- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- અગાથા ક્રિસ્ટીના મૃત્યુને 50 વર્ષ થયા એટલે ચાહકોએ આ મહિને 'રીડ ક્રિસ્ટી ચેલેન્જ' શરૂ કરી છે. પુસ્તક વાંચીને સર્જકોને અંજલિ આપવાની આ રીત અપનાવવા જેવી છે...
અગાથા ક્રિસ્ટીના પુસ્તકોની 200 કરોડ નકલો ખપી ગઈ છે. 'ક્વીન ઓફ સસ્પેન્સ'ના હુલામણા નામથી ઓળખાતા અગાથા ક્રિસ્ટીએ કિશોરાવસ્થામાં એકલતામાં સહારો શોધવા નોવેલ લખવાનું શરૂ કર્યું હતું
અગાથા ક્રિસ્ટી.
વિશ્વસાહિત્યના ચાહકો માટે આ નામ બિલકુલ અજાણ્યું ન હોય. પુસ્તકોથી પરિચિત હોય એ તમામ વાચકોએ અગાથા ક્રિસ્ટીનું ન કેવળ નામ વાંચ્યું-સાંભળ્યું હોય પણ તેમની ક્લાસિક સસ્પેન્સ નવલકથાઓ પણ વાંચી હોય. અંગ્રેજી ભાષામાં લખાયેલી તેમની રહસ્ય કથાઓ દુનિયાભરની ભાષાઓમાં અનુવાદિત થઈ છે. અંગ્રેજીમાં લખાયેલા તેમના પુસ્તકોની ૧૦૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે ને એ સિવાય ગુજરાતી-હિન્દી સહિત દુનિયાભરની ભાષાઓમાં અનુવાદ થયા હોય તેવાં ૧૦૦ કરોડ પુસ્તકો વેચાઈ ચૂક્યા છે. તેમના વાચકોની સંખ્યા અહીં અટકી નથી. ચાર-ચાર જનરેશનથી તેમના પુસ્તકો વંચાતા આવ્યા છે.
અગાથા ક્રિસ્ટીનું બાળપણનું આખું નામ અગાથા મેરી ક્લેરિસા મિલર. તેમનો જન્મ ઈંગ્લેન્ડના નાનાકડા ટાઉન ટોર્કીમાં ૧૫ સપ્ટેમ્બર, ૧૮૯૦માં થયેલો. પિતા ફ્રેડરિક મિલર ખૂબ ધનવાન હતા એટલે તેમનું બાળપણ બહુ જ એશો-આરામમાં વીત્યું. ફ્રેડરિક અને ક્લેરિસા માર્ગારેટના ત્રણ સંતાનોમાં અગાથા સૌથી નાના. તેમને શાળામાં મોકલવામાં આવ્યા ન હતા, પણ ઘરમાં જ તેમના માતાએ ભાષા શીખવી દીધી હતી એટલે ચાર વર્ષની વયથી જ વાંચતા શીખી ગયા હતા.
ઘરમાં જ શિક્ષણ મેળવ્યું હોવાના કારણે તેમના માતા-પિતાનું અગાથા પર વિશેષ ધ્યાન રહેતું. શું વાંચે છે, કેવું વાંચે છે, કેટલું વાંચે છે, કેવું લખે છે - એ તમામ બાબતો પર માતા-પિતાની સીધી દેખરેખ રહેતી હોવાથી અગાથાનો પાયો ખૂબ મજબૂત બન્યો. લેખિક બન્યા પછી આ કેળવણી તેમને બહુ ખપમાં આવી.
