Get The App

ભૂતપ્રેતને આહ્વાન અને મોતનો મલાજો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ભૂતપ્રેતને આહ્વાન અને મોતનો મલાજો 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- હેમ્નેટ 

- સિનર્સ

- વન બેટલ આફ્ટર અનધર

- તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ જીતી ચૂકેલી આ ફિલ્મોને યાદ રાખજો, કેમ કે આમાંની કેટલીક આગામી ઓસ્કર અવોર્ડ્ઝમાં પણ ઝળકી ઉઠે તેવી શક્યતા પૂરેપૂરી છે. 

દુ નિયાભરની કેટલીક મસ્ત મસ્ત ફિલ્મોને તાજેતરમાં અતિ પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ મળ્યા. આ અવોર્ડ્ઝ જીતી ચૂકેલી ફિલ્મો પાછળ પાછળ આવતા ઓસ્કર અવોર્ડ્ઝ માટે - જો નોમિનેટેડ હોય તો - આપોઆપ હોટ ફેવરિટ ગણાવા લાગે છે. આવો જોઈએ, આ વખતની ગોલ્ડન ગ્લોબ ફિલ્મોમાં એવું તે શું છે.  

હેમ્નેટ: આપણે શેક્સપિયરની કૃતિઓના આધારે બનેલી ઘણી ફિલ્મો માણી છે, પણ શેક્સપિયર ખુદના જીવન પરથી બનેલી ફિલ્મો ઓછી જોઈ છે. શેક્સપિયરના એક દીકરાનું નામ હેમ્નેટ હતું. હેમ્નેટને એક જોડીયા બહેન. એનું નામ જુડિથ. શેક્સપિયર પોતાના નાટકોનાં કામકાજ માટે મોટા ભાગનો સમય લંડનમાં વીતાવે, જ્યારે એની પત્ની એગ્નેસ દૂર નાના ગામડામાં ઘર અને બાળકોને સંભાળે. એક વાર બેબલી ખૂબ બીમાર પડી જાય છે. એવું લાગે છે કે એ હવે વધારે સમય નહીં ખેંચે. યોગાનુયોગે દીકરી નહીં, પણ દીકરા હેમ્નેટને મૃત્યુ ભરખી જાય છે. દીકરાના મોતને કારણે સ્ત્રીની જાણે કે વાચા જ હણાઈ જાય છે, તો શેક્સપિયર નાટકો લખવામાં ડૂબી જાય છે. થોડાં વર્ષો બાદ શેક્સપિયર એક નાટક લખે છે, જેનું નામ છે 'હેમ્લેટ'.  (આપણા વિશાલ ભારદ્વાજે 'હેમ્લેટ' પરથી તબુ અને શાહિદ કપૂરને લઈને 'હૈદર' ફિલ્મ બનાવી છે.) એગ્નેસને તરત સમજાય છે કે પ્રભુને પ્યારા થઈ ગયેલા દીકરા હેમ્નેટ પરથી જ મારા વરે નાટકનું નામ 'હેમ્લેટ' રાખ્યું છે. એ શેક્સપિયર પર ભડકી ઉઠે છે: તને શરમ નથી આવતી? દીકરાના મોતનો મલાજો પણ તું જાળવી શકતો નથી? હેમ્નેટના મોતનો તું જનતાના મનોરંજનમાં માટે ઉપયોગ કરવા માગે છે? જોકે ધીમે ધીમે એગ્નેસને સમજાય છે કે શેક્સપિયરની આ જ રીત છે, પોતાની પીડાને પ્રોસેસ કરવાની. એ જો પોતાની વેદનાને લખીને અભિવ્યક્તિ નહીં આપે તો દીકરાની અણધારી વિદાયનું દુખ એને ફાડી ખાશે. ફિલ્મના ક્લામેક્સમાં એગ્નેસ 'હેલ્મેટ' નાટકનો પ્રીમિયર શો અટેન્ડ કરવા જાય છે, અને પોતાના દીકરા હેમ્નેટને એ સ્ટેજ પર 'જીવંત' થતો નિહાળે છે.        

