Get The App

લપછપ .

Updated: Feb 17th, 2024

GS TEAM

Google News
Google News
લપછપ                                                                                                 . 1 - image


- ભાગીદારી પેઢી-કંપનીનો સૌથી મોટો ગેરફાયદો !? 

- તમે એક વાર કોઈ પણ ભાગીદારી પેઢી-કંપની બનાવો 

તે પછી તેનું નામ બદલવાનું કામ  ખૂબ અઘરું અને જટિલ બની રહે છે ! જેવું તમે ભાગીદારી પેઢી-કંપનીનું નામ બદલ્યું કે તરત જ તમારે નવો પાનકાર્ડ અપ્લાય કરવો પડે છે ! 

એ કથી વધુ વ્યક્તિઓ ભેગી થઈને વેપાર-ધંધો કરવાના આશયથી ભાગીદારી પેઢી-કંપની બનાવી શકે છે. 

આપણા દેશમાં કોઈ પણ ભાગીદારી પેઢી માટે હાલ ઇન્કમ ટેક્સ (૧ કરોડ પ્રોફિટ સુધી) ૩૦% તેમજ ૧ કરોડથી વધુ પ્રોફિટ ઉપર ૩૦% ઇન્કમ ટેક્સ ઉપરાંત વધારાનો ૧૨% સરચાર્જ ભરવાનો આવે છે. લોકો આ ઇન્કમ ટેક્સને ભાગીદારી પેઢી-કંપનીનો એક બહુ મોટો ગેરફાયદો સમજે છે અને તેને લીધે બને ત્યાં સુધી પ્રોપ્રાયટરશીપનો જ બિઝનેસ જાળવી રાખવાની કોશિશ કરે છે. 

પરંતુ, આનાથી મોટો એક ગેરફાયદો તમને અહિ જણાવવો છે ઃ તમે એક વાર કોઈ પણ ભાગીદારી પેઢી-કંપની બનાવો તે પછી તેનું નામ બદલવાનું કામ ખૂબ અઘરું અને, જટિલ બની રહે છે ! જેવું તમે ભાગીદારી પેઢી-કંપનીનું નામ બદલ્યું કે તરત જ તમારે નવો પાનકાર્ડ અપ્લાય કરવો પડે છે ! 

જૂનાં પાનકાર્ડ પર તમે કોઈ પણ ભાગીદારી પેઢી-કંપનીને નામ બદલીને ચલાવી શકતાં નથી ! જેવું નામ બદલ્યું તેવો, નવો પાનકાર્ડ આવે અને નવો પાનકાર્ડ આવે એટલે જીએસટી નંબર પણ નવો લેવાનો રહે છે !  આમ, ભાગીદારી પેઢી-કંપનીનું નામ બદલો એટલે એક પેઢી-કંપની બંધ કરીને નવી પેઢી-કંપની શરૂ કર્યા જેટલી જ માથાકૂટ/કડાકૂટ કરવાની આવે છે ! ભાગીદારી પેઢી-કંપનીનો આ સૌથી મોટો ગેરફાયદો છે કે તેમાં બધું જેમનું તેમ રાખીને તમને ભવિષ્યે નામ બદલવાની આઝાદી રહેતી નથી !              

લપછપ                                                                                                 . 2 - image

પત્ની ગોરી હોવી જોઈએ? પતિ ગોરો હોવો જોઈએ?

મોટે ભાગે દરેક પત્ની મોટે ભાગે એવું જ પસંદ કરે કે પોતે પતિ કરતાં વધુ ગોરી હોય ! તેમજ દરેક પતિ પણ એવું જ પસંદ કરતો હોય છે કે પોતાના કરતાં પત્ની વધુ ગોરી હોય ! 

- કૌશિક કુમાર દીક્ષિત

લ ગભગ સમગ્ર વિશ્વમાં પતિ-પત્ની પૈકી તમને પતિ કરતાં પત્ની જ વધુ ગોરી જોવા મળશે ! અમુક વાર, ક્યાંક તમને પત્ની જેટલો જ ગોરો પતિ જોવા મળી શકે છે. 

પણ, એવું બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળશે કે પત્ની કરતાં પતિ ગોરો હોય !

