- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'વચન બેટા, તું નવી પેઢીનો પ્રેરણાદીપ છે. તારા જેવા યુવાનો જ અંધકારગ્રસ્ત પરિવારોને સુખના સૂરજનું દર્શન કરાવી શકશે.' વિવેક અંકલ
વિ વેકને યાદ આવે છે તે દિવસની દુ:ખદ ઘટના, જ્યારે તેના મોટાભાઈ નયનકુમારે તેના ગાલ પર બે તમાચા ઝીંકી દઇ તેને ઘરની બહાર તગેડી મૂક્યો હતો. વિવેકની પત્ની નમ્રતા જેઠ નયનકુમાર સમક્ષ કશીક રજુઆત કરવા ઇચ્છતી હતી, પણ તેને નયનકુમારે ચૂપ રહેવાની સૂચના આપી હતી.
નયનકુમાર ઘરમાં સૌથી મોટા એટલે હવેલીમાં તેમની આણ પ્રવર્તતી હતી. તેમના પપ્પાજીએ ચાર માળની હવેલી અને પાંચ કરોડ રૂપિયા તેમને સોંપ્યા હતા. નયનકુમાર ઘરનો વહીવટ એકચક્રી શાસનની જેમ ચલાવતા હતા.
ઊંચા, કદાવર, કાળી ભમ્મર આંખો અને ગોળમટોળ ચહેરો ધરાવતા નયનકુમાર બહારથી શાંત સમંદર જેવા લાગે, પણ ક્રોધે ભરાય ત્યારે દુર્વાસા અને પરશુરામ બન્નેને પાછા પાડી દે. શિસ્તના ભારે આગ્રહી, સિક્યોરિટી સલામ કરવામાં વિલંબ કરે તો તેનો ઊધડો લઇ નાખે. પુત્ર વચનને ટયૂશન આપનાર શિક્ષક 'નમસ્તે સર' કહેવાનું ચૂકે તો બીજે જ દિવસે તેને પાણીચું પકડાવી દે. રસ્તેથી પસાર થતા હોય ત્યારે પણ તેમનો અહંકાર વ્યક્ત થાય. એમની કાર સાથે કોઈ રસ્તે જનાર સહેજ પણ અથડાય તો વાતનું વતેસર કરી નાખે. એમનો હાથ તમાચાનું 'દાન' કરવા સદાય ઉત્સુક રહેતો. જીભમાં લેશમાત્ર મધુરતા નહીં. કટુવાણી કે ગાળ ઉચ્ચારતાં નયનકુમાર ક્યારેય પણ શરમાય નહીં એટલે લોકો નયનકુમારથી દૂર રહેવાનું જ પસંદ કરતાં. નયનકુમાર પાસે મિત્રો કરતાં શત્રુઓનું સંખ્યાબળ મોટું હતું.
દરેક પ્રકારના ખર્ચ માટે દરેક વ્યક્તિનું નયનકુમાર બજેટ તૈયાર કરે, અને તેણે તેટલામાં જ ગુજારો કરવાનો. વધુ માગણી માટે અપીલ કરવાનો અધિકાર સદંતર બંધ. ઘરની કાર હોવા છતાં વચને સાઇકલ પર જ સ્કૂલે જવાનું. ટયૂશન શિક્ષક રજા પાડે તો તેમના તે દિવસના પૈસા કપાઈ જતા. ઘરની પ્રત્યેક વ્યક્તિ દબાયેલી રહેતી. નયનકુમારને પ્રશ્ન પૂછવાની કોઈ હિંમત નહોતું કરતું. ઘર અને જેલ વચ્ચેનો તફાવત ઘરનાં સૌ સભ્યો વિસરી ગયાં હતાં. જેલર પણ નયનકુમાર અને કોન્સ્ટેબલ પણ નયનકુમાર અને જજ પણ નયનકુમાર.
