સ્વાસ્થ્ય અંગે વિચારો તો હાજર છે કુદરતી ઉપચારો
- ડાયાબિટીસ છે? જુવારની રોટલી ખાવ..હૃદય રોગની બીમારીમાં રાહત મેળવવી છે? તો દુધીનો જ્યુસ પીવો
- હોરાઈઝન - ભવેન કચ્છી
- એલોપેથી તબીબો અને ડાયેટિસિયન્સ પણ હવે આપણા બાપ દાદાનો મંત્ર 'આહાર એ જ ઔષધ'ને સ્વીકારી દર્દીઓને તે અપનાવવા સલાહ આપે છે
શ હેરના જાણીતા ડાયાબિટીસ કેર સેન્ટરમાં દર્દીઓને એલોપેથી દવાઓનો કોર્સ તો પ્રિસ્ક્રાઈબ કરાય જ છે.અદ્યતન લેબોરેટરી અને તત્કાળ રિપોર્ટ પણ હાજર છે. તેના ડાયેટ નિષ્ણાત પાસે દર્દીને પ્લાન માટે મોકલાય છે ત્યારે એવી સલાહ આપવામાં આવે છે કે ઘઉંની જગ્યાએ જવ કે જુવારની રોટલી ખાવાનું શરૂ કરો. હવે તો જવ જુવાર અને બાજરીના ખાખરા પણ મળતા થઈ ગયા છે. ચોખાના ભાતની જગ્યાએ કોદરીના ભાત આરોગશો તો અતિ ઉત્તમ તેમ પણ કહેવાય છે. માત્ર આ હોસ્પિટલમાં જ નહીં દેશના નામાંકીત તબીબો અને આહાર નિષ્ણાતો દવા સાથે જે આહાર અને વિહારની પધ્ધતિ સૂચવે છે તે ખરેખર તો આપણા બાપ દાદા અપનાવતા. હવે આપણે 'મિલેટ' જેવો અંગ્રેજી શબ્દપ્રયોગ કરી આધુનિક બની ધરાર બરછટ ધાન્ય કે ગ્રામ્ય અને આદિવાસીઓ જેવું ભોજન તેમ નથી કહેતા.
તબીબો એમ પણ કહે છે કે રાત્રે ઊંઘી જતા પહેલા ચારેક કલાક પહેલા ભોજન લેવાથી અનેક બીમારીમાંથી બચી જશો. આમ જુઓ તો જૈન શાસ્ત્ર અને આપણા બાપ દાદા ઓફિસ કે દુકાનેથી આવીને તરત સાત કે આઠ વાગ્યે ભોજન કરી જ લેતા. રાત્રે હળવું સુપાચ્ય ભોજન લેવું તે આજની સલાહ વડીલો માટે અગાઉ સહજ હતી.
આજે ગાજરનો જ્યુસ,સલાડ, કાચા કે બાફેલા શાકભાજી કે લીલા શાકભાજી પર તબીબો ભાર મૂકે છે પણ હજુ થોડા જ વર્ષો પહેલા ખાસ શાક માર્કેટમાં મોટી થેલી લઈને જવું તે કામ હોંશભેર પુરુષો સ્વીકારતા.
અગાઉના વર્ષોમાં ફળ અને તેમાં પણ ચીકુ કે પપૈયા તો બીમાર પડીએ તો જ લેવાતા પણ હવે શાકભાજી અને ફળની લારીની સંખ્યા સમાન જોઈ શકાય છે.તેનું કારણ તબીબો ફળ પર ભાર મૂકે છે તે કહી શકાય.
કુદરતી ઉપચાર પધ્ધતિ પણ ખૂબ જ આવકાર પામી છે. હળદર અને બાવળના દાતણના પેટન્ટ લેવાય છે.
બાયપાસ સર્જરી કરાવીને ઘેર જતા એક દર્દીને હૃદયરોગના નિષ્ણાતે દવાની લાંબી યાદી તો લખી જ આપી પણ સાથેસાથે સૂચના આપી કે રોજ સવારે દસેક મિનિટ કપાલભારતી અને દસ મિનિટ રોમએરોમ કરશો તો ચમત્કારિક ફાયદો થશે. બીજી વખત બાયપાસ તો શું હાંફવાની ફરિયાદ સાથે પણ અમારા પગથિયાં ચઢવા નહીં પડે. ત્યારબાદ હૃદયરોગના નિષ્ણાત તબીબે પ્રાણાયામ જેવી શ્વાસોચ્છવાસની ઉપરોક્ત પ્રક્રિયાનું નિદર્શન પણ કરી બતાવ્યું.
