Get The App

કાંકરો બીજ ન બની શકે.. ડાંગરના ઘઉં ના થાય

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
કાંકરો બીજ ન બની શકે.. ડાંગરના ઘઉં ના થાય 1 - image

- સૃષ્ટિના નિયમને સમજો : 'ભગવાન સદા સહાયતે' પણ કઈ રીતે અને કોને 

-હોરાઈઝન-ભવેન કચ્છી

- રંગ અવધૂત મહારાજ રચિત  દત્ત બાવનીની એક પંક્તિ 'એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુરૂપ અરૂપ' નો અર્થ સમજો 

એ ક સો કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનાર સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 'લાલો'  વીશે તો પ્રસારણ માધ્યમો અને સોશિયલ મીડિયામાં દર્શકો ભારે પ્રસંશા સાથે તેઓની સમજ પ્રમાણે ઘણી સમીક્ષા કે અવલોકન જણાવી ચુક્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણને  બાળ સ્વરૂપે પૂજતા તેના  ભક્તો 'લાલો' સંબોધન કરીને લાડ લડાવતા હોય છે. ફિલ્મમાં   દારૂની લતે ચઢેલ મુખ્ય પાત્રના માતા પિતા  ભક્તિ ભાવ ધરાવતા હોઇ બાળવયેથી જ તેના પુત્રનું  હુલામણું નામ 'લાલો' પાડયું હોય છે. પુત્ર તો લાલા જેવો પ્યારો હોય જ પણ અગાઉના જમાનામાં સંતાનોના નામ એવા પડાતા કે તેને બોલાવવા સાથે આપોઆપ દેવ દેવીના નામ પણ બોલતા રહેવાય.

ફિલ્મની મજા એ છે કે દારૂડિયા લાલાને માત્ર  લતમાંથી જ નહીં પણ અજ્ઞાનથી  મુક્તિ આપવા પણ ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે 'લાલો' જ તેનો માર્ગદર્શક બને છે. 

જી હા, માર્ગદર્શક શબ્દ પર આપણે સૌએ બહુ જ ભાર મુકવાનો છે કેમ કે ભગવાન તમને કોઈ પણ સારી કે ખરાબ ભૌતિક, શારીરિક કે માનસિક સ્થિતિમાંથી મુક્ત નથી કરતા કે પછી મુકતા નથી. સીધું ભોજન થાળીમાં ગોઠવાઈ નથી જતું હોતું. માની લો કે કોઈ થાળી પીરસીને પણ આપે તો પણ આખરે એક પછી એક કોળિયા સાથે આરોગવું તો જાતે જ પડે છે. કોઈ ધારો કે સીધી જ ગાદી કે સત્તાની ખુરશીમાં બેસાડી દે તો પણ શાસન, વહીવટ અને દિવસ રાત્રી ધ્યેય પ્રાપ્તિ માટેનું કર્મ તો આપણે જ કરવું પડે છે.

ભગવાન શ્રીકૃષ્ણ આથી જ દારૂડીયા લાલાને તે જે ઓરડામાં કેટલાયે દિવસથી કેદ જેવી અવસ્થામાં છે તે દીવાલ તો તારે જ સખ્ત શ્રમ અને પીડા ઉઠાવીને તોડવી પડશે તેમ સ્પષ્ટ જણાવી દે છે. યુદ્ધ તો અર્જુને જ લડવું પડે છે. ભગવાન તો સારથી જ બને.

ફિલ્મ છે તેથી ભગવાન શ્રીકૃષ્ણ દારૂડીયા લાલા જોડે દેહ સ્વરૂપે બતાવવા પડે પણ હકીકતમાં ફિલ્મના અંતે જ્યારે અમુક મહિના ભગવાન શ્રીકૃષ્ણ દેખાતા નથી ત્યારે હવે વ્યસન મુક્ત થઇ ગયેલ લાલો વિહવળ બની જાય છે કે 'ભગવાન હવે ક્યાં ખોવાય ગયા. તમારા વગર હું બેબાકળો અને નિ:સહાય બની ગયો હોઉં તેવું મહેસુસ કરું છું' ત્યારે ભગવાન તેને આખરી શિખર કક્ષાનું જ્ઞાન આપે છે કે 'હું બહાર ક્યાંય નથી તારા હૃદયમાં જ છું તારે મને  ઉજાગર કરવાનો છે.' અર્થાર્થ પ્રત્યેક ક્ષણે આપણા મનથી, વચનથી અને સ્થૂળ દેહથી કર્મ માટે આગળ તરફ લઇ જતું  એક પગલું  આકાર પામે છે. રામ અને રાવણ કે પછી કૃષ્ણ અને કંસ બંને વૃત્તિ આપણામાં જ છે. બંને વચ્ચે આપણા હૃદયમાં તુમૂલ યુદ્ધ કે દ્વન્દ સર્જાશે. આપણે મેળવેલું  બાહ્ય જ્ઞાન, સંસ્કાર, ઉપદેશ, સત્સંગને બહાર લાવવાનો  છે. આત્મસંવાદ કરવાની આ વેળા હોય છે. વિવેક - ડહાપણનો ઉપયોગ કરીને નક્કી કરવાનું છે કે હૃદયમાં પડેલ  સત્વ 