બેશક, પોતાના શરીરના રંગ ઉપર કોઈ વ્યક્તિનો ખાસ કાબૂ હોતો નથી અને પોતાના શરીરના વર્ણ બદલ કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહિ કે તેને કોઈ પ્રકારનો અન્યાય પણ કરી શકાય નહિ. શરીરનો રંગ એ વ્યક્તિને કુદરતી દેન છે. પરંતુ, શરીરનો રંગ વ્યક્તિના દેખાવમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી જાય છે એ વાતને નકારી શકાય નહિ. વ્યક્તિના શરીરના રંગનો સૌથી વધુ પ્રભાવ તેના ચહેરા પર વરતાઈ આવે છે. એક સુંદર આકર્ષક ચહેરો હોય... હવે, આ ચહેરો જો વધુ ગોરો હોય તો સોનામાં સુગંધ ભળવા બરાબર થઇ જાય !

જગતમાં કાળા-ગોરાના ભેદ પરાપૂર્વથી ચાલી આવેલા છે અને તે ભેદ દૂર કરવા અંગે ચળવળો પણ ચાલતી જ રહી છે...એ બધાં પછી પણ, લગ્ન માટેના ઉમેદવારો (છોકરો-છોકરી બંને !) પોતાના બાયોડેટામાં શરીરનો વર્ણ ગોરો કે ઘઉંવર્ણો છે તે પણ જણાવવાનું ચૂકતા નથી હોતા !

રાધા ક્યૂં ગોરી-મૈં ક્યૂં કાલા ? એવું શ્રી કૃષ્ણ પોતાની પાલક માતા યશોદા મૈયાને પૂછી રહ્યા હોય તેવા ભાવવાળું ગીત આપણે ત્યાં બહુ જ પ્રચલિત છે. પણ, ખરી કમાલ તો પતિ-પત્ની વચ્ચે ત્યારે સર્જાય છે કે જ્યાં પત્ની એમ ફરિયાદ કરી રહી હોય કે...વો ક્યૂં ગોરા -મૈં ક્યૂં કાલી ?! 

વૈજ્ઞાાનિક રીતે સાબિત થયેલી એક વાત તમારા ધ્યાનમાં કદી આવી છે કે, ગોરી વ્યક્તિ પ્રમાણમાં ઝડપથી ઘરડી થઇ જતી હોય છે !? જે વ્યક્તિ ગોરી નથી તે વ્યક્તિ બહુ જલ્દી ઘરડી નથી થઇ જતી ! પોતાની જવાની ટકાવી રાખવાનું કામ એક ગોરી વ્યક્તિ માટે વધુ અઘરું હોય છે. 

પત્ની ગોરી હોવી જોઈએ કે, પતિ ગોરો હોવો જોઈએ ? આનો જવાબ બુદ્ધિશાળી માણસ તો એવો જ આપે કે, બંને ગોરાં હોવા જોઈએ ! પરંતુ, મનુષ્ય-સમાજે પતિ કરતાં પત્ની વધુ ગોરી હોય તે વાત નિયમ સ્વરૂપે સ્વીકારી લીધી છે. આથી, મોટે ભાગે દરેક પત્ની મોટે ભાગે એવું જ પસંદ કરે કે પોતે પતિ કરતા વધુ ગોરી હોય ! તેમજ દરેક પતિ પણ એવું જ પસંદ કરતો હોય છે કે પોતાના કરતા પત્ની વધુ ગોરી હોય !  પત્ની કરતાં પતિ વધુ પડતો ગોરો હોય તે લગ્ન જો, પ્રેમલગ્ન નહિ હોય તો એક પ્રકારનું સમાધાન કે બાંધછોડ જેવું જ લેખાવી શકાય ! પત્ની કરતાં પતો વધુ પડતો ગોરો હોય તેવા લગભગ કિસ્સાઓમાં તમને પત્ની પતિને અંકુશમાં લઇ રહી હોવાનું જોવા મળશે. અરેંજ-મેરેજમાં પત્ની કરતાં પતિ ગોરો હોય ત્યારે પતિએ પોતાની ઉપર પત્નીના ડોમીનેશન માટે તૈયાર રહેવું પડે છે...એમ થવાથી, પતિ-પત્નીનું અરસપરસ હિત સચવાય છે કે નહિ તે અલગ પ્રશ્ન છે.      

લપછપ                                                                                                 . 3 - image

માઈક મળે તો કોઈ છોડે?

(હાસ્ય ગીત) 

પરસેવો બિચારો રઘવાયો થઈને

ભલે, ચહેરા પર આમતેમ દોડે,

માઈક મળે તો કોઈ છોડે ?

નાનાં અમથાં એ ટીપાં શું જાણે, 

આ ભાષણ શું કરવાની ચીજ છે?

આકાશે ચાંદો છે, ચાંદામા પૂનમ,

ને પૂનમના પાયામાં બીજ છે !

