Get The App

ગ્રીનલેન્ડને 'ખરીદવા' નીકળેલા ટ્રમ્પ સામે યુરોપની લાલ આંખ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીનલેન્ડને 'ખરીદવા' નીકળેલા ટ્રમ્પ સામે યુરોપની લાલ આંખ 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ચીન અને રશિયા જેવી શક્તિઓ તરફથી વધતા ખતરાનો સામનો કરવા માટે અમેરિકાએ વિશ્વના સૌથી મોટા ટાપુ પર નિયંત્રણ જાળવી રાખવું જોઈએ

- પ્રખર લોકશાહી દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકાએક સરમુખત્યારની જેમ વર્તે છે, તેમના નેતૃત્વ હેઠળ નવા સામ્રાજ્યવાદનો ઉદય થઈ રહ્યો છે

યુ એસ પ્રમુખ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની લાંબા સમયથી ચાલતી યોજનાએ યુરોપમાં નવી ચિંતા  અને દહેશત  ઉભી કરી છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને જરા ધીરજ રાખવા વિનંતી કરી છે. ટ્રમ્પ કહે છે કે ચીન અને રશિયા તરફથી વધતા જોખમો વચ્ચે યુએસને આ વ્યૂહાત્મક ટાપુ પર નિયંત્રણની જરૂર છે, જ્યારે યુરોપિયન નેતાઓ તેને નાટો અને સાર્વભૌમત્વ માટે ખતરા તરીકે જુએ છે. 

છ વર્ષ પૂર્વે   ટ્રમ્પે દુનિયાનો સૌથી મોટો હરિયાળો ટાપુ ગ્રીનલેન્ડ ખરીદવાની દિશામાં શક્યતા ચકાસવા સલાહકારોને જણાવ્યું હતું.  પ્રમુખ પદની પહેલી ટર્મમાં જ  ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે ગ્રીનલેન્ડ ખરીદવાની ચર્ચા કરી હતી, શરૂઆતમાં બધાને લાગ્યું હતું કે ટ્રમ્પ તેમની આદત પ્રમાણે મશ્કરી કરી રહ્યા છે, પરંતુ તેમણે આ બાબતે ગંભીરતાથી વિચારવાનું જણાવ્યું હતું.

જો કે તે વખતે  ડેનમાર્કે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું, પરંતુ પૂર્વ વડાપ્રધાન અને સાંસદ લાર્સ લોક્કેએ આ વિચારને હાસ્યાસ્પદ અને પાગલપન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પનો આ વિચાર માત્ર તુક્કો છે. એ દિશામાં કશું જ થવાનું નથી.

યુએસ પ્રમુખ ટ્રમ્પનો ડેનમાર્કના સ્વ-શાસિત પ્રદેશ અને વ્યૂહાત્મક રીતે આક્ટકમાં સ્થિત ગ્રીનલેન્ડને હસ્તગત કરવાનો ઇરાદો નવો નથી. વધુમાં, વેનેઝુએલા સામે ટ્રમ્પની કાર્યવાહી અને ત્યારબાદ પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડથી આ ઇચ્છા વધુ તીવ્ર બની છે. ટ્રમ્પે એ વાતની નોંધ લીધી છે કે એક સ્વતંત્ર દેશ  વેનેઝુએલાના  વડાને રાતોરાત પકડીને અમેરિકા ઉઠાવી ગયા છતાં દુનિયામાં ક્યાંય વિરોધ નથી થયો. યુનોથી લઈને અનેક યુરોપિયન દેશોએ ટ્રમ્પના આ બદમાશીભર્યા પગલાંનો માત્ર દેખાડા પૂરતો વિરોધ કર્યો છે. 

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ચીન અને રશિયા જેવી શક્તિઓ તરફથી વધતા ખતરાનો સામનો કરવા માટે અમેરિકાએ વિશ્વના સૌથી મોટા ટાપુ પર નિયંત્રણ જાળવી રાખવું જોઈએ. 

એ નોંધવું જોઈએ કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળથી ગ્રીનલેન્ડ ખરીદવાની વાત કરી રહ્યા છે. આ યોજનાથી નાટો અને યુરોપિયન દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને ચેતવણી આપી હતી કે જો અમેરિકા ગ્રીનલેન્ડને જોડવાનો પ્રયાસ કરશે, તો તે નાટોનો અંત હશે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન અને યુકેએ પણ નિવેદનો જારી કરીને દાવો કર્યો હતો કે ગ્રીનલેન્ડ ત્યાં વસતા સ્થાનિક લોકોનું છે.

