વિશ્વ એથ્લેટિક્સમાં કેન્યાની ફ્લાઈંગ ક્વિન ફેથ કિપ્યેગોનનો ખળભળાટ
Updated: Sep 17th, 2023
- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
- ૨૯ વર્ષની ફેથ કિપ્યેગોને માતા બન્યા પછી ઓલિમ્પિકમાં એક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણચંદ્રક જીતવાની સાથે ત્રણ વિશ્વવિક્રમો નોંધાવી દીધા છે
ઘ ણીવાર નાની-નાની અને સાવ સામાન્ય લાગતી બાબતો જ વ્યક્તિની જિંદગીને અસાધારણ ઊંચાઈ પર પહોંચાડવામાં પાયાની ભૂમિકા ભજવતી હોય છે. વર્તમાન પરિસ્થિતિને તાબે થવાના બદલ તેની સામે સંઘર્ષ કરવાનો મિજાજ જ વ્યક્તિને નવા પડકારો માટે તૈયાર કરે છે. આ પછી અથાગ પ્રયાસોને સહારે જ તે અસાધારણ કહી શકાય તેવા સીમાચિહ્નોને હાંસલ કરવાની કુશળતા મેળવે છે. સાતત્ય જ ખેલાડીને મહાન બનાવવા સુધી દોરી જાય છે અને તેના થકી જ દુનિયાને જે સિદ્ધિઓ દુઃસાધ્ય લાગતી હોય છે, તે સહજ સાધ્ય બની રહે છે.
કેન્યાની ૨૯ વર્ષની એથ્લીટ ફેથ કિપ્યેગોને પણ પોતાની દોડવાની કુશળતાને સહારે તેની આસ-પાસના અભાવો, ગરીબી તેમજ સમસ્યાઓને પાછળ રાખી દીધી અને ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એકથી વધુ સુવર્ણચંદ્રકોને હાંસલ કરનારી મહાન ખેલાડી તરીકે અમીટ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ફેથની કુશળતા આમ તો ૧,૫૦૦ મીટરની દોડમાં છે, જેમાં તે લગાતાર બે ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતી ચૂકી છે. આ ઉપરાંત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં છેલ્લા નવ વર્ષમાં ચાર સુવર્ણ ચંદ્રક વિજેતા તરીકે તેનું નામ અંકિત થયેલું છે. જોકે ચાલુ વર્ષે તેણે પોતાની પ્રતિભાનો વિસ્તાર કરતાં ૫,૦૦૦ મીટરની દોડમાં પણ વિશ્વવિજેતા તરીકેનું સ્થાન મેળવી લીધું છે. એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૩માં તેણે ૧,૫૦૦ મીટરની સાથે પાંચ હજાર મીટરની દોડમાં પણ સુવર્ણચંદ્રક જીતવાની સાથે તે છેલ્લા ૫૪ વર્ષમાં આવી સફળતા મેળવનારી દુનિયાની સૌપ્રથમ મહિલા એથ્લીટ બની ગઈ છે.
ફેથ કિપ્યેગોનની મહાનતા માત્ર સુવર્ણચંદ્રકો સુધી જ સીમિત નથી, પણ તેના નામે ત્રણ વિશ્વવિક્રમો પણ નોંધાયેેલા છે, જે તેને વિરલ સિદ્ધિ ધરાવતા મહાન ખેલાડીઓની હરોળમાં પહોંચાડવા માટે પુરતા છે. એક સમયે બે ટંક ભોજન મેળવવાની સાથે જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ માટે સંઘર્ષ કરતી ફેથ કિપ્યેગોને તેની દોડવાની કુશળતાને સહારે નામ અને દામ બંને મેળવ્યા છે અને તેના થકી જ ફેથ તેના નામની જેમ અભાવોમાં ઉછરી રહેલા અને આંખોમાં બહેતર આવતીકાલની આશાના સ્વપ્ન સેવી રહેતા યુવા ખેલાડીઓ માટે વિશ્વાસનું પ્રતીક બની રહી છે.
