Get The App

મનને માત્ર 'સુંવાળું' બનાવવાને બદલે 'રૂપાળું' બનાવવાના નવ ઉપાયો અજમાવી તો જુઓ !

- એક જ દે ચિનગારી- શશિન્

- ન મૌજેં (મોજાં) ન તૂફાં, ન માંઝી, ન સાહિલ (કિનારો) મગર મન કી નૈયા, બહી જા રહી હૈ ! મનને 'બહેકાવવા'ને બદલે મહેકાવશો તો આખું જગત તમારું

Updated: Oct 17th, 2020

GS TEAM

Google News
Google News
મનને માત્ર 'સુંવાળું' બનાવવાને બદલે 'રૂપાળું' બનાવવાના નવ ઉપાયો અજમાવી તો જુઓ ! 1 - image


એ ક યુવાન પોતાના પિતા સામે આક્રોશ ઠાલવતાં કહે છે : ''તમે મને રોકનાર, ટોકનાર કોણ ? હું મારા મનમાં આવે તે કરીશ. મને મનપસંદ જિંદગી જીવવાનો અધિકાર છે.''

સહુના મનમાં એક પ્રશ્ન ઘૂમ્યા કરે છે. 'શું છે આ મન ? મન અને દિમાગ એક જ છે ?'

મનુષ્ય કે માનવ શબ્દ 'મનુ' પરથી બનેલો છે. બ્રહ્માના ચૌદ પુત્રો મનુષ્યના મૂળ પુરુષ માનવામાં આવે છે. માનવના 'મ'નો અર્થ મનુના વંશમાં ઉત્પન્ન એવો ઘટાવવામાં આવે છે. અરબી ભાષામાં મનુષ્ય માટે 'આદમી' શબ્દ પ્રયુક્ત થયો છે, જેનો સંબંધ મૂળ પુરુષ હજરત 'આદમ' સાથે સંકળાયેલો છે. 'ઈન્સાન' શબ્દ પણ અરબીનો છે જે 'આદમી' હોવા ઉપરાંત 'માનવતાથી ભરેલો' એવા અર્થ સૂચવે છે.

'મન' શબ્દનો અર્થ છે, દિલ, હૈયું, કાળજુ, ચિત્ત, અંત:કરણ, જ્યાંથી લાગણીઓનો જુસ્સો વહે છે, તે અવયવ, બીજી ઈન્દ્રિયોને તેમનું કાર્ય કરવાની પ્રેરણા કરનાર ઇન્દ્રિય. મન જ્ઞાનેન્દ્રીય સ્વરૂપ અને કર્મેન્દ્રીય પણ છે. મનનો ધર્મ સંકલ્પ-વિકલ્પ કરવાનો છે, એમ શાસ્ત્રો કહે છે. વિચારો, લાગણીઓ, રાગ, દ્વેષ, ઈચ્છા, ધ્યાન, વગેરે સર્વ પ્રવૃત્તિઓનું સાધન મન ગણાય છે.

મનમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણો રહેલા છે. 'ભગવદ્ ગોમંડળ' અનુસાર સત્વગુણને લીધે મનમાં વિરાગ, ક્ષમા, ઉદારતા અને શાન્તિ વગેરે ગુણો ઉત્પન્ન થાય છે. રજોગુણને લીધે કામ, ક્રોધ, લોભ વગેરે ઉત્પન્ન થાય છે. રજોગુણને લીધે કામ, ક્રોધ, લોભ વગેરે ઉત્પન્ન થાય છે અને તમોગુણને આળસ, ભ્રમ, તંદ્રા વગેરે દોષો ઉત્પન્ન થાય છે. સત્વગુણને લીધે ધર્મ વડે પુણ્યની ઉત્પત્તિ થાય છે. કામ વગેરે રજોગુણને લીધે પાપની ઉત્પત્તિ થાય છે અને તમોગુણના ધર્મો વડે ઉન્માર્ગે ચઢે છે. તત્વજ્ઞાનીઓ પૈકી કેટલાક મનને શરીરનો ભાગ ગણે છે તો કેટલાક મનને શરીરથી અલગ ગણે છે. 'પ્રસન્નિકા કોશ'માં શ્રી બંસીધરભાઈ શુક્લએ મન અંગે વિસ્તૃત માહિતી આપી છે. તદનુસાર માણસની વિચાર, ઇચ્છા અને સંવેદનાની વૃત્તિને મન કહે છે. મન બુધ્ધિ સ્મૃતિનું કેન્દ્ર છે. મન એ મગજ પણ છે જ્યાં વીજળી તથા રસાયણોની પ્રતિક્રિયા કોઈ સ્પષ્ટ નિયમ વિના ચાલ્યા કરે છે.