જોકે ગયા વર્ષે, ડેનિશ સંસદે યુએસ લશ્કરી થાણાઓને મંજૂરી આપી હતી, ૨૦૨૩ માં બિડેન વહીવટીતંત્ર સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, જો યુએસ ગ્રીનલેન્ડને જોડવાનો પ્રયાસ કરે,   તો ડેનમાર્ક તેને રદ કરી શકે છે.

ફ્રેન્ચ વિદેશ પ્રધાન જીન-નોએલ બેરોટે કહ્યું કે રુબિયોએ તેમને કહ્યું હતું કે  અમેરિકા  વેનેઝુએલા જેવી ગ્રીનલેન્ડ સામે લશ્કરી કાર્યવાહી નહીં કરે. નોંધપાત્ર રીતે, મોટાભાગના રિપબ્લિકન લોકોએ ટ્રમ્પના નિવેદનને ટેકો આપ્યો હતો, પરંતુ બંને પક્ષોના કેટલાક યુએસ કાનૂન નિષ્ણાતો અને સેનેટરોએ તેની ટીકા કરી હતી. તેઓએ કહ્યું હતું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને યુએસએ ડેનમાર્કની સાર્વભૌમત્વનો આદર કરવો જોઈએ.

હકીકત એ છે કે છેલ્લા કેટલાંક  વર્ષોથી  ક્લાયમેટ  ચેન્જના પ્રતાપે આર્કટિક વિસ્તારમાં નવા દરિયાઈ  માર્ગો ખુલા થયા છે. રશિયા અને  ચીનના જહાજો  પણ આ વિસ્તારમાં   (ગ્રીન લેન્ડ નજીક) અવારનવાર દેખાય છે.

આમ તો છેક શીતયુદ્ધના સમયથી  અમેરિકાના ૧૦,૦૦૦ સૈનિકો  ગ્રીનલેન્ડમાં   ધામા નાંખીને  રહે છે. ૧૯૫૧માં   અમેરિકા અને ગ્રીનલેન્ડ વચ્ચે થયેલા કરાર મુજબ  આ ટાપુ  પ્રદેશના  સંરક્ષણનું   બહાનું  આગળ ધરી   અમેરિકાએ  ગ્રીનલેન્ડમાં તંબુ તાણ્યા છે.  હાલમાં પીટુફીક બેઝ ખાતે અમેરિકાનું  સૌથી  મોટું મિલીટરી   થાણું છે.  મિસાઈલ  બેટરીઝ, રડાર સિસ્ટમ  સાથે ફુલપ્રૂફ યંત્રણા  અમેરિકાએ ગોઠવી છે.  એ જોતા ગ્રીનલેન્ડ પર કબ્જો  જમાવતા અમેરિકાને લગીરે વાર લાગવાની નથી.  ફક્ત ગ્રીનલેન્ડની  રાજધાની  નુકમાં બેસતી  સ્થાનિક સરકારને  ઉથલાવવાની જ વાર છે.

૧૯૪૬માં  જર્મનીએ  ડેન્માર્ક  પર હુમલોકર્યો ત્યારે અમેરિકાએ  ગ્રીનલેન્ડના   સંરક્ષણની  જવાબદારી ઉઠાવી હતી.  અને ત્યારથી આ ટાપુ પર  અમેરિકન સોલ્જર્સની  હાજરી છે. એ દરમિયાનમાં જ યુ.એસ. પ્રમુખ  હેરી ટ્રુમેનેે ૧૦૦  મિલિયન  ડોલરનું સોનું આપીને  ગ્રીનલેન્ડ  ખરીદી લેવાની  ઓફર કરી હતી.  પરંતુ ડેન્માર્કની સરકારે આ પ્રપોઝલ   ઠુકરાવ્યો હતો.   ૨૦૧૯માં  અને  છેલ્લે ૨૦૨૪માં ડોનાલ્ડ ટ્રમ્પે   ફરી આ ટાપુ ખરીદવાનો રસ  દાખવ્યો હતો.  પરંતુ તેની  દાળ ગળી ન હતી. 