તે દિવસે હોળીનો તહેવાર હતો. આજુબાજુના બંગલા અને એપાર્ટમેન્ટના લોકો એકબીજાને ભેટીને રંગીને સાંજે સંયુક્ત ભોજન સમારંભ યોજીને હોળી-ધુળેટીનો ઉત્સવ રંગભેર ઊજવતા હતા. હોલિકાદહન માટે ફાળો માગવા જનાર વ્યક્તિએ નયનકુમારના ગુસ્સાનો ભોગ બનીને ખાલી હાથે પાછા ફરવું પડતું હતું. પુત્ર વચન અને નાનાભાઈ વિવેકને પણ રંગ કે પિચકારીનો સ્પર્શ નહીં કરવાનું ફરમાન. ધુળેટીના દિવસે દેવદર્શન કરી વિવેક પાછો ફરી રહ્યો હતો. ત્યારે ઘેરૈયાઓએ તેને ઘેરી લીધો. કોઇકે વિવેકનું મોં રંગ્યું તો કોઇકે વિવેકના કપડાં રંગની પિચકારીથી રંગીન બનાવી દીધાં હતાં. અને વિવેકના ખિસ્સામાંથી રંગોત્સવ માટે પંદરસો રૂપિયા પડાવી લીધાં હતાં. મોટાભાઈ નયનકુમારના કોપથી બચવા શું કરવું એ વિવેકને સમજાતું નહોતું.
સહુ ભેગા મળીને વિવેકને રંગી રહ્યા છે અને અંતે વિવેક પાસેથી પૈસા પડાવી લીધાં છે એ દ્રશ્ય નયનકુમારે બાલકનીમાંથી જોઈ લીધું હતું એટલે ઘરની શિસ્તનો ધજાગરો કરનાર વિવેકને દંડિત કરવાનો નયનકુમારે મનોમન નિર્ણય કરી લીધો હતો.
રંગાઇને આવેલા વિવેકને જોઇને તેની પત્ની નમ્રતા ખુશ થઇને બોલી ઊઠી : 'અરે વાહ, વિવેક, તમે રંગાયેલાં કપડાં અને જાતજાતના રંગોથી ચિતરાયેલાં ચહેરામાં વધુ સંદર લાગો છો. 'આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે એ સૂત્ર આપણે બન્નેએ અપનાવી લેવા જેવું છે. મોટાભાઈના ગુસ્સાની પરવા કર્યા સિવાય તમારે પણ અણગમતી વાતનો અસ્વીકાર કરવાનું સાહસ કરવું જોઇએ.'
નમ્રતા હજી પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ નયનકુમાર બાલકનીથી નીચે આવીને બારણામાં જ ઊભા રહ્યા હતા. એમણે નમ્રતાને ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું હતું : 'પારકે પૈસે તાગડધિન્ના કરનારે ઘરની મુખ્ય વ્યક્તિ સામે વિદ્રોહ કરવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કરવો જોઇએ. અને એવો વિદ્રોહ કરનારને નયનકુમારની હવેલીમાં આશરો મળતો નથી. એ વાત નમ્રતા તમારે પણ બરાબર સમજી લેવી જોઇએ એટલે તમારા પતિ વિવેકની ચઢવણી કરવાનું બંધ કરી કીચનમાં જઇને કામ કરો. વિવેકને સંભાળવાનું કામ મારું છે.'
અને નયનકુમાર વિવેક તરફ વળ્યા હતા અને તાડૂકવાનું શરૂ કરી દીધું હતું.