હજ્જારો સુરખાબની વસાહતો માટે જાણીતી કેન્યન રિફ્ટ વેલીમાં આવેલા નદાબિબિત નામના નાનકડા ગામડામાં રહેતા દોડવીરોના પરિવારમાં જન્મેલી ફેથનો નવ બાળકોમાં આઠમો ક્રમ હતો. તેના પિતા સેમ્યુઅલ અને માતા લિનાહ પણ એથ્લીટ રહી ચૂક્યા હતા. ગ્રામ્ય વિસ્તારની હાડમારીભરી જિંદગીમાં ફેથનો ઉછેર થયો. મર્યાદિત આવક અને સંસાધનોના અભાવને કારણે પાયાની જરુરીયાતો માટે પણ તેના પરિવારને વલખાં મારવા પડતા. ફેથની મોટી બહેન એથ્લીટ હતી, પણ તેનો પ્રારંભિક રસ તો ફૂટબોલમાં જ હતો. પરિવારના અન્ય ભાઈભાંડુઓ સાથે ફેથ પણ ઘરથી દૂર આવેલી શાળામાં જવા માંડી.
ગામડાના ધૂળિયા રસ્તા અને નહીંવત્ વાહનવ્યવહાર અને તેમાંય વળી ગરીબી, એટલે નાનકડી ફેથને પણ પગ ચલાવ્યા વિના છૂટકો નહતો. કેન્યાના ગરમ અને અકળાવનારા હવામાન અને ધગધગતી ધૂળ પર ઉઘાડા પગે દોડવાની આદત ફેથને સ્વાભાવિક રીતે પડી ગઈ અને આ જ બાબત થકી તેની એથ્લીટ તરીકેની કારકિર્દીના ઘડતરનો પાયો નંખાયો.
શાળાજીવન દરમિયાન જ વ્યાયામ શિક્ષકની સલાહને અનુસરીને ફૂટબોલ છોડીને એથ્લેટિક્સમાં જોડાયેલી ફેથની પદ્ધતિસરની તાલીમ શરુ થઈ. અલબત્ત, તોફાની સ્વભાવ ધરાવતી ફેથને એક વખત ગુસ્સે થયેલા શિક્ષકે એટલી ફટકારી કે તેને કેન્યાની નેશનલ ચેમ્પિયનશિપ ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જોકે, ફેથે ઈજા છતાં નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને સફળતા મેળવી અને ૧૬ વર્ષની ઉંમરે તેણે કેન્યાની જુનિયર ટીમ તરફથી ક્રોસ કન્ટ્રીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. પોલેન્ડમાં ૨૦૧૦માં યોજાયેલી તે ચેમ્પિયનશિપમાં ફેથને તેના મેનેજર દોડવા માટેના ખાસ શૂઝ (સ્પાઈક્સ) આપ્યા. જોકે તેણે તે કાઢી નાંખ્યા અને ઉઘાડા પગે દોડીને ગોલ્ડ મેડલ જીતી લીધો. આ તબક્કે બધાએ ભારે અચરજ અનુભવ્યુ. વિકસીત દેશોના મીડિયાને તેમાં ગરીબીનું પ્રતિબિંબ દેખાયું, ત્યારે ફેથે તેમને જવાબ આપતાં કહ્યું પણ ખરું કે, મને ગર્વ છે કે, હું ઉઘાડા પગે દોડી અને મેં આ સફળતાને હાંસલ કરી બતાવી. મારી પાસે પણ સ્પાઈક્સ હતા, પણ મને તે પહેરીને દોડવાની આદત નહતી. હું ઉઘાડા પગે જ દોડવા ટેવાયેલી છું અને તેનો જ ફાયદો મને મળ્યો. ફેથની આ સફળતાએ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે તો ખ્યાતિ અપાવી જ સાથે સાથે તેની આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો થયો.