આ તરફ ૬૦  લાખની વસતિ ધરાવતા ડેન્માર્કનું સૈન્યબળ  ૧૬,૬૦૦   નું  છે.  પોતાના રક્ષણ  માટે ડેન્માર્ક  નાટોના  સભ્ય દેશો પર નિર્ભર છે. એ જોતાં   અમેરિકા માટે ગ્રીનલેન્ડ પર કબજો  કરવાનું મુશ્કેલ નહીં હોય.

ડેનમાર્ક એક સુખી દેશ છે. સત્તર હજાર માઈલનું ક્ષેત્રફળ અને આશરે સાઠ લાખની વસતિ ધરાવતો યુરોપનો આ દેશ ઉત્તર અટલાંટિકમાં આવેલા ફેરો આઈલેંડ અને ઉત્તર ધુ્રવ નજીક આવેલા ગ્રીનલેંડ ઉપર કબજો ધરાવે છે. સામાન્ય રીતે શાસક રાષ્ટ્ર અને સંસ્થાનની પ્રજા વચ્ચે સંઘર્ષ ચાલતો હોય છે, પણ ફેરો આઈલેંડ કે ગ્રીનલેંડ સાથે ડેનમાર્ક એવો ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે કે ત્યાંની પ્રજા ડેનમાર્ક સાથે સમરસ થઈ ગઈ છે. ડેનમાર્ક આ પ્રદેશોને સંસ્થાન તરીકે નહિ પણ ડેનમાર્કના દરિયા પારના પ્રદેશો ગણે છે.

સાત દાયકા પૂર્વે પોર્ટુગલના જુલ્મી સરમુખત્યાર સાલાઝારે ગોવાને પણ પોર્ટુગલના દરિયા પારના પ્રદેશ તરીકે ગણાવ્યું હતું પણ ત્યાંની પ્રજા સાથે તેનો વર્તાવ માલિક જેવો હતો એટલે ગોવાની પ્રજાએ મુક્તિ માટે ચળવળ કરીને સંસ્થાનવાદી સરકારને ઉખેડી નાખી. ગ્રીનલેંડ અને ફેરો આઇલેંડની પ્રજા ડેનમાર્કથી છૂટા થવાની સાફ ના પાડે છે.

ફેરો આઈલેંડનો ૫૪૦ માઈલનું ક્ષેત્રફળ ધરાવતો તેમ જ ફક્ત આડત્રીસ હજારની વસતિ ધરાવતો નાનો ટાપુ છે અને ત્યાંની પ્રજામાં મુખ્યત્વે અસલ ડેનમાર્કના જ વતનીઓ છે.

ગ્રીનલેંડ એક જબરજસ્ત અને વિશાળ ટાપુ છે. તેનું ક્ષેત્રફળ સાડા આઠ લાખ માઈલ છે. ૮૦ટકા  પ્રદેશ બરફાચ્છાદિત રેગીસ્તાનથી છવાયેલો છે. વસ્તી કિનારાના અમુક પ્રદેશો પૂરતી મર્યાદિત છે અને તેની સંખ્યા માંડ ૫૭૦૦૦  હજારની છે.

ઈ.સ. ૯૮૨માં એરિક ઘરેડ નામના જહાજીએ ગ્રીનલેંડ (હરિયાળી ધરતી) શોધી કાઢયો હતો. અને આવું રૂપકડું નામ એ આશયથી આપ્યું હતું કે તેનાથી આકર્ષાઈને  નજીકના દેશવાસીઓ આ ધરતી ઉપર વસાહત કરવા માટે ધસી આવશે. પણ એ આશા ઠગારી નીવડી અને આજેય ગ્રીનલેંડમાં બહુ પાંખી વસતિ છે, જેમાં ડેનમાર્કના દશેક હજાર લોકો અને બાકીના મિશ્રવણી છે. અસલ એસ્કીમો જાતિના લોકોની સંખ્યા તો હજારથીયે ઓછી રહી છે.