'વિવેક, મેં તારાં બધાં જ કારસ્તાન જોયાં છે. ધુળેટીના દિવસે લોકો રંગ છાંટવાનું અટકચાળું કરવાનું ક્યારેય ચૂકતા નથી એ જાણવા છતાં તું દેવદર્શને શા માટે ગયો ? અને ઘેરૈયાઓને તેં કહી દીધું હોત કે હું પેલી હવેલીવાળા નયનકુમારનો નાનો ભાઈ છું' તો તને રંગવાની કોઈ હિંમત પણ ન કરત. અને પંદરસો રૂપિયા મફતમાં મળતા નથી. પૈસા બચાવવા માટે હું લોહી પાણી એક કરું છું, અને તું પૈસા ઉડાવે છે. ઘેરૈયાઓને એક સોની નોટ પકડાવી દેવી હતી ને. પંદરસો રૂપિયા આપવાની શી જરૂર હતી ? તેં ઘરની શિસ્ત તોડી છે એટલે તને સજા થશે જ અને સજા એ છે કે તારે અને નમ્રતાએ આજે અને અત્યારે જ ઘર છોડી દેવું. અઠવાડિયા માટે કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેવાની સગવડ મળશે. પેટગુજારા અને હાથ ખર્ચી માટે તારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પંદર હજાર જમા કરાવવામાં આવશે. એટલામાં જ પૂરું કરવાનું. દેવું કરીશ તો તે ભરપાઈ કરવા માટે મારી પાસેથી તને એક નયો પૈસો પણ નહીં મળે. જમ્યા બાદ એક કલાકમાં તમારે બન્નેએ હવેલીની બહાર નીકળવાનું છે, સમજ્યો ? અને તારી વહુ નમ્રતા લાગ-ભાગનો વિચાર કરી તને ચઢાવશે તો તને આપવાના થતા પંદર હજાર પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે.'
પપ્પાની ઘાંટાઘાંટ સાંભળીને પુત્ર વચન દોડી આવ્યો હતો. વિવેક કાકા વતીથી એણે માફી માગી કાકીને ગૃહત્યાગ ન કરાવવાની પપ્પા નયનકુમારને વિનંતી કરી હતી. પણ મોટાની વાતમાં નાનેરાંઓને માથું નહીં મારવાની સલાહ આપી. વચનને તેના સ્ટડીરૂમમાં ચાલ્યા જવાનો નયનકુમારે આદેશ આપ્યો હતો.
વિવેક જાણતો હતો કે મોટાભાઈ વટહુકમ બહાર પાડવાનો અબાધિત અધિકાર ધરાવે છે. એટલે ક્ષમાદાન નહીં કરે તે નહીં જ કરે !
એટલે ચૂપચાપ વિવેક બાથરૂમમાં સ્નાન માટે પહોંચી ગયો હતો. નમ્રતા કીચનનું કામ પતાવી પોતાના બેડરૂમમાં આવી ત્યારે વિવેકે કપડાં અને દૈનિક જરૂરિયાતોની ચીજવસ્તુઓથી બેગ ભરીને તૈયાર કરી દીધી હતી. તેણે નમ્રતાને કહ્યું હતું : 'નમ્રતા, લોકોએ હોળી કાલે પ્રગટાવી હતી, પણ આપણા ઘરમાં 'હોળી' આજે પ્રગટી છે અને એની અગનઝાળ આપણને દઝાડી રહી છે. જમવાનું ટાળીશું તો મોટાભાઈ ગુસ્સે થશે માટે ચૂપચાપ બે કોળિયા પેટમાં પધરાવીને આપણે ગૃહત્યાગ કરવાનો. ટેમ્પરરી વ્યવસ્થા તરીકે આપણી કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેવાનું છે. કંપનીના ડિરેકટર મટીને મારે ક્યાંક નોકરી શોધી સ્વમાનભેર જીવવાની તૈયારી કરવાની છે.' બોલતાં બોલતાં વિવેક રડી પડયો હતો.
અને એક કલાક પછી નયનકુમારે પૂછ્યું હતું : 'વિવેક, હજી તમે રવાના થયા નથી ?' અને વિવેક તથા નમ્રતા મોટાભાઈ નયનકુમારને નમન કરીને ઘરની બહાર નીકળી ગયા હતાં. વચનથી વિવેકકાકાની વિદાય જોઈ શકાય તેમ ન હોઈ તે બાલ્કનીમાં ઊભાં ઊભાં કાકા-કાકીને રડતી આંખે જોઈ રહ્યો હતો.
