- વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...
- મૂળ સર્જક : એન્તોન ચેખોવ રજૂઆત : પરેશ વ્યાસ
- એની કૃપાદૃષ્ટિ માટે વ્યાકુળતાથી રાહ જોયા બાદ મારા મગજનો પિત્તો છટક્યો, હું ઘરની બહાર નીકળી ગયો અને મારી નવી ખરીદ કરેલી લાકડી સાથે શેરીમાં ચાલવા માંડયો.
એ મારી સામે મોઢું રાખીને બેઠી અને એનાં હોંઠ હાલવા લાગ્યા.. મેં એનાં કપાળ સામે જોયું અને પછી એનાં હલતાં હોંઠ સામે નજર કરી અને પછી હું વિચારમાં ડૂબી ગયો.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(વહી ગયેલી વાર્તા : એક પુરુષ એક છોકરીનાં પ્રેમમાં પડે છે. ઓહો! એમાં નવું શું છે? કાંઈ નહીં! છોકરીનું નામ સાશા છે. પુરુષ ભાષાનો જ્ઞાની છે, પ્રેમ વિશે એનાં ખ્યાલો કવિતામાં હોય એવા છે પણ સાશા સાદી સીધી છોકરી છે. છોકરી એને ઘરે આવવાનું ઇજન આપે છે પણ એ જાણતી નથી કે એનું ઘર આમ સાવ અનરોમેન્ટિક જગ્યા છે કારણ કે ઘરમાં તો ઘણાં લોકો હોય, તેઓની હાજરીમાં તે વળી પ્રેમની શું વાતો થઈ શકે? પ્રેમીઓએ તો ક્યાંક બીજે મળવું જોઈએ. પુરુષનાં સૂચન અન્વયે તેઓ મળે તો છે બગીચામાં, પણ એ મિલનમાં વાર્તાનાં નાયકની પ્રણયચેષ્ટાઓને એ છોકરી રસપૂર્વક આત્મસાત કરતી હોય એવું લાગતું નહોતું. નાયકને લાગે છે કે એની પોતાની જગ્યાએ કોઈ અન્ય પુરુષ હોત તો ય એ છોકરીની પ્રતિક્રિયા આવી જ હોત! પછી તો પુરુષનાં આમંત્રણથી એ છોકરી એનાં ઘરે આવે છે પણ ત્યાં પણ વાર્તા નાયકની તેઓનાં ભાવિ વૈવાહિક સહજીવનનાં આયોજનની વાતોમાં છોકરીને કોઈ રસ પડતો નથી. ત્યાર બાદ બંનેની સગાઈ તો થાય છે પણ નાયકનાં મતે સગાઈ એ અત્યંત શુષ્ક નીરસ સ્થિતિ છે. એ માને છે કે કાં તો પુરુષે ઝડપથી પતિ બની જવું જોઈએ અથવા તો સઘળું પડતું મૂકવું જોઈએ. દરેક સગાઈ થયેલો પુરુષ નથી અહીંનો હોતો, નથી તહીંનો! એણે જાણે નદીનો એક કિનારો છોડી દીધો છે અને બીજા કિનારે એ હજી પહોંચ્યો નથી, એ પરણેલો નથી અને તેમ છતાં એ કુંવારો છે, એવું ય નહીં કહી શકાય. નાયક માટે પ્રેમનાં કાવ્યાત્મક વિચારો છે પણ વાર્તાની નાયિકા માટે મરીઝ સાહેબનાં શબ્દોમાં.. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોઈ જોઈએ- જેવી સ્થિતિ છે. હવે આમ સ્વભાવે અલગ અલગ બે પાત્રોની આ લવ સ્ટોરીનો ત્રીજો અને અંતિમ ભાગ સપ્રેમ રજૂ.)
