For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નોકરીનો સમયગાળો ઘટયો : કર્મચારીઓની ધીરજ ઘટી કે મહત્ત્વાકાંક્ષા વધી?

Updated: Sep 17th, 2023

નોકરીનો સમયગાળો ઘટયો : કર્મચારીઓની ધીરજ ઘટી કે મહત્ત્વાકાંક્ષા વધી?


- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

- કર્મચારી એક કંપનીમાં કેટલાં વર્ષ નોકરી કરે છે? ૨૦૧૦માં દુનિયાભરના કર્મચારીઓનો એક સ્થળે નોકરી કરવાનો સરેરાશ સમય ૫.૫ વર્ષ હતો એ હવે ઘટી ગયો છે

જો બ સ્ટેબિલિટી.

નોકરીમાં સ્થિરતા.

૧૯૭૦ આસપાસ ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી જગતમાં વર્ક કલ્ચર બદલાયું. કામદારો માટે કાયદા તો બની ચૂક્યા હતા, પરંતુ એનો અમલ પણ થવા માંડયો. નવા ક્ષેત્રો વિકસ્યા એટલે સેંકડો લોકો માટે નોકરીની તકો સર્જાઈ. નવી નવી કંપનીઓ અસ્તિત્વમાં આવી. ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનો યુગ શરૂ થયો. કંપનીઓ વચ્ચે કુશળ કર્મચારીઓને નોકરી આપવાની હોડ જામી. અત્યાર સુધી કર્મચારીઓ વચ્ચે નોકરી મેળવવાની જ હોડ હતી. નોકરી મળે એટલે ઘણું - એ માન્યતા દૂર થઈ અને ધીમે ધીમે કર્મચારીઓ પણ સારી કંપનીમાં ઊંચા પગાર, સુવિધાની ડિમાન્ડ કરતા થયા. શૈક્ષણિક સંસ્થાઓ વધી એમ યુવાનોમાં કુશળતા વધી. એ કુશળતાએ તેમને આત્મવિશ્વાસ અપાવ્યો. માત્ર નોકરી મેળવી લેવી એ પૂરતું નથી. નોકરી મળ્યા પછી કામની કદર થવી જોઈએ, કુશળતા પ્રમાણે વળતર મળવું જોઈએ, યોગ્ય સમયે પગાર વધારો થવો જોઈએ, હકની રજાઓ મળવી જોઈએ, તહેવારોમાં વેકેશન મળવું જોઈએ - એવી અવેરનેસ આવી. એમાંથી આવ્યો જોબ સેટિસ્ફેક્શનનો વિચાર.

૧૯૭૬માં પહેલી વખત અમેરિકન સાઈક્યિાટ્રિસ્ટ એડવિન લોકે નોકરીથી સંતોષ પણ મળવો જોઈએ એવી વ્યાખ્યા આપી. નોકરી મળી ગઈ, યોગ્ય વળતર મળી ગયા પછીય કામદારોએ કામનો સંતોષ મેળવવાનો બાકી હતો. બધું મળે એ ઉપરાંત જે કંપનીમાં, જે પ્રોફાઈલ પર કામ કરે છે એમાં એને આનંદ આવવો જોઈએ એ વિચાર ધીમે ધીમે દૃઢ થયો. મેનેજમેન્ટમાં તો પછી એ વિચાર અભ્યાસક્રમમાંય દાખલ થયો. નોકરીમાં સંતોષ મળે પછીનો ક્રમ આવે જોબ સિક્યુરિટી-નોકરીમાં સલામતી. કર્મચારી જે કંપનીમાં કામ કરે ત્યાં એવું વાતાવરણ હોય કે એને નોકરી ગુમાવવાનો ડર ન રહે. નોકરીમાં સલામતી હોય તો કર્મચારી એનું બેસ્ટ આપી શકે. બેસ્ટ આપે તો લાંબો સમય કામ કરી શકે.

ને એમાંથી નવી વ્યાખ્યા આવી - જોબ સ્ટેબિલિટી. નોકરીથી સંતોષ મળે અને નોકરીમાં સલામતી હોય તો સ્થિરતા આવે. એનાથી વળી પ્રોડક્ટિવિટી વધે. ગુણવત્તા સુધરે. કર્મચારીઓની કુશળતા સાથે કંપનીની પણ કુશળતા વિકસે. એટલે જ દાયકાઓ પહેલાં એક કંપનીમાં લાંબો સમય ટકી રહેવું એ સારી નિશાની ગણાતી. કંપનીને વફાદાર રહેવું એ સારો ગુણ ગણાતો. નોકરી મેળવી લેવી, કાબેલિયત પ્રમાણે વળતર-સુવિધા મેળવી લેવી. નોકરીથી સંતોષ મેળવી લેવો અને પછી એ જ સ્થળે લાંબાં સમય સુધી ટકી રહેવું - એટલે લાઈફ સેટ થઈ ગણાતી. નોકરીમાં સ્થિરતાને લાઈફમાં સ્થિરતા સાથે સીધો સંબંધ હોવાથી આ ટ્રેન્ડ વર્ષો સુધી ચાલ્યો.

