Get The App

સિદ્ધયોગી ઉચ્ચતર ચેતનાની સ્થિતિમાં અસાધ્ય રોગોનું નિવારણ કરતા હતા

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
સિદ્ધયોગી ઉચ્ચતર ચેતનાની સ્થિતિમાં અસાધ્ય રોગોનું નિવારણ કરતા હતા 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- ત્રણ ચાર દિવસમાં તો નરેનનો લકવા બિલકુલ દૂર થઈ જશે અને તે ચાલતો થઈ જશે. સાચેસાચ ચોથા દિવસે નરેન દેવ ચાલતા થઈ ગયા હતા અને એકદમ સ્વસ્થ બની ગયા હતા

'અચ્યુતાનન્દ ગોવિન્દ નામોચ્ચારણભેષભત ।

નશ્યન્તિ સકલા રોગા: સત્યં સત્યં વદામ્યહમ્ ।।

અચ્યુત, આનંદ, ગોવિંદ - આ નામોના ઉચ્ચારણરૂપી ઔષધિથી બધા રોગો નાશ પામે છે. આ હું એકદમ સાચું, સાચું જ કહું છું.'

હરિનામમૌષધં પ્રોક્તં સર્વવ્યાધિનિવારણમ્ ।

નામોચ્ચારણમાત્રેણ નશ્યન્તિ સકલા ગદા: ।।

ભ ગવાન હરિનું નામ ઔષધિ જ કહેવામાં આવ્યું છે જે બધા પ્રકારના રોગોનું નિવારણ કરનારું છે, માત્ર એમના નામના ઉચ્ચારણ માત્રથી જ બધા રોગો નષ્ટ થઈ જાય છે.

પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ જેવા ગ્રંથોમાં વિષ્ણુ નામસ્મરણનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તેમાં ભગવાનના નામસ્મરણને ભેષજ અર્થાત્ ઔષધિ કહેવામાં આવ્યું છે. આયુર્વેદનો મૂળ દ્રષ્ટિકોણ શરીર- મન- આત્માના સમન્વયનો જ છે. ચરક સંહિતા કહે છે - શરીરં મનશ્યત સત્વં ચ ત્રયં આયુર્લક્ષણમ્ અર્થાત્ રોગ કેવળ દેહમાં નહીં, મન અને ચેતનાનો પણ ઉત્પન્ન થાય છે. (સૂત્ર ૧.૩૦) જપ શ્વાસ- નિયંત્રણ કરે છે, શ્વાસ વેગસ નર્વ સક્રિય કરે છે. વેગસ નર્વ ઇમ્યૂનિટી વધારે છે અને હાર્મોન નિયંત્રણ કરે છે. અર્વાચીન ચિકિત્સા વિજ્ઞાન કહે છે કેે મોટા ભાગના રોગો મનો-દૈહિક  (Pshychosomatic) હોય છે. એમનો ઉદ્ભવ મનમાંથી થતો હોય છે. યોગ માનવીની ચેતનાને રૂપાંતરિત કરે છે. 

બાબા સીતારામદાસ ઓંકારનાથ પરમ શક્તિશાળી મહામંત્ર ઓંકારની અને ભગવાનના દિવ્ય નામ અને મંત્રોની શક્તિના સાધક હતા. નામ ઉપાસનાથી તે તેમાં સિદ્ધયોગી બની ગયા હતા. આનાથી તે ભગવાનનું નામોચ્ચારણ કરતા તે વખતે અલૌકિક ચમત્કારો સર્જાતા. તેમના દૈવી પ્રભાવથી પ્રભાવિત થનારા મહાપુરુષોમાં બૌદ્ધ ધર્મના અગ્રણી દલાઈ લામા, સ્વામી સ્વરૂપાનંદ, પદ્મવિભૂષણ મહામહોપાધ્યાય ગોપીનાથ કવિરાજ, દિલીપકુમાર રૉય, મોહનાનંદ બ્રહ્મચારી, માતા આનંદમયી પ્રસિદ્ધ નવલકથાકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના મિત્ર કવિ નરેનદેવ, કલકત્તા મેડિકલ કૉલેજના ડૉક્ટર સર્વાધિકારી અને ડૉકટર નલિનરંજન સેનગુપ્ત વ. પણ હતા.