ભાગ-૩
દરરોજ જરા સરખો ય સમય મળે કે તરત જ હું મારી મંગેતરને ઉતાવળે પગલે મળવા જવા સદા આતુર રહેતો હતો. જ્યારે જ્યારે જતો ત્યારે મનમાં ને મનમાં અનેક આશાઓ, કેટલીય ઈચ્છાઓ, ઘણાં મનસૂબા, સૂચનો અને મુહાવરાઓ મારી અંદર ભરચક ભરીને હું એને મળતો. મારી કલ્પના, મારી વિભાવના, મારા વિચાર જ એવા હતા કે જેવી નોકરાણી દરવાજો ખોલે કે તરત જ ઘરમાં પ્રવેશીને ગળા સુધી દબાયેલી 'ને શોષાયેલી હોય એવી લાગણીમાં ડૂબી ગયેલો હું હતો અને મને અચાનક એવું લાગી આવતું કે હવે જાણે કે ખુશીનાં કોઈ હિલ્લોળાં લેતા દરિયામાં હું ડૂબકી મારી રહ્યો છું. પણ હકીકતમાં હંમેશા એનાથી ઊલટું જ થતું. દરેક વખતે હું જ્યારે મારી મંગેતરને મળતો ત્યારે એનાં કુટુંબીજનો અને અન્ય સભ્યો નવવધૂનાં વસ્ત્રાભૂષણ કે લગ્નનાં દાયજાની ચર્ચામાં જ રચ્યાપચ્યા રહેતા જે મારે મન જરાય અગત્યની વાત નહોતી. (અને વાત નીકળી જ છે તો કહી દઉં કે તેઓ બધા એ પોષાક સીવડાવવામાં અને અન્ય આભૂષણ ખરીદ કરવા માટે છેલ્લાં બે મહિનાથી મહેનત કરી રહ્યા હતા અને ત્યારે પણ તેઓ હજી માંડ એક સો રુબલ્સની કિંમત જેટલું જ સરસામાન એકઠું કરી શકયા હતા.) તેનાં ઘરમાં ઈસ્ત્રીની અને મીણબત્તીઓનાં મીણની અને ધૂણી ધુમાડાની ગંધ આવતી રહેતી. આભૂષણ રૂપે પોષાક પર સીવેલાં કાચની નળી આકારનાં મણકા પગ તળે કચડાતાં રહેતા. બે સૌથી મોટા રૂમ્સ અળસીનાં રેસામાંથી બનેલાં કાપડ, સુતરાઉ કાપડ અને મલમલનાં ઢગલાથી ભર્યા પડયા હતા અને એ ઢગલાની વચ્ચેથી દાંતમાં દોરા સોતું સાશાનું ડોકું બહાર નીકળતું દેખાતું. હું દેખા દઉં ત્યારે વસ્ત્રો સીવનારાઓની ટોળી આનંદની કિકિયારીઓથી મારું હાર્દિક સ્વાગત કરતી અને પછી મને તરત જ ભોજનખંડમાં દોરીને લઈ જવાતો, જ્યાં ન તો હું મારી જાતને રોકી શકતો, ન તો હું એ જોઈ શકતો જે જોવાની પરવાનગી માત્ર એક પતિને જ હોય છે. મારી અંદર ઊભરો લેતી લાગણીઓ વચ્ચે મારે જબરજસ્તીથી ભોજનખંડમાં બેસી રહેવું પડતું અને સાશાની એક દૂરની સગી પિમેનોવા સાથે નકામી વાત કર્યા કરવી પડતી હતી. મને જોઈને સાશાને ઉત્તેજના તો થતી, એ મારી ચિંતા ય કરતી અને આંગળીમાં દરજીની અંગૂઠી, ઊનની આંટી અને એવી કોઈ કંટાળાજનક ચીજવસ્તુ સાથે મારી આગળ પાછળ આવ જા કર્યા કરતી.
'જરી રાહ જોજો, હું એક મિનિટમાં આવી,' એ એવું કહેતી જ્યારે જ્યારે હું મારી વિનવણી કરતી આંખો એની તરફ માંડતો. 'મને લાગે છે કે પેલી નકામી સ્ટેપેનિડાએ રેશમી ઊની ગાઉનમાં કાંઈ લોચો મારી દીધો હશે!'
