ના એવું દર્દ હોય મોહબ્બત સિવાય, ના સોચો તો લાખ સૂઝે- કરો તો ઉપાય ના
- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
- રોમાન્સના રિજેકશનનું પેઈન ઘટાડવા શું કરવું?
- આપણે ત્યાં નવી પેઢીને જે સૌથી વધુ સતાવે છે એ લવમાં હર્ટ થવાના દર્દ-એ-જીગર પર મલમ ચોપડવાનું હાર્ટ કહેવાતા સમાજ પાસે નથી!
ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો 'તો,
તમને કબૂલતો 'તો,
આભ જેમ ખૂલતો 'તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને
રહેવાને આવ્યું 'તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં
બોલાવી લાવ્યું 'તું કોણ?
કળી જેમ ફૂટતો 'તો,
તમને જે ઘૂંટતો 'તો,
તોય સ્હેજ ખૂટતો 'તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
લાગતો 'તો જીવનમાં તમને દુકાળ
ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ
મોલ ખૂબ ખીલ્યો 'તો આવ્યું કંઈ યાદ?
યાદ ન'તો રહેતો જે,
આંસુ થઈ વહેતો જે,
તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?
અ નિલ ચાવડાની આ કવિતા વર્ષો પછી જૂની પ્રેમિકાને મળતા સમયની છે. નેચરલી પ્રેમિકા સાથે નથી દૂર છે. છૂટી પડેલી છે. બ્રેક અપ થયું હતું ભૂતકાળમાં કે કોઈ અન્ય મજબૂરીને લીધે આગળ વધવું પડેલું રિલેશનશિપ છોડીને. પણ જોડે જે સમય વીતાવ્યો હોય એની યાદો વીતી નથી જતી. ઉલટું સમય જતાં એમાંથી જે અકળામણ કે ગુસ્સા ને ઝગડાની પળો હોય છે એ સુકાઈ જાય છે. અને પ્રેમની મહેક વધુ ગાઢ થતી જાય છે. મોટે ભાગે સ્ત્રીં કે પુરુષ એકતરફી પ્રેમમાં ગિરફ્તાર હોય ત્યારે કે પછી લવ બેઉ પક્ષે એકસરખો ના વહે ત્યારે રિજેક્શન થાય.
અને કોઈ પણ રિજેકશન પેઈન લઇ આવે. જેનો સારો ઉછેર થયો હોય, જેણે કશુક વાંચ્યુંવિચાર્યું હોય એવા પુરુષો (મોટે ભાગે ચોઈસ સ્ત્રીઓના હાથમાં હોય છે પ્રસ્તાવની એવો ધારો છે સજીવસૃષ્ટિમાં એટલે પુરુષો, બાકી અપવાદમાં સ્ત્રીઓને પણ આમાંથી પસાર થવું પડે, ખાસ કરીને કોઈ જાણીતી વ્યક્તિને ચાહવા લાગેલ સ્ત્રીઓને) દર્દ શ્વાસમાં ઘૂંટીને, છાતીમાં ભેજ લઈને, પાંપણ પર ભાર લઈને ચાલ્યા જાય છે. અને ફરી મળવાનું થાય ત્યારે એમને આ કવિતાની જેમ એટલું જ યાદ કરાવવાનું મન થાય જ કે ખબર છે કેટકેટલું ઘસાયા હતા, ઝૂર્યા હતા, દોડયા હતા, છલકાયા હતા તમારા માટે.... પ્યાર ના મળ્યો એ તો કમનસીબ, પણ કમસેકમ કદર મળે તો પણ થોડીક રાહત થાય. કે સાવ બધું નકામું નથી ગયું. એનું સ્મરણ રહે એટલી નોંધ તો લેવાઈ છે.
