FOLLOW US

મહાસાગરોમાં તરતા શહેરો બાંધવાની તડામાર તૈયારી

Updated: Sep 17th, 2023


- ચંદ્ર પર કોલોની બંધાય ત્યારે ખરી...

- હોટલાઈન - ભાલચંદ્ર જાની

પ્રા ચીન પ૨રીકથાઓમાં હંમેશા સાંભળતા આવ્યા છીએ કે પાતાળલોકમાંથી રાક્ષસ આવ્યો અને ધરતી પર હાહાકાર મચાવી ગયો. આપણા શાસ્ત્રોમાં પણ નાગલોકની વાતો છે. જેમાં નાગોએ પાતાળમાં પોતાનું અનોખું વિશ્વ વસાવ્યું હતું. સમકાલીન સમયમાં આપણે મંગળ કે ચંદ્ર પર જીવનની શોધ કરી રહ્યા છે.  

તાજેતરમાં ભારતનું  ચંદ્રયાન-૩ ચાંદામામાની ધરતી પર સફળ ઊતરાણ  કર્યા પછી મૂનવિલેજ કે મૂન કોલોનીની વાતોએ ફરી જોર પકડયું છે. અમેરિકા  પણ ચંદ્ર પર માનવ વસતિ અને અંતરીક્ષ સ્ટેશન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે જાપાન સહિત અનેક દેશો દરિયામાં ફ્લોટિંગ સિટી બનાવવાની યોજના સફળ કરવામાં મગ્ન છે. તો શું  થોડાં વરસ પછી માનવી  પુરાણકથાઓની જેમ પાતાળ લોકમાં વસવાટ કરશે?

આજે વિશ્વના બધા જ મોટા શહેરોમાં રહેણાક જમીનની સમસ્યા દિનપ્રતિદિન વકરતી જાય છે. તે માટે તેઓ વૈકલ્પિક આવાસ યોજનાનો વિચાર કરી રહ્યાં છે. પાતાળમાં   રહેવા માટે જમીન સિવાય ક્યાં ઘર બાંધી શકાય? એવો પ્રશ્ન આપણને થાય. પરંતુ હવે સમુદ્રમાં  રહેણાંક યોજના બનાવવામાં આવી રહી છે અને દુનિયાના ઘણા અગ્રણી દેશો આ માટે સઘન પ્રયત્નો કરી રહ્યાં છે. કેટલાક દેશો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોમાં જાણવા મળ્યું હતું કે, પૃથ્વીની સપાટીની તુલનામાં પાતાળમાં  મકાનોનું પ્રાકૃતિક વાતાવરણ સામાન્ય પણ રહે છે અને તેને ગરમ અથવા ઠંડા રાખવાનો ખર્ચ માત્ર દસ ટકા જ આવે છે.

પરિસ્થિતિ એવી ઊભી થઈ  રહી છે કે  જમીન પર હવે જગા ઓછી પડે છે. પૃથ્વી પર ૭૫ ટકા પાણી છે બાકી ભાગ જમીન છે. એટલે કે પૃથ્વી પર લગભગ પોણા  ભાગમાં  મહાસાગરો  પથરાયેલા છે.  બીજી તરફ  ગ્લોબલ વોર્મિગને  લીધે સમુદ્રના પાણીની વધતી સપાટીને લીધે દરિયાકિનારા નજીકના શહેરો પર મોડા વહેલા પાણીમાં ગરકાવ થઈ જવાનો ખતરો છે. ભવિષ્યમાં નવા શહેરોના નિર્માણના સંભવિત સ્થળો અંગે  જુદી જુદી દલીલ અને તર્ક વિતર્કો થાય છે. આ સંજોગોમાં જાપાનની એક કંપનીએ  બિનપરંપરાગત અને ચોંકાવનારી  દરખાસ્ત રજૂ કરીને  ટાઉન પ્લાનર્સને  વિચારતા કરી મૂક્યા છે. આ જાપાનીઝ કંપનીની  રૂપરેખા  પ્રમાણે ભવિષ્યમાં નવા શહેરોનું નિર્માણ સમુદ્રના પાણીની નીચે કરવું શક્ય છે. બીજા શબ્દોમાં  જાપાનીઝ કંપની માને છે કે ટૂંક સમયમાં આપણામાંના કેટલાક નસીબદારો દરિયાના પેટાળમાં  મોજથી  વસવાટ કરશે. 