***
અગાથા ૧૧-૧૨ વર્ષનાં હતાં ત્યારે ૧૯૦૧માં તેમના પિતાનું કિડનીની બીમારીથી અવસાન થયું. પરિવાની આથક સ્થિતિ પહેલાં જેવી ન રહી. મોટી બહેને બ્રિટિશ લશ્કરના કમાન્ડર સાથે લગ્ન કર્યાં. પાડોશીઓના સંતાનો અગાથા કરતાં બહુ મોટાં હતા, અથવા બહુ નાના હતા. આવા માહોલમાં તેમણે પુસ્તકો સાથે દોસ્તી કરી લીધી. કિશોરાવસ્થામાં ગમતા પુસ્તકો ખૂબ વાંચ્યા. અંગ્રેજી બાળકથા લેખિકા મેરી લુઈ મોલેસવર્થથી લઈને એડિથ નેસ્બી, એડવર્ડ લીઅર, લેઈસ કારોલને થોડા મહિનાઓમાં વાંચી લીધા. એ પછી વારો આવ્યો એન્થની હોપ, વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડિકન્સ, એલેક્ઝાન્દ્રે ડુમસનો. આ લેખકોને વાંચીને તેમનામાંય કથા-કથનની પદ્ધતિ વિકસી ચૂકી હતી. તેમણે છૂટી-છવાઈ કવિતાઓ પણ લખી.
પણ પછી ઉચ્ચ અભ્યાસ શરૂ થયો. તેમને શાળામાં મૂક્યાં, ત્યાં ખાસ ફાવ્યું નહીં. મા ક્લેરિસાને અગાથાના ભવિષ્યની ચિંતા સતાવતી હતી. તેમણે અગાથાને ૧૫-૧૬ વર્ષે પેરિસમાં પિયાનોવાદન અને ગાયનની તાલીમ માટે મોકલ્યાં. દોઢેક વર્ષની મહેનત પછી અગાથાને એમાં ખાસ ભવિષ્ય ન લાગ્યું. તેમને થયું કે પિયાનોવાદન, ગાયન માટે જે પ્રતિભા જોઈએ એ તેનામાં નથી, પરિણામે ઓપેરા સિંગર બનવાની તક જતી કરીને એ ફરીથી માતા પાસે વતનમાં આવી ગયા.
અગાથા ગ્રેજ્યુએટ થયાં. માતાએ લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ આદરી. એ ગાળામાં બેય મા-દીકરીએ ઈજિપ્તનો પ્રવાસ કર્યો. તે સમયે બ્રિટિશ પરિવારોમાં ઈજિપ્તના પ્રવાસે જવાનો ટ્રેન્ડ ચાલતો હતો. ત્રણ મહિના ઈજિપ્તમાં રહ્યા. જગવિખ્યાત પીરામિડો જોયા. ત્યારે અલપઝલપ રહસ્યકથાના વિચારો મનમાં આવી ગયા, પણ લખવાની શરૂઆત ન થઈ. લખવાનું શક્ય બન્યું એક બીમારી વખતે સંપૂર્ણ આરામના કારણે ૧૯૦૮માં.
***
તબિયત ખરાબ થઈ એટલે તબીબે સંપૂર્ણ આરામની સલાહ આપી. ઘરમાં કે પાડોશમાં તેમના સિવાય એ ઉંમરનું કોઈ નહીં. ઘરમાં મા-દીકરી બે જ. આ એકલતા દૂર કરવાં તેમણે 'હાઉસ ઓફ બ્યૂટી' નામની પ્રથમ વાર્તા લખી. એ જ અરસામાં 'ધ કોલ ઓફ વિંગ્સ', 'ધ લિટલ લોનલી ગોડ' જેવી ટૂંકા વાર્તાઓ લખી. 'સ્નો અપોન ધ ડેઝર્ટ' નામે નવલકથા લખી. એમાં ઈજિપ્તને ધ્યાનમાં રાખીને વાર્તા રચી હતી, પણ છ-છ પ્રકાશકોએ રિજેક્ટ કરી દીધી. લેખન ચાલતું રહ્યું, સાથે સાથે અન્ય સામાજિક પ્રવૃત્તિ પણ ચાલતી રહી. ૧૯૧૪માં બ્રિટિશ આર્મી અધિકારી આર્ચી ક્રિસ્ટી સાથે લગ્ન થયાં એટલે અગાથા મિલર 'અગાથા ક્રિસ્ટી' બન્યાં.