ડુ યુ નો ? હમણાં જ ન્યુઝીલેન્ડમાં મૂળ ભારતના એવા સામાજિક બાબતો અને રોજગાર વિભાગના મંત્રી એવા પ્રિયંકા રાધાકૃષ્ણને પુરા ચાલીસ લાખ ડોલર્સના બજેટ સાથે અલાયદા 'લવ બેટર' નામના કેમ્પેઈનની શરૂઆત કરી છે. વાત જાણે એમ છે કે, એ ખોબા જેવા દેશમાં એક સર્વેમાં જાણવા મળ્યું કે ૧૬ થી ૧૪ વર્ષની વયના ઓલમોસ્ટ ૮૭% યુવકયુવતીઓ લવ એન્ડ રિલેશનશિપમાં હર્ટ થાય છે. એના દર્દને લીધે દુખી તો થાય જ છે, એની અસર એમની હેલ્થ ને એમના ફોકસ પર પડે છે. ભણવામાં કે કારકિર્દી પર ધ્યાન નથી રહેતું કોઈ નશાના રવાડે ચડી જાય છે. કોઈ ચિડિયા કે હિંસક થઇ જાય છે. કોઈ ડિપ્રેશનમાં સરકી જાય છે. કોઈ આપઘાત પણ કરે છે. તો સરકારે યુવાઓનાં ડેટિંગ સામે ડોળા કાઢવાના કે પ્રેમના વહેમ મૂકી ભણવા પર, મા-બાપની સેવા પર ધ્યાન આપો એવા બોરિંગ ઉપદેશો આપવાના બદલે જેન્યુઈન ચિંતા કરી કે ચાલો, જવાન જનરેશનને સતત જજ કરવાને બદલે એમની મદદ કરીએ, એમને સરસ રિલેશનશિપ વિશે આરંભના યૌવનકાળમાં ખોટી માન્યતાઓ મજબૂત થઇ જાય, એ પહેલા સરખી સાચી સમજણ આપીએ. એમના અંગત જીવનથી જલન પામવાને બદલે એમને બેહતર પ્રેમ કરતા શીખવાડીએ અને ખાસ તો બ્રેક અપના પેઈનને હેન્ડલ કરવાની તાલીમ આપીએ.
સો સ્વીટ ! હમણાં દિલ્હી હાઇકોર્ટમાં એક કેસ આવ્યો. નવ વર્ષ પહેલા નાબાલિક કહેવાય એવી સોળ સત્તર વર્ષની ઉંમરમાં એક છોકરા છોકરી ઘેરથી ભાગી ગયા. પોલીસે પકડયા ત્યારે છોકરી પાંચ મહિનાથી પ્રેગનન્ટ હતી. અંતે છોકરાના મા-બાપે એને સ્વીકારી. પછી ૯ વર્ષથી જોડે રહે છે, લગ્ન થઇ ગયા ને બે દીકરીઓ પણ છે. પણ આપણી રેઢિયાળ સીસ્ટમને લીધે કેસ ચાલુ રહ્યો 'અપહરણ અને બળાત્કાર' જેવા ગુના ઠેરવતો ! અંતે હાઈકોર્ટ જસ્ટીસ સુવર્ણકાંત શર્માએ માનવીય અભિગમ સાથે યુગલને મુક્ત કરતા ટકોર કરી કે 'સાચા પ્રેમની કોઈ ઉંમર નથી હોતી અને કુદરત આગળ કાનૂન લાચાર હોય છે. આવા દરેક કિસ્સામાં જડતાથી સખ્તાઈ કરવાને બદલે થોડી સંવેદના હોવી જોઈએ. કિશોરોના પ્રેમને કેવળ કાયદાથી જોઈ ના શકાય !' રેર જસ્ટીસ એન્ડ રેર જજમેન્ટ !
પણ એક સમયે જ્યાં બાકાયદા સેક્સ કેમ કરવો એની કામકળા એક વિદ્યા તરીકે શીખવાડાતી હતી, જ્યાં દેવાલયોમાં મુક્ત મૈથુન શિલ્પો તો ઠીક પણ અધ્યાત્મિક વર્ણનોમાં પણ રસિકતા હતી, જ્યાં દરેક ઈશ્વરની અને ઋષિઓની પણ એકાધિક પ્રેમકથા અને આનંદમય રાસલીલા અને વસંતના મદનોત્સવ હતા એ ભારત દેશમાં આજે પાંચ માર્કની ટૂક નોંધ જેટલો અભ્યાસ પણ રિલેશનશિપ પર સારી રીતે કરાવતો નથી. હોર્મોનલ ચેન્જીઝ કંઈ સિલેબસને પૂછીને આવતા નથી. તારુણ્ય શિક્ષણનો ધંધાદારી ધાર્મિકો વિરોધ કરે છે ને સેન્સર બોર્ડ ફિલ્મમાં પણ એના સીન્સ કાપી નાખે છે. પછી અંધારી ગલીઓમાં ખોટું ગુપ્તજ્ઞાાન જ મળ્યા કરે ને અપરાધો અને ભાંગેલા સંબંધોની પીડાઓ વધ્યા કરે. પણ ગુલામીની અસરમાં સાવ સંકુચિત થઇ ગયેલા સમાજને આવી વાતોમાં રસ નથી ને એ કોઈ ઈલેકશન એજેન્ડા નથી !