એશિયન સ્પાઈરલ નામના ભવિષ્યના આધુનિક અને સ્વનિર્ભર શહેરની સંકલ્પના એક જાપાનીઝ કંપની દ્વારા કરવામાં આવી છે. આ નાનકડા કૃત્રિમ  શહેરનું નિર્માણ દરિયાની વચ્ચોવચ અને સમુદ્રની સપાટીની નીચે કરવામાં આવશે. આ શહેરની વ્યવસ્થા તથા અહીં વસતા અને શ્વસતા પાંચ હજાર રહેવાસીઓની જરૂરિયાતો સંતોેષવા માટે શક્ય હોય એટલો સમુદ્રનોે ઉપયોગ કરવામાં આવશે.

પાંચસો મીટર વ્યાસ ધરાવતી ૭૫ માળની ઈમારતમા સેંકડો એપાર્ટમેન્ટો, સ્ટોર્સ, ઓફિસો, હોટેલો તથા બીજી તમામ જરૂરી સગવડો ઊભી કરવામાં આવશે. આ ઈંડાકાર ઈમારતની અડોઅડ દરિયાના મોજાને નાથવા સી વોલનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત હાઇડ્રોલિક પિલર્સની એવી ઈજનેરી વ્યવસ્થા કરવામાં આવશે જે   આ ઈમારતને પાણીની અંદર ધકેલાતી તથા હાલકડોલક થતી અટકાવશે.

અલબત્ત આ પ્રકારનું નિર્માણ અત્યંત જટિલ ટેક્નોલોજી અને બારીક આયોજન માગી લે છે. પણ આની કલ્પના કરનારી કંપની આ પડકાર ઝીલવા  સક્ષમ હોવા ઉપરાંત એક ડગલું આગળ જઈને એમ કહે છે કે આ પ્રકારના શહેરથી પર્યાવરણને ઘણી બધી રીતે ફાયદો થશે. તેમના મતે પર્યાવરણ પર તોળાતા ખતરાનો ઉકેલ હકીકતમાં  દરિયાના પેટાળમાં  છીપલાઓની વચ્ચે છુપાયો છે.

કંપનીના માનવા પ્રમાણે આ પ્રકારના અંડરવોટર સીટીને કારણે એનર્જી, ફૂડ અને પાણી માટે ધરતી પરની નિર્ભરતામાં ઘટાડો થશે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડનો સંગ્રહ કરવા અને નિકાસ કરવા માટે એક નવી શક્યતાનું નિર્માણ થશે.

સમુદ્રની સપાટી પરના ઉષ્ણતામાન અને  સમુદ્રના પેટાળમાં રહેલા પાણીના ઉષ્ણતામાન વચ્ચેના તફાવતનો ઉપયોગ કરીને થર્મલ પાવરનું ઉત્પાદન આ અંડરવોટર સિટી પોતાની રીતે કરી લેશે.  શહેરના રહેવાસીઓની તરસ છીપાવવા જરૂરી પીવાયોગ્ય પાણી પણ થર્મલ એનર્જીની મદદથી બનાવવામાં આવશે. ધરતી પર ખેતીલાયક  જમીનના વધતા જતા અભાવ વચ્ચે આ અંડરવોટર શહેર  દરિયાના પેટાળમાં એકવા કલ્ચર ફાર્મનું નિર્માણ કરશે.