(ભગવાન) જોડે જવું કે તમસ (દાનવી) જોડે જોડાવું છે. એટલે જ કહેવાયું છે ને કે કેવું કર્મ કરવું તે માટે માનવી મુક્ત છે.

લાલો દારૂડિયો છે, વ્યસની છે પણ દુર્જન નથી. તે રીક્ષા ચલાવવાનું કર્મ પણ તેના ગ્રાહકને ગ્રાહક કરતા યાત્રાળુ સમજીને તેને જૂનાગઢના ગેબી ગિરનાર, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથનો ચુંબકીય વિસ્તાર, કેડી પર વસેલ પ્રાચીન મંદિર અને ઉપરકોટ બધું જ ભાવસભર  બતાવે છે. ગિરનાર અને તેની ટૂંક પર આવેલ અંબાજીનું મંદિરનો મહિમા તેની રીક્ષાના મુસાફરને (ભગવાન શ્રીકૃષ્ણ જ તેના મુસાફર છે તેની તેને ખબર નથી હોતી. તે રીતે ભગવાનને જ ભગવાનના દર્શન કરાવે છે.) ભારે શ્રદ્ધા સાથે ટૂંકમાં જણાવે છે. નરસિંહ મહેતા માટે તો ભગવાન શ્રીકૃષ્ણએ બાવન વખત ધરતી પર આવીને તેના કામ પાર પાડયા હતાં તેમ પણ મુસાફરને જાણે નરસિંહ મહેતા પોતાના મિત્ર કે સ્વજન હોય તેમ ગૌરવ લઈને જણાવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે દારૂડિયો બન્યા પહેલા તે એક સાત્વિક આત્માનો વ્યક્તિ હતો. પતિ તરીકે પણ પ્રેમાળ હતો. બાળવયેથી રોજ ભગવાન સમક્ષ પ્રસાદી કે ભોજનની થાળી ધરીને પછી ભોજન લેતો હતો. એટલે જ એક ઓરડામાં કેદ થઇ ગયો હોય છે ત્યારે ભગવાન તેને ભોજનની થાળી પીરસે છે ત્યારે લાલો 'ભગવાનને પૂછે છે કે તમે કેમ મારું આટલુ ધ્યાન રાખો છો. મને કેમ ભોજન આપો છો.' ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એટલું જ કહે છે કે 'કેમ તું મને બાળક હતો ત્યારે ભોજનની  થાળી નહોતો ધરતો? તેમ હું તને આપું છું.'

ભગવાનનો કહેવાનો અર્થ એમ સમજવાનો કે બીજા માટે પ્રેમ અને લાગણી સાથે બીનશરતી કંઈક કરો તો સૃષ્ટિનો એવો નિયમ છે કે કોઈ રીતે કે કોઈ સ્વરૂપે  તે તમારી તરફ પરત આવશે જ. (જેવું આપ્યું હોય તેવું.. સારુ તો સારું અને  ખરાબ તો ખરાબ પરત આવે.) આ દાન  કોઈને કે મંદિર - ભગવાન જેને  પણ આપીએ તેના બદલામાં અનીતિ, શોષણ, બીજાનું ખરાબ થાય તેવું  ઈચ્છવું કે રજસ અને તમસ પ્રકારનું માંગવાની શરત હોય તો કુદરતનો ક્રમ બુમરેન્ગ જેમ પરત ફરી આવી વ્યક્તિને જ સજા કરતી હોય છે.

રીક્ષા ચલાવનાર લાલો ભલે દારૂડિયો છે છતાં અંતરાત્માથી નિર્મળ છે. ભગવાનની લીલા અપારંપાર છે તે જાણે છે.

