આપણા જીવન પર કાબૂ ધરાવે છે નિયતિ, પુરુષાર્થ કે આપણું કર્મ ?
- જાણ્યું છતાં અજાણ્યું- મુનીન્દ્ર
- પુરુષાર્થથી પરવારી ગયેલા માણસનું આ ચિહ્ન છે. એ સાચું છે કે નસીબ કેટલાકની સામે રીઝે છે અને કેટલાકની સામે રૂઠે છે, પણ એનો અર્થ એ નથી કે કશું ય કર્યા વિના આપણે બેસી રહેવું
જી વનની એક કૂટ સમસ્યા એ છે કે જીવનમાં પ્રારબ્ધ મહત્ત્વનું છે કે પુરુષાર્થ ? શું આપણું જીવન નિયતિના હાથમાં છે કે પછી આપણું જીવન આપણા કર્મો, પ્રયત્નો અને પુરુષાર્થના હાથમાં છે. સવાલ કહો તો સવાલ અને સમસ્યા કહો તો સમસ્યા, આ બાબત સહુને મુંઝવતી હોય છે. શું નસીબમાં લખાયેલું હશે એમ થશે, એમ માનીને જીવવું ? અને પછી અનુકૂળ કે પ્રતિકૂળ જે કોઈ પરિસ્થિતિ આવે, એનો મૂંગા મોંએ સ્વીકાર કરવો.
નિયતિની લીલા એવી છે કે એમાં માનનારાઓની મન:સ્થિતિ તમે કલ્પના ન કરી હોય એટલી હદે એના જીવન પર પ્રભાવ પાડતી હોય છે. વહેમો અને માન્યતાઓથી ભરેલા આપણા સમાજમાં આજે ય એટલા બધા વહેમો પ્રવર્તે છે કે કોઈ બીમાર પડે તો બાધા રાખવામાં આવે છે. કોઈને શારીરિક તકલીફ થાય તો એને માટે કોઈ કારણ શોધવામાં આવે અને પછી કેટલાક સામાન્ય લોકોનું જીવન એ આ નિયતિની શરણાગતિમાં અંધશ્રદ્ધા અને આર્થિક બેહાલીમાં પસાર થતું હોય છે.
જરા ઉઘાડી આંખે જોઈએ તો ખ્યાલ આવે કે આપણા સમાજમાં કેટલા બધા વહેમો પ્રવર્તે છે અને એ વહેમો માણસને વધુ નિયતિવાદી બનાવે છે, અને એ રીતે એના જીવનને દુ:ખમય અને સતત પીડાગ્રસ્ત તો બનાવે છે, પરંતુ એથી ય વધુ ભૂવા- ડાકલાની પાછળ ખુવાર થઈ જાય છે.
પુરુષાર્થથી પરવારી ગયેલા માણસનું આ ચિહ્ન છે. એ સાચું છે કે નસીબ કેટલાકની સામે રીઝે છે અને કેટલાકની સામે રૂઠે છે, પણ એનો અર્થ એ નથી કે કશું ય કર્યા વિના આપણે બેસી રહેવું અને વિધાતા ક્યારે પ્રસન્ન થાય, એની વાટ જોવી. વળી એકવાર નસીબને આધારે જીવનાર પોતાના પ્રયત્નો છોડી દે છે અને પરિણામે પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારે છે.
પોતાની ચિંતાના કારણ માટે કોઈ જ્યોતિષનું શરણું લેશે અને એ જ્યોતિષી એને કહેશે કે આનું મુખ્ય કારણ તો એના ગ્રહોની અવળી દશા છે. કહેશે કે શનિ ગ્રહની પનોતી છે અને રાહુની વક્રદ્રષ્ટિ છે. આમ પ્રતિકૂળતા સમયે મક્કમ પુરુષાર્થ કરવાને બદલે એ જ્યોતિષનો આશરો લઈને જીવશે કે પછી જે કંઈ અઘટિત થશે, તો એમાં પ્રમાદ, આળસ કે અવળી મતિને કારણે માનવાને બદલે એ શનિની પનોતી પર સઘળો દોષ ઢોળી દેશે. ધીરે ધીરે એની માનસિકતા જ એવી થઈ જશે કે જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીને એ શનિની પનોતી સાથે સાંકળી દેશે. માનવી ચંદ્રની ધરતી પર ઉતર્યો છે અને હવે ત્યાં વસવાટ કરવાનું વિચારે છે, ત્યારે ચંદ્રના ગ્રહની દૂરિત અસરની વાત કેવી લાગે છે !