એની એક કૃપાદૃષ્ટિ માટે વ્યાકુળતાથી રાહ જોયા બાદ મારા મગજનો પિત્તો છટક્યો, હું ઘરની બહાર નીકળી ગયો અને મારી નવી ખરીદ કરેલી લાકડી સાથે શેરીમાં ચાલવા માંડયો. વાત જાણે એમ હતી કે મારી મંગેતર સાથે હું ફરવા જવા અથવા લોંગ ડ્રાઈવ પર જવા ઈચ્છતો હતો. હું જો કે પાછો ફર્યો પણ ત્યારે તો બહાર જવા માટે એ તૈયાર થઈને એની નાનકડી છત્રી સાથે રમત રમતી એની મા સાથે દીવાનખંડમાં ઊભી હતી.
'ઓહ, અમે બજારમાં જઈએ છીએ,' એણે કહ્યું હતું. 'અમારે ઊની મુલાયમ કાપડ લેવાનું છે અને આ હેટ પણ બદલાવવાની છે.'
મગજમાં હતું કે મારે બહાર જવું અને એટલે એ સ્ત્રીઓનાં બજારગમનનાં કાર્યક્રમમાં હું પણ જોડાયો. સ્ત્રીઓ ખરીદી કરે, ભાવ બાબતે રકઝક કરે, હોંશિયાર દુકાનદારથી ય આગળ ચડી જવાની કોશિશ કરે- એ બધું જોવું અને સાંભળવું અત્યંત ત્રાસદાયક અને કંટાળાજનક હોય છે. મને એ ન ગમ્યું, શરમ આવી જ્યારે સાશાએ દુકાનદાર પાસે ઢગલો ચીજવસ્તુઓ કઢાવી, ઓછામાં ઓછો ભાવ કરાવ્યો અને પછી કાંઈ પણ ખરીદ કર્યા વગર એ દુકાનની બહાર નીકળી ગઈ અને કારણ એ હતું કે દુકાનદાર સાથે હજી અડધો રૂબલ ભાવ ઘટાડવા એણે લમણાઝીંક કર્યે રાખી હતી. દુકાનદારે નમતું ન જોખ્યું એટલે એ બહાર નીકળી ગઈ.
દુકાનમાંથી બહાર આવી ગયા પછી સાશા અને એની મા ચિંતા અને ભડકભર્યા ચહેરાઓથી અન્ય ખરીદીમાં તેમનાથી થઈ ગયેલી ભૂલ વિષે લંબાણપૂર્વક ચર્ચા કરતા રહ્યા, એમ કે તેમનાથી ખોટી ખરીદી થઈ ગઈ હતી, એમ કે છીંટનાં કાપડ પર છાપેલાં ફૂલોનો રંગ વધારે પડતો ઘેરો હતો અને એવી બીજી અનેક બાબતોની ચર્ચા થતી રહી.
હા, સગાઈ થઈ ગયેલી સ્થિતિ કંટાળાજનક હોય છે! સારું થયું કે એ સમય વીતી ગયો.
હવે હું પરણી ગયો છું. સાંજ ઢળી છે. મારા અભ્યાસખંડમાં બેસીને હું પુસ્તકનો અભ્યાસ કરી રહ્યો છું. મારી પાછળ સોફા પર બેસીને મારી પત્ની સેશા કચડ કચડ કશુંક ચાવી રહી છે. મને ગ્લાસભર બીયર જોઈએ છે.
'સાશા, જો તો બાટલીનો બૂચ કાઢવાનું સ્ક્ ક્યાંય પડયું છે..' મેં કહ્યું. 'અહીં જ ક્યાંક પડયું હશે.' સાશા ઊભી થઈ, સાવ અવ્યવસ્થિત રીતે કાગળોનાં બે કે ત્રણ ઢગલાંઓ વેરવિખેર કર્યા, દિવાસળીનું બાકસ નીચે ગબડયું પણ બૂચસ્ક્રુ ન મળ્યું. એ પછી શાંતિથી બેસી ગઈ.. પાંચ મિનિટ્સ પસાર થઈ ગઈ.. પછી દસ.. તરસ અને ખીજવાટ એમ બંનેથી મારા અકળાવાની શરૂઆત થઈ.
'સાશા, જો ને બૂચસ્ક્ ક્યાં પડયું છે..' મેં કહ્યું.