હવે કિડની હોસ્પિટલની ઝલક મેળવીએ. કિડનીના ડાયાલિસીસ કરવું પડે તેવી સ્થિતિમાંથી માંડ ઉગરી ગયેલા અને ભૂતકાળમાં પથરીનો પણ ભોગ બની ચૂકેલા દર્દીને સર્જરી પછી ઘેર વિદાય આપતા નિષ્ણાત ડોકટરે કાગળનું એક પતાકડું પકડાવ્યું અને શ્રદ્ધાભરી ખુમારી સાથેનો રણકો કરતા કહ્યું કે 'લો, આ પાણીનો પ્રયોગ છે ઃ માત્ર કિડની જ નહીં મોટાભાગની બીમારી માટે જડીબુટ્ટી સમાન કારગત છે. હું પણ આ પ્રયોગ છેલ્લા છ મહિનાથી કરું છું. પરોઢે ઉઠીને કોગળા કરીને શક્ય એટલું વધુ પાણી પીવાનું છે. આ અકસીર પુરવાર થયેલો જાપાની પ્રયોગ છે. તે દેહ વિજ્ઞાાનને નજરમાં રાખીને વિકસાયેલ પ્રાચીન પદ્ધતિ છે.'
હજુ થોડા દિવસો પહેલાં જ નાકની અંદરના ભાગમાં મસાનું ઓપરેશન કરાવનાર એક દર્દીને જાણીતા ઈ એન્ડ ટી સર્જને કુદરતી ઉપચાર માટે ખાસ પ્રકારની બનતી તાંબાની લોટી બતાવતા સમજાવ્યું હતું કે આ લોટીમાં ચપટી મીઠું નાખેલ પાણી ભરીને લોટીમાં જે નાની નળી જેવો ભાગ બહારની બાજુએ છે તેનાથી નાકના એક નસકોરામાં પાણી નાખી બીજા નસકોરામાંથી બહાર કાઢવાનું છે. શરૂમાં માથામાં અંદર પાણી જાય કે અંતરસ જેવું લાગે પણ આ રીતે નસ્ય પ્રયોગ કરવાથી નાક, કાન, આંતરિક અવયવો સાફ, સ્નિગ્ધ અને તંદુરસ્ત રહેશે. તેમણે પણ કપાલભારતીનો મહિમા સમજાવ્યો.
આવી જ રીતે આંતરડાનું જટિલ ઓપરેશન કરીને દર્દીને દવા ઉપરાંત દૂધીનો પ્રયોગ સમજાવતાં એલોપેથી તબીબો પણ છે. થોડા લાંબા અરસા પછી મુલાકાત થઈ હોય તેવા યુવાનને મળીને સુખદ આશ્ચર્ય થયું, અગાઉ કરતાં તેનું વજન તો નોંધપાત્ર ઉતરી ગયું હતું પણ તેની ફિટનેસ, સ્ફુર્તિ અને ચહેરા પરની તાજગી જોઈને સહજ પ્રશ્ન થયો કે કોઈ ખાસ ડાએટ પ્લાન, જીમ્નેશિયમમાં જાવ છો કે શું. એકદમ હિટ એન્ડ હોટ લાગો છો. યુવાને સહેજ પણ સંકોચ વગર બધાની હાજરીમાં કહ્યું કે તમે સમજો છો તેવું કઈ નથી કરતો. આ બધું પરિવર્તન ગાયના મુત્ર પ્રયોગને આભારી છે.
વધુ એક ઉદાહરણ લઈએ તો એક ભાઈ ચામડીના હઠીલા રોગથી કંટાળી ગયા હતા. ચામડીના નિષ્ણાત ડોકટરે તેની સારવાર તો કરી જ પણ તેને એમ માર્ગદર્શન પણ આપ્યું કે રાત્રે સૂતી વખતે ત્રિફળાનું સેવન કરજો.
અત્યારે કુદરતી કે વૈકલ્પિક ઉપચારની પ્રચલિતતા તેની ચરમસીમાએ છે. જોકે સૌથી આવકાર્ય બાબત ઉપરોક્ત ઉદાહરણોમાંથી એ ઉપસી આવે છે કે અત્યાર સુધી જે એલોપથી (તબીબી વિજ્ઞાાનની એમબીબીએસ અને એમડીથી માંડી એમએસ જેવો અભ્યાસ કરી ચુકેલાઓની શાખા) તબીબો હાસ્યાસ્પદ તુક્કા જેવી દ્રષ્ટિ રાખતા હતા. તેઓ પોતે જ હવે દાદીમાનું વૈદું કે આપણા પૂર્વજો જે કરતા કે શાસ્ત્રમાં મુકી ગયા છે તેની હિમાયત કરતા નાનમ નથી અનુભવતા. એલોપથી તબીબોની આવી નિખાલસતા અને ખેલદિલી બિરદાવવા જેવી છે. રસપ્રદ વાત છે કે ખરેખર જૂની પેઢીના એલોપથીના તબીબોએ આવી ખેલદિલી નહોતી બતાવી પણ નવી પેઢીના તબીબો આ કામ કરી રહ્યા છે. અલબત્ત, તેઓ આયુર્વેદ કે દાદીમાના વૈદાના ઊંડાણમાં નથી જતા. જે ખૂબ જ સહજ અને સ્વીકાર્ય બનેલ ઉપચારો છે તેને અનુસરવા માટે દર્દીને જણાવે છે.