અહીંનું તંત્ર સ્થાનિક સ્વરાજ ભોગવે છે, પણ આખરી અવાજ તો બે હજાર માઈલ છેટે ડેનમાર્ક સ્થિત સરકાર અને તેની રાણીનોજ  ગણાય છે, કારણ કે ડેનમાર્ક અહીંના લોકોની સુખાકારી તેમજ આધુનિક  જીવનધોરણ  નિભાવવા માટે દર વર્ષે પચીસ કરોડ ડોલરની મદદ કરે છે. સ્થાનિક લોકો પાસે મચ્છીમારી સિવાય ભાગ્યે જ કોઈ ઉદ્યોગ છે. થોડા ટુરિસ્ટો આવે છે તેમને માટે  તેના પાટનગરમાં રડીખડી હોટલો છે જે ડેનિશ લોકો ચલાવે છે. ડેનિશ લોકો પૈકીના મોટા ભાગના લોકો વહીવટીતંત્રમાં છે. તે ઉપરાંત ટેકનિશિયન, શિક્ષક અને હોટેલવાળા તરીકે તેઓ નિર્વાહ ચલાવે છે.

આટલી પાંખી વસતિમાંયે રાજકારણના રંગો મોજૂદ છે. મધ્યમાર્ગી સમાજવાદીઓનું ત્યાં વર્ચસ્વ છે. એક માકર્સીસ્ટ પાર્ટી પણ છે, જેને ભાગ્યે જ લોકોનો ટેકો મળે છે. એ સિવાય ડાબેરી ઝોકવાળા થોડા બોલકણાઓએ ચૂંટણીમાં ઝુકાવ્યું તો હતું પણ તેઓ સાફ થઈ ગયા. સંપૂર્ણ સ્વરાજની તેમની માગણી ત્યાંના લોકોએ સ્વીકારી નહિ.

ત્યાંની સમાજવાદી અને રૂઢિચુસ્ત જણાતી પાર્ટીઓ જાણે છે કે સંપૂર્ણ સ્વરાજ તેમના હિતમાં નથી. તેમ જ ડેનમાર્ક તે સ્વીકારે પણ નહીં તેથી ડેનમાર્કની સાથે રહીને જ પ્રગતિ કરવામાં તેમનું ભલું છે એવો તેમનો મત છે.

ડેનમાર્ક ગ્રીનલેંડમાં લોકોને ઊંચા જીવનધોરણની બક્ષિસ આપી એટલે ત્યાંની પ્રજા શરાબને રવાડે ચડી ગઈ છે. યુરોપના લોકો કરતાં ત્યાં સરેરાશ બેવડી માત્રામાં એટલે કે માથાદીઠ વાર્ષિક પાંચ ગેલન જેટલો શુદ્ધ દારૂનો વપરાશ છે. પરિણામે દાયકા પૂર્વે ત્યાં દારૂની માપબંધી દાખલ કરવી પડી હતી.

ગ્રીનલેન્ડની વસતિમાં પણ વધારો થતો નથી કારણ કે કુટુંબનિયોજન ત્યાં અમલમાં છે. જન્મ પ્રમાણ નીચું છે અને ગર્ભપાતની છૂટ છે. આવો અજાયબ પ્રદેશ ગ્રીનલેન્ડ ભારતવાસીઓને આકર્ષક નહીં લાગે. ઉનાળામાં ત્યાં સતત છ માસ સુધી સૂર્ય આથમતો નથી, પરંતુ સૂર્યના કિરણો ઘણાં ત્રાંસાં પડે છે કારણ કે તે ઉત્તર ધુ્રવની નજીક છે. એટલે તે બરફ ઓગાળી શકતાં નથી અને ઠંડીનું પ્રમાણ ઘણું ઊંચુ હોય છે. શિયાળામાં જ્યારે છ માસ લાંબી રાત્રીનો અંધકાર છવાઈ જાય છે ત્યારે એ પ્રદેશમાં ઉષ્ણતામાન શૂન્યથી ચાલીસ ડિગ્રી નીચું ઊતરી જાય છે.

મજાની વાત એ છે કે૩૦૦ વર્ષથી ડેનમાર્કના કબજામાં રહેલા આ સંસ્થાનમાં ક્યારેય શાસકો સામે ચળવળ થઈ નથી અને ડેનમાર્કે ક્યારેય ત્યાં કોઈના ઉપર ગોળી ચલાવી નથી. આટલા વર્ષો બાદ હવે જે ચળવળ ચાલે છે તે ય સ્થાનિક ભાષા અને તંત્ર સ્વહસ્તક લઈને પોતાની સંસ્કૃતિ તથા સંસ્કાર જાળવી રાખવા માટેની છે અને આ પ્રક્રિયામાં ડેનમાર્કે ભારે સહકારપૂર્વક સ્થાનિક પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી લીધો છે.

