- ઝાકળઝંઝા
- મુગ્ધા હજી પોતાના પિતાની સામે અનિમેષ નજરે જોઈ રહી હતી અને રસોડાના દરવાજાના ટેકે ઊભેલી પૂર્વી પણ પોતાના પતિની સામે જોઈ રહી હતી.
'ડે ડી તમને ખબર છે ને કે મારે જે જોઈએ છે એ જોઈએ જ છે, અને હું ક્યારેય તેમાં બાંધછોડ કરતી નથી. હું હંમેશા પરફેક્શનમાં જ માનું છું. જે મારું છે એ મારું જ હોવું જોઈએ અને પરફેક્ટ જ હોવું જોઈએ' - મુગ્ધાએ પોતાના પિતા સામે દલીલ કરતા કહ્યું.
'દીકરી તારી વાત સાચી છે પણ તું જેવું ધારે છે, તું જેવું ઈચ્છે છે તેવું દર વખતે થતું નથી. આ વાત માત્ર તને જ નહીં પણ દરેક વ્યક્તિને લાગુ પડે છે. વ્યક્તિએ ધારેલું જ્યારે થવા માંડે છે ત્યારે તેનામાં અહંકાર વધે છે અને તે પોતાના વિજયના નશામાં એવો ઓળઘોળ થઈ જાય છે કે, તેને બીજા કોઈ સત્ય દેખાતા જ નથી. તે પોતાની જાતને જ શ્રેષ્ઠ માનવા લાગે છે અને પોતાને જ નુકસાન કરી બેસે છે. ક્યારેક એચિવમેન્ટ પછીના એડજસ્ટમેન્ટ પણ એટલા જ મહત્ત્વના હોય છે' - નિનાદે પોતાના દીકરીના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યું.
'ડેડી આઈ ડોન્ટ થિંક સો... માણસને પોતાનું ધારેલું મળે તો તેમાં ઈગોની વાત ક્યાં આવે છે. એ તો પ્રાઉડ થવાની વાત છે. તમે જે કરો છો કે એચિવ કરો છો તે તમારા માટે મહત્ત્વનું હોય છે. આઈ ડોન્ટ થિંક કે એના પછી આપણે કોઈ એડજસ્ટમેન્ટ કરવા જોઈએ' - મુગ્ધાના અવાજનો રણકો બદલાતો જતો હતો.
'ઈન ધેટ કેસ, લેટ મી ટેલ યુ એ સ્ટોરી, વીચ આઈ પર્સનલી લાઈક એન્ડ ફોલો. તેનાથી હું ઘણું શિખ્યો છું' - નિનાદ બોલ્યો.
'વાઉ... આઈ એમ ઈગર ડેડ... જલદી કરો...' - મુગ્ધાના અવાજમાં ઉત્સાહ ડોકાવા લાગ્યો.
'એક છોકરો હતો. મધ્યમવર્ગ પરિવારમાં તેનો જન્મ થયો હતો. પિતા સરકારી કચેરીમાં ક્લાર્ક હતા અને મમ્મી સરકારી સ્કુલમાં પ્રાથમિક શિક્ષિકા હતા. આ છોકરાનું નામ ગૌરવ. ગૌરવ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ભણવામાં ખૂબ જ હોંશિયાર અને તેજસ્વી થતો ગયો. તેના માતા-પિતા દ્વારા તેના ઉછેર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. તેમણે એવું પણ નક્કી કર્યું કે આપણે બીજું સંતાન નથી લાવવું જેથી એક જ સંતાનનો સરસ રીતે ઉછેર થાય.
જેમ જેમ ગૌરવ મોટો થતો ગયો તેમ તેમ વિવિધ ક્ષેત્રમાં રસ લેતો ગયો અને સાથે સાથે અભ્યાસમાં પણ તેજસ્વી થતો ગયો. અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં પણ તેને ખાસ્સો રસ હતો છતાં ઉચ્ચ અભ્યાસ કરીને સારી સરકારી નોકરી મેળવવાનું પરિવારનું લક્ષ્ય હતું. ગૌરવ દસમા ધોરણમાં પોતાની શાળામાં બીજા ક્રમે આવ્યો અને જિલ્લામાં દસમા ક્રમે આવ્યો. પરિવારને ખૂબ જ આનંદ થયો.