આ અંગે કેટલાક તબીબોએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે 'અમારો મૂળ આશય દર્દી ખરેખર તંદુરસ્ત સ્વાસ્થ્ય મેળવે તે છે. આપણા વડીલો અને કુદરતી ઉપચાર પદ્ધતિનો લાંબા ગાળા માટે અને નિયમિત અમલ કરનારા દર્દીઓમાં જ રોગ પ્રતિકારક શક્તિ અને એક પ્રકારની તાજગી જોવા મળી છે, તેના સ્ટડી કેસ પરથી અમને લાગે છે કે ફાયદો ના થાય તો નુકસાન તો નહીં જ કરે તેવા પ્રયોગો દર્દીઓને કહી શકાય.' આ તમામ કુદરતી કે વૈકલ્પિક ઉપચારોમાં એક પ્રકારનું વિજ્ઞાાન પણ છે જ. જેમ કે દૂધીનો પ્રયોગ હોય તો દૂધીનો ગુણધર્મ શું છે તે કે પછી ખાલી પેટે પાણી, ગૌમુત્ર, નસ્ય, શ્વસન કસરતો અવયવ વિજ્ઞાાનને અનુરૂપ વિકસાવાયેલ છે. જોકે એલોપથી તબીબો ભારપૂર્વક કહે છે કે આ તમામ ઉપચારો પહેલેથી આજીવન કરતા હો તો જે તે સંભવિત રોગ સામે પ્રતિકારકતા આવી શકે. તમારી તકલીફને તે પ્રકારની જીવનપદ્ધતિ ચુસ્તપણે અમલી બનાવો તો અટકાવી શકે કે અમુક સમયગાળા માટે પાછી ઠેલી શકે. પણ એક વખત બીમારી આવે પછી એલોપથી સારવાર સિવાય છૂટકો નથી. કોઈને હૃદયરોગનો હુમલો આવે કે આંતરડાનો અસહ્ય દુખાવો થાય. અકસ્માતમાં ગંભીર ઈજા થાય, તાવ ચઢે કે કોઈપણ બીમારીનો વ્યક્તિ શિકાર બને ત્યારે એલોપથી વિજ્ઞાાન જ કારાગત નીવડે છે. વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ તંદુરસ્ત જીવનશૈલી સાથે જોડાયેલી બાબત છે. વ્યક્તિ રોગગ્રસ્ત જાહેર થાય ત્યારે તેને તત્કાળ ડામવા એલોપથી અનિવાર્ય છે. પણ તે પછી દર્દીને વધુ રાહત થાય અને તે સારવાર મેળવી લીધા બાદ વધુ સ્વાસ્થ્ય મેળવે તે માટે સમાંતર ધોરણે કોઈ નૈસર્ગિક ઉપચાર કરે તો તેમાં ખોટું નથી. જો કે એલોપથી તબીબોમાં પણ દર્દીઓને આવી ઉપચાર પદ્ધતિઓ માટે સલાહ આપવી કે નહીં તે અંગે મતમતાંતરો પ્રવર્તે છે.
તબીબો કહે છે કે અમે અમારા જે પરિચિત દર્દીઓ હોય તેને જ વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ માટેના નુસખા કહીએ છીએ. હઠીલી શરદી કે ઉધરસના દર્દીને એલોપથીની એન્ટિબાયોટિક દવા તો આપવી જ પડે છે. પણ તેને હળદર-મીઠાના કોગળા કાયમ માટે કરવાનું કહીએ તો તેમાં તબીબી વિજ્ઞાાનનું કયું આભ ફાટી જવાનું છે. અલબત્ત, અમે ઊંટવૈદ જેવા નુસખા નથી કહેતા. વિજ્ઞાાનિક રીતે પુરવાર કરી શકાય તેવા જ પરંપરાગત ઉપાયો અંગે સલાહ આપીએ છીએ. જરાપણ દંભ રાખ્યા વગર કહીએ તો અમને અમારા માતા-પિતા કે દાદા-દાદી આજ દિન સુધી જરૂર પડયે આવા ઉપચારો જ કરાવે છે. ભારતના ટોચના તબીબોને પણ તેમના ઘેર તો દાદા-દાદી અરડુશીના પાન અને મધની ચમચી લઈને જ ઉપચાર માટે પાછળ પડી જતા હોય છે.