હવે અમેરિકાને ગ્રીનલેન્ડ પર આધિપત્ય જમાવવાનું જોર કેમ ચઢ્યું છે તે સમજવા જેવું છે. આર્કટિક અને એટલાન્ટિક મહાસાગર વચ્ચે આવેલો ગ્રીનલેન્ડ ડેન્માર્કનાં આધિપત્ય હેઠળનો સ્વાયત્ત ટાપુ વિસ્તાર છે. દુનિયાના સૌથી મોટા ટાપુ વિસ્તારના નાગરિકો પણ ડેન્માર્ક અને યુરોપિયન યુનિયનનું નાગરિકત્વ ધરાવે છે. આ વિસ્તાર તેની કુલ આવકનો અડધોઅડધ હિસ્સો ડેન્માર્ક પાસેથી સહાયતાનાં સ્વરૂપમાં મેળવે છે. ૨૧,૬૬,૦૮૬ ચો. કિ.મી. ધરાવતા આ ટાપુની ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ માત્ર ૫૬,૫૮૩ની કુલ વસ્તી હતી.

આ વખતે ૨૦૧૯માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના વડાપ્રધાન કિમ કેઈલસેન, ડેન્માર્કના વડાપ્રધાન મેટે ફેડ્રીક્સેન સહિતના ટોચના નેતાઓને ફરીવાર આવી ખરીદીને ઓફર આપી હતી, પણ તેમની આ ઓફરને હાસ્યાસ્પદ ગણાવી કહી દેવાયું હતું કે ગ્રીનલેન્ડ વેચાઉ નથી. 

ગ્રીનલેન્ડ ખરીદવાની પોતાની ઓફર નકારી કઢાતાં ટ્રમ્પ તેમની પ્રકૃતિ મુજબ નારાજ થઈ ગયા હતા. તેમણે ઓગસ્ટ - ૨૦૧૯માં તેમની ડેન્માર્કની સત્તાવાર યાત્રા પણ રદ કરી નાખી હતી. જો કે, ડેન્માર્કે અમેરિકાની નારાજગી દૂર કરવા તેની સાથે વધુ મજબૂત સહકારની તૈયારી બતાવી હતી. આર્કટિક વિસ્તારમાં અમેરિકાની નીતિને સહયોગ આપવાનાં ડેન્માર્કનાં વલણ બાદ ટ્રમ્પ સરકારનો રોષ ઠંડો પડયો હતો, પણ ગ્રીનલેન્ડ તો હજી વિસરાયો નથી.

નધણિયાતા એવા આ વ્યૂહાત્મક ટાપુના નાગરિકોને રશિયા અને ચીન પોતાનામાં ભેળવવા રાજી કરી  શકે એવી ભીતિ પણ અમેરિકાને છે. રશિયા ગ્રીનલેન્ડ પર કબજો જમાવી લે તો અમેરિકાની સામે અને યુરોપની સામે મોટો પડકાર ઊભો થઈ શકે તેમ છે. અમેરિકા માને છે કે ગ્રીનલેન્ડ, આઈલેન્ડ અને યુકેના દરિયાઈ ગેપને નિયંત્રણમાં રાખવો અનિવાર્ય છે. આ ટાપુ પર પોતાનું આધિપત્ય હોય તો અમેરિકાના કાંઠા સુધી દુશ્મન દેશોનાં નૌકાદળની પહોંચને રોકી શકાય એવી ટ્રમ્પ વહીવટતંત્રની ગણતરી છે. વળી, આ ટાપુ પર પોતાનાં અવકાશ મથકની સુવિધા ધરાવતું અમેરિકા ગ્રીનલેન્ડમાં ફાઈટર વિમાનો અને લાંબાં અંતરની મિસાઈલો પણ તૈનાત કરવા ધારે છે.

ગ્રીનલેન્ડનાં જમીન અને દરિયાઈ પેટાળમાં લગભગ ૧૭.૫ અબજ બેરલ ક્રૂડ તેલ અને ૪.૧૯ ટ્રિલિયન ઘનમીટર કુદરતી ગેસનો ભંડાર છે. 