વિષયમાં એવો તો ફાંફે ચડે ને,

તોયે તંતુને આમતેમ જોડે !

માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરાં રમતે ચડે ને

 એય બગાસાં વહેંચાતાં ભાગમાં,

કંટાળો જાણે કે આખું કુટુંબ લઇ 

ફરવા આવ્યો ના હોય બાગમાં !

તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી 

ખંખેરી - ખંખેરી તોડે !

માઈક મળે તો કોઈ છોડે ?

'છેલ્લી બે વાત !' એવું કાનમાં પડે ને કૈંક 

શ્રોતામાં જીવ પાછા આવે,

છેલ્લી-છેલ્લી છે, એમ બોલી બોલીને

પાછો આખ્ખો કલાક એક ચાવે !

સાકરના ગાંગડાને કચકચાવીને જાણે 

પકડયો હો ભૂખ્યા મંકોડે !

માઈક મળે તો કોઈ છોડે ?

- કૃષ્ણ દવે     

લપછપ                                                                                                 . 4 - image

નંદિની ગુપ્તાના પાંચ  ફન્ડા તમારું જીવન ચોક્કસ બદલી કાઢશે !

ચા લુ વર્ષે મિસ ઈન્ડિયાનો ખિતાબ જેમને મળ્યો તે કોટા (રાજસ્થાન)નાં વતની નંદિની સુમિત ગુપ્તા હજુ ૧૯ વર્ષનાં છે અને ૨૦૧૪થી એમણે સેવેલું પોતાનું મિસ ઇન્ડીયા થવાનું સપનું એમને આ ૨૦૨૩માં સાકાર થયેલું જોવા મળ્યું ! નંદિની ગુપ્તાનું માત્ર બદન જ સુંદર નથી પણ, બદનમાં છુપાયેલ દિમાગ પણ એટલું જ સુંદર છે અને આટલી નાની ઉંમરમાં અનેક સુંદર-સુંદર વાતોનો ખજાનો એમના દિમાગમાં પડેલો આપણે જોઈ શકીએ છીએ ! નંદિની ગુપ્તાએ અંગ્રેજીમાં પોતાને અતિપ્રિય એવું એક વાક્ય કહ્યું છે જે નીચે મુજબ છે ઃ 

Life is about trusting your feelings, taking chances, finding happiness, learning from the past, and realising everything changes.

આ વાક્ય દ્વારા નંદિની આપણને પાંચ મહામૂલા સબક શીખવાડી રહી છે જે આપનું જીવન ચોક્કસ બદલી કાઢી શકે છે ! આ પાંચ સબક ઃ

(૧) તમારી લાગણીઓ પર ભરોસો કરો !

(૨) દરેક તક ઝડપી લો !

(૩) ખુશીઓને ખોજયા કરો !

(૪) ભૂતકાળમાંથી કંઇક શીખો !

(૫) દરેક જગાએ આવી રહેલાં પરિવર્તનો તરફ તમારું ચિત્ત રાખો !

-તમને તમારું જીવન અગર જીવનની કોઈ વાત ચાહે કેટલી હદે અપ્રિય કેમ નહિ હોય, નંદિની ગુપ્તાએ શીખવાડેલા આ પાંચ સબક મુજબ વરત્વાનું રાખશો તો જીવનમાં મઝા આવવા લાગશે એમાં કોઈ શક નથી.    

લપછપ                                                                                                 . 5 - image

Orange પાસપોર્ટનો સૌથી મોટો લાભ જાણો છો ?

ભા રતમાં જે વ્યક્તિઓએ દશમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોય અને પાસપોર્ટ માટે અરજી કરી હોય તે વ્યક્તિઓને ભારત સરકાર તરફથી ઓરેન્જ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે ! શૈક્ષણિક યોગ્યતાઓ આધારિત આ પ્રકારનો ભેદભાવ ભારતમાં પહેલાં નહોતો પરંતુ, આવો ભેદભાવ ૨૦૧૮ની સાલથી અમલમાં આવેલો છે. જો, કોઈ વ્યક્તિ પાસે ઓરેન્જ પાસપોર્ટ હોય તો તમારે સમજી લેવાનું કે તે વ્યક્તિ દશમા ધોરણથી વધારે ભણેલી નથી. ધો.૧૦થી વધુ જેનું ભણતર નહિ હોય તેવી વ્યક્તિઓને un-educated ગણવામાં આવે છે અને આ રીતે, ઓરેન્જ પાસપોર્ટ વ્યક્તિ પોતે un-educated હોવાનો એક સબૂત બની રહે છે. 

