Get The App

જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ... વહી દુનિયા બદલતે જા રહે હૈ...

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ...  વહી દુનિયા બદલતે જા રહે હૈ... 1 - image


- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- જો તમારી આવડતને નિખારી તમારું વ્યક્તિત્વ બનાવી શકો, તો તમે કાળા છો કે નીચા છો કે ટાલિયા છો કે જેવા છો એની કોઈ ફિકર નથી!

ક વિ રામધારીસિંહ દિનકરે લખેલી આ કવિતા પાંડવોના વનવાસ પછી પાછા આવવાની વાતને લાગુ પડે છે. કૃષ્ણ જુગારમાં બાર વર્ષનો વનવાસ મેળવી ચૂકેલા પાંડવોને એવું કહે છે કે ભલે આ વનવાસ લાંબો ને આકરો લાગે, એનો પણ ઊપયોગ કરો. અન્ય વિસ્તારોમાં જઈ ત્યાંના રાજાઓ સાથે પરિચય કેળવો. ઋષિઓ પાસેથી જ્ઞાાન લો. જે અસ્ત્રોશસ્ત્રો ઘટે એ બધા તપ કરીને મેળવી લો. આજની ભાષામાં  કહીએ તો 'નેટવર્કિંગ' મજબૂત કરો. ટૂંકમાં, તકલીફને તૈયારીમાં ફેરવીને તક ઝડપી લે એનું નામ વીરતા. વીરતા કેવળ લડવામાં જ નથી. સમય પલટાય એની રાહ જોઈએ, ખુદને એમાં વધુ બહેતર બનાવતા જવાની ધીરતામાં પણ છે ! ધીર હોય, એ જ વીર તરીકે લાંબુ ટકે !

રીડરબિરાદર ભોલાનાથ રિંડાણીની એક સોશ્યલ મીડિયા પોસ્ટનું વાક્ય હતું ઃ 'જિંદગી રેસ જરૂર છે. પણ એ સો મીટરની સ્પ્રિન્ટ નથી. મેરેથોન છે !' યાને, જીવનને કાતિલ સ્પર્ધા માનો કે ભૌતિક સંસારમાં ટકવા માટે હરીફાઈમાં ઝૂકાવવું પડે એમ માનો તો પણ એમાં કોઈ શોર્ટકટને સ્થાન નથી. ઝડપથી મેળવેલી સફળતા મોટે ભાગે ઝડપથી જ ગુમાવવી પડે છે. લાઇફ ઇઝ એ રેસ માનો ઘણા લોકો ફટાફટ મોજમજા માટે ક્રાઇમને જસ્ટીફાય કરવા લાગે છે. પછી નીરવ મોદીની જેમ હેડલાઈનમાંથી બેડલાઈનમાં ધકેલાઈ જવું પડે છે.

કબૂલ કે, અપવાદો હોય છે. પણ એ અપવાદ - આપણે જ હોઇશું, એની કોઈ ગેરેન્ટી નથી. ધીરજ અને અભય કેળવી ખંત અને શિસ્તથી મહેનત કરીએ, તો એ સાવ વેડફાઈ નહિ જાય, ને કશુંક તો મળશે, ક્યાંક તો નોંધ લેવાશે જ - એની ગેરન્ટી છે. શાહરૂખખાન સકસેસ માટે થોડા વર્ષોથી મથામણ કરતો હતો. પછી એને થયું કે વધતી ઉંમરે રોમેન્ટિક રોલનો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે. અને એના - સ્ટારપાવરનો ચાર્મ કેવળ અભિનયકેન્દ્રી ચરિત્રભૂમિકાઓ માટે નથી. એક્શન રોલ કરવાનો નિર્ણય લીધા પછી બ્રેક લઈ ચાર વર્ષ બોડીબિલ્ડિંગમાં આપ્યા. વચ્ચે દીકરી સુહાનાએ પપ્પા કસરત ને ફિટનેસ માટે કેવી પ્રેરણા બન્યા, એની પોસ્ટ લખેલી. ગમે તેવા સુપરસ્ટાર હો, કુબેરપતિ હો - બેચાર દિવસ શું મહિનામાં પણ સિક્સ પેક બને નહિ. ડાન્સની પ્રેક્ટિસની જેમ એમાં ય રોજ અથાક પરિશ્રમ કરવો પડે. ત્યારે તાળીઓસીટીઓ ના વાગે, ઉલટું થાક લાગે. પણ પછી એનું ફળ અધધ કરોડોના રેકોર્ડસમાં જોવા મળે !