કવિ નરેનદેવ એકવાર અત્યંત ગંભીર સ્થિતિમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે બાબા સીતારામદાસની યોગશક્તિ અને ભગવન્નામ પ્રભાવથી રોગમુક્ત થઈ ગયા હતા. એ વખતે નરેનદેવ ૮૧ વર્ષના હતા. એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને સેરિબ્રલ થ્રોમ્બોસિસની પણ તકલીફ ચાલી રહી હતી. દસ- બાર દિવસથી તે કોમામાં હતા. તેમનું બ્લડપ્રેશર ખૂબ વધારે હતું અને ડાબા ભાગના અંગ લકવાની અસરવાળા થઈ ગયા હતા. ડૉક્ટર, બે અનુભવી નર્સો, તેમની પત્ની રાધારાણી અને પુત્રી નવનીતા દેવસેન ચિંતિત હૃદયે બે વ્યગ્ર સ્થિતિમાં તેમનું ધ્યાન રાખતા હતા.

આવા સમયે નરેનદેવના મિત્ર એવા બાબા સીતારામદાસ તેમની ખબર પૂછવા આવ્યા. બાબા નરેનદેવના પલંગ પાસે જઈ એમના માથા પર હાથ ફેરવવા લાગ્યા. થોડીવાર ભગવાનનું નામોચ્ચારણ કર્યું અને પછી કહેવા લાગ્યા - 'નરેન, નરેન, કેમ સૂતો છે ? કેમ બોલતો નથી ? શું વાત છે તે કહે ?' છેલ્લા બાર દિવસથી જેનું શરીર સૂનું પડી ગયું હતું, ડાબી તરફના અંગો લકવાગ્રસ્ત થઈ ગયા હતા, જે પૂરેપૂરા કોમામાં બેભાન અવસ્થામાં હતા તે નરેન દેવે બાબા સીતારામ દાસનો અવાજ સાંભળીને આંખો ખોલી. બાબાએ તેમને પૂછ્યું, 'હવે તબિયત કેવી છે ?' તો તેમણે તરત જવાબ આપ્યો - 'તમે રાખો તેવી. અત્યારે તો મને કોઈ તકલીફ લાગતી નથી.' બાબાએ કહ્યું - 'ચિંતા ના કરીશ. હવે તું એકદમ સ્વસ્થ થઈ જઈશ.' તેમને કોમામાંથી બહાર આવી ગયેલા જોઈ બધા આનંદ સાથે આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. બાબાએ તેમના પત્નીને કહ્યું - ત્રણ ચાર દિવસમાં તો નરેનનો લકવા બિલકુલ દૂર થઈ જશે અને તે ચાલતો થઈ જશે. સાચેસાચ ચોથા દિવસે નરેન દેવ ચાલતા થઈ ગયા હતા અને એકદમ સ્વસ્થ બની ગયા હતા. એમની સારવાર કરી રહેલા ડૉક્ટરો તો માન્યામાં ન આવે એવો આ ચમત્કાર જોઈ દિગ્મૂઢ બની ગયા હતા. બાબા સીતારામદાસ ઓંકારનાથના એક ભક્ત હતા પદ્મલોચન મુખર્જી. ગંભીર બીમારીને લીધે એમને કલકત્તા મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાઉસ સર્જન ડૉ. સર્વાધિકારીએ કુટુંબીજનોને જણાવ્યું કે તે સિરોસિસ ઑફ લિવર (Cirrhosis of the liver) અને હેમેટેમેસિસ વિથ મેલેના (Hematemesis with Melena) ની છેલ્લી ખરાબ અવસ્થામાં છે. ચારેક કલાકથી વધુ નહી જીવે. થોડા સમયબાદ બંગાળના બીજા ખ્યાતનામ, નિષ્ણાત ડૉક્ટર નલિન રંજન સેનગુપ્ત આવ્યા. તેમણે પણ પદ્મલોચનનું શારીરિક પરીક્ષણ કહ્યું - સ્થિતિ બહુ ખરાબ છે તે બે કલાકથી વધુ જીવે એમ નથી.

