Get The App

પતંગ આત્મા છે, પવન પરમાત્મા છે

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
પતંગ આત્મા છે, પવન પરમાત્મા છે 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- ભારતીય સંસ્કૃતિ એના તહેવારોને કારણે જગતમાં સૌથી વધારે આકર્ષક છે. દિવાળી, હોળી, નવરાત્રિ, વિજયાદશમીની જેમ ઉત્તરાયણનું મહત્વ પણ અનોખું છે

ભા રતીય સંસ્કૃતિ એના તહેવારોને કારણે જગતમાં સૌથી વધારે આકર્ષક છે. દિવાળી, હોળી, નવરાત્રિ, વિજયાદશમીની જેમ ઉત્તરાયણનું મહત્વ પણ અનોખું છે. ઉત્તરાયણના દિવસે પુણ્યકર્મ કરવાનો મોટો મહિમા છે. ગાયોને તૃપ્ત કરવાની ભાવના ભારતીયોમાં તીવ્રપણે ઉત્તરાયણના દિવસે હોય છે. સંક્રમણનો અર્થ ઓળંગવું. ઋતુ જ બદલાતી નથી, જીવનનો રંગ પણ બદલાય છે. આત્મા પરમાત્મા તરફ ગતિ કરે છે.

ઉત્તરાયણને પતંગ સાથે સંબંધ હોય છે. પતંગ એટલે આકાશની શોભા. ધરતી ઉપરની રમતો કરતાં આકાશી રમતમાં પતંગનું સ્થાન છે. પતંગો આકાશમાં ક્રૌંચપક્ષીની જેમ ઉડ્ડયન કરતા હોય છે.  સૂક્ષ્મ રીતે મનુષ્ય જે કલ્પનાઓ કરે એવી જ કલ્પનાઓનું મૂર્તરૂપ એટલે પતંગ. એ પતંગમાં વૈવિધ્ય હોય, કલ્પના જેવું જ. એ પતંગ રંગીન હોય કલ્પના જેવા જ. કલ્પનાને વાસ્તવની દોરી સાથે બાંધવામાં આવે. એ જ્યાં સુધી દોરીના વશમાં હોય ત્યાં સુધી મનઘડંત આનંદ આપે, પણ જો એ દોરીની હદમાંથી નીકળી જાય તો કોરી કલ્પનાને આકાશ પણ સંઘરતું નથી. પતંગ દોરીના કાબૂ હેઠળ હોય, તો ઝાડ પહાડને ઓળંગી શકે, છેક વાદળને સ્પર્શી શકે. એ આકાશમાં મનની ઇચ્છા પ્રમાણે રમાડી શકાય. આકાશ એ મનના અવકાશનું પ્રતિબિંબ છે. એમાં અનેક પ્રકારના પતંગ પરસ્પર સંવાદ રચે, ક્યારેક એ પેચ પણ લડે. એ પેચમાં કોઈક કલ્પના વિજયી બને તો કોઈક પરાજિત પણ થાય. પતંગની કિંમત તો બહુ હોતી નથી, પણ એમાંથી મળતા આનંદનું મૂલ્ય આંકી શકાતું નથી. આનંદ તો અનેક રીતે પ્રાપ્ત થાય, પણ ઉમંગે મઢ્યો આનંદ તો સાહસની સાથે સાયુજ્ય રચીને પ્રાપ્ત થતો હોય છે. પતંગની સ્થિતિ ચા જેવી છે. ચા ને બે લિંગ છે. ચા કેવી અને ચા કેવો એમ બંને કહેવાય. એમ પતંગ પણ કેવો અને પતંગ કેવી એમ ઉભયલિંગી સંજ્ઞા છે. 

ઉત્તરાયણને કારણે દયા, ધરમ, પુણ્ય જેવા શબ્દોના સંસ્કાર કાને પડેલા અને આંખે ચઢેલા તે આજેય સચવાયા છે. ખૂબ મોટી પતંગને 'ઢાલ' કહે અને કોકને 'બગલો' પણ કહેતા. તો કોક આંખોવાળી તો કોક નાની ફુદી... રાત્રે ઊડે તે 'તુક્કલ'. દોરીમાં સાંકળ આઠનો ભારે મહિમા. પતંગનું કામણ સૌથી વધુ બાળકોનાં ચિત્તને હોય છે. બાળકો એની રમતમાં ખાવાપીનાનું વિસારે પાડી દેતા હોય છે. વહેલી સવારથી બાળકો ધાબે પહોંચી જતાં હોય છે. ધાબું એ ઊંચાઈનું પ્રતિક છે. ઉત્સાહ એ પણ ઊંચે ને ઊંચે લઈ જતો હોય છે. મૂળ સ્થિતિથી ઊંચાઈની સ્થિતિએ પહોંચાડવાની શક્તિ ઉત્સાહમાં છે. પતંગ એ ઉત્સાહનું બીજું રૂપ થઈને ઉત્તરાયણ દ્વારા પ્રગટ થાય છે. પતંગ બનાવવાનું, એ પતંગને કન્ના બાંધવાનું વળી પાછો એને દોરથી બાંધી ઊંચે આકાશે ચગાવવાનું કામ આમ તો સરળ લાગે છે. પણ એટલો સમય વાસ્તવિકતાથી દૂર રહી કાલ્પનિક જગતને સહારે પહોંચવાનું. ત્યાં ટકવાનું હોય છે. એટલે મોટેરાંઓ કરતાં બાળકોને કલ્પના વધુ પ્રિય હોય છે, એવો અર્થ જરૂર કરી શકાય.