આ માટે એક વાત મનમાં ગાંઠ મારીને પાકી કરવા જેવી છે. તમારી નબળાઈઓ પર ચિંતા કરવાને બદલે, તમારી જે કંઈ ક્ષમતા છે એના પર ચિંતન કરતા શીખો. એક ખૂબી કે આવડત કે વિશિષ્ટતા જોરદાર હશે તો બાકીની બધી જ લિમિટેશન્સને એ ઢાંકી દેશે. પણ પછી જે કોઈ એક કે ત્રણચાર બાબતો હોય એ જોરદાર હોવી જોઈએ. એને ધાર કાઢીને, મહારત મેળવીને સ્પેશિયલ કરેલી હોવી જોઈએ.

વિઝિબલી બેસ્ટ એકઝામ્પલ એ માટે જેસન સ્ટેન્યમનું છે. જી હા, ટ્રાન્સપોર્ટર ને ફાસ્ટ એન્ડ ફ્યુરિસ ફિલ્મોથી જાણીતો થયેલો ઇન્ટરનેશનલ સ્ટાર જેસન 'ઉબર કૂલ' છે. ચાર્મર છે. પડદા પર એની પર્સનાલિટીનો મેજીક છવાઈ જાય છે. એની હાઈટ કે બોડી ડ્વાઈન જોન્સન (ધ રોક) જેવા નથી. પણ એની હારોહારના ફાઇટરના રોલ માટે એનું સિલેકશન થાય છે ! લાંબા સમયથી સ્ટેડી પાર્ટનર રોઝી હંટિંગ્ટન સુપર મોડલ છે. રમણીઓને આકર્ષવા ટાલિયા પુરૂષો વિગ પહેરતા હોય છે. ફિલ્મલાઇનના હીરો પણ. જ્યારે જેસનના કેસમાં તો જુવાન ઉંમર નથી, ને ટાલ લિટરલી જગજાહેર છે, અનુપમ ખેરની જેમ. છતાં એક મેચો મેન તરીકે એનો કાતિલાના સ્વેગ છે.

મતલબ, જેસને એક્શન માટેની જે પેશન ઉભી કરી, એણે એના માથાના વાળ કે ટિપિકલ હાઇટ ને સિક્સ પેક પહેલવાની બોડીનો અભાવ બધું ઢાંકી દીધું ! (કેશ બાદ કરો તો જેકી ચાને પણ !) હેન્ડસમ હન્ક તરીકે એ એક પછી એક હિટ ફિલ્મોથી ખાસ્સો અમીર પણ બની ગયો. એવી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં લૂક્સ આર એવરીથિંગ ! આપણે સ્મિતા પાટીલથી કાજોલ- સુધીની શ્યામા તન્વીઓને આમ જ સફળ થતા જોઈ છે ને ! ફેસ ઈશ્વરદત્ત છે, ફિગર માનવસર્જીત પણ ઘડી શકાય છે. તમારી વધતી ઉંમર તમારી - ડેસ્ટિની છે. જેમાં તમે ફેરફાર નથી કરી શકતા. પણ તમારું સોગિયું મોઢું કે ચીડિયો સ્વભાવ નિયતિ નથી. એ બદલવાનો પરિશ્રમ તમારા 

હાથમાં છે.

જેસન પાસે કેવી રીતે આ ફિટનેસ આવી ? દેખાવે સાધારણ લાગતા માઇકલ જેકસનમાં જાદૂઈ આઇકોન બનવા જેવો ડાન્સ ક્યાંથી આવ્યો ? (ગળું તો ચાલો, કુદરતની ભેટ હતી, પણ નૃત્ય ?) ૭૩ વર્ષે નરેન્દ્ર મોદી, ૭૮ વર્ષે મોરારિબાપુ અને ૮૨ વર્ષે અમિતાભ આટલા પ્રવાસો કરીને ફ્રેશ કેવી રીતે રહી શકે છે ? આદિત્ય ચોપરા જવાન ઉંમરમાં પાંચ પિક્ચર ડાયરેક્ટ કરીને થાકી ગયો, ને યશ ચોપરાએ એનાથી અનેકગણા વધુ કેમ બનાવી નાખ્યા છેલ્લા શ્વાસ સુધી ? પંડિત જસરાજ મોટી ઉંમર સુધી કેમ ગાઈ શક્યા ? સમકાલીન લેખકો કરતા ચંદ્રકાંત બક્ષી કે અગાથા ક્રિસ્ટી કેમ વધુ પુસ્તકો લખી શક્યા ? મહેન્દ્રસિંહ ધોની રિટાયર્ડ થયા છતાં પણ હજુ એક્ટિવ ક્રિકેટ કેપ્ટન હોય તેવું કેમ લાગે છે ?

