બસ, તું સુખી રહેજે, ખુશ રહેજે... .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- મારે તો માત્ર તારા સ્નેહમાં ભાગ જોઈતો હતો. મારા માવતરના દુ:ખમાં તું આવીને થોડો ભાગ પડાવે તે જોઈતું હતું. મારે કશું જ જોઈતું નથી...
'હે લ્લો મૈત્રી, મારે રાત્રે આવતા મોડું થશે. તમે લોકો મારી રાહ જોતા નહીં. મારે ઓફિસમાં થોડું કામ છે. તમારે લોકોને સવારે વહેલા જાગવાનું છે. સ્તુતિ અને સ્મૃતિને પણ ઉંઘાડી દેજે.' - વિપ્લવે ફોન કરીને પોતાની પત્નીને કહ્યું અને ફોન કટ કરી દીધો. મૈત્રી પોતાના પતિના આદેશ પ્રમાણે કામમાંથી પરવારી ગઈ અને આરામ કરવા જતી રહી. બીજી તરફ વિપ્લવ પણ કહ્યા પ્રમાણે લગભગ રાત્રે એક વાગ્યે ઘરે આવ્યો.
ઘરે આવીને તે ફ્રેશ થયો અને રસોડામાં જઈને નાસ્તા માટે થોડું ઘણું ફંફોસ્યું. તેના ભાવતા ગાંઠિયા એક વાડકામાં લીધા અને લેપટોપ લઈને ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાયો. ઓફિસનો પ્રોજેક્ટ તેના માટે ખૂબ જ મહત્ત્વનો હતો. તેની કંપની જે જમીન એક્વાયર કરવા માગતી હતી તે વિપ્લવના વતન ઘોઘા બંદર પાસે જ હતી. વિપ્લવ તેના કારણે વધારે ઉત્સાહિત હતો. તે પ્રોજેક્ટ ફાઈલ તૈયાર કરતો હતો અને ગાંઠિયા ખાતો જતો હતો ત્યાં જીમેલનું નોટિફિકેશન આવ્યું. તેણે પોપઅપ ઉપર નજર કરી તો તેની મોટી બહેન શ્રીજાનો ઈમેલ હતો.
વિપ્લવે ઈમેલ ખોલ્યો નહીં પણ તેનો મુડ બદલાઈ ગયો. તેના આનંદિત ચહેરા ઉપર થોડી ગુસ્સા અને નારાજગીની રેખાઓ ઉપસી આવી. તે શ્રીજા સાથે થોડા સમય પહેલાં જ ઝઘડયો હતો. તેને એમ થયું કે ઈમેલ નથી જોવો. થોડો સમય ગયો અને તેને એમ થયું કે, ઈમેલ જોઈ લઉં. તેણે આ દ્વિધાથી કંટાળીને લેપટોપ બંધ કરી દીધું. વાડકામાં વધેલા ગાંઠિયા ખાઈ લીધા અને પાણી પીને પોતાના બેડરૂમ તરફ ગયો.
તેણે ફોનને સાઈડ ટેબલ ઉપર મુક્યો અને મૈત્રીની બાજુમાં લંબાવી દીધું. તેને હજી ઉંઘ આવતી નહોતી. વિપ્લવ પડખાં ફરતો હતો ત્યાં મોબાઈલ રણક્યો. તેણે નજર કરી તો તેના બોસનો વોટ્સએપ મેસેજ હતો. વિલ્પવે મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ ઉપર નજર કરી તો તેમાં લખ્યું હતું, ગેટ યોર બેસ્ટ. વિપ્લવે પોપઅપમાં જ મેસેજ વાંચી લીધો અને તેના ચહેરા ઉપર સ્મિત રેલાઈ આવ્યું. તેણે જોયું તો ફોનમાં પણ વોટ્સએપની નીચે જીમેલનું નોટિફિકેશન હતું. તેના ચહેરા પરનું સ્મિત તરત જ વિલાઈ ગયું. તેની સ્મૃતિમાં પાંચ વર્ષ પહેલાની રક્ષાબંધનની સાંજ ઉપસી આવી.
'ભઈલું સાંભળ, એક વખત ઘરે આવી જા... હવે મમ્મી-પપ્પાની તબિયત સારી રહેતી નથી. તેઓ તને યાદ કર્યા કરે છે. હું તેમની સાથે હોઉં છું પણ મારે મારો પરિવાર અને નોકરી પણ જોવાના છે. તું થોડા દિવસ રજા લઈને ભાભી સાથે અહીંયા આવી જા. મમ્મીને થોડી રાહત થઈ જાય પછી તું પાછો જતો રહેજે. તું મૈત્રીને થોડી સમજાવ અને મા-બાપની ખુશી માટે થોડા દિવસ આવી જા. મૈત્રી સમજુ છોકરી છે, તારી વાત માની લેશે.' - શ્રીજાએ ફોન ઉપર કહ્યું.
