FOLLOW US

જે ઈલાજ હતો એ બીમારી બની ગઈ!

Updated: Sep 16th, 2023


- અંતરનેટની કવિતા -અનિલ ચાવડા

લોગઈન ઃ

રહ્યો નથી રણકાર ધરમનો,

તૂટી ગયો છે તાર ધરમનો.

સ્વામીઓના ગજવામાંથી,

સરસર સરતો સાર ધરમનો.

રાતે ચોર લૂંટારાઓનો,

દિવસે છે અંધાર ધરમનો.

પરદાદાને પગે લગાડે,

માણસ છે બીમાર ધરમનો.

મંદિરનો બિઝનેસ કરે છે,

એ છે વહિવટદાર ધરમનો.

બાકી સઘળે મંદી મંદી,

ધંધો ધમધોકાર ધરમનો.

દાદાને દીકરો કરવામાં, વ્હોરી લીધો ખાર ધરમનો.

- હરદ્વાર ગોસ્વામી

જ રૂરિયાત બધાની જનની છે એ વાતમાં જરા પણ મીનમેખ નથી. ભાષા, લગ્નરચના, સમાજ કે ધર્મ માનવજાતની જરૂરિયાતની કૂખમાંથી પેદા થયેલાં છે. એ કંઈ ઈશ્વરે રચ્યા નથી. અંગ ઢાંકવાની જરૂર જણાઈ તો કપડાં શોધાયાં. સંવાદની જરૂર પડી તો ભાષા રચાઈ.કુળ અને વારસાના જતન માટે સામાજિક વ્યવસ્થા રચાઈ. લગ્નની વ્યવસ્થા બની. માનવ એક સોસાયટીમાં સ્થાપિત થયો. ભણતર, તકનિક, વેપાર બધુ જરૂરિયાત પ્રમાણે વિકસતું ગયું. આ બધી બાહ્ય જરૂરિયાતની સાથોસાથ આંતરિક જરૂરિયાત પણ આટલી જ મોટી હતી. ધર્મ અને આધ્યાત્મ આવી જ આંતરિક ભૂખમાંથી જન્મ્યા છે.

મંદિરના પગથિયે સૂતો ભીખારી કે મહેલમાં સૂતો રાજા, બિઝનેસ ટાયકૂન કે સામાન્ય પટાવાળો, બધાને જોડતી કોઈ એક બાબત હોય તો એ છે શ્રદ્ધા. શ્રદ્ધાનો કોઈ ધર્મ નથી હોતો. હિન્દુ હોય કે મુસ્લિમ, ખ્રિસ્તી હોય કે પારસી બધાની આસ્થાનું અજવાળું તો સમાન જ હશે. જેમ નદીને વહેવા માટે એક પટની જરૂર છે, તેમ શ્રદ્ધાને વ્યક્ત કરવા ધર્મની જરૂર છે તેવું આપણે માનીએ છીએ. એટલા માટે જ તો મૂર્તિ પૂજીએ છીએ. ધજા ચડાવીએ છીએ, આરતી ઉતારીએ છીએ. મીરાબાઈ તો એક કૃષ્ણની મૂર્તિ બાળપણમાં મળી હતી એના સહારે આખી જિંદગી જીવી ગયા અને ભારતીય ભક્તિસાહિત્યમાં અમર થયાં. જોકે મૂર્તિ, પૂજા, આરતી, પ્રસાદ આવું કરવાથી કંઈ ફેર નથી પડતો, પણ આપણી આસ્થા મજબૂત કરવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ આ બધી વાતોને ધર્મના ઠેકેદારોએ ધંધો બનાવી નાખ્યો. નાળિયેર ચડાવશો તો જ આમ થશે, ફલાણું કરશો તો જ ઢીંકણું થશે એવી માન્યતાના દોરા બાંધવા માંડયા ભોળા લોકોને.

ધર્મ એ આત્માનો ઈલાજ છે. પરિસ્થિતિ સામે પડતું મુકનાર માણસને ઘણી વાર શ્રદ્ધાનું તરણું મળી જાય તો તરી જતો હોય છે. ધર્મ આમ તો માનવતાનો ઈલાજ કરવા માટે હતો. પણ જે ઈલાજ હતો એ હવે બીમારી બની ગઈ છે. જેનાથી ઉકેલ આવવો જોઈએ એ જ મુદ્દો ઝઘડાનું કારણ થઈ ગયો છે. પોતપોતાના ધાર્મિક વાડાઓ રચાવા લાગ્યા, એ વાડામાં વળી પંથ અને સંપ્રદાયોના કુંડાળા અલગ. આ બધા ચકરડામાં સામાન્ય માણસ વંટોળમાં ફંગોળાતા તરણા જેમ આમથી તેમ અટવાય છે.

ધર્મ જીવનના મર્મની વાત કરવાના બદલે કડકડતી નોટોના કર્મની વાત કરવા લાગ્યો છે. પ્રસાદ, દર્શન, ચડાવો, વીવીઆઈપીની અલગ વ્યવસ્થા આ બધાની એક વ્યવસ્થિત ચેન ગોઠવાયેલી છે. પુજારીથી લઈને દરવાન સુધીના માણસો આ ચેઈનમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે. શેરબજારમાં કડાકો બોલી શકે, આઈટીની મોટી કંપની રાતોરાત ઊઠી જાય એમ બને, દેશ પોતે દેવાદાર થઈ જાય એવું પણ બને, પણ કોઈ મંદિર દેવાદાર બન્યું હોય એવું ક્યારેય સાંભળ્યું ? 

હરદ્વાર ગોસ્વામીની ગઝલ આ બધી જ વાતોને ખૂબ ચીવટતાથી રજૂ કરી આપે છે. ધર્મનો તૂટી ગયેલો તાર પોતાનો રણકાર ગુમાવી રહ્યો છે. પણ એ રણકારની કોને પડી છે, રૂપિયાના રણકારની વાત કરો તો ભૂવા રાતોરાત પ્રભુને પણ પકડીને તમારા ઘરમાં બેસાડી આપે. જ્યોતિષી ઓ ગ્રહોને ફેરવી નાખે.  આવા લોકો પાછા ધર્મને બચાવવાની વાતો કરતા હોય છે. ભગવાન બચાવે આવા લોકોથી.

લોગઆઉટ ઃ

સ્મરણો વિનાની ક્ષણથી ઈશ્વર મને બચાવે !

ને, એક બે સ્મરણથી ઈશ્વર મને બચાવે !

હું સાચો હોઉં ત્યારે 'હું એકલો જ સાચો !'

એવા કોઈ રટણથી ઈશ્વર મને બચાવે !

ભૂલીને ધર્મ પહેલો, બીજો ભણાવે છે જે,

એવા બધા અભણથી ઈશ્વર મને બચાવે !

- સંદીપ પૂજારા

Gujarat
English
Magazines