માનવ મનને બબ્બે મુખ્ય તથા ચાર ઉપમુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે. અસ્થિર, સ્થિર, અંતર્મુખી અને બહિર્મુખી. અસ્થિર મન તરંગી, ચિંતાતુર, હઠીલું, નિરાશાવાદી વગેરે લક્ષણો ધરાવે છે. તે અતિ સંવેદી, ઉત્પાતિયું, આક્રમક અને ઉત્તેજનશીલ છે. અંતર્મુખી મન સાવધાન, વિચારશીલ, સંયમી વિશ્વસનીય તથા શાન્તિનાં લક્ષણો ધરાવે છે જ્યારે બહિર્મુખી મન મિલનસાર, વાતોડિયુ,પ્રત્યુત્તરદાયી, સરળ, ચિંતામુક્ત અને નેતૃત્વનાં લક્ષણો ધરાવે છે. મનની શક્તિ પ્રચંડ છે. આ વિરાટ બ્રહ્માંડમાં જેના અસ્તિત્ત્વનું કશું મહત્ત્વ નથી, તેવું મન વિરાટ બ્રહ્માંડનો જ નહીં પણ તેની સીમાપારનો વિચાર કરી શકે છે એટલે તો માણસ અંતરીક્ષયાત્રાનો, ચંદ્ર અને મંગળનાં દ્વાર ખખડાવવાનો વિચાર કરી શકે છે.

મહાભારત અને ભગવદગીતામાં મન વિશે ચર્ચા કરવામાં આવી છે. મન વાયુથી પણ વધુ ઝડપથી દોડનારું છે. ભગવદગીતાના અધ્યાય બીજાના ૬૭મા શ્લોક અનુસાર વિષયોમાં ભટકનારી ઇન્દ્રિયોની પાછળ મન દોડે છે, તે તેની બુધ્ધિને એવી રીતે ખેંચી લે છે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે. અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે (૬/૩૪) હે કૃષ્ણ, મન ચંચળ અને પ્રમથન એટલે કે વલોવનારા સ્વભાવનું તથા દ્રઢ અને બળવાન છે, તેને વશ કરવાનું કાર્ય વાયુને વશ કરવા સમાન દુષ્કર છે. તેના ઉત્તરમાં શ્રીકૃષ્ણ જવાબ આપે છે (૬/૩૫) હે અર્જુન, મન અવશ્ય ચંચળ અને મહામુશ્કેલીથી વશ થનારુ છે છતાં પણ હે કુંતીપુત્ર, અભ્યાસ અને વૈરાગ્ય વડે મન વશમાં થાય છે. અહીં અભ્યાસ શબ્દનો અર્થ ભગવાનનાં નામ અને ગુણોનું શ્રવણ કીર્તન, મનન વગેરે પ્રયત્નો ભગવત્ પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ 'અભ્યાસ' છે. સાગર નિજામીનો એક શેર મનનું સ્વરૂપ સમજાવતાં કહે છે.

'ન મૌજેં (લહેરો) ન, તૂફાં,

ન માંઝી ન સાહિલ (કિનારો)

મગર મન કી નૈયા

બહી જા રહી હૈ !'

મનની શુધ્ધિ એ પરમાત્મા તરફ ગતિ કરવાનો રાજમાર્ગ છે. મનને બહેકાવવાને બદલે મહેકાવશો તો આખું જગત તમારું મન માણસને બાંધે પણ છે અને મુક્ત પણ કરે છે. મન માણસનો મિત્ર પણ બની શકે છે અને શત્રુ પણ. મન કાજી પણ બની શકે છે અને પાજી (પાગલ) પણ બની શકે છે. એ સંકલ્પગ્રસ્ત પણ બની શકે છે અને દ્વિધાગ્રસ્ત પણ. મનરૂપી દર્પણમાં કાટ ચઢવાને કારણે માણસને શુધ્ધ જ્ઞાનનું દર્શન થતું નથી !

આજે જગતમાં જાતજાતની જે વિકૃતિઓ જોવા મળે છે એનું કારણ મનની અશુધ્ધિ છે. આજના માણસનું મન બેબાકળું છે, વ્યથિત છે, મથિત છે, દિગ્ભ્રાન્ત છે, અશાન્ત છે, કારણ કે તેનું અંત:કરણમાં જાતજાતની અશુધ્ધિઓ અને ્પવિત્રતાઓએ તંબૂ તાણેલા છે. જ્યાં મનમાં પ્રપંચ છે, ત્યાં ભગવાનનાં મુકામ નથી હોતો, અને જ્યાં ભગવાન છે, ત્યાં પ્રપંચને મુકામ મળતો નથી. માણસનાં શરીર ભલે નોખાં-નોખાં હોય પણ મનનું પક્ષી તો સહુમાં એક જ સ્વરૂપનું અસ્તિત્ત્વ ધરાવ છે. મન ચોખ્ખું તો પ્રભુનું દર્શન ચોખ્ખું મન સાધક પણ છે અને બાધક પણ. જ્યાં મનની પ્રસન્નતા, ત્યાં માંગલ્યનું આપોઆપ આગમન. મનોવિજ્ઞાન મનનો વિશદ અભ્યાસ કરે છે.