...પણ હવે ૨૧મી સદીમાં આ ટ્રેન્ડ ઝડપભેર બદલાઈ રહ્યો છે.

મિલેનિયલ્સ એટલે ૧૯૮૧થી ૧૯૯૬ના ૧૫ વર્ષ વચ્ચે જન્મેલી જનરેશન. અત્યારના વર્કફોર્સમાં આ જનરેશન સૌથી વધુ છે. ૧૯૮૧માં જન્મ થયો હોય એવા કર્મચારીઓની ઉંમર ૪૧-૪૨ વર્ષ હોય અને આવા કર્મચારીઓ કંપનીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ જનરેશનમાં સૌથી છેલ્લે ૧૯૯૫માં જન્મ્યા હોય એની વય ૨૭-૨૮ની હોય અને એ જે તે ફીલ્ડનું ભવિષ્ય છે. ૨૭થી ૪૨ વચ્ચેની વયના કર્મચારીઓ પર કંપનીઓનો અત્યારે મોટો આધાર છે.

પરંતુ આવા કર્મચારીઓના એક કંપનીમાં નોકરીના સરેરાશ કલાકો ઝડપભેર ઘટી ગયા છે. એકથી વધુ રિપોર્ટ્સમાં જણાયું કે મિલેનિયલ્સનો નોકરીનો સમયગાળો એકથી દોઢ વર્ષ ઘટી ગયો છે. મિલેનિયલ્સ એક કંપનીમાં એવરેજ ચાર જ વર્ષ નોકરી કરે છે. ૨૦૧૦ પહેલાં કર્મચારીઓનો સરેરાશ નોકરીગાળો ૧૮ વર્ષ જેટલો લાંબો હતો. ૨૦૧૦ પછી એકાએક ટ્રેન્ડ બદલાયો અને જોબ-યર ઘટીને ૫.૫ વર્ષ થયા. ૨૦૨૦ સુધીમાં એક કંપનીમાં એવરેજ નોકરીના વર્ષો ૫.૩ વર્ષ થયા.

પુરૂષ કર્મચારીઓ એક કંપનીમાં ૫.૪ વર્ષ ટકે છે. તેની સરખામણીએ મહિલા કર્મચારીઓ ૪.૭ વર્ષ કંપનીમાં કાઢે છે. કર્મચારીઓ મેન્યુફેક્ચરિંગમાં ૫.૬ વર્ષ, વીમા કંપનીઓમાં ૫.૫ વર્ષ, સ્વાસ્થ્ય સેક્ટરમાં ૫.૪ વર્ષ કાઢી નાખે છે. કંપનીમાં મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ ૬.૩ વર્ષ ટકે છે. એક દશકા અગાઉ આ એવરેજ ૯.૧ વર્ષ હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરી, કસ્ટમર સર્વિસ, ડિઝાઈનિંગ, મીડિયા, સેલ્સ, રેસ્ટોરાંના ક્ષેત્રમાં કામના વર્ષો સૌથી ઓછા છે. આ ક્ષેત્રોના કર્મચારીઓ વર્ષો નહીં, મહિનાઓમાં જ નોકરી બદલી નાખે છે.

અમેરિકાના લેબર બ્યૂરોના આંકડાનું માનીએ તો યંગ જનરેશન એક કંપનીમાં ઓછા વર્ષો કાઢે છે. જૂની જનરેશનના કર્મચારીઓ સરેરાશ ૭.૨ વર્ષ એક ઓર્ગેનાઈઝેશનમાં વીતાવે છે. ૨૦થી ૨૪ વર્ષના કર્મચારીઓ માંડ ૧.૨ દોઢ વર્ષ ટકે છે. ૨૫થી ૩૪ વર્ષના નોકરિયાતોનો નોકરીગાળો ત્રણ વર્ષ છે. ૩૫થી ૪૪ વર્ષના કર્મચારીઓ ૫.૭ વર્ષ એક કંપનીમાં રહે છે. ૪૫થી ૫૪ વર્ષના કર્મચારીઓ આઠ વર્ષ સુધી ટકી રહે છે. યુવાનીમાં નોકરી બદલતા રહેવાનું કે નવું સાહસ કરવાનું વલણ વધુ હોવાથી કર્મચારીઓ વધુ જમ્પ લગાવે એમાં નવાઈ નથી, પરંતુ અહેવાલમાં પોઈન્ટઆઉટ કરાયું હતું કે ૩૦-૩૫ વર્ષ વટાવી ગયેલા કર્મચારીઓમાં પણ સ્થિરતા જણાતી નથી. આ ટ્રેન્ડ જે સ્પીડથી બદલાઈ રહ્યો છે એમાં તારણ તો એવુંય કાઢવામાં આવ્યું છે કે પાંચ-સાત વર્ષમાં એક કંપનીમાં નોકરીનો ગાળો ઘટીને સાડા ત્રણથી ચાર વર્ષ થઈ જશે.