કેન્યાની આ ઉભરતી પ્રતિભાને નેધરલેન્ડના કોચ બ્રામ સોમનું માર્ગદર્શન મળ્યું અને તેમના માર્ગદર્શનમાં ફેથની પ્રતિભામાં નિખાર આવ્યો. તેણે ૧૮ વર્ષની ઉંમરે તો કેન્યાની ઓલિમ્પિકની ટીમમાં ભાગ લીધો અને પેેરિસના અનુભવે તેેને પરિપક્વ બનાવી. આ દરમિયાન જ તે ટિમોથી કિટુમના સંપર્કમાં આવી, જેણે ૨૦૧૨ના લંંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. થોડા સમય બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા. આ દરમિયાન ફેથે ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં ૧,૫૦૦ મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી દીધો, આ પછીના વર્ષે તેણે વિશ્વવિજેતા તરીકેની સિદ્ધિ હાંસલ કરી લીધી.
ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન તરીકેની ઝળહળતી કારકિર્દી ધરાવતી ફેથ ૨૦૧૮માં પુત્રી એલિનની માતા બની. આ તબક્કે તેની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ, તેમ માનવામાં આવતું હતુ. જોકે, તેણે દુનિયાની માન્યતાને ખોટી સાબિત કરવાનું નક્કી કર્યું અને ૨૦૧૯ની દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત અને કોરોના બાદ ૨૦૨૧માં યોજાયેેલા ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં સુવર્ણ ચંદ્રક હાંસલ કરતાં ૧,૫૦૦ મીટરની લેજન્ડ એથ્લીટ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું.
સુપર મોમ અને સુપર હ્યુમન જેવા વિશેષણોના પુષ્પોથી મીડિયાએ ફેથને વધાવી લીધી, પણ તેણે તેની પ્રસંશાને ક્યારેય તેની કારકિર્દીનું પૂર્ણવિરામ બનવા ન દીધી અને મહેનત જારી રાખી. વર્ષ ૨૦૨૨ની યુજીન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફરી સુવર્ણ સફળતા મેળવનારી ફેથની કારકિર્દી ૨૦૨૩માં જાણે સોળે કળાએ ખીલી ઉઠી. ઈટાલીના ફ્લોરેન્સમાં જુન મહિનામાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં તેેણે ત્રણ મિનિટ અને ૪૯.૧૧ સેકન્ડમાં રેસ પુરી કરીને ઈતિહાસ રચી દીધો. આ સાથે તે ૧,૫૦૦ મીટરની દોડ ત્રણ મિનિટ અને ૫૦ સેકન્ડ કરતાં ઓછા સમયમાં દોડનારી સૌપ્રથમ મહિલા એથ્લીટ બની. આ રેકોર્ડના એક સપ્તાહ બાદ પેરિસમાં યોજાયેલી ડાયમંડ લીગમાં તેણે આઠ વર્ષ બાદ ફરી ૫,૦૦૦ મીટરની દોડમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ૧૪ મિનિટ અને ૫.૨૦ સેકન્ડ સાથે નવો વિશ્વવિક્રમ પણ સ્થાપિત કરી દીધો. એક જ સપ્તાહમાં બેવડા વિશ્વવિક્રમો સર્જનારી ફેથને બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ કોઈ પડકારી ના શક્યું અને તેણે ૧,૫૦૦ મીટરમાં ત્રીજી વખત અને ૫,૦૦૦ મીટરમાં પહેેલીવાર વર્લ્ડ ચેમ્પિયન તરીકેની સિદ્ધિને હાંસલ કરી.
એક સમયે શાળાએ સમયસર પહોંચવાની માટે ઉઘાડા પગે દોડ લગાવતી ફેથ કિપ્યેગોન આજે એથ્લેટિક્સના ટ્રેક પર દુનિયાના અન્ય હરિફો કરતાં ક્યાંય આગળ નીકળી ગઈ છેે. જોકે હજુ તેના પગ થાક્યા નથી. તે નવી મંઝિલોને સર કરવા માટે તૈૈયારી કરી રહી છે. ફેથ કહે છે કે, મારી સફળતા બધાને સ્વપ્નવત્ લાગેે છે, પણ હું જાણું છું કે, આ માત્રને માત્ર સખત મહેનતનું જ પરિણામ છે. મેં મારી પુત્રી એલિનને પ્રોમિસ કર્યું હતુ અને હવે હું તે જ પ્રોમિસને પુરુ કરવા માટે મહેનત કરી રહી છું.