તો આ કામ આપણે નિભાવીએ. સમાજસેવા કંઈ ગાયોને લીલું નાખવું કે વડીલોને ભજન કરાવવું એ જ નથી. યુવા હૈયાઓની વેદનાને સમજવી ને જીરવવી એ પણ ચિત્તને સ્વચ્છ તથા સ્વસ્થ કરવાનું અભિયાન છે. પોસ્ટ વેલેન્ટાઈન્સ ડે મોટા ભાગના તો એવા હોય છે જે મેળવવા ગયા હોય છે વસંત અને લઈને આવે છે પાનખર. હા ને બદલે ના સાંભળવાની કાળી બળતરા હોય છે. રુંવેરુંવે ઝાળ લાગી જાય છે. આખો દિવસ બોઝિલ ઉદાસીનું ધુમ્મસ ઘેરી વળે છે. વિજ્ઞાાને એવું સાબિત કર્યું છે કે મેમલ્સની દુનિયામાં સર્વશ્રેષ્ઠ ગણાય એવું મનુષ્યપ્રાણી એકાકી રહેવા માટે ઘડાયું જ નથી. નેશનલ જ્યોગ્રાફિક જેવા મેગેઝીનમાં એક વિજ્ઞાાની સ્ટેફની કેસિયાપ્પો કહે છે કે 'લવ ઓપ્શનલ નથી. માનવી માટે પ્રેમમાં પડવું ફરજીયાત છે. કોઈના હુંફાળા સાથ કે હગ કે કિસ સાથે કુદરતે અનેક અદ્ભુત રસાયણો અને બ્રેઈન ન્યુરોન ઈફેક્ટસ જોડી છે હેપિનેસની. એટલે હવા, પાણી કે ખોરાકની જેમ જ જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે પ્રેમ. એટલે જ આપણા બધા માટે ફરજીયાત છે પ્રેમ. લવ ઈઝ બાયોજીક્લ નેસેસીટી. રોમાન્સ વિના જે જીવનમાંથી પસાર થઇ જાય છે એ કોઈ ખોડખાંપણ વાળા દર્દીની જેમ બીમાર છે, અધૂરા છે.'
માટે ખૂબ અગત્યનું છે પ્રેમમાં વિચ્છેદને જીરવી જવું. તો જ હિલીંગ થશે. ફ્રેકચરના પાટાની મુદત પછી ધીરે ધીરે બધું નોર્મલ થાય એમ સેકન્ડ ચાન્સીસ આવશે લાઈફમાં. રિજેક્શનને લીધે થતા ડિપ્રેશન ઓછા થશે. આપઘાત અને હિંસા ઘટશે. બ્રેક અપ પણ રોગની જેમ ના ગમે તો પણ જીવનમાં આવી જશે. ત્યારે શું કરવાનું ?
ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. નાં સરખી રીતે પાડતા શીખો. એટેન્શન ટુ ગર્લ્સ સ્પેશ્યલી. છાને ખૂણે મોટા ભાગની છોકરીઓને કોઈ પોતાની પાછળ ભલે હેરાન કે દુખી થઈને પણ 'લબડતા' રહે એ ગમે છે, જાણે એમને પ્રપોઝ કરનારા કેમ ટ્રોફીઓ હોય રૂપગર્વિતાની વિજયશ્રીની ! એટલે ના તો પડે છે, પણ આઉટ ઓફ ઈમોશન કે બિચારો પ્રેમ કરવા આવ્યો તો ક્યાં સાવ કાઢી મુકવો એવી દયા ખાઈ સંબંધો ખાત્ર ફ્રેન્ડશિપ ટકાવી રાખે છે. ડોન્ટ ડુ ધેટ. મિક્સ્ડ સિગ્નલ્સમાં વધુ હેરાન થઇ જશે એ વ્યક્તિ ને ખોટી આશામાં પ્રેમ એનો ઓસરવાને બદલે વધતો જ જશે. નોર્મલ ફ્રેન્ડશિપ કે કેરના જેશ્ચરમાં પણ એને ઈશ્ક દેખાય, મુહોબ્બત પડઘાય.
