓને જીતવા અને સાથે જીવવા માંગતા હતાં, ત્યાં નર વચ્ચેના યુદ્ધમાં નર તરીકે તમારી પાસે મોટું શરીર હોવું જ જોઈએ. ત્રણથી છ પત્નીઓ ધરાવતો નર ગોરિલા, માદા કરતાં બમણુ વજન ધરાવે છે. અનેક માદાઓને સંતોષવા માટે, તેને ઊર્જાનો અતિ વ્યય કરવો પડે છે. જ્યાં મોટું શરીર તેને વધુ ઊર્જા આપે છે. મનુષ્ય પ્રજાતિમાં થોડાકે પ્રમાણમાં મોટા નર અને હળવા બહુપત્નીત્વ સાથેની, ઉત્ક્રાંતિની પેટર્ન સંપૂર્ણ રીતે બંધ બેસે છે. જોકે માનવ ઉત્ક્રાંતિમાં અમુક સમયે, નર માટે બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વ એ કદ કરતાં વધુ મહત્વનું ગણાવા લાગ્યું હતું!
જો આપણી સામાજિક પ્રણાલી અસામાન્ય છે, તો આપણી વાસ્તવિક લૈંગિક પ્રવૃત્તિ, સસ્તન પ્રાણીઓના ધોરણો પ્રમાણે, સાવ વિચિત્ર છે. મોટાભાગના સસ્તન પ્રાણીઓ માટે, સેક્સ એક સંક્ષિપ્ત, કાર્યાત્મક અને ખૂબ જાહેર બાબત છે. તેઓ મોટાભાગના સમયે લૈંગિક રીતે નિષ્ક્રિય હોય છે. માદા માત્ર ત્યારે જ સમાગમ કરે છે, જ્યારે તેઓ ગર્ભ ધારણ કરવાની સ્થિતિમાં આવી જાય છે. આ એક વિશિષ્ટ અને સંક્ષિપ્ત સમયગાળો છે, જ્યારે માદા અંડોત્સર્ગ કરે છે. ફક્ત આ સમયગાળામાં જ નર સાથેના સમાગમથી ગર્ભવતી થઈ શકે છે. આ સમય દરમિયાન, સસ્તન પ્રાણીઓ ઘણીવાર તેમના વર્તન અથવા દેખાવમાં થતા ફેરફાર સાથે, તેમની ફળદ્રુપ અવસ્થા કે સમય ગાળાની જાહેરાત કરે છે.
જાતીય જીવનની વિચિત્ર ઉત્ક્રાંતિ કથા
મનુષ્ય પ્રજાતિ માટે સંતાન ઉત્પત્તિ અને સહકારી ધોરણે તેનો ઉછેર કરવો, એ ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ હતી. જેના કારણે આપણા વાનર પિતરાઈઓ માટે જે મુક્ત સમાગમ પ્રણાલીઓ ઉપલબ્ધ બની હતી, તે મનુષ્ય માટે ઉપયોગી થાય તેમ ન હતી. ઉદાહરણ લઈએ તો, ઉરાંગુટાન પ્રણાલીમાં પિતા સમાગમ પછી તરત જ માદાથી વિદાય લઈ અલગ થઈ જાય છે. તે માદા સાથે કાયમી બંધનથી બંધાતો નથી. આથી ઊલટું ચિમ્પાન્ઝીઓમાં ગર્ભવતી થવા માટે તૈયાર માદા ટૂંકા સમયમાં અનેક નર સાથે સમાગમ કરે છે. પરિણામે નર ચિમ્પને ખબર નથી હોતી કે કયા બાળ ચિમ્પાન્જી તેના પોતાનાં છે. આ પરિસ્થિતિના લીધે તે પોતાના બાળકો માટે કંઈ વધારે કરવાની જવાબદારીનો બોજ જ ઉઠાવતો નથી. સામા પક્ષે માનવ પિતા માટે બાળ ઉછેર એક મોટી જવાબદારી બની જાય છે. અહીં પ્રશ્ન થાય કે મનુષ્ય પિતા શા માટે અનેક વર્ષો બાળકની સંભાળ રાખવામાં વિતાવે છે? તેનો ઉદ્દેશ્ય માત્ર મનુષ્ય પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવાનો જ હતો? ઉત્ક્રાંતિની અનોખી સમસ્યાનો ઉકેલ, માનવી પ્રજાતિએ કેવી રીતે શોધ્યો? તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? મનુષ્યની એક સામાજિક નવીનતા સામાન્ય લાગે છે. પરંતુ વાનર ધોરણો પ્રમાણે વિચિત્ર છે. આપણે સિંહ અથવા વરુ જેવા ઘણા પુખ્ત નર અને માદાઓ ધરાવતા જૂથોમાં રહીએ છીએ. પ્રાણી જગતમાં જ્યાં કોઈપણ નર, કોઈપણ માદા સાથે સમાગમ કરી શકે છે, ત્યાં પિતૃત્વ એક રહસ્ય બની છે. ઉત્ક્રાંતિ કાળમાં માનવીઓએ પ્રાણીઓની પ્રણાલી તોડીને કંઈક અલગ કરી બતાવ્યું હતું. આપણે નર અને માદાની અતૂટ જોડીઓમાં જોડાઈ જવાનું પસંદ કર્યું. આધુનિક સમયમાં નર- માદા જોડીની આ પ્રણાલીને આપણે લગ્ન તરીકે જોઈએ છીએ. તે આપણું અનન્ય સમાધાન હતું. આ જોડી કેટલાય જૂથમાં હળવી બહુપત્નીત્વીય હતી. આનો અર્થ એ કે મોટાભાગના પુરુષો પાસે એક પત્ની હતી, પરંતુ કેટલાક શક્તિશાળી પુરુષો, વધારે મહિલાઓ સાથે સંબંધ રાખીને, તેને ટેકો આપી શકતા હતા. રાજાઓ અને સમ્રાટોના વિશાળ રાણીવાસ અને દાસીઓ ત્યાર પછી આવ્યા. પરંતુ ઉત્ક્રાંતિના શરૂઆતના ગાળામાં મનુષ્યએ બહુ પત્નીત્વ પ્રથાનો અનુભવ કરી લીધો હતો.