પતંગ સાથે, પતંગ વગર દોડતાં-ફરતાં બાળકોને જોયાં છે ? એમનાં ચિત્તનો અભ્યાસ કર્યો છે ? પતંગ જ્યારે ચગે છે ત્યારે એમની મનની ખુશીનું માપ કોઈએ કાઢ્યું છે ? પતંગ કપાય છે ત્યારે બાળકની આંખો કોઈએ વાંચી છે ? પતંગને કારણે જ એનો આખો દિવસ ઉત્સાહથી હર્યોભર્યો હોય છે. પતંગને ચગાવવામાં પવનનો ફાળો પણ મહત્વનો છે. પતંગને પવન સાથે સંબંધ છે. એટલે જ તો પતંગનો 'પ' પવનના 'પ' સાથે વર્ણસંવાદ ધરાવે છે. પતંગનો આધાર તૂટી જાય, કપાઈ જાય તો ઘણી વાર વનસ્પતિ ઝાડ-ડાળ એને સહારો આપે છે. એ વખતે વૃક્ષને પણ એમ થાય છે - આ નાનકડા બાળકાના ઉત્સાહને જો નીચે પટકાઈ જવું પડશે તો એની શી દશા થશે ? એટલે જ તો વૃક્ષો પોતાની કાયા ઉપર એ પતંગોને ઝીલી લેતાં હોય છે ! જે પતંગોને વૃક્ષો પણ સહાય નથી કરી શકતાં એવા દુર્ભાગી પતંગો ક્યારેક નીચે પટકાય છે, પતંગ લૂંટતા બાળકો એક રીતે ઉત્સાહ લૂંટતાં હોય છે.

ઉત્સાહ વાસ્તવમાં કર્મ અને ફળની સંમિશ્ર અનુભૂતિ છે, જેના કારણે ઉમંગ જાગે, તત્પરતા આવે, ઉત્સાહનંઝ સ્થાન આનંદમાં આવે. કર્મની ઉપાસના-તત્પરતા ઉત્સાહને કારણે હોવાને કારણે ઉત્તરાયણના દિવસે બાળકોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળે છે, બાકી નરી સ્થૂળ રીતે જોઈએ તો પતંગ અને દોરીની કિંમત શી ? છતાં એક પતંગ માટે બાળક શું નથી કરતો ? ઝાડે ચઢે છે, ધાબે ચઢે છે, દોડે છે, પડે છે - આખડે છે - હાંફે છે - ઝઘડે છે - અને છતાં પતંગ જ જાણે એનો પ્રાણ ! કેટલું મમત્વ ? આ બધી ઘટનામાં ઉત્સાહનું મહત્વ છે. સાહસપૂર્ણ ઉત્સાહમાંથી પ્રાપ્ત થતો આનંદ એ એનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પતંગના માધ્યમથી પ્રાપ્ત કરવા માટે એ ઝઝૂમે છે, એવો સૂક્ષ્મ અર્થ આખાયે પતંગપર્વમાં પડયો છે. આ તહેવારની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તિલતર્પણ દ્વારા વાસુદેવ અને વિશ્વદેવોની પૂજા કરવી એ છે. તલના દાનથી પૂણ્ય પ્રાપ્ત થાય છે. સ્નાન કરવાનો પણ મહિમા છે. એમ કહેવાય છે, સંક્રાંતિના દિવસે સ્નાન ન કરનાર સાત જન્મ સુધી નિર્ધન રહે છે. મકર નામના નક્ષત્ર રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાં એને મકરસંક્રાંતિ કહે છે. આમ, શક્તિપૂજાનું આ પર્વ છે, એને આવકારીએ. પતંગ આત્મા છે,  પવનને પરમાત્મા છે. આત્માનો ઉદ્ધાર પરમાત્મા દ્વારા જ શક્ય બને છે, એમ કહીએ કે આત્મા પરમાત્મા તરફ જતો હોય છે. એમ તો આત્મા પરમાત્માનો જ અંશ હોઈ એનું ઉડ્ડયન પરમાત્મા તરફ હોય એ ઘટના સ્વાભાવિક લાગે છે. જો આત્માનો ઉત્સાહ હોય, તો પરમાત્માનો સાથ જરૂર મળે એમ પણ જરૂર કહી શકાય.