યુવા મિત્રોએ સૌથી સાચવવા જેવી મહત્ત્વની વસ્તુ હોય તો તે પોતાનું મન છે. યૌવનાવસ્થા તરંગો અને તોફાનોનું સંગમ સ્થાન છે. આકાંક્ષાઓ અને આકર્ષણોનું ઉદ્ગમ સ્થાન છે. બંધનો સામેનો વિદ્રોહ અને મનના નચાવ્યા નાચવાનો ઉમંગ છે. ભૂલ કરવાની ઋતુ અને પડીને ઉભા થવાની તાકાત છે. અમર્યાદ અને ઝંઝાવાતી આનંદની અદમ્ય તૃષા અને સપનાંની પાંપણ પર સવાર થઇને અખિલ બ્રહ્માંડમાં વિહરવાની મનોકામના છે. યુવાનોને મનને મારવાની જરૂર નથી, પણ મનને ઠારવાની જરૂર છે. વિચારહીનતા અને બિનજરૂરી ઉતાવળ પતનને આમંત્રિત કરે છે. એટલે મન પર સહજ સંયમ અને વિવેક જરૂરી બને છે.

મનનું સ્વરૂપ સમજવું જરૂરી છે. જે યુવાન માત્ર મનનો 'કહ્યાગરો' બને તે આબરૂનો જાતે 'ધજાગરો' કરે છે. યૌવન પર રજોગુણ અને તમોગુણ ત્રાટકવા માટે તૈયાર હોય છે એટલે યુવાનોએ પોતે જ પોતાના સંયમની લક્ષ્મણ રેખા ઓળંગવી ન જોઇએ. પણ યૌવનને ફૂંકી-ફૂંકીને ચાલવાની આદત હોતી નથી. યુવાનના કાન દરેક બાબતમાં 'હા' સાંભળવાના આગ્રહી હોય છે, 'ના' સાંભળવા માટે ક્યારેય તૈયાર હોતા નથી ! યુવાનનું મન અને હૃદય અકળ છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે કૂવો હોય તો એનું માપ કાઢી શકાય, પણ સાગરને માપી શકાય નહીં. બાળક હોય તો તેને સમજાવી શકાય, પણ યૌવનને 'કહ્યાગરું' બનાવી શકાય નહીં.

જે યુવાન મનને સમજી શકે તે પોતાનાં સ્વપ્નોનો સફળ સોદાગર બની શકે. યુવામિત્રો, મનને 'સુંવાળું' બનાવવાને બદલે રૂપાળું અને હુંફાળું બનાવવાના નવ ઉપાયો કયા ?

૧.તમારા મનને સમજવાની કોશિશ કરો. ઇચ્છાઓ અને મહત્વકાંક્ષાઓનું વિશ્લેષણ કરી યોગ્ય નિર્ણય લો.

૨.જીવનમાં જોશ અને હોશનો સમન્વય કરો. પ્રેમને તમારી નબળાઈ ન બનાવો.

૩.  મનને હલકટ અને ઉન્માદી વિચારોથી મુક્ત રાખો. સાત્વિક વિચારોની ટેવો પાડો. ક્રોધ, લોભ અને મોહથી  મુક્ત રહો.

૪. મનને ચંચળ બનવાનો મુક્ત પરવાનો ન આપો. વડીલોના ઉપદેશ કે માર્ગદર્શનની સદંતર ઉપેક્ષા કરવાને બદલે તેમાંથી સત્ય તારવી તેનો સ્વીકાર કરો.

૫. આદતોના ગુલામ બનવાને બદલે સુટેવો વિકસાવો.

૬. કેવળ શરીર અને મનની માગણીઓને સર્વસ્વ ન માનો. સંબંધો બાંધવાની કે તોડવાની ઉતાવળ ન કરો.

૭. ક્રોધ અને લોભને વશ થઇ પ્રામાણિકતાને ગળે ટૂંપો ન દો.

૮. સ્વપ્ન ખંડિત થાય ત્યારે પલાયનવાદી ન બનો.

૯. સ્વતંત્ર નિર્ણય શક્તિ વિકસાવો, આત્માને અજવાળે ચાલવાની ટેવ પાડો. યૌવનની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે. એમ સમજી સમય વેડફો નહીં.

Tags :