જરૂર પડે તેટલી ઊર્જા સમુદ્રી શેવાળમાંથી મેળવાશે અને ખોરાક પણ સમુદ્રના તળિયે એક્વાકલ્ચર દ્વારા ખેતી કરીને મેળવાશે. જાપાની કંપની શિમિઝૂ કોર્પોરેશને તેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરી છે. તેમાં ત્રણ વિભાગો હશે. સપાટી પર વિશાળ ગોળો તરશે તે તેનું પ્રવેશદ્વાર હશે. તળિયાના વિભાગમાં ફેક્ટરીઓ હશે, જે  જોઈતી બધી વસ્તુ બનાવશે અને શહેરને ચલાવવાનાં મશીનો હશે. ત્યાં ઊર્જા ઉત્પન્ન કરાશે અને શહેર માટે ખોરાક બનાવશે. બીજા બે વિભાગમાં લોકો રહેશે.

આ અંડરવોટર શહેરમાંથી ઉત્પન્ન થતા કાર્બન ઉપરાંત  ધરતી પર ઉત્પન્ન થયેલા કાર્બનને એક પાઈપ દ્વારા દરિયાના પેટાળમાં પાઠવવામાં આવશે જ્યાં દરિયાના પેટાળમાં  રહેલા સૂક્ષ્મ જીવો કાર્બનનું રૂપાંતર મિથેન ગેસમાં  કરી નાખશે. આ ઉપરાંત દરિયાના પેટાળમાં રહેલા ખનિજો વાપરીને તેના વૈકલ્પિક ઉપયોગો શોધી કઢાશે. 

અમેરિકન અંડરગ્રાઉન્ડ સોસાયટીના જણાવ્યા અનુસાર ત્યાં લગભગ પાંચ હજાર ભૂમિગત અને ભૂસંરક્ષિત ભવન બની ચૂક્યા છે. તથા અન્ય શહેરોમાં નીચે પાતાળમાં બજાર અને આવાસ બનાવવાની યોજના છે.

આ સાંભળીને વિચાર આવે છે કે, શું ખરેખર ભવિષ્યમાં પરીકથાની જેમ પાતાળમાં પણ વિશેષ દુનિયા હશે? ખરેખર માનવી પાતાળલોકનો વાસી બનશે? એવું બને પણ ખરું કે, એક દિવસ તમે ચાલતાં હો અને તમારા પગ નીચે આખું નગર હોય. આ ભૂમિગત રહેણાકની કલ્પના પાછળ માત્ર જમીનનું સંકટ જ નથી. પરંતુ વિશ્વમાં વધતા આતંકવાદ, રાસાયણિક તથા જૈવિક હથિયારોના હુમલા અને પ્રાકૃતિક વિપતિઓ પણ કારણભૂત છે. ગયા વર્ષે  અમેરિકા અને યુરોપમાં એટલી ગરમી પડી કે, ત્યાંની સરકાર તથા અન્ય સંસ્થાઓએ ભૂમિગત રહેણાક વિશે ગંભીરતાથી વિચારણા હાથ ધરી.

'એલિસ ધ વંડરલેન્ડ'ની કથા પરથી પ્રેરાઈને જાપાનમાં  એન્જીન્યર સીમોન જોન્સ 'એલિસ સીટી' બનાવવા પ્રેરાયા હતા. જાપાનમાં બંદરો અને મોટા શહેરોમાં વસતિ વધતાં લોકોને રહેવાની જગ્યા ઓછી પડવા લાગી છે. આ સમસ્યાના ઉકેલ માટે જ્યારે વિકલ્પો શોધવામાં આવ્યા ત્યારે, ન વપરાતાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં શોપિંગ મૉલ તથા નિવાસસ્થાનો બનાવવામાં  આવ્યા. પરંતુ તે પણ ઓછા પડવા લાગ્યા. અન્ય વિકલ્પોની શોધ કરતી વખતે  દરિયાહેઠળ   નિવાસની કલ્પના આવી. અને ત્યારથી શરૂ થઈ 'એલિસ સિટી'ની પરિયોજના. જે જલ્દી પૂરી થવાની શક્યતા છે. સીમોન જોન્સના જણાવ્યા અનુસાર, વિશાળ મેદાનના ભૂગર્ભમાં બહુસ્તરીય મહાનગર વસાવી શકાય છે. આ મહાનગરમાં વિજળીઘર, પીવાનું પાણી, શાળા-કોલેજ, હોસ્પિટલ, બગીચા, બજાર, થિયેટર, રમતગમત વગેરે બધી જ જીવન જરૂરી સુવિધા હશે.