વિચાર કરો કે હેલન કેલરે પોતાની શારીરિક વિકલાંગ સ્થિતિને વિધાતાના લેખ માનીને સ્વીકારી લીધી હોત તો ? છ ફૂટ એને ચાર ઇંચ ઉંચુ અને પાતળું શરીર ધરાવનાર અબ્રાહમ લિંકને હળ ચલાવવાનું અને પોસ્ટમેન તરીકે કામ કર્યું હતું. જો અને એ નસીબ માનીનેે સ્વીકારી લીધું હોત તો એ ક્યારેય અમેરિકાના અત્યંત લોકપ્રિય પ્રમુખ બન્યા ન હોત.
આવા તો જગતના જુદા જુદા ક્ષેત્રમાં અનેક ઉદાહરણો મળે છે ત્યારે એમ લાગે છે કે માણસે એની નિયતિ ઉપર નિર્ભર રહેવાને બદલે એનાથી આગળ પ્રગતિ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. એણે જીવનમાં આવતી પ્રતિકૂળતા પ્રત્યે યોગ્ય દ્રષ્ટિ કેળવવી પડે અને એ પ્રતિકૂળતા પાર જવા માટે મહેનત કરવી પડે.
મહાત્મા ગાંધીજીને જીવનભર કેટલી બધી આપત્તિઓ સહન કરવી પડી, પરંતુ એ આપત્તિઓની સામે સત્ય અને અહિંસાની મશાલ લઈને એ સતત આગળ ચાલતા રહ્યા. મજાની વાત એ છે કે જેમ કેટલાક પોતાના જીવનની સઘળી મુશ્કેલીઓનો દોષ નિયતિ પર ઢોળી દે છે, એ જ રીતે કેટલીક વ્યક્તિઓ એ પરિસ્થિતિને પોતાના પૂર્વજન્મના કર્મના ફળ રૂપે ચૂપચાપ સ્વીકારે છે.
કોઈ મુશ્કેલી આવે કે કાર્યમાં નિષ્ફળતા મળે એટલે સીધો ઉત્તર આપશે કે આ મારા પૂર્વજન્મના કર્મનું ફળ છે. એને એના પૂર્વજન્મની કશી ભાળ નથી ! કોઈ ખબર નથી ! પણ એ પૂર્વજન્મના ચોપડામાં એ મુશ્કેલીને ઉધારી દે છે !
આપણા ગ્રંથોમાં પૂર્વ જન્મના કર્મની ઘણી ઘટનાઓ મળે છે. ભગવાન મહાવીરના જીવનમાં આને પરિણામે આવેલાં ઉપસર્ગો જોઈ શકાય છે. મોટા મોટા સંતો પણ પૂર્વજન્મના ફળની વાત સ્વીકારે છે, પરંતુ સામાન્ય માનવી કોઈ મુશ્કેલી, નિષ્ફળતા કે પરાજય આવતા તરત જ પાછલા ભવમાં કરેલા પાપોની સજા કે એનું ફળ માને છે. ઘણીવાર તો કોઈ મુશ્કેલી આવતા સીધો દોષનો ટોપલો અંતરાય કર્મ પર ઢોળી દે છે.
પોતાના સ્વાસ્થ્ય તરફ વ્યક્તિ બેદરકાર રહેતી હોય, અપૌષ્ટિક અને હાનિકારક ભોજન લેતી હોય, વાનગીઓ જોઈને એની લોલુપ સ્વાદવૃત્તિને અતિ સંતુષ્ટ કરતી હોય અને પછી એ બીમાર પડે એટલે કહેશે કે આ તો વેદનીય કર્મનો ઉદય થયો છે. પોતે જાતે ખાડો ખોદે અને એમાં પડે ત્યારે અન્ય પર આક્ષેપ કરે ! આવી જ રીતે જુદા જુદા કર્મના ઉદયની વાત કરીએ છીએ અને એમ કરીને પોતાના દોષનો ટોપલો કર્મને માથે મૂકી દઈએ છીએ. વળી, આવી વાત કરતી વખતે વ્યક્તિ અત્યંત ધાર્મિક હોવાનો દેખાવ કરતી હોય છે. હકીકતમાં ધર્મ એ તો એવી કલા છે કે જે વ્યક્તિને સુખ અને દુ:ખની પેલે પાર આવેલી પ્રસન્નતામાં રાખે છે.