એટલે ના સ્પષ્ટ પાડો. વિવેકથી, સસ્મિત પણ મક્કમ પાડો. લાંબા વિચારોને બદલે નિર્ણય બને તો કારણ સહીત જણાવો. વાતને ક્લોઝર આપો. પરિપક્વતા હોય તો મળીને પ્રોપર રીતે છૂટા પડો. પણ પછી ખુદને અને સામેવાળા કે વાળીને છેતરો નહિ. એને વારંવાર મળો નહિ. બને તો કાયમી નહિ તો થોડો સમય સંબંધ કાપી જ નાખો. ભલે થોડી વેદના થાય, ક્રૂરતા લાગે. એ ટેમ્પરરી પેઈન હશે. નહિ તો જખમ નાસૂર થઈને પરમેનન્ટ પેઈન આપશે ! સોશ્યલ નેટવર્ક પર એક્સને જોયા ના કરો. અન્ફ્રેન્ડ, અન્ફોલો, બ્લોક. ના કરો તો ઇગ્નોર કરતા શીખો. બને એટલા કનેક્શન કટ કરો.
પણ આ બધી ઘૂટન મનમાં ભરી ના રાખો. ભરોસાપાત્ર દોસ્તો સાથે વાત કરો. ઘરમાં કોઈ એવા સ્વજન હોય, કોઈ મેચ્યોર્ડ ગુરુ કે શિક્ષક હોય એની પાસે હૈયું ઠાલવો. જે માત્ર છાપેલ કાટલા જેવી સલાહો ના આપે. કે પ્રેમની વાતમાં પરાણે સંસાર અસાર છે નો ધર્મ ના ઘુસાડે એવા વડીલો જ ખપે. દર્દને વહેવા દો. સેડ મૂડ હોય તો સેડ સોંગ્સ સાંભળો, એવી ફિલ્મો જુઓ, વાર્તાઓ વાંચો. આર્ટ એન્ડ લિટરેચર હેલ્પ્સ. કળા સાહિત્ય સંગીત બધું બન્યું છે જ એસ્કેપ રૂટ તરીકે. જે જીવનના વાસ્તવને ભૂલાવે ને જીવવામાં થોડા ટેકા કરે. ડેવલપ હોબીઝ. શોખ કેળવો જેમાં થોડો સમય દુનિયાદારી ભૂલીને ખોવાઈ જાવ.
એક સમયની પોપ્યુલર વીજે અને એક્ટ્રેસ એવી ફૂલફટાક ફટાકડી જેવી પારસણ શેહનાઝ ટ્રેઝૂરીવાલાએ હમણાં એક વિડીયો મુકેલો જેમાં દેશપરદેશ ફરીને ટ્રાવેલ વિડીયો બ્લોગ બનાવવા બાબતે એને એક મોટો એવોર્ડ મળ્યો. એણે પછી એના લાખો ફોલોઅર્સ માટે પોસ્ટ મૂકી. કે ૫ વર્ષ પહેલા એણે એના બોયફ્રેન્ડ જેની સાથે એ કમિટમેન્ટમાં આગળ વધવાની હતી, એને બેડરૂમમાં કોઈ બીજી સ્ત્રી સાથે છાનગપતિયાં કરતો રંગે હાથ પકડી લીધો. એ બહુ દુઃખીદુઃખી થઇ ગઈ. પણ સતત સેડ સ્ટોરી સાંભળવાનો ટાઈમ ઘરમાં પણ કોની પાસે હોય ? એટલે આવા વખતે બહુ કામ આવતી ગઝલો ને ફિલ્મોના દુઃખિયારાં ગીતો સાંભળી પછી એણે નક્કી કર્યું કે ફરવા જતું રહેવું એટલે અજનબીઓ સામે ખુલીને રડવામાં સંકોચ ના થાય. બસ, એમાંથી એ ચુલ્બુલીને નવી જ દિશા મળી ગઈ. એ જાતભાતના ટ્રાવેલ વિડીયો માટે અત્યારે સુપર ફેમસ છે ને એણે એક બૂક લખી છે 'ઓલ હી લેફ્ટ મી વોઝ એ રેસિપી'.