પાસપોર્ટની અંદરનાં પાનાં પર તો, વ્યક્તિની શૈક્ષણિક યોગ્યતાઓનો કોઈ ઉલ્લેખ હોતો નથી એટલે ઘણી વાર વ્યક્તિ દેશ બહાર જાય તેમજ દેશમાં ને દેશમાં પણ એરપોર્ટ  ઉપર ઈમિગ્રેશન વિષયક કાઉન્ટર્સ પર જાતજાતની અડચણો અનુભવી રહી હોય ત્યારે જો પાસપોર્ટના રંગ પરથી જ ઓફિસર લોકોને ખ્યાલ આવી જાય કે પાસપોર્ટ -ધારક ઝાઝું ભણેલ નથી તો તેને વધારાની મદદ કરવા માટે તત્પર રહે છે ! 

આમ, ઓરેન્જ પાસપોર્ટ ધરાવતી વ્યક્તિઓ પાસેથી સભ્યતા-શિષ્ટાચાર સંબંધી કોઈ વધારાની આશા-અપેક્ષા એરપોર્ટસ પર રાખવામાં નથી આવતી બલ્કી તેઓને મદદરૂપ થવાની ભાવના જરૂર રાખવામાં આવે છે જે ઓરેન્જ પાસપોર્ટનો સૌથી મોટો લાભ છે !      

લપછપ                                                                                                 . 6 - image

PUC સેન્ટર ખોલીને નિયમિત કમાતાં રહેવું પણ શું ખોટું ?

- પીયુસી સેન્ટર ખોલવા માટે તમે ઓટોમોબાઈલ અથવા મીકેનીકલ એન્જીનીયર હોવો અથવા આઈટીઆઈ પાસ મિકેનિક હોવો તે જરૂરી છે.

PUC એટલે, પોલ્યુશન અન્ડર કંટ્રોલ ! દરેક વાહન-ચાલકે પીયુસી સર્ટીફીકેટ મેળવીને પોતાની પાસે રાખવું પડે છે અને ટ્રાફિક પોલીસ માંગે ત્યારે તે દેખાડવું પડે છે. કેન્દ્ર સરકાર પીયુસી સંબંધિત કાયદા વધુ ને વધુ કડક બનાવી રહી હોવાથી લોકો પણ પીયુસી સર્ટીફીકેટ રાખવા બાબતે ખૂબ સતર્ક રહે છે. 

એક નાનકડું પીયુસી સેન્ટર ખોલીને તમે મહીને ઓછામાં ઓછાં ૨૫-૩૦ હજાર રળી શકો છો. કોઈ પણ નવું વાહન લીધું હોય તો, તેની સાથે આવેલ પીયુસી સર્ટીફીકેટ ૧ વર્ષ સુધી માન્ય રહે છે અને, પછી દર ૬ મહીને તે રીન્યુ કરાવવું પડે છે. 

એક મોટર સાઈકલ દીઠ એક વાર પીયુસી સર્ટીફીકેટ માટે તમે ૫૦૦ રૂપિયા ચાર્જ રાખી શકો છો એટલે, એક વાહન દીઠ તમને દર વર્ષે ૧૦૦૦ રૂપિયા મળવા નક્કી થઇ જાય છે. 

પીયુસી સેન્ટર ખોલવા માટે તમે ઓટોમોબાઈલ અથવા મીકેનીકલ એન્જીનીયર હોવો અથવા આઈટીઆઈ પાસ મિકેનિક હોવો તે જરૂરી છે. પીયુસી સેન્ટર ખોલવા માટે નિયત લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ ધરાવતી પીળા રંગની કેબીન બનાવવી પડે છે અને, આરટીઓ પાસેથી લાઇસન્સ મેળવવું પડે છે. 

જો, એક વર્ષ પર્યંત વધુ નહિ પણ બે દરરોજના બે નવા ગ્રાહક મેળવી લેવાનું તમને ફાવી જાય તો, વર્ષના તમારી પાસે ૭૦૦ આસપાસ ગ્રાહકો થયા ! આ જ ગ્રાહકો દર વર્ષે રીન્યુ થશે...દર વર્ષે તમે ૭,૦૦,૦૦૦નો બીઝનેસ કરી શકો છો...એક હેલ્પર પણ રાખો તો તમારી ચોખ્ખી કમાણી વર્ષે ૫ લાખથી ઓછી નહિ થાય !             


Tags :