જવાબ છે ઃ ડિસિપ્લીન. અનુશાસન. વધુ બહેતર શબ્દોમાં કહીએ તો સેલ્ફ ડિસિપ્લીન. સ્વ અનુશાસન. કારણ કે, એક તબક્કા પછી આગળ વધવા માટે કોઈ સતત સાથે ને સાથે રહી શકતું નથી. ભીતરના ભેરૂને પોકારવો પડે છે. અને બધું જ કામ ટેલન્ટથી નથી થતું. એને નિખારવા માટે સ્વયંશિસ્ત જોઈએ. સેલ્ફ ચેક. સેલ્ફ એનાલિસિસ અને સેલ્ફ સોલ્યુશન.

ગમે અને ફાવે એ કામ બધા કરે. ને બધા કરે એ જ તમે કરો તો બધાથી આગળ કે અલગ કેમ રહો ? ન ગમતું, ન ફાવતું કામ કરવાની પણ આદત પાડવી પડે. ગમે તેવો શોખનો વિષય હોય, કંટાળો ક્યારેક તો એમાં આવે જ. થાક લાગે જ. ઘણાં લોકો ક્રિએટીવિટીના નામે એસ્કેપ શોધતા હોય છે. કામ ન કરવાના જાતે જ બહાના બનાવી ટાળમટોળ (પ્રોકાસ્ટિનેશનનું ગુજરાતી !) કર્યા કરે. લૂક, બધું જ આપણું ધાર્યું કે આપણું ગમતું કદી કોઈની લાઇફમાં નથી થવાનું. ઇશ્વર કે પયગંબર ગણાતા ચરિત્રોના જીવનમાં પણ નથી થયું. ન ફાવતું કે ન ગમતું પણ જરૂરિયાત મુજબ કરવું પડે, કરવું જોઈએ. બ્રશ કરવાની પણ આળસ આવે ને વાંચવાની પણ, છતાં એ ખંખેરીને એને રોજીંદી ટેવ બનાવી દેવી પડે. ડિસિપ્લીન જો હેબિટ બની જાય, તો પ્રોબ્લેમ ઘણો ઓછો થાય. લાગે છે, એટલું અઘરું કામ નથી. કસરત હોય કે સંગીત, રિયાઝ તો કરવો જ પડે.

આમ કરવામાં થોડું દર્દ થાય, હતાશા પણ આવે હમણાં સેન્સિબલ અભિનેતા પંકજ ત્રિપાઠીએ સરસ વાત કરી હતી ઃ બીજ માટીમાં દટાઈ જાય છે, તો ખતમ નથી થતું, ખોવાઈ નથી જતું. થોડા સમય પછી અંકુરિત થાય છે. માટીને હટાવી બહાર છોડ તરીકે માથુ કાઢે છે, ને જે માટીએ દાટી દીધું હતું એના જ રસકસ લઈને વિકાસ પામે છે. થોડી ધીરજ રાખો. સંજોગો તમને એમ ધરબી નહિ શકે. જો તમે બિયું હશો, તો તમારામાંથી આખું વૃક્ષ બહાર આવી જશે. બસ, વાતાવરણને પલટાવા દો. સિમ્પલ

વાત તો એટલી જ છે કે દબાણ યાને પ્રેશર આવે એ પણ લાંબા ગાળાના ઘડતર માટે જરૂરી છે. ડિસિપ્લીન એટલે ચીંધ્યું કામ કરવાની મજૂરી નહિ. પ્રેશર હેન્ડલ કરવાની આવડત. કોલસો અતિશય દબાણ અનુભવે તો હીરો થઈને બહાર આવે. દરેક કાર્બન ડાયમંડ નથી થતો, પણ જે પ્રેશરને જીરવી જાય છે એ હીરો બની શકે છે. પછી એનું મૂલ્ય અને આયુષ્ય બંને વધી જાય છે. એવું નથી કે બધું ગમતું જ થાય એવું ય નથી કે બધું ફાવતું જ થાય પણ સંજોગો વિપરીત હોય ત્યારે ઝઝૂમતા રહેવાની કળા જ કળા છે. પવન અને પાણી તરફેણમાં હોય ત્યારે તો નૌકાને સુકાનીની જરૂર જ નથી. એ ફેવર ન કરે, ત્યારે કપ્તાનની કસોટી થાય છે. એટલે ઓપનિંગમાં આવીને લીજન્ડ બનતા બેટર કરતા ફિનિશરના રન ઓછા હોય તો પણ એની કિંમત 

વધુ છે.