એમ કહી શકાય કે ગ્રીનલેન્ડ ખનીજ સમૃદ્ધ ક્ષેત્ર છે. અહી સોનુ, નિકલ, કોબાલ્ટ જેવા પરંપરાગત સંસાધનોથી ભરેલા મોટા ભંડાર ઉપરાંત પ્રેજોડિયમ, ડિસ્પ્રોસિયમ, નિયોડિમિયમ અને ટેરબિયમ જેવા દુર્લભ ખનીજોનો ભંડાર પણ છે. ગ્રીનલેન્ડમાં ૩૪ રેર અર્થ મિનરલ્સમાંથી ૨૩ છે. ઉલ્લેખનીય છે કે રેર અર્થનો ઉપયોગ ઇલેક્ટ્રિક ગાડીઓમાં પરમેનન્ટ મેગ્નેટ અને વિન્ડ મિલમાં ઉપયોગ થાય છે. ગ્રીનલેન્ડ પછી સૌથી વધુ દુર્લભ ખનીજો ચીનમાં મળે છે અને તેના વૈશ્વિક પુરવઠા પર ચીનનું નિયંત્રણ છે. અમેરિકા હવે રેર અર્થમાં ચીનનો દબદબો ખતમ કરવા માંગે છે અને પોતે આગળ રહેવા આતુર છે. ચીનની કેટલીય કંપનીઓ ગ્રીનલેન્ડના ખનીજ ક્ષેત્રમાં હિસ્સેદારી ધરાવે છે, જે ૧૧ ટકા જેટલી છે. 

૨૦૨૪ની નાતાલની પૂર્વસંધ્યાએ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે  ગ્રીનલેન્ડની માલિકી અને આધિપત્ય અમેરિકા માટે અનિવાર્ય છે. તેમનાં આ સંબોધન બાદ તેમના પુત્ર ગ્રીનલેન્ડની મુલાકાત પણ લીધી હતી. જો કે, ત્યાંના નાગરિકોએ તેમની સામે વિરોધ નોંધાવ્યો હતો. ટ્રમ્પે તે પછી પોતાની વાતનો અસ્વીકાર થાય તો ડેન્માર્કની સામે ભારે ટેરિફ લાદવા સહિતની ધમકી પણ આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિને ગ્રીનલેન્ડને હસ્તગત કરવા બળપ્રયોગની શકયતા પણ નકારી નથી. તેમણે એમ પણ જાહેર કર્યું છે કે ગ્રીનલેન્ડના નાગરિકો અમેરિકન બનવા તૈયાર છે.

હાલમાં  ગ્રીનલેન્ડના નાગરિકોમાંથી  ૫૬ ટકા ડેન્માર્કથી   સ્વતંત્ર  થવા  માગે છે.  આવામાં મુત્સદ્દીગીરી વાપરીને  અમેરિકા અહીંના નાગરિકોને અમેરિકાની  સીટીઝનશીપ આપી દેતો આપોઆપ આ દેશ યુએસએનો  હિસ્સો  બની જાય.  તાજેતરમાં જ ટ્રમ્પે ગ્રીનલેન્ડના પ્રત્યેક નાગરિકને એક લાખ ડોલર આપવાની ઓફર કરી છે. અત્રે એ  વાતની પણ નોંધ લેવી ઘટે કે ન્યૂયોર્કના  રિયલ એસ્ટેટ  ડેવલપર  અને અર્થશાસ્ત્રી  ડેવિડબેકરે ગયા વર્ષે  ગ્રીનલેન્ડ ટાપુ ખરીદી લેવા અમેરિકાએ ૧૨.૫ અબજ  થી ૮૦ અબજ ડોલર  જેવી રકમ ચૂકવવી પડે એવો અંદાજ મૂક્યો હતો.

અમેરિકાની લોભામણી જાહેરાતોથી ગ્રીનલેન્ડનો એક વર્ગ ડેન્માર્કથી છેડો ફાડવા તૈયાર છે, પણ ડેન્માર્કે પણ હવે ગ્રીનલેન્ડને આથક મદદમાં સારો એવો વધારો કર્યો છે, પણ અમેરિકાની સામે તેના પ્રયાસ વામણા સાબિત થઈ રહ્યા છે. 

