'પડ' ક્રિયારૂપના અનેક ઉપયોગો
- આજે 'પડ' ક્રિયારૂપના વિવિધ અર્થો વિશે જાણીએ. 'પડ' ઉપરથી પડયો, પડયું, પડી, પડવું, પડાવ, પડઘમ અને પડછાયો જેવાં ઘણાં રૂપો બને છે.
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
ગુ જરાતી ભાષામાં એક જ ક્રિયારૂપ અનેક અર્થો ધરાવે છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે પ્રમાણે ભાવબોધ થાય છે. માણસ પાસે ભાવો અને લાગણીઓનું જેટલું વૈવિધ્ય છે, જેટલી કોટિઓ છે તે બધા જ ભાવોને નોખી નોખી રીતે પ્રગટ કરવા ભાષાની ક્ષમતા ઓછી પડે છે, સર્જકો એને પહોંચી વળી શકે. સામાન્ય માણસને ભાવ પ્રમાણે ભાષા પ્રયોજવાની મુશ્કેલીનો સામાન્ય અનુભવ થાય છે. આજે 'પડ' ક્રિયારૂપના વિવિધ અર્થો વિશે જાણીએ. 'પડ' ઉપરથી પડયો, પડયું, પડી, પડવું, પડાવ, પડઘમ અને પડછાયો જેવાં ઘણાં રૂપો બને છે.
સંસ્કૃતમાં પરસ્મૈપદીનો 'પત્' ધાતુ છે. તેમાંથી જ ગુજરાતીમાં 'પડવું', પડી જવું, પતન થવું એવા અર્થો આવ્યા છે. આમ તો મૂળ જગ્યાએથી નીચેની તરફ, અધોગતિ તરફ જવાનો નિર્દેશ છે - (૧) છોકરો પડી ગયો (૨) હાથમાંથી પેન પડી ગઈ (૩) પગે પડવું (૪) ઝાડ પડવું (૫) પાંદડું પડવું... જેવા પ્રયોગમાં સ્થાનફેર થવું, નીચેની તરફ જવું એવો સંદર્ભ છે પરંતુ ગુજરાતીમાં એનાથી વિશેષ અર્થો પણ પ્રાપ્ત થાય છે 'સાચા પડવું', 'ખોટા પડવું', 'વચ્ચે પડવું', 'ઊંધા પડવું','ભોંઠા પડવું' કે 'પાછળ પડવું' જેવા રૂઢીપ્રયોગોમાં પડવાનું અહીં છે નહિ પણ લાક્ષણિક અર્થ લઈએ છીએ. જૂ પડવી, માંકણ પડવા, મચ્છર પડવા, તીડ પડવા જેવા પ્રયોગોમાં ઉપદ્રવ વધી જવાની વાત છે, તો 'દહાડો પડવો' 'રજા પડવી' જેવા પ્રયોગોમાં ગેરહાજરીનો ભાવબોધ છે. 'પવન પડયો' 'ધીમો પડયો'માં ગતિ મંથર થવાનો અર્થ છે. ફૂલ પડયું, ફળ પડયું, પાન પડયું વગેરેમાં પણ સ્થાનાંતરની ઘટના છે. 'પડયું પાનું નિભાવી લે' જેવી ઉક્તિમાં ભાગ્યમાં હોય તે ભોગવી લેવાની વાત છે. 'ચઢે પડે - જીભ વડે જ માનવી'માં પતનનો ભાવબોધ છે. 'ખબર પડવી'માં જાણ થયાનો અર્થ છે 'પડયા છે ઘાવ'માં ઈજા થયાનો ભાવ છે. 'બાકી પડવી' જેવા પ્રયોગમાં રકમ બાકી રહેવાની વાત થાય છે. 'બૂમ પાડવી' 'ચીસ પાડવી' જેવા પ્રયોગમાં બૂમ શરૂ કરવી, ચીસ નાખવાનો ભાવ છે 'પોક પડી'માં કોઈના શોકના સમાચાર મળવાનો ભાવ છે. 'પોંક પાડયો'માં પોંક તૈયાર કર્યાનો ભાવ છે. 'પાંથી પાડી'માં માથું બે તરફ ઓળવાનો ભાવ છે. 'માંદા પડવું' કે 'બીમાર પડવું'માં સ્વાસ્થ્ય કથળવાનો ભાવ છે. 'ઝાંખા પડવું', 'ઝાંખવાણા પડવું', 'પીળા પડવું', 'દૂબળા પડવું', ' કાળા પડવું' વગેરે પ્રયોગોમાં પરિસ્થિતિમાં પલટો આવવાની વાત થાય છે. તેમ સમજી શકાય છે.