વર્ષો વીતતાં ગયાં. હવે વચન ગ્રેજ્યુએટ થઇ નોકરીમાં જોડાઈ ગયો હતો. નયનકુમારની ઇચ્છા હતી કે વચન કંપનીના મેનેજિંગ ડિરેકટર તરીકેનું પદ સંભાળી લે. પણ આજ સુધી આજ્ઞાંકિત રહેલા વચને તેમને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું હતું : 'પપ્પાજી, મારે બાપકર્મી તરીકે નહીં, આપકર્મી તરીકે જીવવું છે. મારે સ્વાવલંબી બનવું છે. વારસો એટલે સંપત્તિ નહીં, પણ સુસંસ્કાર. તમે વડીલ તરીકેની હૂંફ અને પ્રેમ અર્પવાને બદલે હવેલીના માલિક તરીકે વર્ત્યા છો. આપના ગુસ્સાનો વારસો મને ન મળે અને લાગણી, પ્રેમ, ઉદારતા, ક્ષમાભાવ મારામાં વિકસિત થાય એ માટે મેં વાંચન દ્વારા મારા મનને તૈયાર કર્યું છે. વિવેક અંકલને કહ્યું તેમ તમારે મને 'ગેટઆઉટ' નહીં કહેવું પડે. શિસ્તના તમારા તરંગી ખ્યાલોના પ્રયોગ કરવાની તમને છૂટ છે. મેં મારી સ્વતંત્ર નોકરી શોધી લીધી છે. ઘરનું સંચાલન 'રાજાશાહી'ની જેમ કરે તે વડીલ ખોટો, વાત્સલ્યની લહાણી કરી મનની મોટાઈનો અનુભવ કરાવે તે વડીલ સાચો. ક્ષમા કરજો, મારે નાછૂટકે આવો બળાપો આપની સમક્ષ વ્યક્ત કરવો પડે છે. મને આપના પ્રત્યે પ્રેમ છે, પણ આપના હઠાગ્રહ અને જોહુક્મી સામે મારું સ્વમાન હું ગીરો મૂકવા તૈયાર નથી.' કહીને વચન પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો હતો.
હવેલીના નોકર-ચાકર, નાના શેઠની ખુમારી અને નિર્ભયતા જોઈ સ્તબ્ધ થઇ ગયા હતા.'બિચારા વિવેકશેઠ, એમણે પણ વચનભાઈ જેવી હિંમત દેખાડીને ગભરાયા વગર મોટાભાઈને વાત કરી હોત તો એમણે ઘર છોડવું ના પડત. શિસ્તનો પ્રયોગ માણસના ઘડતર માટે થવો જોઇએ, માણસને દાબી દેવા માટે નહીં.'
પપ્પાજી સાથેનું બિનજરૂરી ઘર્ષણ ટાળવા વચને નોકરીમાં ટ્રાન્સફર માગી લીધી હતી. જવાબદારીપૂર્વક નિષ્ઠાથી કામ કરવાને લીધે અને સહુનું માન જાળવી વર્તન કરવા બદલ એક વર્ષમાં જ તેને જનરલ મેનેજરનું પ્રમોશન મળી ગયું હતું. વચનનું મિલનસાર, વિનયશીલ અને પ્રેમાળ વર્તન જોઈ ઓફિસનો સમગ્ર સ્ટાફ તેને ખૂબ જ ચાહતો હતો.
એક સ્નેહમિલન પ્રસંગે એક પત્રકારે વચનને પૂછ્યું હતું : 'આટલા મહત્ત્વના પદ પર હોવા છતાં તમારામાં લેશમાત્ર ઘમંડ નહીં આવવાનું કારણ શું ?'