ગૌરવને સાયન્સ સ્ટ્રીમમાં આગળ અભ્યાસ માટે મુકવામાં આવ્યો. બે વર્ષ તેણે ખૂબ જ મહેનત કરી અને બારમા ધોરણમાં જિલ્લામાં પ્રથમ ક્રમે અને રાજ્યમાં પાંચમા ક્રમે ઉત્તિર્ણ થયો. તેનું ઉત્તમ પરિણામ હોવા છતાં તેના માતા-પિતાએ તેને ડોક્ટર કે એન્જિનિયર બનાવવાના સ્થાને ફિઝિક્સમાં માસ્ટર્સ અને પીએચડી કરવા માટે સજ્જ કર્યો. ગૌરવ આ દિશામાં સખત મહેનત કરવા લાગ્યો. તેણે ગોલ્ડ મેડલ સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લીધું. ત્યારબાદ ડોક્ટરેટ કરીને તે અમદાવાદની જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો. ઉચ્ચ પગાર અને સરકારી નોકરીને કારણે સમગ્ર પરિવાર અને સમાજમાં ગૌરવનું ખૂબ જ માન અને નામ હતું. ફિઝિક્સમાં તેના રિસર્ચ પેપર્સ ગ્રેજ્યુએશનના કોર્સમાં સ્થાન પામ્યા હતા.
ગૌરવ માટે હવે ઉચ્ચ અભ્યાસ કરેલી છોકરીઓની શોધ ચાલી હતી. તેને કોઈ છોકરી પસંદ આવતી નહોતી. તેને પોતાની સાથે ઈન્ટેલેક્ચ્યુઅલી કનેક્ટ થાય તેવી છોકરી જોઈતી હતી. તેના માતા-પિતા ડોક્ટર અને એન્જિનિયર છોકરીના માગા લાવતા હતા પણ કંઈ ગોઠવાતું નહોતું. ગૌરવ આ દરમિયાન એક વખત અમદાવાદની જાણીતી સંસ્થા પીઆરએલમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયો હતો. ત્યાં તેની નજર સ્નિગ્ધા ઉપર પડી.
સ્નિગ્ધા પીઆરએલમાં રિસર્ચ ફેલો તરીકે કામ કરતી હતી. ગૌરવ જે કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો તેનું સંચાલન અને પ્રેઝન્ટેશન સ્નિગ્ધાએ જ આપ્યા હતા. આ મુલાકાતથી ગૌરવને એક પ્રકારનું આકર્ષણ ઊભું થઈ ગયું હતું. સ્નિગ્ધાને પણ ગૌરવ પસંદ પડવા લાગ્યો હતો. ઔપચારિક રીતે થયેલી ફોન નંબરની આપ-લે છ મહિનામાં તો કલાકો સુધી વાતો કરવા સુધી પહોંચી ગઈ હતી. આખરે બંનેએ સહજીવન વિશે નિર્ણય કર્યો અને પોતાના પરિવારને જાણ કરી.
પરિવારની સંમતીથી બંનેના ધામધૂમથી લગ્ન લેવાયા. લગ્ન બાદ ગૌરવ અને સ્નિગ્ધાનું જીવન સરસ પસાર થતું હતું. પરિવાર નાનો અને ખુશહાલ હતો. સ્નિગ્ધા જેટલી સારી રીતે નોકરી કરતી હતી તેટલી જ ચિવટથી ઘર સાચવતી હતી અને પરિવારના દરેક તહેવારો, પ્રસંગોને પણ શોભાવતી હતી.