આ લાક્ષણિક્તા આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. તે રીતે જોઈએ તો ભારતનો પ્રત્યેક નાગરિક વારસાગત ડોકટર છે. તમે સખત શરદી થઈ છે તેમ કહેશો એટલે તમને શું કરવું અને શું ના કરવું તેનું લાંબું લેકચર આપી દેશે. તમે કમર કે પીઠ દુખાવાની ફરિયાદ કરશો એટલે જુદી જુદી કસરતોનું નિદર્શન કરવા માંડશે. વાળ, ચામડી, આંખ, પેટના રોગોના ઉપચારો વિશે પ્રત્યેક ભારતીય નાની પુસ્તિકા લખી શકે. અલબત્ત, તેનો તે પોતે જ અમલ ના કરો હોય તેવી પૂરી શક્યતા છે. પણ આપણા પ્રશંસનીય સંસ્કારો એ છે કે સામી વ્યક્તિને તેના દર્દમાં કંઈ રાહત થાય. વિશ્વમાં અન્ય દેશોની પ્રજા કે તબીબોમાં આવી આત્મીયતાનો ભાવ નથી.
પ્રસારણ માધ્યમોનું અને બાબા રામદેવ જેવા રોગ નિષ્ણાતોનું આ માટે ક્રાંતિકારી યોગદાન છે. અખબારોમાં અવારનવાર વિવિધ વનસ્પતિઓ, રસોડામાં વપરાતી મસાલા સામગ્રીઓ, ગાયના મુત્ર, છાણ, ઘીથી બનતી દવા, પાણી, દુધી, કુંવારપાઠાના મહિમા અંગે લેખો પ્રકાશિત થાય છે. ટીવી ચેનલોમાં પણ યોગાસનો, ધ્યાન કરવાની પદ્ધતિના નિયમિત કાર્યક્રમો આવે છે. ઘણા તો તેમણે જાણેલા ઉપચારો કે યોગાસનો તમને બતાવવા વિવેકભાન ભૂલીને ગમે તે રીતે આવા વિષય કે બીમારીની વાતો છેડીને તમારી સામે આસન જમાવીને કસરતો જ કરવા માંડે છે.
એકંદરે તાત્પર્ય એ જ છે કે તબીબી વિજ્ઞાાનથી માંડી એક સામાન્ય નાગરિક એમ તમામ સ્તરે વૈકલ્પિક પરંપરાગત પદ્ધતિઓ અને પ્રયોગોને જબરજસ્ત આવકાર મળ્યો છે. નવી પેઢી પણ આવી કુદરતી પદ્ધતિઓમાં રસ લેવા માંડી છે.
માત્ર તેમની એલોપથી દવા, ઉપચાર પદ્ધતિ જ તમામ રોગોનો ઉકેલ છે તેવો જેઓએ દ્રઢપણે અભ્યાસ કર્યો છ તેવા તબીબો પોતે જ પશ્ચિમી જીવન પદ્ધતિથી દૂર રહવાની ભલામણ આપે છે. પીત્ઝા, સેન્ડવિચ, ચિપ્સ, ઠંડા પીણાં હાનિકારક છે તેવું આગ્રહપૂર્વક આપણને ઠસાવે છે. આપણી રોટલી, ભાખરી, શાક, દાળ જ શ્રેષ્ઠ આહાર પદ્ધતિ છે, તેની હિમાયત પણ દર્દીને કરે છે. પશ્ચિમી ડાએટ નિષ્ણાતો છેક હવે એવો પ્રચાર કરે છે બે ટંક ભરપેટ ખાવા કરતાં દિવસમાં ચાર વખત થોડું થોડું ખાવું. તેનો પણ આમ તો આપણા પૂર્વજોે પ્રચાર કર્યો હતો. એલોપથીના તબીબોને એટલું જ કહેવાનું કે મેડિકલ ટૂરીઝમ આ જમાનામાં તમારે ત્યાં આવતા વિદેશી દર્દીઓને પણ આપણી પરંપરાગત પદ્ધતિ કે પ્રયોગો જણાવવામાં ક્ષોભ ના અનુભવતા. ખરેખર તો આપણા કરતાં વિદેશીઓને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાાન-વિજ્ઞાાન-ગૂઢ રહસ્યો વધુ આકર્ષે છે. આપણે જો આપણી ના હોય તેવી એક્યુપ્રેશર, મેગ્નેટિક, ફેંગ શુઈ, રેકી, અરોમા કે ચાઈનીઝ હર્બલમાં રસ લઈને છીએ તો વિદેશીઓને આપણા નૈસર્ગિક ઉપચાર કે ઘરગથ્થુ રસોડાના ઉપચારોની વાત શા માટે છેડી ન શકાય ?