ભારત પણ આ ગ્લોબલ ટ્રેન્ડથી બાકાત નથી. ૨૦૧૮ સુધી દેશમાં મિલેનિયલ્સ એક એમ્પ્લોયર સાથે પાંચ-આઠ વર્ષ કામ કરતા હતા, પરંતુ મલ્ટિનેશનલ કંપનીઓની અસર હેઠળ હવે દેશમાં મિલેનિયલ્સ અને જેન-ઝેડ યાને ૧૯૯૬થી ૨૦૧૦ વચ્ચે જન્મેલા લોકોમાંથી જે નોકરિયાતો છે એનો એક કંપની સાથે સરેરાશ નોકરીનો ગાળો ૧૫થી ૧૮ માસનો થઈ ગયો છે. બધા કર્મચારીઓના સંદર્ભમાં વાત થાય તો ભારતની સરેરાશ ઘણી સારી છે. દુનિયામાં પુરૂષોનો એક એમ્પ્લોયર સાથે સરેરાશ નોકરીગાળો જ્યાં ૫.૪ વર્ષ છે ત્યાં ભારતની સરેરાશ ૮.૮ વર્ષ છે. મહિલાઓની વર્લ્ડવાઈડ જોબ એવરેજ ૪.૭ છે તેની સરખામણીએ ભારતની નોકરિયાત મહિલાઓ ૬.૪ વર્ષ એક કંપનીમાં ટકી રહે છે.

વેલ, ૧૯૯૦-૨૦૦૦ સુધી દુનિયામાં સરેરાશ નોકરીગાળો ૨૩ વર્ષ હતો. એનો અર્થ એ થયો કે મોટાભાગના લોકો શરૂઆતમાં એકાદ-બે નોકરી બદલ્યા બાદ એક કંપનીમાં સ્થિર થઈ જતા હતા. એ વખતે વિકલ્પો ઓછા હતા. લાઈફસ્ટાઈલ બહેતર બનાવવાની હોડ ન હતી. હવે બધા ક્ષેત્રોમાં હરીફાઈનો યુગ છે. પ્રોફેશ્નલ લાઈફમાં પાછળ ન રહી જવાય તે માટેય કર્મચારીઓ જમ્પ લગાવે છે. કંપની અને કર્મચારીઓ - બંનેનું વલણ વધુ પ્રોફેશ્નલ-પ્રેક્ટિકલ બન્યું છે. એક એમ્પ્લોયર સાથે નોકરીના સરેરાશ વર્ષ ઘટી જવા પાછળ કેટલાય કારણો જવાબદાર છે ને એમાં એક મુદ્દો ધીરજનો પણ ખરો. મિલેનિયલ્સ અને એ પછીની જેન-ઝેડમાં એક તરફ ધીરજ ઘટી છે ને બીજી તરફ મહાત્વાકાંક્ષા પણ વધી છે. નોકરીમાં સ્થિરતા ઘટવા પાછળ આ બંને પરિબળોને કાઉન્ટ કરવા રહ્યા.

- આજનો માણસ સરેરાશ કેટલા વર્ષ નોકરી કરે છે?

યુરોપિયન કમિશને સરેરાશ નોકરીના વર્ષનું ગણિત માંડીને અહેવાલ આપ્યો એ પ્રમાણે યુરોપના દેશોમાં પુરૂષો સરેરાશ ૩૩ વર્ષ નોકરી કરે છે. મહિલાઓની નોકરીના વર્ષની એવરેજ ૨૮ છે. દુનિયામાં નેધરલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક એવા દેશો છે, જ્યાં લોકો સરેરાશ ૪૦થી ૪૨ વર્ષ નોકરી કરે છે. અમેરિકામાં પાર્ટટાઈમ નોકરીનું કલ્ચર વધારે હોવાથી ૧૮-૨૦ વર્ષે જ નોકરી શરૂ થઈ જાય છે, પરંતુ એ પછી વચ્ચેના ઘણાં વર્ષો લોકો ઉચ્ચ અભ્યાસ કે અન્ય કારણોથી ફૂલટાઈમ નોકરી પસંદ કરતા નથી. પરિણામે અમેરિકામાં નોકરીના વર્ષોની એવરેજ ૩૧ છે.