અને વચને તરત કહ્યું હતું કે 'ઘમંડના દુષ્પરિણામો મેં નજરે જોયાં છે. કંપની, પેઢી, કે નિગમોમાં કામ કરનાર પર બોસિંગ કરવાનો જમાનો પૂરો થઇ ગયો. કર્મચારીના માન-સન્માનની લાગણી એનું નામ જ લિબર્ટી ઉર્ફે સ્વાતંત્ર્ય. સંસ્થાના વડા કે ઘરના વડીલ બનવું એ પણ એક કષ્ટસાધ્ય કલા છે. દરેક વ્યક્તિનાં ગૌરવ અને સ્વમાન સાચવવાથી તમે ઘરને મહેકતું રાખી શકો.'
પત્રકારોને ઉત્તર આપતાં વચન બોલ્યે જ જતો હતો... ત્યારે તેના મનમાં વિવેકકાકાનું સ્મરણ થયું. પોતાના પપ્પાજીએ કરેલા અન્યાયના નિવારણ માટેનો વિચાર સ્ફૂર્યો. કાકા સાથેના ઘોર અપમાન બદલ પોતે પ્રાયશ્ચિત કરવું જોઇએ એવો વિચાર તેના મનમાં પ્રબળ બની રહ્યો હતો.
વચને હવાઈ સફરની બે ટિકિટ બુક કરાવી વિવેકકાકાને મોકલી આપી અને પોતાના મહેમાન બનવા નિમંત્રણ પાઠવ્યું હતું.
કાકા-કાકીનું ઉમળકાભેર સ્વાગત કરી તેમને લાગણી અને પ્રેમથી ભીંજવી નાખ્યા હતા. અઠવાડિયા પછી કાકાની વિનંતીને માન આપીને વચને તેમને માટે ઘરે પાછા ફરવાની હવાઈસફરની બે ટિકિટ તૈયાર કરાવી દીધી હતી.
વિદાયના દિવસે વિવેક તથા નમ્રતાએ વચનના પ્રેમ બદલ તેને હૃદયથી આશીર્વાદ આપ્યા હતાં. પરંતુ વચને કહ્યું : 'કાકા, મારા પપ્પાજીએ તમારું ઘોર અપમાન કરી તમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા તે ઘટના મને બરાબર યાદ છે. મા-બાપની ભૂલોનો સંતાનોએ વિના સંકોચ પશ્ચાતાપ કરી સગપણનું ઋણ અદા કરવું જોઇએ. લો, મારી કંપનીમાં તમારો આસિસ્ટંટ મેનેજર તરીકેનો નિમણૂક પત્ર. આ એપાર્ટમેન્ટના માલિક તરીકેની ચાવી. મેં તમારે માટે એપાર્ટમેન્ટ ખરીદી લીધો છે.
... હવે પપ્પાજીને જણાવી દેજો કે તમને પેટગુજારા માટે પંદર હજાર રૂપિયા ન મોકલે. તમે અને નમ્રતાકાકી આનંદથી જીવો એટલે મારા પપ્પાજીએ કરેલા અપરાધનું પ્રાયશ્ચિત મેં કરી લીધું છે એમ હું માનીશ.'
અને કાકા-કાકીના ચરણસ્પર્શ કરી વચને તેમના હાથમાં એપાર્ટમેન્ટની ચાવી સોંપી.
કાકા-કાકીની અમીઝરતી દ્રષ્ટિ જાણે કહી રહી હતી : 'કેટલાક નકારાત્મક અનુભવોની જાણકારીને સત્ય માની નવી પેઢીને સંકુચિત દ્રષ્ટિએ મૂલવવાની કોશિશ કરીએ તો વડીલ તરીકે આપણે થાપ ખાઈ જઇએ.'
'વચન બેટા, તું નવી પેઢીનો પ્રેરણાદીપ છે. તારા જેવા યુવાનો જ અંધકારગ્રસ્ત પરિવારોને સુખના સૂરજનું દર્શન કરાવી શકશે.'