આ દરમિયાન ગૌરવની કોલેજ દ્વારા વિક્રમ સારાભાઈના માનમાં એક અઠવાડિયાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ગૌરવની પત્ની સ્નિગ્ધાને વિશેષ લેક્ચર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીઆરએલમાંથી વિવિધ ફેકલ્ટી દરરોજ આવે તે રીતે આયોજન ગોઠવાયું હતું અને આ બધું જ કામ પીઆરએલ તરફથી સ્નિગ્ધા જ કરતી હતી. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે પૂરો થયો. આ દરમિયાન કોલેજ મેનેજમેન્ટ અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ખબર પડી કે સ્નિગ્ધા તો ગૌરવ સરના પત્ની છે. કોલેજ દ્વારા હવે સમયાંતરે સ્નિગ્ધાને બોલાવવાનું શરૂ કરાયું. ગૌરવને શરૂઆતમાં તો આનંદ થયો પણ ધીમે ધીમે પોતાનું મહત્ત્વ ઘટતું જતું હોય તેમ લાગવા માંડયું.
બીજી તરફ સમાજમાં પણ સ્નિગ્ધાની કામગીરી અને પરિવારની સાચવણી વિશે ચર્ચા થવા લાગી. સમાજમાં હવે ગૌરવ કરતા સ્નિગ્ધાને વધારે માનપાન મળવા લાગ્યા. તેના કારણે ગૌરવને પોતાની પત્નીની ઈર્ષા થવા લાગી. તેણે ધીમે ધીમે સ્નિગ્ધા ઉપર પ્રતિબંધો મુકવાની શરૂઆત કરી. તેને કોલેજમાં આવવાની ના પાડી દીધી. સમાજમાં દરેક પ્રસંગે કે મેળાવડામાં જવાનું ટાળવા લાગ્યો. આ મુદ્દે બંને વચ્ચે તણાવ વધવા લાગ્યો. હવે તકરાર મોટા ઝઘડામાં ફેરવાઈ જવા લાગી હતી. આ બધા વચ્ચે સ્નિગ્ધાને ગર્ભ રહ્યો હતો. ઘરમાં થોડો આનંદ હતો પણ ગૌરવ હવે સ્નિગ્ધાને નોકરી છોડવાની જીદ કરતો હતો. આ દરમિયાન એક દિવસ બંને વચ્ચે ભયાનક ઝઘડો થયો અને ગૌરવે સ્નિગ્ધાને ધક્કો મારીને ઘરની બહાર ધકેલી દીધી.
સ્નિગ્ધા ઘરની બહાર પડી ગઈ અને પેટના ભાગે પડવાના કારણે તેમનો ગર્ભ નષ્ટ થઈ ગયો. આ ઘટનાએ બધાનું જીવન બદલી કાઢયું. સ્નિગ્ધા તાત્કાલિક છુટાછેડા લઈને ગૌરવથી અલગ થઈ ગઈ. ગૌરવને પોતાની ભુલ સમજાઈ હતી પણ હવે પસ્તાવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. તેણે પોતાના સફળતાના ગુમાનમાં ઘણું ગુમાવી દીધું હતું. આ રીતે લગભગ ત્રણ વર્ષ પસાર થઈ ગયા. એક વખત સમાચાર મળ્યા કે સ્નિગ્ધા પીઆરએલમાં જ જોબ કરતા એક છોકરા સાથે લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા જતી રહી છે. ત્યાં તે સરકારી નોકરી કરી રહી છે અને હવે માતા પણ બનવાની છે.
ગૌરવ હવે વધારે દુઃખી થઈ ગયો હતો. આ તરફ ગૌરવ માટે ફરીથી જીવનસાથી શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ગૌરવ ભણેલો-ગણેલો અને સારા પગારની નોકરી ધરાવતો છોકરો હતો. તેને હજી પણ યુવાન અને અપરિણિત છોકરીઓના માગા આવતા હતા. આ દરમિયાન ગૌરવ સુરત ખાતે એક કાર્યક્રમમાં ગયો હતો. ત્યાં તેની મુલાકાત પૂર્વી સાથે થઈ. પૂર્વી સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર હતી. તે નાની વયે વિધવા થયેલી હતી. ગૌરવને પૂર્વીનો સ્વભાવ ગમી ગયો હતો. તેણે કાર્યક્રમ દરમિયાન જ પૂર્વી સાથે લગ્નની વાત કરી. થોડા સમયમાં બંને લગ્ન માટે રાજી થઈ ગયા અને ગૌરવ અને પૂર્વી લગ્નગ્રંથીથી જોડાઈ ગયા.