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું તો એમાં નર્સ બનીને સેવા આપી. એ અનુભવ પણ તેમના રહસ્યકથા લેખનમાં બહુ કામ આવવાનો હતો. વિશ્વયુદ્ધમાં સૈનિકોની સારવાર દરમિયાન ઝેરના જુદા-જુદા પ્રકારોની જાણકારી મળી. કયા પ્રકારના ઝેરમાં કેટલી તીવ્રતા છે એ બધું જ્ઞાન પછીથી સસ્પેન્સ થ્રિલરમાં બહુ ઉપયોગી થયું. વાર્તામાં મર્ડર કરાવવા માટે અગાથા ક્રિસ્ટી જુદાં જુદાં પ્રકારના ઝેરનો ઉપયોગ હત્યારા પાસે કરાવતા અને વાચકો માટે એ બહુ જ રસપ્રદ બની જતું. એ નોલેજ તેમને વિશ્વયુદ્ધમાં સૈનિકોની સારવાર કરતી વખતે મળ્યું હતું.
તેમની પહેલી રહસ્યકથા 'ધ મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઈલ' ૧૯૧૬માં લખાઈ હતી, પરંતુ ઘણાં વર્ષો પબ્લિશ થઈ નહીં. ૧૯૨૦માં આખરે એ પ્રસિદ્ધ થઈ ને અગાથા ક્રિસ્ટી બ્રિટનના સાહિત્ય વર્તુળમાં જાણીતા થયાં. એમાં તેમણે ડિટેક્ટિવનું પાત્ર રચ્યું - હરક્યૂલ પોઈરો. એ કેરેક્ટર કોઈ જીવંત વ્યક્તિ જેટલું જ વિખ્યાત થયું. વિશ્વ સાહિત્યમાં સર્જાયેલા સૌથી લોકપ્રિય પાત્રોમાં હરક્યૂલ પોઈરોની ગણના થાય છે.
***
તેમની બેહદ લોકપ્રિય રહસ્યકથાઓમાં - ધ મિસ્ટરી ઓફ ધ બ્લૂ ટ્રેન, ધ સેવન ડાયલ્સ મિસ્ટરી, મર્ડર એટ ધ વિકરેજ, પેરિલ એટ એન્ડ હાઉસ, મર્ડર ઓન ધ ઓરિયેન્ટ એક્સપ્રેસ, એન્ડલેસ નાઈટ, કર્ટેન: પોઈરોસ લાસ્ટ કેસ, એ મર્ડર ઈઝ એનાઉન્સ્ડ, ધ એબીસી મર્ડર જેવી રહસ્યકથાઓનો સમાવેશ થાય છે. તેમની રહસ્યકથાઓ પરથી દુનિયાની ઘણી ભાષાઓમાં ફિલ્મો પણ બની છે.
અગાથા ૧૧ દિવસ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા એ વિશે ભાત-ભાતની થિયરીઝ છે. એના પરથી એક ફિલ્મ પણ બની ચૂકી છે. અગાથા ક્રિસ્ટીની ૬૬ સસ્પેન્સ નોવેલ અને ૧૪ ટૂંકી વાર્તાઓના સંગ્રહો પ્રસિદ્ધ થયાં હતાં. અંગ્રેજી સાહિત્યમાં જેને ડિટેક્ટિવ ફિક્શનનો સુવર્ણ યુગ કહેવાયો છે એ ગાળામાં અગાથા ક્રિસ્ટી પાસેથી શ્રેષ્ઠ રહસ્યકથાઓ મળી હતી. અગાથા ક્રિસ્ટીના નામે દુનિયાના 'બેસ્ટ સેલિંગ ફિક્શન રાઈટર ઓફ ઓલટાઈમ'નો ગિનેસ રેકોર્ડ નોંધાયો છે. ધ માઉસટ્રેપ નામનું વિશ્વવિખ્યાત નાટક તેમણે ૧૯૫૨માં લખ્યું હતું. સૌથી લાંબું ચાલનારા નાટકનો વિશ્વવિક્રમ એના નામે બોલે છે. ૧૯૫૨થી ૨૦૨૦ સુધી આ નાટક સતત ભજવાયું હતું.