સો, ક્યારેક તમારી ધાર નીકળે એ માટે અમુક હાર્ટબ્રેક જરૂરી છે. એ થાય તો અમુક કઠોર વાસ્તવિકતા પચાવવાની શક્તિ આવે ને આંખોનું ગુલાબી ઘેન ઉતરતા માણસોની પરખ ચોખ્ખી થાય. દિલ મજબૂત બને બીજા સંજોગોના પ્રહારો વેઠી લેવા. ફ્રસ્ટ્રેશનને ચેનલાઈઝ કરીને એની એનર્જી માથાકૂટ કે હૈયાવરાળમાં વેડફી નાખવાને બદલે પેઈનનું ઇન્વેસ્ટમેન્ટ ભણાવવાની જરૂર છે. જેમાં દર્દને નફરતમાં ફેરવવાને બદલે અને કોઈને કે પોતાને ઈજા પહોંચાડવા જેવા વાયોલન્ટ બનવાને બદલે યુવાઓને કહેવાનું કે હવે ફોકસ કરો લાઈફ પર. કોઈ ગિલ્ટ હોય ને આપણી ભૂલ હોય તો સુધારો કરો. જાતને બેહતર બનાવો. કસરત કરી આરોગ્ય તગડું કરો. સ્વસ્થ ને સોહામણા રહો. કરિઅર પર ધ્યાન આપી પ્રેમમાં નિષ્ફળતાનું બધું ઝનૂન એમાં પરોવી સફળતા મેળવો તો પછી એક અલગ કોન્ફિડન્સ ડેવલપ થશે અને આપોઆપ બીજા ઘણા તમને ચાહવા લાગશે. ભલે એક તૂ ના મિલા તો સારી દુનિયા મિલ ભી જાયે તો ક્યા હૈની પીડા કચોટતી ભીતર. દુનિયામાં ઘણું જોવા જાણવા માણવા ચાખવા ફરવા સાંભળવા ચાહવા જેવું પણ છે. એને વળગી પડો.
આતે જાતે ખૂબસૂરત આવારા રસ્તો પે એવું નહી તો કોઈ અલગ કે બેટર ચાહવાવાળું મળી જશે એ યાત્રામાં.
સો ડોન્ટ ઓવરરિએક્ટ આફ્ટર રિજેકશન. ડોન્ટ ઓવરથિંક, ઓવરએનેલાઇઝ. હા, અમુક બાબતો સ્વાભાવિક છે. પણ વધુ પડતું એમાં નહિ રહેવાનું. સતત એ વિચાર નહિ કરવાના. એ બંધ કરવા માટે મિત્રો સાથે બહાર જવું કશુંક નવું શીખવાના એજેન્ડા સેટ કરવાના સાયકોલોજી કહે છે કે કોઈ પણ લોસનું પેઈન ત્રણથી છ મહિના રહે એ નોર્મલ છે. વધુમાં વધુ વરસ પછી પણ દર્દે દિલ દુખ્યા કરે તો ડિપ્રેશન બાબતે થોડી પ્રોફેશનલ એક્સપર્ટની હેલ્પ મૂંઝાયા વિના લો. ડોન્ટ બ્લેમ યોરસેલ્ફ. હશે આપણી ભૂલો. પણ આપણે કશુંક સારું પણ કર્યું હશે જ. એને યાદ કરો. એ વિચારો કે કોઈ સતત ફોલ્ટ ફાઈન્ડ કરે એનાથી આપણે સતત ભૂલ કરતા હોઈએ એવું ના હોય. એ સામેવાળાનો પણ દોષ હોય. અથવા કુદરતી સંકેત હોય કે તમે એકમેક સાથે આખું જીવન વીતાવવા સર્જાયા નહોતા. એણે પ્રેમ કરનાર વ્યક્તિ ગુમાવી છે, પણ તમે પ્રેમ ન કરનારને ગુમાવ્યા છે, એટલે ગુમાવવાનું એને છે, આપણને નહિ એવા વિચારોનું વાયરિંગ કરો. સ્ટ્રોંગ બની જાતને કોસ્વાનો બંધ કરીને નવી સેલ્ફ અપગ્રેડ કરો.