'ઝાડ પડયું', 'પાંદડું પડયું', 'ફળ પડયું' જેવા પ્રયોગોમાં ઝાડ પરથી આપોઆપ 'ખરી પડયાં' એટલે કે જેમાં કોઈ ક્રિયા નહિ બલકે પ્રક્રિયા થવાનો ભાવ છે તેવા અન્ય પ્રયોગોમાં 'તડકો પડયો', 'બાફ પડયો', 'રાત પડી', 'સવાર પડી', 'સાંજ પડી', 'કરા પડયા', 'બરફ પડયા' જેવા અનેક પ્રયોગોમાં થાય છે. આવા શબ્દપ્રયોગો જ્યારે થતા હોય છે ત્યારે ભાષક આપમેળે થવાની પ્રતીતિ ભાષકને અને ભાવકને હોય છે.
'છોકરો રમતના મેદાનમાં ક્રિકેટ રમતાં રમતાં પડી ગયો' જેવી ઉક્તિમાં છોકરાને ઈજા થઈ છે, તેને વાગ્યું હશે તેમ માની લેવાય છે, પણ 'મજા પડી ગઈ' જેવા પ્રયોગમાં કંઈ મજા પડવાની ક્રિયામાં ઈજા થવાની વાત નથી. ઉત્પન્ન થવાની વાત છે. રજા પડી જવામાં ફરજ મોકૂફ રહ્યાનો આનંદ છે. 'આંટી પડી ગઈ' શબ્દ પ્રયોગમાં બંને વચ્ચે ગેરસમજ ઊભી થયાનો ખ્યાલ આવી જાય છે. નીચેના બધાં વાકયોમાં 'પડ' ક્રિયાના અર્થો અલગ અલગ થાય છે તે સમજી શકાશે. (૧) આદ્યા ભગવાનની આગળ આડી પડી. (૨) આંબા પર શાખ પડી. (૩) આનંદના હાથમાંથી રમકડું પડી ગયું. (૪) ગાડી આજે મોડી પડી. (૫) ભારત સામે પાકિસ્તાનને વાતે વાતે વાંકુ પડે છે. (૬) તમને તો કંઈ ખબર જ પડતી નથી. (૭) નમન, ગુરૂજીને પગે પડ. (૮) ચઢે તે પડે. (૯) મીના અચાનક માંદી પડી. (૧૦) ઝાડને છાંયો હોય માણસને પડછાયો. (૧૧) તમને મારી ક્યાં પડી છે ? (૧૨) આ કાયદો મને લાગુ પડતો નથી. (૧૩) બે પડવાળી રોટલી બનાવી છે.
હજુ તો યાદી લંબાવી શકાય દરેક વાકયમાં 'પડ'વાળી ક્રિયારૂપોનો ભિન્ન ભિન્ન અર્થ થાય જ છે, તે જોઈ શકાશે. 'પડ'ને કેન્દ્રમાં રાખી તેના આધારે બનેલા બીજા અનેક શબ્દો પણ ગુજરાતીમાં છે - પડછાયો, પડપૂછ, પડઘમ, પડઘો (શબ્દ પણ પડઘોષનું સંક્ષિપ્ત રૂપ છે) પડતર, પડખું, પડકાર, પડકારો, પડઉતર, પડખવું (વાટ જોવી), પડખિયું (સાથે રહેનાર), પડગી (લાડુની બેસણી), પડઘી (ઘોડાનો દાબડાનો અવાજ), પડછંદ (અલમસ્ત), પડછી (ઊનનું કપડું), પડછું (પાંદડું), પાયપડણ (નમસ્કાર), પડથાર (નીચે પ્હોળી ઓટલી), પડદી (નાનો પડદો), પડદો (આંતરો), પડતો બોલ (નીકળતો બોલ), પડતલ (વાસી), પડાળી જેવા ઘણા શબ્દો મળે છે.
'પડ' કેન્દ્રમાં હોય તેવી કહેવતો પણ જોઈએ.
(૧) પડ પડ, તો કહે સદાવડી (વિપત્તિ કાયમી હોય) (૨) પડ પર પડ ફરી ગયાં. (સમય વહી ગયો) (૩) પડતા પર પાટું (એક મુશ્કેલીમાંથી બીજી આવવી) (૪) પડતે પડતી, ચઢતે ચઢતી (પડતી આવે એટલે વધારે નુકસાન થાય) (૫) પડયા પણ તંગડી ઊંચી (ખોટો દંભ) (૬) પડયો પોદળો ધૂળ લઈને ઊઠે (પોદળા સાથે ધૂળ હોય) (૭) પડેલાને સૌ મારે (પડનારને સૌ મારવા જાય) (૮) પડે પાસો, ને જીતે ગમાર (ગાંડો માણસ જીતે તો ડાહ્યો કહેવાય) (૯) પડે તેને પીડ (જેને મુશ્કેલી આવે તેને ખબર પડે) (૧૦) પડયો તે કોડીનો ઊભો તે લખેશરી (પડીને બેઠો થાય તેની કિંમત થાય)
આવી અનેક કહેવતો પણ 'પડ' ક્રિયારૂપમાંથી બની છે.