ગૌરવના પરિવારને શરૂઆતમાં આઘાત લાગ્યો હતો કે, તારી પાસે સારા ઘરની અને અપરિણિત છોકરીઓની સાથે લગ્ન કરવાના અવસરો હતા પણ તે જતા કર્યા. ગૌરવે ત્યારે પોતાના પરિવારને સમજાવ્યો હતો કે, હવે હું જિંદગીના સત્યને પામી ગયો છું. આપણે જે જોઈએ અને જે મળે એ બધું જ સત્ય અને સાચું હોતું નથી. આપણને જે મળે છે તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. આપણું ધારેલું બધું જ થતું નથી, આપણે એડજસ્ટમેન્ટ કરવા પડે છે. મેં એક વખત એડજસ્ટમેન્ટ કરવામાં ભુલ કરી હતી અને તેનું પરિણામ ભોગવી ચુક્યો છું હવે એવી ભુલ નથી કરવી. હવે જે મળ્યું છે તેની સાથે જ એડજસ્ટ કરીને જિંદગીને વધારે રસપ્રદ બનાવવી છે.
તેના પરિવારને પણ બદલાયેલા ગૌરવને જોઈને આનંદ અને આશ્ચર્ય થયું. ગૌરવ અને પૂર્વી સુખેથી જીવન પસાર કરવા લાગ્યા. લગ્નના બે વર્ષ બાદ ગૌરવ અને પૂર્વીના ઘરે એક દીકરીનો જન્મ થયો. તેઓ પોતાની દીકરીને બધું જ આપવા માટે પ્રયાસ કરતા હતા. તેમણે દીકરીને જીતીને આગળ વધતા શીખવ્યું હતું પણ હવે લાગે છે કે, બીજું ઘણું શીખવવું પડશે. મેળવવા માટે મહેનત કરવી અને મળ્યું છે તેનો આનંદ રાખવો. આ બે બાબતો જીવનમાં ખૂબ જ જરૂરી છે. બધું જ ધારણા પ્રમાણે થાય તેવું ક્યારેય શક્ય બનતું નથી.' - નિનાદ આટલું બોલીને અટક્યો.
'ગૌરવ અને પૂર્વીની છોકરીને તમારે જીવનના પાઠ શા માટે ભણાવવા છે. એના મા-બાપ એ કામ કરી લેશે..' - મુગ્ધા બોલી.
'દીકરી ગૌરવ તો પરિવારે આપેલું નામ હતું, એ છોકરાનું સાચું નામ નિનાદ પ્રવિણચંદ્ર આચાર્ય છે. તેની પત્ની પૂર્વી પંડયા અને તેમની દીકરી મુગ્ધા. હવે તું જ બોલ મારે એ છોકરીને બધું શીખવવું પડશે કે નહીં. નહીંતર એના બાપની જેમ એણે પણ ક્યારેક દુઃખી થવાનો કે પસ્તાવો કરવાનો વારો આવશે...' - નિનાદે આટલું કહીને મુગ્ધાના માથે હાથ ફેરવ્યો.
મુગ્ધા હજી પોતાના પિતાની સામે અનિમેષ નજરે જોઈ રહી હતી અને રસોડાના દરવાજાના ટેકે ઊભેલી પૂર્વી પણ પોતાના પતિની સામે જોઈ રહી હતી. તેની આંખોના ખૂણા ભીંજાયા હતા પણ તેમાં કદાચ આજે ખુશીના આંસુનું તોરણ બંધાયું હતું.