ભગવાન આવા આત્માને મદદ કરવા પહેલા તો તેને સ્વકર્મની પીડામાંથી પસાર કરાવે છે અને પછી અજ્ઞાનનો પડદો હટાવી લે છે. ગુમરાહ થઇ ગયો હોય તો રાહ પર લાવે છે. તેના જીવનમાં મદદકર્તાઓ આવે છે. ફરી યાદ કરીએ કે ભગવાન એટલે સ્થૂળ સ્વરૂપે કે ઉપરથી બેઠા બેઠા આવી જાદુઈ છડી ફેરવે છે તેમ ન સમજવું. પણ સૃષ્ટિના એવા નિયમો છે જે ભગવદ્દ ગીતા, વેદ - ઉપનિષદ, કુરાન, બાઇબલ સહીત તમામ ધર્મગ્રંથોમાં છે કે 'જો ઈરાદો અને કર્મ નેક હોય તો એવી રચના આકાર પામે છે કે તે ધ્યેય પ્રાપ્તિ માટે સહાય કરે છે. આપણે તેને દેવ દેવી, સદ્દગુરુ કે ભગવાન તરીકે ઓળખીએ છીએ.'જેવું વાવશો તેવું લણશો.' તો આપણી નજર સામેનું જ ઉદાહરણ છે. કાંકરો બીજ બની ન શકે. આંબો વાવો તો આંબો જ ઉગે અને ડાંગરના ઘઉં ન થાય. આપણે પણ પ્રકૃતિનો એક હિસ્સો જ છીએ.

રંગ અવધૂત મહારાજ રચિત 'દત્ત બાવની'માં એક પંક્તિ છે કે 'એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુરૂપ અરૂપ' તેને સમજીએ.

ભગવાન કે સદ્દગુરુ ('ગોડમેન'નહીં) કળિયુગમાં સદેહે તો દેખા ન દે પણ તે તમારો નેક હેતુ કે શુભ કલ્યાણની (નર્યો સ્વાર્થ નહીં.) પૂર્તિ માટે જેના થકી તમારું કામ થવાનું હોય તેના હૃદયમાં તમારા માટે સદભાવ પેદા કરે. તે ક્ષણિક તમારી તરફેણમાં નિર્ણય લેવા પૂરતો પણ હોય કે લાંબા ગાળા માટે પણ હોઇ શકે. આ જ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે તમારા માટે જે સાનુકૂળ, ઉદાર કે મુશ્કેલીમાંથી ઉગારાતા દેવદૂત બનીને આવે તેવી ન હોય.

તમારું કામ પતી જાય પછી શક્ય છે કે તમારી જોડેનું વર્તન તેની મૂળ ખરાબ પ્રકૃતિ જેવું થઇ જાય. તમારા માટે યોગનું  સર્જન કરે. સામે ચાલીને જે મળવાનું હોય તે આવીને ઉભું રહે. બીજાને જન્મો નીકળી જાય પણ તમારામાં તે ભૌતિક કે આદ્યાત્મિક પ્રાપ્તિ સહજ લાગે. પણ હકીકતમાં તેવું નથી હોતું. તમે આજીવન અને અગાઉના જન્મો (શ્રદ્ધા હોય તો) ખુબ જ સૂક્ષ્મ દુનિયાને પ્રસન્નતા આપીને અને લોખંડમાંથી સોનુ બને તેવી અગ્નિમાંથી પસાર થયા હો તેમ રહ્યા હશો તેનું આ ફળ છે. શ્રદ્ધા, સબૂરી, શરણાગત ભાવ પાયાની શરત છે. ભગવાન કે સદ્દ ગુરુ  જોડે વાતો કરો. તેને બધું જણાવો. નરસિંહ મહેતાને મદદ કરવા ભગવાન કૃષ્ણએ જુદી જુદી વ્યકતિઓના હૃદયમાં વસીને કે  માણસ જેવા જ  સ્વરૂપે હાજર રહીને તેમની  આબરૂ બચાવી મદદ કરી હતી.

રંગ અવધૂત કહે છે 'ભક્તને મદદ કરવા માટે ભગવાન એક સાથે આઠ સ્વરૂપ અરૂપ બનીને પણ લઇ શકે છે. અડધી રાત્રે અકસ્માતમાં સુમસામ જગ્યા પર બેભાન અને ઘાયલને હોસ્પિટલ મૂકી આવનાર સાવ અજાણ્યા  માણસોને આપણે ફરિશ્તા જ કહીએ છીએ ને.