લાઇફ ઇઝ બ્યુટીફૂલ બિકોઝ ઇટ હેઝ કર્વ્ઝ. વળાંકોવાળા રસ્તાના ફોટા જ સરસ આવે. અગત્યની વાત અચાનક આવી જતો ચેલેન્જિંગ ટર્ન નથી. અગત્યનો છે, એ આવે ત્યારે તમે આપેલો રિસ્પોન્સ લોકોને કેવું લાગશે, એ શું કહેશે એવા જજમેન્ટલ ઓપિનિયન બાબતે લાપરવાહ બનીને બીજાના રીએક્શન કરતા પોતાના એક્શન પર ફોકસ કરતા રહેવું તે અને આ માટે પ્રેશર આવે ત્યારે પેશન્સ ગુમાવ્યા વિના તૈયારી કર્યા કરવી પડે. ઉલટું અન્ડરપ્રેશર આપણી શક્તિઓ ખીલવી જોઈએ. યાદ રાખજો મૂર્તિ હોય કે મકાન, ફર્નિચર હોય કે ફેશન - દબાયા ને કપાયા વિના કોઈ આકૃતિ ઘડાતી નથી. ક્યારેક આપણે કપાઈએ છીએ, એમાં નાશ નથી, નિર્માણ છે. આજે આપણને ભલે એમ લાગે કે રાહ જોવી પડે છે, સહન કરવું પડે છે. પણ એમાં ક્યાંક આપણું વધુ નક્કર ને વધુ નવીન ઘડતર પણ થતું હોય છે.

મોટે ભાગે બીજાના અભિપ્રાયોને વધુ પડતાં - સિરિયસલી લઈ લેવાથી આપણે ખુદની તલાશ બંધ કરી દઈએ છીએ અને મનોમન અન્યને સારું 

લગાડવાની એપ્રુવલ માટે ઝાવાં નાખીએ છીએ. તમારી સકસેસ સ્ટ્રોંગ હશે, તો આપોઆપ ટીકાકારોની જબાન સીવાઈ જશે, એ હાંસીપાત્ર થઈ જશે, વખાણ કરતા કે પાછળ દોડતા થઈ જશે.

બસ, એ માટે જે લક્ષ્યની રાહ જોતા હો, એમાં આવેલી આફતને અવસરમાં પલટાવવાનો કસબ હૈયાવગો રાખો. આજે જેમનો જન્મદિન છે, એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સમયે ગુજરાતના રાજકારણથી દૂર દિલ્હી મોકલી દેવાયેલા. એમણે એ સમયનો સદુપયોગ જાતને કોસવાને બદલે ત્યાં સંપર્કો બનાવવામાં ને નેશનલ મિડિયા ગેઈમ સમજવામાં કર્યો. આજે દિલ્હીમાં એમણે ઘડાવેલું સંસદભવન ઊભું છે, ને એકસમયે એમને વિઝા આપવાનો ઈનકાર અમેરિકાના ત્રણ અલગ અલગ પ્રમુખો (ઓબામા, ટ્રમ્પ, બાઈડન) ભારત આવી એમની સાથે હાથ મિલાવી ગયા ને વિદ્વાન વિપક્ષી નેતા શશી થરૂરે પણ પ્રશંસા કરી એવી જીટ્વેન્ટી કોન્ફરન્સ એમણે કરી બતાવી ! મક્કમ રહો ને સક્ષમ બનો તો સમય પલટાઈ શકે છે !

ભીખુદાન ગઢવીએ એકવાર કહેલું કે સફળતાની ઈર્ષાને લીધે જે ટીકા થતી હોય એ તો આપણે પસાર થઈ ગયા પછી રસ્તામાં પાણા નાખવા જેવું છે. આગળ વધનારને પાછળના પથ્થરો નડતા નથી ! (શીર્ષકઃ જીગર મુરાદાબાદી)

ફાસ્ટ ફોરવર્ડ

''સપના આંખોમાં રાખશો તો કદાચ આંસુ સાથે વહી જશે, પણ હૃદયમાં રાખશો તો દરેક ધબકારે એ પૂરા કરવાની ચાનક ચડશે !''


Google NewsGoogle News