'મોટી તું સમજતી નથી, મારે અહીંયા કેટલા કામ છે. કદાચ મારી કંપની મને વિદેશ પણ મોકલે તેમ છે. હું અત્યારે રજાઓ લઈને ત્યાં આવી શકું તેમ નથી. હવે મોટા શહેરોમાં અને મોટી નોકરીઓમાં તહેવારો જેવું કશું હોતું નથી. ગામમાં હતા અને ભણતા ત્યાં સુધી સાતમ- આઠમ કરી હવે બધું ભુલી જવાનું. તું મને ફોર્સ કરે છે તો તું જ મમ્મી-પપ્પા સાથે રહેતી હોય તો. તારા વરને સમજાવી જો.' - વિપ્લવ દલીલ કરતો જતો હતો.
'ભઈલું, મારો વર અહીંયા કેવી રીતે આવે. જમાઈ થોડો સાસરે આવીને રહે. મૈત્રીનું તો આ ઘર છે. તેનો આ ઘરમાં પુત્રવધૂ તરીકેનો અધિકાર છે. તેની ફરજ છે આપણા મા-બાપને સાચવવાની. તારી નોકરીના કારણે તારે બીજા શહેરમાં રહેવું પડે છે, મમ્મી-પપ્પાને ત્યાં ફાવતું નથી એટલે, બાકી તો એ લોકો તારી સાથે જ રહેતા હોય. હું તને રહેવા નથી બોલાવતી, માત્ર અઠવાડિયું-દસ દિવસ આવી જા અને પછી જતો રહેજે. તને કોણ રોકવાનું છે.' - શ્રીજાએ ફરી સમજાવટ કરી.
'સારું ચાલ જોઉં છું. દિવાળીએ આવવાનો પ્રયાસ કરીશ. તારે મને ફોર્સ કરવાનો નહીં. મને ફાવશે એ રીતે આવીશ અને એટલું રહીશ.' - વિપ્લવે વાત પૂરી કરી. છોકરીઓની સ્કુલમાં ક્રિસમસ વેકેશન પડયું ત્યારે વિપ્લવ અઠવાડિયા માટે આવ્યો. તે જે દિવસ ગામડે આવ્યો તે દિવસે ઘરમાં થોડી રોનક લાગતી હતી. ચારેય આવ્યા હતા. મમ્મી-પપ્પા પણ ખુશ હતા અને ઘરમાં રોનક હતી. નવા વર્ષે વિલ્પવ પાછો જતો રહ્યો અને ઉત્તરાયણના બે દિવસ બાદ મમ્મી પગથિયા ઉતરતાં નીચે પડી ગઈ. તે કોમામાં જતી રહી. વિપ્લવને બોલાવ્યો તો ભાવનગરની હોસ્પિટલમાં ખબર જોવા માટે એકલો જ આવ્યો. તેણે મમ્મીને પોતાની સાથે ચેન્નઈ લઈ જવાની વાત કરી. ત્યાં સારી અને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કરી પણ અહીંયા રોકાવાની કે મૈત્રીને બોલાવવાની કોઈ વાત કરી નહીં.
તે દિવસ શ્રીજા અને વિપ્લવ વચ્ચે મમ્મી-પપ્પાને સાચવવા મુદ્દે ઝઘડો થયો હતો. વિપ્લવે સંભળાવી દીધું કે, અત્યાર સુધી મા-બાપને તેં જ સાચવ્યા છે અને તે જ તેમનું બધું વાપર્યું છે તો વાપરતી રહેજે અને સાચવતી રહેજે. મારે કંઈ જોઈતું નથી અને મને લાગતું પણ નથી કે તું અને કુમાર મારા માટે કશું વધવા પણ દેશો. જે રીતે આ ઘરને તે પોતાના તાબામાં રાખ્યું છે તે મને સમજાય જ છે. મમ્મી-પપ્પા પણ તારી આંખે જ વિશ્વ જૂએ છે. બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. વિપ્લવ તો બીજા દિવસે જતો રહ્યો. વિપ્લવના ગયા બાદ શ્રીજા અને તેના પતિ વચ્ચે પણ સંઘર્ષ થયો. શ્રીજા કંથારિયા ખાતે પોતાનું સાસરું, ગામ અને શાળા છોડીને અહીંયા મા-બાપને સાચવવામાં પડી હતી. તેમ છતાં તેનો ભાઈ આવા આરોપો મુકે તે કોણ સહન કરે? બંને ઝઘડયા પણ પપ્પાએ શાંત પાડતા બધું શાંત થઈ ગયું.