'લાલો' ફિલ્મમાં દારૂડિયા લાલાને  જે પિતા અને વેવાઈ ધિક્કારતા હોય છે તેઓને અચાનક લાલા માટે સહાનુભૂતિ અને પ્રેમ પ્રગટે છે. કોઈ સાંસદનો ફોન પોલીસ પર કરાવે છે અને અત્યાર સુધી ઉદ્ધત રીતે વર્તતી પોલીસ પણ લાલાને શોધવા દોડતી થાય છે. પિતા અને વેવાઈ દારૂડિયા મિત્રોને પણ ખખડાવી દે છે.

લાલાની પત્ની તેની પુત્રી સાથે દૂધમાં ઝેરી ગોળી ઘોળીને આત્મહત્યા કરવા તૈયાર છે પણ પુત્રી આ વખતે જ દૂધ પીવાની ધરાર ના પાડે છે. શા માટે? પછી તેઓ કૃષ્ણ નૃત્યનો કાર્યક્રમ જોવા જાય છે અને લાલાની પત્ની એ હદે કૃષ્ણના પાત્રમાં જ કૃષ્ણ જુએ છે અને સંપૂર્ણ શરણાગતિ અને વિવેશતા સાથે તેને મુશ્કેલીમાંથી બહાર લાવવા આક્રંદ કરે છે કે ભગવાન પણ તેને શરણે આવેલને મદદ કરવા લાચાર બને છે. આમ બીજાને મુક્ત કરવાની આપણી પ્રાર્થના પણ સંભળાતી હોય છે.

..અને હા લાલાને બંધ ઓરડામાં પુરવો ઈશ્વરને જરૂરી લાગ્યુ. તો જ દારૂ માટે તરસતો લાલો પાણીની એક બુંદ માટે તરસે ને. અગ્નિ પરીક્ષા તો આપવી જ પડે. સજા ભોગવવી જ પડે.

ઘણાં લોકો જેમનું જીવન ભૌતિક અને તેના કરતા પણ વિશેષ આધ્યાત્મિક રીતે ઉન્નત અને સુખી હોય છે તેઓને પ્રશ્ન પૂછતાં હોય છે કે 'ક્યા ભગવાનને કે ગુરુને ભજો છો. કયો મંત્ર બોલો છો અમને તો કહો.' 

આનું રહસ્ય સાવ સાદું છે. નિષ્ઠાથી કામ કરતી વ્યક્તિ વધુ પામે છે. તમે સંતાન તરીકે તમારા વડીલોનું દિલ જીતતું જીવન જીવો એટલે વડીલ તમારા પર પ્રસન્ન રહેશે. આદર્શ વિદ્યાર્થી બનીને રહો તો શિક્ષકના વધુ પ્રીતિપાત્ર બની જ્ઞાન પ્રાપ્ત કરશો. નિષ્ઠાવાન કર્મચારી પર શેઠ રિઝે, પરિવારની કાળજી રાખનાર પર પરિવાર ભાવુક હોય.

આપણે ભગવાન કે ગુરુ પાસેથી બધા પ્રકારનું સુખ જોઈએ છીએ પણ તેઓ પણ રિઝી ઉઠે કે 'વાહ કળિયુગમાં પણ આવા પાવન અને દિવ્ય આત્મા છે.' પ્રસન્નતા કે  ખરા આશીર્વાદ તે ખુશામતનો બદલો નથી પણ સહજ રીતે ભગવાન અને ગુરુના હૃદયમાંથી વહેતુ ઝરણું છે. આશીર્વાદ તો ઉમદા વ્યક્તિ  આપણને પગે ન લાગે તો પણ આપણામાંથી સૂક્ષ્મ રીતે નીકળતા હોય છે. એટલે જ કહેવાય છે કે ઘડિયાળના કાંટે થઇ જતી પૂજા પછી આપણે અગાઉના વર્ષો જેવા જ છીએ કે પરિવર્તન આવ્યું છે.

જીવનમાં પ્રસન્નતા કે સુખદ પળો વન વે માંગવાથી નથી મળતી આપણી પાત્રતા પણ કેળવવી પડતી હોય છે. આ નેક જીવનનો  દિવ્ય દીવો અવિરત પ્રગટેલ રહે  પછી પ્રકૃતિ જોડે આપણે લયમાં આવતા હોઈએ છીએ.

જ્ઞાન પોસ્ટ 

'લાલો' ફિલ્મ તો તમામ દર્શકોને ગમી છે. પણ આપણે  આત્મદર્શન કરવાનું છે કે આપણે  બદલાયા કે નહીં.. તે માટેની પ્રક્રિયા પ્રારંભી ખરી.