લગભગ દસ વાગે પદ્મલોચનને ડૉક્ટરની સૂચના પ્રમાણે સીસ્ટર જી. વુડે ડ્રીપ આઇ.વી.થી એમિનોફીલાઇનનું ઇંજ્કેશન આપ્યું પણ તેમણે તેની કોઈ પ્રતિક્રિયા ન દર્શાવી. જી. વુડે જોયું તો દર્દીના ધબકારા બંધ થઈ ગયા હતા નર્સે તરત ડૉ. સર્વાધિકારીને બોલાવવા બીજી નર્સને મોકલી. ડૉ. સર્વાધિકારી અને બીજા ડૉક્ટરો તરત આવી ગયા અને જોયું તો પદ્મલોચનનું મરણ થઈ ગયું હતું. તે જ વખતે બાબા સીતારામદાસ પદ્મલોચનની ખબર કાઢવા ત્યાં આવી પહોંચ્યા બધાએ કહ્યું - 'તમે થોડા મોડા પડયા. દર્દીએ હમણાં થોડીવાર પહેલાં જ એમના પ્રાણ છોડી દીધા છે.' આ સાંભળી બાબા સીતારામદાસે કહ્યું - 'ના, હું મોડો નથી પડયો. સમયસર આવી ગયો છું. પદ્મલોચનના પ્રાણ એના શરીરમાં નથી એ સાચું, પણ અહીં જ છે. એને મેં મારી મુઠ્ઠીમાં પકડી રાખ્યા છે. પછી તેમણે બધાને તેમની બંધ મુઠ્ઠી બતાવી.'

બાબા સીતારામદાસ પદ્મલોચનના મૃત શરીર પાસે ગયા એમની છાતી પર હાથની મુઠ્ઠી મૂકી રાખી ભગવાનનું નામ ઉચ્ચારણ કરવા લાગ્યા. કોઈ મંત્રનો ઉચ્ચાર કર્યો અને એકાદ સંકીર્તન કર્યું. માંડ પાંચેક મિનિટ પસાર થઈ હશે અને બધાના આશ્ચર્ય વચ્ચે પદ્મલોચન જીવતા થઈ ગયા. તેમનું હૃદય ધબકવા લાગ્યું. તે ધીમે ધીમે શ્વાસ લેવા લાગ્યા. પછી તે વધીને મિનિટના બાવન થઈ ગયા અને નાડીનો દર પણ એકસો બાવન થઈ ગયો. ડૉ. સર્વાધિકારી, ડૉ. એલ.બી. બેનર્જી અને ડૉ. બિમલ ભૌમિક તો આ ચમત્કાર કોઈ વિસ્મયપૂર્વક વિમૂઢ બની ગયા. તે બોલી ઉઠયા - 'કોઈ મરણ પામેલી વ્યક્તિ જીવતી થઈ જાય તે અમારા મેડિકલ સાયન્સ પ્રમાણે અસંભવ છે પણ આજે અમે એ સંભવ થયેલું જોયું. આ ઘટના પછી ડૉ. સર્વાધિકારી બાબા સીતારામદાસના ભક્ત અને અનુયાયી બની ગયા હતા. આ ઘટના તે વખતના બંગાળના તમામ વર્તમાનપત્રોમાં મહત્ત્વના સમાચાર તરીકે પ્રસિદ્ધ થઈ હતી.'