- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર
- સૌ મનુષ્યોમાં પ્રેમનો સ્થાયીભાવ હોય છે, વ્યક્તિએ- વ્યક્તિએ તેનો અલગ-અલગ આવિષ્કાર થાય છે. પોતાની પ્રતિભાને બળે પરકાયાપ્રવેશ કરી શકે તેને પ્રાચીનોએ કવિ કહ્યો છે.
આ સૈફ પાલનપુરીનું જન્મશતાબ્દીનું વર્ષ છે. આપણા આગલી હરોળના ગઝલકારોએ ઝાઝી નઝમો લખી નથી; સૈફ તેમાં અપવાદ છે. સાંભળીએ તેમની નઝમ 'સૂનો ઝરૂખો.'
શાંત ઝરૂખે વાટ નીરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શાહજાદી જોઇ હતી
એના હાથની મ્હેંદી હસતી'તી
એની આંખનું કાજળ હસતું'તું
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું'તું
એના સ્મિતમાં સો સો ગીત હતાં
એની ચુપકીદી સંગીત હતી,એને પડછાયાની હતી લગન એને પગરવ સાથે પ્રીત હતી
એણે આંખના આસોપાલવથી,એક સ્વપ્નમહલ શણગાર્યો'તો
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો'તો
સ્ત્રીની વાત હતે તો 'ઉંબરે રાહ જોતી હતી' એવું લખતે, પણ આ તો રાણી, માટે ઊંબરો નહિ પણ ઝરૂખો. એકીટસે તાકી રહી છે- કોઈ આવ્યું કે આવશે. 'વાટ નીરખવી' એટલે પ્રતીક્ષા કરવી, અથવા માર્ગને જોયા કરવો. સુંદરીને જોઈને શાયર ઉત્તેજિત થયા હશે, સંતુલિત નહિ રહ્યા હોય, માટે જેને 'રાણી' કહી હતી, તેને વળતી જ પંક્તિમાં 'શાહજાદી' કહી બેસે છે. 'રૂપની રાણી' બીબાંઢાળ ભાષા છે, એમાં કવિકર્મ નથી. (યાદ છે ને ફિલ્મ 'રૂપ કી રાની, ચોરોં કા રાજા.') શાહજાદી મિલનોત્સુક હોવાથી તેણે મ્હેંદી અને કાજળના શણગાર સજ્યા છે. શાહજાદી હસું હસું થઈ રહી છે, એમ ન કહેતાં શાયર વક્રોક્તિ કરે છે કે મ્હેંદી અને કાજળ હસે છે. 'નાનું સરખું ઉપવન' વડે તેની કુમળી વય સુચવાઈ છે. 'મોસમ જોઈ વિકસતું'તું' વડે યૌવન સુચવાયું છે. તેને પ્રત્યેક પડછાયો અને પગરવ પ્રિય પાત્રનો લાગે છે. તેનાં લજ્જાથી નિમીલિત નયન જોવા શાયર રોકાઈ જાય છે, કહો કે સમય રોકાઈ જાય છે.
એને યૌવનની આશિષ હતી
એની સર્વ બલાઓ દૂર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતુર હતી
'ખુદ કુદરત પણ આતુર હતી'- પ્રેમમાં પડેલી વ્યક્તિ પોતાની ઊર્મિનું આરોપણ પ્રકૃતિમાં કરી બેસે. વિનોદ જોશીની નાયિકા ફરિયાદ કરે છે, 'વાયરાએ લે! મને ઊભી રાખી/ પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી!' હવે ભાવપલટો આવે છે ઃ
વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે
ત્યાં ગીત નથી,સંગીત નથી
ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાંઓના મહેલ નથી
ને ઊર્મિઓના ખેલ નથી
બહુ સૂનું સૂનું લાગે છે
બહુ વસમું વસમું લાગે છે
શાયર અન્યત્ર ચાલ્યા ગયા હશે, વર્ષો પછી આવ્યા હશે. ઝરૂખો તો છે પણ ઝંકાર નથી. શાહજાદીને સ્થાને સૂનકાર ઊભો છે. શાયર ઘટસ્ફોટ કરે છે ઃ
એ નો'તી મારી પ્રેમિકા
કે નો'તી મારી દુલ્હન
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી
કોણ હતી એ,નામ હતું શું
એ પણ હું ક્યાં જાણું છું?તેમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે
બહુ સૂનું સૂનું લાગે છે
સુંદરી રહે કે જતી રહે એથી શાયરને અંગત લાભાલાભ નહોતો, તોય એમને લાગે છે કે પોતે લુંટાઈ ગયા. સૌ મનુષ્યોમાં પ્રેમનો સ્થાયીભાવ હોય છે, વ્યક્તિએ- વ્યક્તિએ તેનો અલગ-અલગ આવિષ્કાર થાય છે. પોતાની પ્રતિભાને બળે પરકાયાપ્રવેશ કરી શકે તેને પ્રાચીનોએ કવિ કહ્યો છે. સૈફની બીજી નઝમ છે, 'ખાનગી પત્ર.'