'હેમ્નેટ' ફિલ્મે આ વખતે બેસ્ટ ફિલ્મ (ડ્રામા)નો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ જીતી લીધો છે. એગ્નેસનો રોલ કરનાર જેસી બક્લીને બેસ્ટ એક્ટ્રેસ (ડ્રામા) કેટગરીમાં ગોલ્ડન ગ્લોબ મળ્યો છે. 'હેમ્નેટ' પાક્કી બાયોગ્રાફિકલ ફિલ્મ તો નથી, પણ શેક્સપિયરના જીવનમાં બનેલી સાચુકલી ઘટનાઓનો અહીં આધાર લેવાયો છે. શેક્સપિયરનો દીકરો હેમ્નેટ ઇસવી સન ૧૫૯૬માં અગિયાર વર્ષની ઉંમરે ગુજરી ગયો હતો, અને  ચારેક વર્ષ પછી, ૧૬૦૦-૧૬૦૧માં, શેક્સપિયરે અમર 'હેમ્લેટ' નાટકનું સર્જન કર્યું હતું. શેક્સપિયર પરિવારથી દૂર લંડનમાં રહેતા હતા, અને પત્ની-સંતાનો સ્ટ્રેટફોર્ડ-અપોન-એવન ગામમાં રહેતાં હતાં તે વાત પણ સાવ સાચી. ફિલ્મનાં ચાઈનીઝ ડિરેક્ટર ક્લોએ ઝાઓ ૨૦૨૦માં ઓલરેડી 'નોમેડલેન્ડ' ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો ગોલ્ડન ગ્લોબ અને ઓસ્કર બન્ને જીતી ચૂક્યાં છે. આ વખતના ઓસ્કરની સિઝનમાં પણ 'હેમ્નેટ' હોટ ફેવરિટ ગણાય છે. ખાસ કરીને એક્ટ્રેસ જેસી બક્લી. 

વન બેટલ આફ્ટર અનધર: પોલ એન્ડરસને લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ચચ્ચાર ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ મળ્યા છે - બેસ્ટ ફિલ્મ (મ્યુઝિકલ અથવા ડ્રામા), 

બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (ટેયેના ટેલર). 'ટાઇટેનિક' ફેમ લિયોનાર્ડો દિકેપ્રિયો આ ફિલ્મમાં ડાબેરી વિચારધારા ધરાવતો આતંકવાદી બન્યો છે. એની પત્ની (ટેયેના ટેલર) પણ આ આતંકવાદી જૂથની સભ્ય હતી. એમની એક દીકરી છે - વિલા. બને છે એવું એક અતિ આકરો સરકારી ઓફિસર (શૉન પેન) આ આતંકવાદી જૂથની પાછળ આદુ ખાઈને પડી જાય છે. એનાથી બચવા પત્ની પરિવાર અને આતંકવાદી જૂથ બન્નેને છોડીને નાસી જાય છે. લિયોનાર્ડો પોતાની ઓળખ બદલીને દીકરીને મોટી કરે છે. દીકરી હવે સોળ વર્ષની ટીનેજર બની ગઈ છે... પણ માણસનો ભૂતકાળ ક્યાં આસાનીથી પીછો છોડતો હોય છે! જૂનાં પાપ પાછાં સપાટી પર આવે છે ને ધમાચકડી મચી જાય છે. 

પોલ એન્ડરસન ૨૦૦૭માં ડેનિયલ ડે-લેવિસ જેવા મહાન એક્ટરને લઈને 'ધેર વિલ બી બ્લડ' નામની અફલાતૂન ફિલ્મ બનાવી ચૂક્યા છે. 'વન બેટલ આફ્ટર અનધર' એમની દસમી ફિલ્મ છે. ગોલ્ડન ગ્લોબમાં તેને નવ-નવ નોમિનેશન્સ મળ્યાં હતાં. ઓસ્કરમાં પણ તેને ખૂબ બધાં નોમિનેશન્સ મળશે તેવી ધારણા છે. 

