એશિયન મહિલાઓને રેડિયો એક્ટિવ પદાર્થયુક્ત રોટલી ખાવા અપાતી હતી
- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
૧ ૯૯૫માં બ્રિટનની ચેનલ-૪ ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી જેનું નામ હતું. “ Deadly Experiments / પ્રાણઘાતક પ્રયોગો'. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા માહિતી મળી હતી કે 'બ્રિટન સરકારે લોહતત્વની ઉણપ નિવારવા માટે, એશિયન મૂળ ધરાવતી, ખાસ કરીને ભારતીય મૂળ ધરાવતી ૨૧ જેટલી મહિલાઓને રેડિયો એક્ટિવ પદાર્થ ધરાવતી રોટલી ખાવા માટે આપતા હતા. જેના કારણે તાજેતરમાં બ્રિટનની સંસદમાં મોટો વિવાદ ઉભો થયો છે. બ્રિટન સરકારનો મુખ્ય મકસદ માનવ શરીર ઉપર રેડિયો પદાર્થની શું અસર થાય છે તે જાણવાનો હતો? અમેરિકાના મેનહટન પ્રોજેક્ટમાં, કર્મચારીઓ ભારે રેડીએશનની અસર નીચે આવી ગયા હતા. જોકે અમેરિકન સરકારે પરમાણુ બોમ્બ બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ, મનુષ્ય શરીર ઉપર તેની શું અસર થાય છે? તે જાણવા માટેના પ્રયોગો શરૂ કરી દીધા હતા. અમેરિકાની લશ્કરી સંસ્થા પેન્ટાગોન પણ, મનુષ્ય ઉપર થતી રેડિયેશનની અસર જાણવા માટે ખૂબ જ આતુર હતું. પેન્ટાગોન પોતે પોતાના અલગ પ્રયોગો કરી, મનુષ્ય ઉપર રેડીએશનની અસર ચકાસી રહ્યું હતું. રેડીએશનની અસરથી મનુષ્યના બચાવ કે પરમાણુ યુદ્ધના ખતરા સામે લડવા માટે, રણનીતિ વિકસાવવા માટે, આ પ્રકારના પ્રયોગોના તારણ ઉપયોગી બને તે વાત સાચી. પરંતુ પ્રયોગોમાં સામેલ લોકોની જાણ બહાર તેમના ઉપર ખતરનાક પ્રયોગો કરવામાં આવે તે નિતીશાસ્ત્ર અને નાગરિક સ્વતંત્રતાના કાયદા વિરુદ્ધની બાબત છે. આ પ્રકારના પ્રયોગો ઉપર, લોકોએ ખૂબ જ મોટો પ્રતિસાદ પણ આપ્યો હતો. ભૂતકાળની આવી ઘટનાઓમાં કેવા પ્રકારના વૈજ્ઞાાનિક પ્રયોગ થયા હતા? જેનો જવાબ જાણવા માટે એક નજર આ બાજુ પણ નાખવી પડશે!
- મેનહટન પ્રોજેક્ટ ઃ
મેનહટન પ્રોજેક્ટ ઉપર કામ કરનારા વૈજ્ઞાાનિકો જાણી ચૂક્યા હતા કે મનુષ્ય શરીર ઉપર રેડીએશનની અસર થશે જ. મેનહટન પ્રોજેક્ટમાં ૧૯૪૨થી જ હેલ્થ ડિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૪૨માં જનરલ લેસ્લી ગ્રોવસે, મેનહટન એન્જિનિયર ડિસ્ટ્રિક્ટના ચીફ મેડિકલ ઓફિસર તરીકે યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના રેડિયોલોજિસ્ટ ડૉ. સ્ટેફોર્ડ વોરેનની નિમણૂક કરી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ૧. તબીબી સારવાર ૨. સ્વાસ્થ્ય ભૌતિકશાસ્ત્ર ૩. જૈવિક સંશોધન કેન્દ્ર અને ૪. લશ્કી એટલે કે મિલેટ્રી સેક્શન. મનુષ્યના મળ, પેશાબ અને લોહીના નમુના ઉપરથી રેડીએશનની અસર તપાસવામાં આવતી હતી.
૧૯૪૩માં રેડિયો એક્ટિવ પદાર્થને ઝેરી અસરો તપાસવા માટે, રોચેસ્ટરમાં સ્ટ્રોંગ મેમોરિયલ હોસ્પિટલ ખાતે મેનહટન એનેક્સની સ્થાપના કરવામાં આવી હતી. લોસ એલામોસ લેબોરેટરીના ડાયરેક્ટર જે. રોબર્ટ ઓપેનહેઇમરને પ્રયોગોના પ્રકાર વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ ૧૯૪૪માં લોસ એલામોસ ખાતે હેલ્થ ગુ્રપના ડિરેક્ટર લુઈસ હેમ્પેલમેનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે 'ઓપેનહેઇમર ન્યુ મેક્સિકો ફેસિલિટી પર પ્રયોગો કરવા માંગતા નથી.'
આ પ્રોજેક્ટ દરમિયાન ડૉ. સ્ટેફોર્ડ વોરેને સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે 'રેડીએશનની અસર ચકાસવા માટે, મનુષ્ય ઉપર નિયંત્રિત પ્રયોગો કરવાની જરૂર લાગે છે'. ત્યારબાદ ૧૯૪૫થી ૧૯૪૭ વચ્ચે, પ્રયોગશાળાના દેડકા બનેલ માનવી ઉપર પ્રયોગો શરૂ થયા. ડૉ . સ્ટેફોર્ડ વોરેને ૩૦ જેટલા લોકોને વિવિધ રેડિયો એક્ટિવ પદાર્થનાં ઇન્જેક્શન આપ્યા હતા. ઈન્જેક્શનમાં પોલોનિયમ, પ્લુટોનિયમ અને યુરેનિયમને વાપરવામાં આવ્યું હતું. આ પ્રયોગો મેનટન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી રોચેસ્ટર, ન્યુ યોર્ક; ઓકરિજ, ટેનેસી; શિકાગો, ઇલિનોઇસ; અને સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હતાં. ૧૮ લોકોને પ્લુટોનિયમ, છ વ્યક્તિને યુરેનિયમ, અને એક માનવીને અમેરિકીયમનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ લોકોના મળ પેશાબ અને લોહીના સેમ્પલ લઈને, જૈવ તબીબી સંશોધન કરતી ટીમના વડા ડો. રાઈટ લેંગહામને મોકલી આપવામાં આવતા હતા. પ્રયોગોનાં તારણો સંશોધનપત્રો રૂપે પ્રકાશિત થતાં હતાં . જેને જાહેર જનતા સામે સમક્ષ મૂક્વામાં આવતા ન હતાં.