જાપાનની જેમ જ ચીન અને સાઉદી અરેબિયા બાદ ફ્લોટિંગ સિટીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મલેશિયાએ પણ ઝંપલાવ્યું છે. મલેશિયાના પેનાંગ ટાપુ પર વિશાળ કુત્રિમ ટાપુઓની ડિઝાઈન બહાર પાડવામાં આવી છે. લિલીપેડ નામના આ ફ્લોટિંગ શહેરમાં ડ્રાઈવર વિનાની કાર અને પાઇલટ વિનાના હેલિકોપ્ટર ઉપરાંત અનેક સુવિધા હશે. ડેન્માર્કની આર્કિટેક્ચર અને ડિઝાઈન ફર્મ તથા મલેશિયાની જાણીતી આર્કિટેક્ટ હિજાસ બિન કસ્તુરી દ્વારા સૌપ્રથમ આ પ્રોજેક્ટની યોજના ૨૦૨૦માં રજૂ કરવામાં આવી હતી. જો આ વિશાળ પ્રોજેક્ટ પૂર્ણ થાય તો કુલ ૧૮૨૧ હેક્ટર વિસ્તારમાં ત્રણ તરતા ટાપુઓનો સમાવેશ થશે.. દરેક ટાપુને લિલીપેડના આકારમાં તૈયાર કરવામાં આવશે, જેમાં પાંચ કિલોમીટરનો દરિયાકિનારો, ૨૪૨ હેક્ટરમાં પાર્ક હશે. દરેક ટાપુ પર ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ જેટલા લોકો રહી શકે. મોટા ભાગની ઈમારતો વાંસ અને સ્થાનિક રીતે મેળવેલાં લાકડાં તથા ગ્રીન કૉન્ક્રીટના મિશ્રણમાંથી બનાવવામાં આવશે.

બાયોડાઈવર્સિટીનું ધ્યેય ટાપુના સુંદર દરિયાકિનારા અને કુદરતી લૅન્ડસ્કેપને નુકસાન પહોંચાડયા વિના પેનાંગમાં પ્રવાસીઓ અને નોકરીઓ લાવીને આને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો છે. આ ટાપુના મધ્યમાં ૨૦૦ હેક્ટરનો ડિજિટલ પાર્ક હશે, જે મહેમાનોને ટેકનોલોજી, રોબોટિક્સ અને વર્ચ્યુઅલ રિયલિટીની દુનિયામાં લઈ જશે. ડેન્માર્કની કંપની જપાનમાં પણ ભવિષ્યના શહેર માટેની યોજના પર કામ કરી રહી છે. આ યોજના ટૉયોટા સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી છે.