ધ સિક્રેટ એજન્ટ: આ બ્રાઝિલીઅન પોલિટિકલ થ્રિલર છેલ્લા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઓલરેડી ખૂબ ગાજી હતી. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં માર્સેલો (વેગનર મૌરા) નામનો એક ઇન્ટેલિજન્સ ઓફિસર છે. દેશમાં મિલિટરી ડિક્ટેટરશિપ સ્થપાયું છે. આમ તો માર્સેલોનું કામ સરકારની સામે પડતા લોકો પર નજર રાખવાનું છે, પણ એ ગુપચુપ બાતમી લીક કરતો રહે છે કે જેથી લોકો પોતાના જીવ બચાવી શકે. એ સતત ફફડતો ફફડતો જીવે છે, કેમ કે એ જાણે છે કે જેમ હું બીજાઓ પર નજર રાખું છું એમ બીજું કોઈ પણ મારા પર નજર રાખતું હશે. માર્સેલનોની પત્નીને એના કામ વિશે સહેજ પણ જાણકારી નથી, પણ એના કલીગ્ઝ સતત શંકા કર્યા કરે છે. માર્સેલોને સમજાય છે કે આ સિસ્ટમમાંથી બહાર નીકળવાનું હવે શક્ય નથી. ખુલ્લમ્ખુલ્લા વિદ્રોહ કરવાને બદલે એ વધુને વધુ અંતર્મુખી બનતો જાય છે. કોઈ પણ ભોગે જીવવું, જીવતા રહેવું એ જ ક્યારેક જિંદગીનો સૌથી મોટો કોમ્પ્રોમાઇઝ બની રહેતો હોય છે.  

પોર્ટુગીઝ ભાષામાં બનેલી 'ધ સિક્રેટ એજન્ટ' ફિલ્મના ડિરેક્ટર ક્લેબર ફિલ્હોનું બ્રાઝિલમાં મોટું નામ છે. ફિલ્મને બે ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ મળ્યા છે - બેસ્ટ નોન-ઇંગ્લિશ લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ એક્ટર- ડ્રામા (વેગનર મૌરા). 

સિનર્સ: આ એક સુપરનેચરલ હોરર ફિલ્મ છે. ૧૯૩૦ના દાયકાની વાત છે. અમેરિકાના મિસિસિપી રાજ્યમાં સ્મોક અને સ્ટેક નામના જોડિયા અશ્વેત ભાઈઓ રહે છે. બન્ને પહેલા વિશ્વયુદ્ધના સૈનિકો રહી ચૂક્યા છે. એમની ઇચ્છા છે કે પોતાના વતનમાં એક ક્લબ હાઉસ ખોલવું કે જ્યાં બ્લેક લોકો રેસીઝમના ભય વગર છૂટથી એકબીજા સાથે હળીમળી શકે. એમનો એક કઝિન છે - સેમી. એ બહુ સારો બ્લ્યુ સિંગર છે. બ્લ્યુ મ્યુઝિક ઓગણીસમી સદીના અંતમાં અસ્તિત્ત્વમાં આવ્યું હતું, જેમાં મૂળભૂત રીતે આફ્રિકન-અમેરિકન કમ્યુનિટીના દુખ-દર્દ-પીડા-સંઘર્ષ અભિવ્યક્તિ પામતાં હતાં. ફિલ્મમાં અશ્વેત બંધુઓને ચેતવવામાં આવે છે: જોજો, સેમી પાસે ગીતો ન ગવડાવતાં, કેમ કે એ જે પ્રકારનાં બ્લુ સોંગ્સ ગાય છે તેનાથી ભૂતપ્રેત અને આત્માઓ જાગ્રત થઈ જાય છે! એવું જ થાય છે. ક્લબનું ઉદ્ઘાટન થઈ એ જ રાતે સેમી એવાં ગીતો ગાય છે કે તે સાંભળીને લોહીતરસ્યા વેમ્પાયર્સ આકર્ષાઈને ખેંચાઈ આવે છે! પછી? પછી ઘણું બધું થાય છે, જે તમારે ફિલ્મ રિલીઝ કે સ્ટ્રીમ થાય ત્યારે જોઈ લેવાનું છે. 

રાયન કૂગલરે લખેલી અને ડિરેક્ટ કરેલી 'સિનર્સ'માં માઇકલ બી. જોર્ડન મેઇન હીરો છે. ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સ્કોર તેમજ સિનેમેટિક એન્ડ બોક્સ ઓફિસ અચીવમેન્ટ એમ બે ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ મળ્યા છે. 