આફ્રિકન દેશોમાં યુરોપ-અમેરિકા જેટલી નોકરીઓ નથી. ખેતમજૂરી કે લેબરવર્ક વધારે કરવું પડે છે. આફ્રિકન દેશોના નાગરિકો સરેરાશ ૩૯ વર્ષ કામ-ધંધો કરે છે. એશિયન દેશોમાં બેરોજગારીનો મોટો પ્રશ્ન હોવાથી નોકરીની વય થવા છતાં યોગ્ય નોકરી મળતી નથી. મળી જાય તો કોઈને કોઈ કારણથી ટકતી નથી એટલે પાર્ટટાઈમ નોકરીથી લઈને મજૂરી કરવી પડે છે. તેમ છતાં એશિયામાં પુરૂષો સરેરાશ ૩૭ વર્ષ અને મહિલાઓ ૨૩ વર્ષ નોકરી કરે છે.

- થર્ડ પાર્ટી એમ્પ્લોયર માર્કેટ ૬.૮ ટકા વધ્યું

એમ્પ્લોયર ઓફ રેકોર્ડ. આ ટર્મ છેલ્લાં થોડા સમયથી દુનિયામાં ખૂબ પ્રચલિત છે. એનો ટૂંકો અર્થ એવો કે કોઈ એક કંપની કર્મચારીઓને નોકરી આપે છે, પણ તેને કામ કોઈ જુદી જ કંપની માટે કરવાનું હોય છે. એક્સ નામની કંપનીને કર્મચારીઓની જરૂરિયાત છે. એ વાય નામની કંપનીને કર્મચારીઓ આપવાનું કહે છે. વાય નામની કંપની એક્સને જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારના કર્મચારીઓ આપે છે. એનો પગાર એક્સને કરવાનો નથી. પગાર, મળવા પાત્ર અન્ય લાભ, પૉલિસી, પગારવધારો - બધું જ વાય કંપની આપે છે. એના બદલામાં એક્સ કંપની વાયને કોન્ટ્રાક્ટના ધોરણે એક સાથે ચૂકવણું કરીને છૂટી જાય છે. કર્મચારીઓની માગણી કે પગારવધારો કે બીજી કોઈ સમસ્યા સાથે એક્સને કંઈ લેવા દેવા નથી. એક કંપની નક્કી કરેલો ટાસ્ક અને નક્કી કરેલી રકમ આપીને મુક્ત થઈ જાય છે. ડેડલાઈન પ્રમાણે એ ટાસ્ક પૂરો કરવાનું કામ બીજી કંપનીએ કર્મચારીઓ પાસેથી લેવાનું હોય છે.

ટૂંકમાં એક કંપનીને કર્મચારીઓ જોઈએ ત્યારે બીજી કંપની કોન્ટ્રાક્ટ પર આપે છે. એક કંપની કર્મચારીઓ પાસેથી કામ લે છે, પરંતુ સંપૂર્ણ જવાબદારી અને વળતર બીજી કંપની આપે છે. આ મેથડ કંપનીઓને વધુ માફક આવવા માંડી છે. તે એટલે સુધી કે એમ્પ્લોયર ઓફ રેકોર્ડ સર્વિસનું માર્કેટ ૧૫ કરોડ ડોલર યાને અંદાજે ૧૦ અબજ રૂપિયાએ પહોંચ્યું છે અને આગામી ચાર-પાંચ વર્ષમાં આ માર્કેટ ૧૬થી ૧૭ અબજ રૂપિયાએ પહોંચી જશે. એને થર્ડ પાર્ટી એમ્પ્લોયર માર્કેટ પણ કહેવામાં આવે છે. આ ક્ષેત્રનો વિકાસ ૬.૮ ટકાના વાર્ષિક દરે થઈ રહ્યો છે એ જોતાં આગામી દશકામાં આ ટ્રેન્ડ મોટાપાયે આગળ વધશે. કંપનીઓ કર્મચારીઓની જવાબદારી પોતાના માથે લેવાને બદલે થર્ડ પાર્ટીને આપીને ચિંતામુક્ત થઈ જવાનું પસંદ કરશે.


Gujarat