ટ્રમ્પે  ગ્રીનલેન્ડ બાબત  બખાળા  કાડયા  બાદ આઠ યુરોપિયન  દેશોએ  ડેન્માર્ક  અને ગ્રીનલેન્ડનું  સમર્થન કર્યું  હતું. ફ્રાન્સ, જર્મની,  ઈટાલી, પોલેન્ડ, સ્પેન, ડેન્માર્ક અને બ્રિટનનાં નેતાઓએ  એક સંયુક્ત  નિવેદન જાહેર કરીને  ટ્રમ્પની  યોજનાની   નિંદા કરી હતી.

ભૂરાટા થયેલા ટ્રમ્પ વારંવાર એક જ વાત ઉચ્ચારે છે  કે સંસાધનોથી  ભરપૂર આર્કટિક પ્રદેશ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ  રાખવાની જરૂર છે. અમેરિકાને રાષ્ટ્રીય  સુરક્ષાના  દ્રષ્ટિકોણથી  ગ્રીનલેન્ડની જરૂર છે.  ડેન્માર્ક  નાનો દેશ છે એકલે હાથે ગ્રીનલેન્ડની  સુરક્ષા  જાળવી શકશે નહીં.

જો કે ટ્રમ્પની આ બયાનબાજી  બાદ ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે  ફ્રેડરિક્સેને   પ્રતિક્રિયા  આપતા કહ્યું હતું કે  અમેરિકા  ધમકી આપવાનું  બંધ કરે.

અમેરિકાને ડેનિશ રાજ્યના  ત્રણ (ડેન્માર્કની  મુખ્ય ભૂમિ અને  એના ટાપુઓ, ફેરો ટાપુઓ અને ગ્રીનલેન્ડ)માંથી  કોઈપણ દેશને  એની સાથે  જોડવાનો કોઈ અધિકાર નથી.

ગ્રીનલેન્ડ પર હુમલો કરવાની ટ્રમ્પની યોજના પર અમેરિકન મિલિટરી જનરલોએ પાણી ફેરવી દીધું છે. ગયા સોમવારે ટ્રમ્પે જ્યારે ટોચના સૈન્ય અધિકારીઓને ગ્રીનલેન્ડને સકંજામાં લેવાની યોજના તૈયાર કરવા કહ્યું ત્યારે તમામ અફસરે એમ કરવાની ના પાડી દીધી. બીજી તરફ યુરોપિયન સંગઠને પણ પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ચીમકી આપી છે કે ગ્રીનલેન્ડ પર હુમલો થશે તો અમે યુરોપમાંની તમામ અમેરિકન કંપનીઓ અને બેન્કોની કામગીરી અટકાવશું. જરૂર પડે પ્રતિબંધ મૂકી દઈશું.

બીજી તરફ યુરોપના ત્રણ સૌથી મોટા દેશ ફ્રાંસ, બ્રિટન અને જર્મનીએ ગ્રીનલેન્ડના સંરક્ષણ માટે પોતાના સૈન્ય મોકલવાની તૈયારી બતાવી છે.

ટ્રમ્પે  અમેરિકન  મતદારોને  સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મને કોઈની  પરવાનગી   કે કાયદાને અનુસરવાની  જરૂર નથી. જો કે  ગ્રીનલેન્ડ પર હુમલો  કરવા માટે પ્રમુખ ટ્રમ્પે  કોંગ્રેસની મંજૂરી લેવી જરૂરી  હોય છે.  જેની ચૂંટણી  આ વર્ષના નવેમ્બર મહિનામાં  યોજાવાની  છે. અને  એ પહેલા ડોનાલ્ડ  ટ્રમ્પ ધમપછાડા, નવા- જૂની  કરતા રહેશે એ વાત એકદમ સ્પષ્ટ છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે ટ્રમ્પ ગ્રીનલેન્ડને પચાવી પાડવા સૈન્ય કાર્યવાહી કરશે તો નાટો સંગઠન પડી ભાંગશે. આ પહેલાં ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર સંઘને પણ સાવ પાંગળી બનાવી દીધી છે. મોટી મોકાણ એ છે કે નાટો નિરર્થક બની જાય તો તમામ નાના-મોટા યુરોપિયન દેશોએ પોતાના સંરક્ષણ માટે આત્મ નિર્ભર બનવું પડશે.