એક રીતે જોઈએ તો પાણી ઉપર તરતા શહેરનો વિચાર ભલે ફિલ્મી  લાગે પણ હકીકતમાં આ વિચાર થોડા સમયમાં દુનિયાની સામે  રહેશે. દક્ષિણ કોરિયાના  બુસાન શહેરમાં આ અજાયબી જોવા મળશે. સંયુક્ત રાષ્ટ્રના સમર્થનથી વૈજ્ઞાાનિકો બુસાનમાં દુનિયાના સૌથી  પહેલા તરતા શહેરનો પ્રોટોટાઈપ  તૈયાર કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું  નામ ઓસેનિક્સ છે. જેની ઘોષણા ગયા વર્ષે કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં એક બીજાથી જોડાયેલા પ્લેટફોર્મ ૧૫.૫ એકરના દાયરામાં ફેલાશે. જેમાં ૧૨૦૦૦ લોકોને રહેવાની પર્યાપ્ત જગ્યા મળી રહેશે. અનુમાન છે કે આ સાગરી શહેર વસાવવા કુલ ૨૦૦ મિલિયન ડોલર એટલે કે ૧પ અબજ રૂપિયાથી વધારેનો ખર્ચ થશે. જે  ૨૦૨૫ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ઓંસેનિક્સના સીઈઓ ફિલિપ હમેનના કહેવા પ્રમાણે તેઓ ઓસેનિક્સ બુસાનનું નિર્માણ કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે પાણી ઉપર તરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તટીય શહેરો માટે નવી જમીન તૈયાર કરી શકે છે. જે સમુદ્રના વિસ્તારના ઉકેલ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. ઓર્ગેનિક્સના કહેવા પ્રમાણે દુનિયામાં પાંચમાંથી બે વ્યક્તિ તટથી ૧૦૦ કિમીના દાયરામા રહે છે. દરેક વર્ષે પુરના કારણે લાખો લોકો પોતાનું ઘર છોડવા માટે મજબુર બને છે. આ પ્રોજેક્ટના મુખ્ય આકટેક્ટના કહેવા પ્રમાણે ઓસૈનિક્સનું મોડયુલર ટકાઉ શહેરો માટેનું પ્રોટોટાઈપ હશે. તેમના કહેવા પ્રમાણે આ નવા રૂપની ઘોષણા બુસાન શહેરની પ્રમુખ  સંસ્કૃતિને પાણી ઉપર લઈ જશે. આ શહેર ખુબસુરત તળાવ ઉપર વસાવવામાં આવશે. જેમાં ઘણા પુલ હશે. શહેરના પ્લેટફોર્મ એકબીજા સાથે જોડાયેલા હશે. જેના માટે કુલ ૧૫.૫ એ કર ક્ષેત્રફળનો ઉપયોગ કરવામાં આવશે.

જાપાનમાં જમીનની જેટલી અછત છે એટલી વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી. આપણાં દેશમાં પણ જમીનની ઊણપ નથી. ગામડાના લોકો રોજી-રોટી માટે શહેરો તરફ ઘસારો કરી રહ્યા હોવાથી અહીં રહેણાંકની સમસ્યા ઉત્પન્ન થઈ છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં તો તેની આસપાસના નાના શહેરો અતિ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે. છતાં તેની પણ એક મર્યાદા છે. મુંબઈ નોકરી કરવા ઘણાં ૫૦ કિ.મી. દૂરથી પણ આવે છે. પરંતુ ધીમે ધીમે આ દૂરી વધતી જશે કારણ કે, જ્યાં આજે રહેણાંક વિસ્તારો બની રહ્યા છે ત્યાં કાલે જમીન પૂરી થઈ જશે. ભૂગર્ભ ભોંયરા ભારતીયો માટે કંઈ નવી વાત નથી. રાજા-મહારાજાઓના સમયથી મહેલો અને કિલ્લાઓની નીચે ભૂગર્ભ રસ્તાઓ અને ગુપ્ત ભોંયરાઓ આવેલા છે. યુધ્ધ કે અન્ય આપતિના સમયે આ માર્ગ દ્વારા જ અન્ય સ્થળે સહેલાઈથી પહોંચી શકાતું હતું. આજ પ્રકારે ઈરાકના ભૂતપૂર્વ  પ્રમુખ સદ્દામ હુસેને પણ ભૂગર્ભમાં મોટા-મોટા ભોંયરા બનાવ્યા હતા. અને અમેરિકા સાથેના પરાજય બાદ સદ્દામ આ પ્રકારના ભોંયરામાં મહિનાઓ સુધી છુપાયા હતા. યુરોપ, અમેરિકા,  રશિયા અને ચીન સહિત ઘણા દેશોએ  અણુ હુમલાથી બચવા  ભૂગર્ભમાં  ભોંયરા (બન્કર) બનાવ્યા છે. 