મમ્મી લગભગ દોઢ મહિનો કોમામાં રહ્યા બાદ ભાનમાં આવી પણ પથારીવશ થઈ ગઈ હતી. હવે શ્રીજા જ તેની સેવાચાકરી કરતી હતી. તેની પાસે કોઈ વિકલ્પ નહોતો અને તેના માતા-પિતા પાસે પણ નહોતો. શ્રીજા હવે નિયમિત રીતે પોતાના માતા-પિતાની સારસંભાળ લેવા લાગી. તેના પતિએ પણ સમયાંતરે શ્રીજાને મદદ કરવાનું ચાલુ રાખ્યું જેથી તે નોકરી કરી શકે અને માતા-પિતાને પણ સાચવી શકે. આ રીતે રક્ષાબંધન નજીક આવી. શ્રીજાએ વિપ્લવને ગામ આવવા કહ્યું પણ તેણે ના પાડી દીધી. શ્રીજાએ રાખડી મોકલાવી દીધી. રક્ષાબંધનની રાત્રે જ મમ્મીએ દેહ છોડી દીધો.
વિપ્લવ અને મૈત્રીએ ફરજીયાત આવવું પડયું. મમ્મીના જવાથી પપ્પાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. હજી તો મમ્મીનું તેરમું પણ નહોતું પત્યું ત્યાં તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા. મૈત્રીએ આરોપ મુક્યા કે મમ્મીના ઘણા દાગીના હતા જે હવે નથી મળતા. આ ઉપરાંત મમ્મીની સાડીઓ અને બીજી વસ્તુઓ પણ ખોવાઈ ગઈ છે અથવા કોઈ લઈ ગયું છે. આવા ઘણા આરોપો બાદ મૈત્રીએ મોટો આરોપ મૂક્યો.
'અમને ખબર જ છે, આટલા વર્ષો આ લોકોની સેવા કરીને તમે બધું પોતાનું લખાવી જ લીધું હશે. ડોશીના દાગીના, ડોસાની કમાણી અને જમીન બધું પચાવી પાડયું હશે. ભાઈ માટે તો માત્ર લાગણીઓની રમત જ રાખી છે. ભઈલું... ભઈલું કરવાનું અને તેને તથા મા-બાપને છેતરવાના.' - મૈત્રીએ કહ્યું અને શ્રીજાએ તેને તમાચો મારી દીધો.
આ ઝઘડાએ તમામ સંબંધો બદલી કાઢયા. તેરમા દિવસે વિપ્લવ પાછો જતો રહ્યો અને પછી ક્યારેય શ્રીજા સાથે વાત કરી નહીં.
તેને ક્યારેય ફોન કરતો નહીં અને કદાચ તેનો ફોન આવી જાય તો ઉપાડતો પણ નહીં. આજે એ ઘટનાને પણ ચાર વર્ષ થયા. આજે શ્રીજાનો ઈમેલ આવ્યો છે તે જાણીને વિલ્પવને નવાઈ લાગી હતી. આખરે ઉંઘ આવતી નહોતી એટલે વિપ્લવે તેનો ઈમેલ ખોલ્યો.
'વહાલા ભઈલુ, પપ્પાનું ગઈકાલે અવસાન થઈ ગયું છે. તેમણે અગ્નિસંસ્કાર કરવાની ના પાડી હતી તેથી તેમના મૃતદેહનું તેમની ઈચ્છા પ્રમાણે દાન કરી દીધું છે. તેમણે તને પણ બોલાવવાની ના પાડી હતી. તેમણે વારસાહી કરી હતી અને બધું આપણી વચ્ચે સરખા ભાગે વહેંચ્યું હતું. મારે તેમાંથી કશું જ જોઈતું નથી. મને ખબર છે કે, તમે લોકો વિદેશ જવાના છો. તે પહેલાં બધું તને આપી દેવાની મારી ઈચ્છા હતી. પપ્પાની વારસાહી, મારો તમામ મુદ્દે હક જતો કરવાની એફિડેવિટ અને મકાનની ચાવી તથા રાખડી તને મોકલાવું છું. મારે તો માત્ર તારા સ્નેહમાં ભાગ જોઈતો હતો. મારા માવતરના દુ:ખમાં તું આવીને થોડો ભાગ પડાવે તે જોઈતું હતું. મારે કશું જ જોઈતું નથી. મમ્મીએ મૈત્રી માટે જે ઘરેણા રાખ્યા હતા તે પણ મૈત્રીના ઘરે મોકલાવી દીધા છે. એ લોકો તમને ઘરેણા પહોંચતા કરશે. મારી તો આ રક્ષાબંધને અને આજીવન એક જ પ્રાર્થના છે કે, તું જ્યાં પણ જાય ત્યાં સુખી રહે અને ખુશ રહે.
તારી વહાલી મોટી.'