સેન્ટીમેન્ટલ વેલ્યુ: આ ફિલ્મમાં ઘાયલ થઈ ચૂકેલા સંબંધોની હૃદયસ્પર્શી વાત છે. ફિલ્મનો નાયક ગુસ્તાવ એક ફિલ્મ ડિરેક્ટર છે, જે પત્નીને ડિવોર્સ આપીને, દીકરીઓ એગ્નીસ અને નોરાને પત્નીના ભરોસે છોડીને જતો રહ્યો છે. નોરા મોટી થઈને એક્ટ્રેસ બનવા માટે સ્ટ્રગલ કરે છે. એની તુલનામાં મોટી એગ્નીસ વધારે સ્થિર અને ઠાવકી છે.  ગુસ્તાવને ખબર પડે છે કે એની એક્સ-વાઇફનું મૃત્યુ થઈ ગયું છે. એ દીકરીઓ પાસે પાછો ફરે છે. એના દિલમાં મોડું તો મોડું, પણ વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું છે. જોકે દીકરીઓને ગુસ્તાવ દીઠો ગમતો નથી. કેવી રીતે ગમે? આ લાપત્તા બાપે એમની કશી જ જવાબદારી લીધી નથી. ગુસ્તાવ પોતાની માના જીવન પરથી એક ફિલ્મ બનાવવા માગે છે, જે આ જ ઘરમાં રહેતી હતી અને આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી. ગુસ્તાવ ઇચ્છે છે કે પોતાની માનો રોલ નોરા કરે. નોરા ચોખ્ખી ના પાડી દે છે. આથી ગુસ્તાવ એક અમેરિકન એક્ટ્રેસની વરણી કરે છે. તેને કારણે બાપ-દીકરીઓના સંબંધો ઔર વણસે છે.  ખેર... મોટી દીકરીને આખરે ખબર પડે છે કે આ ફિલ્મ બનાવીને બાપ ખરેખર તો પોતાનું ગિલ્ટ હળવું કરવા માગે છે. નોરા આખરે ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય છે. ફિલ્મ બને પણ છે. આ રીતે બાપ-દીકરીઓ વચ્ચેનો સંબંધ સાવ નોર્મલ તો નથી જ થતો, પણ થોડીઘણી કડવાશ ઓછી જરૂર થાય છે.   

પિતાના રોલ કરનાર એક્ટર સ્ટેલન સ્કેર્સગાર્ડને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ મળ્યો છે. 

આ સિવાયની આ વર્ષની બીજી ત્રણ ગોલ્ડન ગ્લોબ વિનિંગ ફિલ્મોના માત્ર ઉલ્લેખ કરી લઈએ. એક છે, 'ઇફ આઇ હેડ લેગ્ઝ આઇ વુડ કિક યુ' (બેસ્ટ એક્ટ્રેસ- મ્યુઝિકલ અથવા કોમેડી, વિજેતા રોઝ બાર્ની)'. બીજી છે, 'કે-પોપ ડીમન હન્ટર્સ' (બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ એનિમેશન ફિલ્મ). 'કે-પોપ ડીમન હન્ટર્સ' તો તમે અબઘડી નેટફ્લિક્સ પર જોઈ શકો છો. સ્પોર્ટ્સ ડ્રામા 'માર્ટી સુપ્રીમ'ના લીડ એક્ટર ટિમોથી ચેલમેટને ક્રિટિક્સ ચોઇસ અવોર્ડ મળ્યો છે. જોઈએ, આ લેખમાં ઉલ્લેખ પામેલી ફિલ્મોમાંથી કઈ કઈ આ વખતના ઓસ્કરમાં ચમકે છે. આપણે બહુ રાહ જોવાની જરૂર નહીં પડે, કેમ કે ચાર જ દિવસ પછી, ૨૨ જાન્યુઆરી ગુરૂવારે તમામ ઓસ્કર નોમિનેશન્સની વિધિવત્ ઘોષણા થઈ જવાની છે. 

શો સ્ટોપર

ક્રિયેટિવિટીનો સૌથી મોટો દુશ્મન કોઈ હોય તો તે છે ડર. 

- આમિર ખાન