હિટલરે પણ યુધ્ધ સમયે ભૂગર્ભ રસ્તાઓનો જ મહતમ ઉપયોગ કર્યો હતો. વિશ્વના ઘણા બધા  દેશોના અણુ ઊર્જા મથકો ભૂગર્ભમાં જ આવેલા છે જેથી અણુ પ્રયોગોની માનવવસતિ પર કોઈ અવળી અસર  ન થાય. હવે તો મોટામોટા શોપીંગ સેન્ટરો અને મૉલમાં ભૂગર્ભ દુકાનો આવેલી છે. દિલ્હીમાં 'પાલિકા બજાર' ભૂમિગત જ છે. હવે તે જ રીતે જો રહેણાક બનાવવામાં આવે તો રહેવાની સમસ્યા ઓછી થઈ જાય.

ભારતની જેમ અમેરિકા, યુરોપ અને અન્ય દેશોમાં પણ મહાનગરોની વધતી વસતિને કારણે રહેણાંક ક્ષેત્રનું સંકટ ઊભું થયું છે. અર્થશીપ બાયોટેક્ચર કંપનીએ એક એવી ભૂગર્ભ વસતિનો નકશો  બનાવ્યો છે જેમાં મકાનના નિર્માણમાં ટાયર, કેન, ગ્લાસ, પ્લાસ્ટિક બાટલી, કાગળ, કાર્ડબોર્ડ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મકાનના બધા જ ભાગો  એવી રીતે અલગ અલગ હશે કે તેને જરૂરિયાત પ્રમાણે જોડી શકાય. જેમ આજે  ફોલ્ડીંગ  ફર્નિચર મળે છે બિલકુલ તે જ રીતે આ મકાનો ફોલ્ડીંગ  હશે.  સૌથી મહત્ત્વની વાત એ છે કે આવા ઘરનો સંભાળ ખર્ચ એકદમ ઓછો હશે. 

અમેરિકાના ઓહિઓ શહેરમાં ભૂસંરક્ષિત બે માળનું મકાન છે. અને અહીં સખત ઠંડીમાં માત્ર એક સ્વેટર પહેરીને પણ તમે રહી શકો છો. મિન્નેસોટા વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા ભૂગર્ભ મકાનોના અભ્યાસ પરથી સાબિત થયું હતું કે, અમેરિકાના ઈતિહાસના સૌથી ઠંડા વર્ષ ૧૯૭૮માં ભૂગર્ભ ભવનોમાં અંદરથી તાપમાન ગરમ રાખવા માટે કોઈ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. છતાં તાપમાન રાહતકારી રહ્યું હતું.

કોલંબસના પ્રસિદ્ધ સોલર આર્કિટેક્ટ રિચર્ડ સ્ટેયરે ગ્રામીણ ક્ષેત્ર રેનોલ્ડ્સ બર્ગમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ભૂગર્ભ ક્લાસરૂમ બનાવ્યા તથા માર્ટિન્સફેરીમાં પહાડી ક્ષેત્રમાં ભૂગર્ભ હૉસ્પિટલ બનાવી હતી. સન્ડસ્કીના એક બિલ્ડરે બોલેવ્યુમાં ગયા વર્ષે બે માળનું ભૂગર્ભ ભવન બનાવ્યું હતું. પહેલાં તો લોકો તેમના પર હસ્યા હતા. પરંતુ ત્યાંનાં ખેડૂતો થોડો સમય ત્યાં રહ્યા ત્યારે તેમને જમીનની નીચે રહેવાનો સુખદ અનુભવ લીધો. જોકે અત્યાર સુધી ખૂબ જ નાના પાયે ભૂગર્ભ ભવન નિર્માણના પ્રયાસો થયા છે. પરંતુ  આની સફળતા જોતાં એમ લાગે છે કે, ખૂબ જ ટુંક સમયમાં મોટા પાયે આ કામ શરૂ થઈ જશે.