પ્રકૃતિએ સ્ત્રીને આપેલી શક્તિ
માનવીઓએ પ્રાચીન સેક્સને લગતી પ્લેબુકને બારી બહાર ફેંકી દીધી છે. લૈંગિક રીતે પરિપક્વ સ્ત્રી, પુરુષની જેમ કોઈપણ સમયે લૈંગિક સમાગમ કરવા માટે સક્રિય થવાનું પસંદ કરી શકે છે. માનવ સ્ત્રીઓ મહિનામાં, એકવાર સંપૂર્ણ ગુપ્તતામાં અંડોત્સર્ગ કરે છે. તેઓ આ ફળદ્રુપ તબક્કાની જાહેરાત કરતી નથી. તેની શારીરિક હરકતો આ અવસ્થાને દર્શાવી શકતી નથી. આ સમયગાળામાં તેના દેખાવમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ૧૯૩૦ના ગાળામાં આ પ્રક્રિયા વિશે વિજ્ઞાનીઓ અને તબીબીને વિગતવાર રીતે જાણવા મળ્યું હતું. માદાની ગુપ્ત અને રહસ્યમય પ્રક્રિયા, નરને અલગ રીતે અસર કરતી હતી. સ્ત્રીનો અંડોત્સર્ગ ક્યારે થશે એ ન જાણતો હોવાથી, નરને માદા સાથે સમાગમ માટે 24 x 7 તૈયાર રહેવું પડતું હતું. જેના કારણે મનુષ્યની જાતિય જિંદગી અન્ય પ્રાણીઓ કરતા અલગ બની ગઈ. મનુષ્ય માટે જાતિય સમાગમ, સંતાન ઉત્પત્તિની પ્રક્રિયા કરતા, તનોરંજન અને મનોરંજન પ્રક્રિયા વધુ બનવા લાગી હતી. મનુષ્યની સેક્સ લાઈફ અને સ્ટાઈલ એક મોટો જોખમી વૈભવ છે. તે ઊર્જા બાળે છે, ખોરાક શોધવાથી વિચલિત કરે છે, તેમને શિકારીઓ માટે સંવેદનશીલ બનાવે છે. મન સતત આ પ્રક્રિયા કરવા માટે આતુર રહે છે, જેનાથી અન્ય કાર્યોની પ્રાથમિકતાઓ બદલાતી રહે છે. જ્યારે સામા પક્ષે પ્રાણીઓ પાસે ન્યૂનતમ સમય માટેની ફળદ્રુપતા ઉપલબ્ધ હોવાથી, તેમની સમાગમ પ્રક્રિયા ટૂંકા ગાળાની બની જાય છે. જો આપણે માનવ સેક્સને માત્ર ફળદ્રુપતાના સાધન તરીકે જોઈએ, તો તે ઉત્ક્રાંતિના શબ્દોમાં એક વિશાળ નિષ્ફળતા ગણાય. પરંતુ ઉત્ક્રાંતિએ તેને અગમ્ય કારણસર તેને આનંદદાયક અને ઈચ્છનીય બનાવ્યું છે. જો ખોટા સમયના સેક્સમાંથી આપણી પ્રજાતિ, કોઈ મુખ્ય ઉત્ક્રાંતિ લાભ મેળવતી ન હોત, તો આ જાતીયતા અને માનવ લૈંગિકતાનાં લક્ષણ લાંબા સમય પહેલા, માનવ સભ્યતામાંથી અદ્રશ્ય થઈ ગયા હોત. પરંતુ એવું બન્યું નથી. સજીવસૃષ્ટિમાં કોઈપણ પ્રાણીઓ, એક વિવાહી હોય કે બહુ સંગમી, તેમના સાથીઓની સંપૂર્ણ દ્રષ્ટિ સામે જ તેઓ સમાગમ કરે છે. શા માટે મનુષ્ય જ એક આવો અપવાદ છે? જે ગુપ્ત રીતે સમાગમ કરે છે, જોડી બંધન સાચવે છે?