વર્ષોથી સંગ્રહી રાખેલી
દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો
હું તમને બહુ ચાહું છું
જે જે સાડી પહેરો છો
એ સર્વે રંગ પસંદ છે
કોઈને જો ના ક્હો તો
કહી દઉં, અંગેઅંગ પસંદ છે
વાત કરો છો સખીઓ
સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે
છે,ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની
હું હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોક મળે તો
બહુ શરમાઉં છું મનમાં
પગલાં જેવું લાગે છે
ત્યાં ફૂલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો
હું ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે
કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે
બસ મિત્રો જ મને સંભાળે છે
કેવાં જાલિમ છો કે મુજને
દિવસભર તરસાવો છો
કેવાં સારાં છો કે રાતે
સ્વપ્નાંઓમાં આવો છો
પત્ર લખીને આજે તમને
દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એ જ કે તમથી
છાની પ્રીત કરી છે મેં
આવી સરળ પ્રણયરંગી પંક્તિઓનું પૃથક્કરણ શું કરવું?ફૂલને સૂંઘવાનું હોય કે પાંખડીઓ ગણવાની હોય? 'અંગે અંગ પસંદ છે' જેવી પંક્તિઓથી મુશાયરો ગજાવતા સૈફ આંખ સામે આજેય તરવરે છે. તેઓ પહેલાં ઉર્દૂમાં ગઝલ કહેતા, શયદાના આગ્રહથી ગુજરાતીમાં લખતા થયા. તેમને બન્ને ભાષાના હજારો શેર કંઠસ્થ, તેમનું સંચાલન સાંભળવું એક લહાવો. ગઝલની તિર્યક અભિવ્યક્તિ તો સૈફની જ.
આ 'ખાનગી પત્ર' છે. સખીઓ સાથે વાત કરતી પ્રેયસી, વડીલનું આવવું વગેરે વર્ણનોમાં સ્વભાવોક્તિ છે. 'મનમાં પરણવું ને મનમાં રાંડવું' કહેવતને ગઝલોચિત મરોડ આપીને શાયર મનમાં ફેરા ફરતા રહે છે. મોઢામોઢ એકરાર કરવાનું સાહસ ન હોવાથી પ્રેમપત્ર લખે છે. નઝમમાં હવે અણધાર્યો પલટો આવે છેઃ
પણ આ છેલ્લી વાત કહ્યા
વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે
એ જ મને સમજાતું નથી
એક જ ઈચ્છા છે કે મારો
પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમિકાને સૌ
આ રીતે સમજાવે
દુનિયાના સૌ પ્રેમીઓને
ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની
છૂટ બધાને આપું છું
શબ્દો મારા પ્રેમ તમારો
બન્નેનો સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો
સાચો સદ્ ઉપયોગ થશે
મળી ન હોય કોઈને
એવી જાગીરદારી મળશે
દુનિયાની સૌ પ્રીતમાં
મુજને ભાગીદારી મળશે
પ્રેમપત્ર કે પ્રેમકાવ્ય લખવા માટે પ્રેમિકાનું હોવું જરૂરી નથી. કવિપ્રતિભાની શક્તિ એવી છે કે ન જોયેલા પ્રદેશોનું વર્ણન કરી શકે. મેઘની નજરે પૃથ્વી નિહાળવા કાલિદાસે ઊડવું નહોતું પડયું કે મારીચાશ્રમનું વર્ણન કરવા સ્વર્ગે જવું નહોતું પડયું. શાયર રમતિયાળપણે સૌ પ્રેમીઓને આ પત્ર વાપરવાની પરવાનગી આપે છે. સૌની પ્રીતમાં ભાગીદારી એ જ એમનો શિરપાવ.
સૈફની નઝમ 'પ્રીતમની ઓળખાણ'ના અંશ નીચે મૂક્યા છે, ઓળખાણ તમે જાતે જ કરી લો ઃ
નથી જોયો પ્રીતમનો
મીટ માંડીને કદી ચહેરો
સખી! એકાંતની હંમેશ
મેં તો લાજ રાખી છે
પરિચય એમનો પૂછીને
મારી પર જુલમ ના કર
હંમેશા એમની સામે મેં
નીચી આંખ રાખી છે
સખી મારી આ બંધ આંખોએ
જે જે દ્રશ્ય જોયાં છે
એ તું સમજી નથી શકતી
અને હું કહી નથી શકતી
પ્રીતમની ને પ્રભુની
ઓળખાણો એકસરખી છે
અનુભવ થઈ શકે છે પણ
નિવેદિત થઈ નથી શકતી
નાયિકા પ્રીતમની ઓળખાણ આપી શકતી નથી, પણ સખીને નુસખો બતાડે છેઃ
કોઇ સત્વર પધારે તારા
જીવનમાં હું ઈચ્છું છું
હું ઈચ્છું છું જીવન તારું
સળંગ એક ગીત થઈ જાએ
જગતના સર્વ પ્રશ્નોના
મળી જાયે તને ઉત્તર
ખરેખર છે દુવા મારી
તને પણ પ્રીત થઈ જાએ
વદન કેવું છે, કેવાં છે
નયન ને હોઠ છે કેવા?
પછી તું કોઇ 'દી આવીને
આ પ્રશ્નો નહીં પૂછે
પ્રીતમની રૂપરેખા એવી
નજરોમાં વસી જાશે
વધું પડતું હશે કાજળ
તો એ પણ તું નહીં લૂછે
અને જોઇ ન લે કોઇ છબી
નયનોની એ માટે
વિના કારણ તું વારંવાર
આંખોને મીંચી લેશે
અને એ બંધ આંખોના
અનુભવના પ્રતાપે તું
જગતના સૌ પ્રીતમને
પ્રેમપૂર્વક ઓળખી લેશે.