સાશા ફરીથી ઊભી થઈ. મારી નજીક પડેલા કાગળોમાં ફરીથી એણે ખાંખાંખોળાં કર્યા. એકબીજાની હરીફાઈ કરતો હોય એવો કશુંક કચડ કચડ ચાવવાનો અવાજ અને એની સાથે કાગળો ફંફોસવાનો ખડખડાટ- એમ બંને અવાજો એકબીજા સામે ચપ્પુ ચલાવતા હોય એવા લાગી રહ્યા હતા.. હું ઊભો થયો અને મેં જાતે જ બૂચસ્ક્ શોધવાની શરૂઆત કરી. આખરે એ મળ્યું અને એની મદદથી મેં બીયરની બોટલનું બૂચ ખોલ્યું. સાશા ટેબલ પાસે બેઠી રહી અને પછી એણે કોઈ વાત ઘણી જ વિગતથી કહેવા માંડી.
'તું કશું વાંચતી હોય તો સારું, સાશા,' મેં કહ્યું.
એણે પુસ્તક લીધું અને મારી સામે મોઢું રાખીને બેઠી અને એનાં હોંઠ હાલવા લાગ્યા.. મેં એનાં નાનકડાં કપાળ સામે જોયું અને પછી એનાં હલતાં હોંઠ સામે નજર કરી અને પછી હું વિચારમાં ડૂબી ગયો.
'એ હજી વીસની થવા જઈ રહી છે..' હું વિચારતો રહ્યો. 'એક શિક્ષિત વર્ગનો છોકરો, જેની આના જેટલી જ ઉંમર હોય અને પછી એની સાથે સાશાની જો કોઈ સરખામણી કરે તો એ શું જુએ? જુએ કે કેટલું બધું વૈષમ્ય છે, કેટલો બધો ફેર છે એ બેમાં! છોકરા પાસે જ્ઞાન હોય, એક મજબૂત અભિપ્રાય પણ હોય અને થોડી બુદ્ધિમતા પણ હોય.
પણ હું આ તફાવતને માફ કરી દઉં છું અને એ જ રીતે જે રીતે એનું એ નીચું થતું કપાળ અને હલબલ થતાં એનાં હોંઠને માફ કરી દઉં છું. હું મારા જૂનાં લવલેશ* દિવસોને યાદ કરું છું, જ્યારે હું એવી સ્ત્રીઓને પડતી જ મૂકી દેતો હતો, જેનાં ઘૂંટણ સુધી ગૂંથેલા મોજાં પર એકાદો ય ડાઘ પડયો હોય, અથવા એ એકાદો મૂર્ખ શબ્દનો ઉચ્ચાર કરતી હોય અથવા જેનાં દાંત બરાબર સાફ ન હોય, અને હવે.. દરેક વસ્તુને હું માફ કરી દઉં છું : એનું એ કચડ કચડ ચાવતાં ચાવતાં ખાવું, બૂચસ્ક્ શોધવા વાસ્તે એનું એ બધું ખંખોળવું, અને એની એ ગોબરાઈ, એની એ લાંબી લાંબી વાતો કે જે જરાય અગત્યની નહોતી. અને પછી લગભગ અજાણતામાં જ, એની તમામ બાબતો બદલ હું એને માફ કરી દઉં છું, સાવ સહજતાથી, કોઈ પણ પ્રયત્ન વગર- એ રીતે જાણે કે સેશાની ભૂલો એ ખુદ મારી પોતાની ભૂલો છે, અને એવી તો ઘણી બધી વસ્તુઓ છે જે આ પહેલાં મને પીડા દેતી હતી, વ્યથિત કરી દેતી હતી- પણ હવે એ મને હેતાળ લાગે છે, એટલે સુધી કે એ જ વસ્તુઓ ક્યારેક ક્યારેક મને આનંદિત પણ કરે છે, ઉલ્લાસ આપે છે. આવું કેમ થાય છે?- એ જો મારે સમજાવવું હોય અથવા એને દરેક બાબતે માફ કરી દેવાની મારી ચેષ્ટા પાછળનું કોઈ કારણ જો મારે કહેવું હોય તો એ છે- મારો સાશા પ્રત્યેનો બિનશરતી પ્રેમ, પણ સ્વયં પ્રેમનો અર્ર્થ કોઈને શી રીતે સમજાવવો, એની મને ખરેખર ખબર નથી.
(સમાપ્ત)