આ બેસ્ટસેલર લેખિકાનું ૧૨મી જાન્યુઆરી, ૧૯૭૬ના રોજ ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુને ૫૦ વર્ષ થયાં છે ત્યારે આ મહિને તેમના ચાહકો રીડ ક્રિસ્ટી નામની ચેલેન્જ શરૂ કરી છે. અગાથા ક્રિસ્ટીના પુસ્તકો પોતે વાંચવા અને અન્યોને વંચાવવા તે આ ચેલેન્જ પાછળનો હેતુ છે. પુસ્તકો વાંચીને સર્જકોને અંજલિ આપવાની આ પદ્ધતિ ખરેખર અપનાવવા જેવી ખરી.
વેલ, ૫૦ વર્ષની લેખન કારકિર્દી દરમિયાન તેમણે એટલું માતબર સર્જન કર્યું કે દુનિયાની કોઈ પણ ભાષામાં ડિટેક્ટિવ નોવેલની વાત નીકળશે ત્યારે અગાથા ક્રિસ્ટીના ઉલ્લેખ વગર વાત અધૂરી ગણાશે.
તેમને બે પોપ્યુલર પાત્રોની પ્રેરણા ક્યાંથી મળી હતી?
વિશ્વયુદ્ધમાં અગાથા જ્યારે નર્સનું કામ કરતા હતાં ત્યારે બેલ્જિયમના સૈનિકો બ્રિટનના રેફ્યૂજી કેમ્પમાં હતા. એમાંથી એક સૈનિકને જોઈને અગાથા ક્રિસ્ટીને હરક્યૂલ પોઈરોના કેરેક્ટરનો વિચાર આવ્યો હતો. અગાથા ક્રિસ્ટીએ ૬૬ ડિટેક્ટિવ નોવેલ લખી છે, એમાંથી ૩૩ નવલકથામાં પોઈરોનું પાત્ર છે. ૫૧ ટૂંકી વાર્તાઓ પણ પોઈરોને કેન્દ્રમાં રાખીને રચી હતી. બે નાટકોમાં પોઈરોનું પાત્ર આવે છે. પોઈરો દુનિયાના સૌથી પોપ્યુલર સસ્પેન્સ ફિક્શન કેરેક્ટર્સમાં સામેલ થાય છે. અગાથા ક્રિસ્ટી સિવાયના ઘણાં લેખકોએ પણ આ પાત્રને કેન્દ્રમાં રાખીને કથાઓ લખી છે.
અગાથાએ એવું જ બીજું મિસ માર્પલ નામનું લોકપ્રિય કેરેક્ટર રચ્યું હતું. ૧૯૨૭માં ધ રોયલ મેગેઝીન માટે વાર્તા લખી તે વખતે ઉતાવળે મહિલા ડિટેક્ટિવનું આ પાત્ર લખ્યું હતું. ધ થર્ટીન પ્રોબ્લમ્સ નામની આખી નવલકથા મિસ માર્પલના કેરેક્ટર પર આધારિત છે. એ પછી તેમણે આ મહિલા ડિટેક્ટિવ કેસ ઉકેલે એવી અનેક વાર્તાઓ લખી હતી. કારણ કે પોઈરોને કેન્દ્રમાં રાખીને ઘણી સસ્પેન્સ સ્ટોરી આવી ચૂકી હતી. નવું કેરેક્ટર - એ પણ મહિલા કેસ ઉકેલતી હોય તો વાચકો માટે નવો અનુભવ રહેશે એમ ધારીને આ પાત્ર રચ્યું હતું. આ મહિલા ડિટેક્ટિવ બનાવવાની પ્રેરણા એમને તેમની દાદી માર્ગારેટ મિલરની ફ્રેન્ડમાંથી મળી હતી. દાદી પાસેથી એવી વાતો સાંભળી હતી કે તેમની સહેલી ઘણાં રહસ્યો જાણી લાવતી. તેની વાત કરવાની પદ્ધતિ એવી હતી કે તે લોકોને વિશ્વાસમાં લઈને વાત કઢાવી શકતાં હતાં. અગાથાએ મિસ મર્પલનું પાત્ર ૧૨ નવલકથામાં અને ૨૦ ટૂંકી રહસ્યકથામાં રજૂ કર્યું હતું.