સ્ટોકિંગ યાને એકતરફી કોઈ ગમતું હોય તો પણ એની સતત પાછળ જ પડી જવાનું, એની નાનાની બાબતો પર જાસૂસી નજર રાખવાની. આજકાલ એક શબ્દ ચાલ્યો છે ઃ ઘોસ્ટિંગ. યાને કશું કહ્યા વિના કોઈના જીવનમાંથી અચાનક જ વિદાય લઇ લેવી. ખુલાસો નહિ, વાત નહિ ને રિલેશન કટ. આના કરતા સ્પષ્ટ કહેવાની હિંમત રાખો ને જરૂરી લાગે એવો એકાદ મેસેજ કરો. પછી પૂરું કરો. એવો એક શબ્દ આવ્યો છે ઝોમ્બીંગ. યાને આમ ભાગી ગયા હોય જે એ વળી અચાનક પાછા આવે અને જાણે કંઈ બન્યું જ ના હોય એમ વાતો ને વહેવાર શરુ કરી દે. ને લેટેસ્ટ છે બેન્ચિંગ. ઘણા નર કે નારીઓ જેમની પાસે ઉમેદવારના ઓપ્શન ઝાઝા હોય એ ડેટ એક સાથે કરતા હોય પણ બીજા ત્રણ-ચારને એકદમ ના પાડયા વિના કતારમાં પ્રતીક્ષા કરતા ઉભા રાખે. એટલે ગમે ત્યારે મન ફરે તો એ જતા ન રહ્યા હોય ને એમાંથી કોઈ સાથે લો જી શરુ હો ગઈ લવસ્ટોરી ગાઈ શકાય.
આવા બેન્ચિંગમાં બેસનારાઓની હાલત જબરી કફોડી થઇ જતી હોય છે. જ્યાં દિલ લગાવ્યું હોય ત્યાંથી સરખો રિસ્પોન્સ ના મળે અને ત્યાં સુધી બીજા કોઈને એન્ટ્રી ના મળે ! ઘણા કેવળ આશાવાદી બની હકીકત સમજ્યા વિના ઉભા જ રહે ઇન્તેઝાર કરતા કે હમણાં ફ્રેન્ડમાંથી લવર બનવા મળશે. પણ એમાં એ ક્યારેક ટોક્સિક રિલેશન છે, એ જોઈ ના શકે. વ્યક્તિ રિજેક્ટ થાય ત્યારે એને સેલ્ફ ડાઉટ આવે કે નક્કી મારામાં કશીક ખામી છે. પણ ક્યારેક બે વ્યક્તિ બરાબર હોય પણ એકમેક માટે સર્જાયા ના હોય. ઉલટું રિશ્તામાં આગળ વધ્યા હોય તો વધુ પ્રોબ્લેમ્સ થાત એ આગમના એંધાણ સમજી ના શકતા હોય. યાદ રાખજો, કોઈનું અપમાન કર્યા વિના પણ પોતાનું સ્વમાન જાળવવામાં દ્રઢ રહેવું જોઈએ. સેલ્ફ રિસ્પેકટ ના રાખે એને પછી બીજા પણ માન ના આપે.
જાણી જોઈ શંકાઓ કરીને કારણ વગર આપણી કબર નહિ ખોદવાની. પ્યારને લીધે લવર/ પાર્ટનર ના હોય એનાથી પણ વધુ સુંદર લાગે છે અને સુંદર હોય ને એની આસપાસ બહુ બધા આશિકો આંટા મારતા હોય તો મૂંઝાવાનું નહી, પોરસાવાનું કે આટલાનું જેના પર ધ્યાન છે, એનું મારા પર ધ્યાન છે ! એટલે રમૂજમાં કહેવાય છે કે - તમે કોઈને ચાહતા હો તો પાછળ પડવાથી મેળ ના પડે તો એને મુક્ત કરી દો. જો એ ફરી તમારી પાસે આવે તો એનો અર્થ એ કે એને આમે કોઈ તમારા સિવાય પસંદ કરતું નથી. તો પછી એને બહુ ભાવ આપવાની જરૂર નથી. ફરી એને મુક્ત કરી દો, ને જે તમારી ચાહતની કિંમત સમજે એની તલાશમાં આગળ વધી જાવ ! હીહીહી. (શીર્ષક ઃ મરીઝ)
ફાસ્ટ ફોરવર્ડ
'આઈ લવ યુ ટુ'ના બે અનુવાદ થાય.... 'હું પણ તને પ્રેમ કરું છું' અને 'હું તને પણ પ્રેમ કરું છું'.
આ ફર્ક હોય છે મોટે ભાગે સ્ત્રી અને પુરુષનો !