કોલકાતામાં જે ભૂગર્ભ મેટ્રો છે તે જ પ્રકારે વિશ્વના અન્ય શહેરોમાં પણ ભૂગર્ભ રેલ્વે છે. ભૂગર્ભ ખોદકામની વિકસિત થતી નવી ટેક્નોલોજીને કારણે હવે જમીનમાં ઊંડે સુધી સુરક્ષિત રીતે ખોદવું સંભવ બન્યું છે. ખોદકામ ટેક્નોલોજીમાં થઈ રહેલા સુધાર અને વિકાસને આધારે જ ભૂગર્ભ પાર્કિંગ વ્યવસ્થાની શરૂઆત થઈ ચૂકી છે. અને લગભગ બહુમાળી ઈમારતોની નીચે આવા પાર્કિંગ સ્થળ આવેલા છે. વર્ષ ૨૦૧૬ સુધીમાં તો ભૂગર્ભ ગોદામ અને ત્યારબાદ ઓફિસ અને પછી ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થશે.

એવી આશા છે કે, ૨૦૩૦ સુધીમાં કેટલીક હોટલ તથા આંતરરાષ્ટ્રીય બજાર ટોકિયો, લંડન, ન્યુયોર્ક જેવા મોટા શહેરોની નીચે હશે. ટોરેન્ટો અને મોન્ટ્રિયલમાં તો ભૂગર્ભ બજાર બનાવવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. મોન્ટ્રિયલ શહેરના વાતાવરણમાં આ એક પડકાર છે. ભૂગર્ભ મકાનોનો ઉપયોગ બોમ્બ વિસ્ફોટ, આતંકવાદી હુમલા, બાયોલોજીકલ હથિયાર, રાસાયણિક હથિયાર, ન્યુક્લિયર હુમલા તથા તોફાન, ભૂકંપ વગેરેથી બચવા માટે પણ કરવામાં આવશે.

ભૂગર્ભમાં જીવન વસાવવા માટે બધા જ દેશો દ્વારા પૂરજોશમાં પ્રયત્નો થઈ રહ્યાં છે. પરંતુ હજી ઘણી સમસ્યા વણઉકેલાયી જ છે. સૌથી મોટી તકલીફ છે કે, ભૂગર્ભમાં નીચે રહીને દિવસની ગણતરી કઈ રીતે કરી શકાય? ભૂગર્ભ મકાનોની દિવાલ પર ખૂબ જ ધૂળ જામી જાય છે. મકાનની અંદરની પ્રત્યેક વસ્તુ પર પણ ધૂળના થર જામી જાય છે. તે કારણે ખૂબ ગંદકી થાય છે. હજી એ પણ જોવાનું બાકી છે, કે ભૂગર્ભની વસતિ ઉપર પણ અન્ય વસતિ હોવાથી તેના પર શું અસર થશે. ભારત જેવા ઊંચા ભૂસ્તર ધરાવનાર દેશમાં ભૂગર્ભ આવાસ યોજનામાં શું મુશ્કેલીઓ આવી શકે તેનો વિચાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત સૂર્યપ્રકાશ માટે બારી કંઈ દિશામાં બેસાડવી તેના પર પણ વિચાર થઈ રહ્યો છે.

જો કે જેમને ભૂગર્ભ મકાનોના નિર્માણમાં સો ટકા વિશ્વાસ છે તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. તેમનું કહેવું છે કે, આ કોઈ ગંભીર સમસ્યા નથી.

મહત્ત્વની વાત એ છે કે, મંગળ અથવા ચંદ્ર પર જવાને બદલે ભૂમિની નીચે રહેવું સારું પડશે. જો આ પ્રકારની ભૂગર્ભ વસતિ અસ્તિત્વમાં આવશે તો પાતાળલોકની કલ્પના વાસ્તવિક બનશે ખરી!

Gujarat
English
Magazines