આ સંદર્ભમાં જૈનદર્શને વ્યાપક દ્રષ્ટિએ વિચાર કર્યો છે. અનેકાંત વિચારધારામાં માનતા આ દર્શને સામાની વાતમાં પણ સત્ય રહેલું છે એમ કહ્યું છે અને આથી એ માત્ર નિયતિ કે પુરુષાર્થ અથવા તો કર્મને જ એક કારણરૂપ ગણતું નથી. આવું આત્યંતિક વલણ સ્વીકારતું નથી, બલ્કે આ એ પાંચ સમવાયની વાત કરે છે. કાર્ય અને કારણનો સંબંધ એટલે પાંચ સમવાય અને એ નીચે પ્રમાણે પાંચ સમવાય દર્શાવે છે.
(૧) કાળ : સામાન્ય વ્યવહારમાં આપણે કહીએ છીએ કે સમય પાકે ત્યારે થશે. અંજળપાણી હશે ત્યારે થશે. આમાં કાળને સૌથી સહુનો કર્તા અને હર્તા માનવામાં આવે છે. જેમ કે આજે બીજ વાવ્યું હોય, તે તરત જ વૃક્ષ બનતું નથી. તેને માટે યોગ્ય સમય લાગે છે. કાળ પાકે ત્યારે જ તેને ક્રમશ: અંકુર, કળી, પાંદડા, ફૂલ, ફળ વગેરે આવે છે. કાળ પાકે ત્યારે જ કર્મનું ફળ મળે છે.
(૨) સ્વભાવ : પ્રત્યેક પદાર્થને પોતાનો આગવો અને મૂળભૂત સ્વભાવ હોય છે. જેમ કે માછલાં આદિ જળચર પ્રાણીઓનો સ્વભાવ પાણીમાં રહેવાનો છે. ધ્રાણેન્દ્રિયનો સ્વભાવ સૂંઘવાનો છે તો આંખનો સ્વભાવ જોવાનો છે. માત્ર કાળ એ જ સર્વોપરિ નથી, કારણ કે કાળ પાકવા છતાં ઘણાં બીજ વિકસિત થતા નથી. ઘણી પુખ્ત વયની સ્ત્રીને સંતાનયોગ થતો નથી, તો આવું કેમ ? એ કરે છે કોણ ? તો તેનો જવાબ છે સ્વભાવ. પ્રત્યેક પદાર્થનો મૂળભૂત સ્વભાવ હોય, તેનાથી સઘળું બનતું હોય છે.
(૩) નિયતિ : નિયતિ એટલે ભાગ્ય. નસીબમાં લખાયું હોય તે થાય. જગતમાં નિયતિને સર્વસ્વ માનનારા નિયતિવાદી મળે છે અને તેને 'ભવિતવ્યતા' પણ કહે છે. ભગવાન મહાવીરની વિચારધારાનો વિરોધ કરનાર સદ્દાલ પુત્ર એ નિયતિવાદી હતો. તેની વિચારધારામાં ભગવાને આપેલા ઉપદેશથી પરિવર્તન આવે છે.
નિયતિનું એકાંતિક સમર્થન કરનાર કાળ કે સ્વભાવનો ઇન્કાર કરે છે અને કહે છે, જે બનવાનું હોય તે જ બને છે. ભાગ્યના ભેદ કોઈ બદલી શકતું નથી. માણસ મૃત્યુ પામવાનો હોય તો લાખ ઉપાય કરવા છતાં એને બચાવી શકાતો નથી અને જો એ બચવાનો જ હોય તો લાખ પ્રહાર કરવા છતાં એ મરતો નથી. આમ જે કાળે જે બનવાનું હોય છે, તે જ બને છે. બધું જ નિશ્ચિત હોય છે.
(૪) કર્મ : કર્મવાદી, કાળ, સ્વભાવ અને નિયતિનો ઇન્કાર કરે છે. એ ભારપૂર્વક કહે છે કે જેવાં કર્મ કર્યા હોય તેવું ફળ પ્રાપ્ત થાય છે. 'કરો તેવું પામો', 'વાવો તેવું લણો', 'જેવી કરણી તેવી ભરણી' એવી ઉક્તિઓ પ્રચલિત છે અને જગતમાં જે કાંઈ વિચિત્રતા કે વિષમતા દેખાય છે, તે કર્મને આધિન જ આધારિત હોય છે તેમ માનવામાં આવે છે.
(૫) પુરુષાર્થ : પુરુષાર્થવાદી કહે છે કે, પ્રારબ્ધથી જીવન ઘડાતું નથી. જીવન ઘડાય છે પુરુષાર્થથી, નિયતિ કે કર્મ જેવું કશું છે જ નહિ. પુરુષાર્થ એ જ જીવનમાં સર્વોપરિ છે. કામ નહી કરનારને એક ટંકનું ભોજન મેળવવાના ફાંફા પડે છે અને કામ કરનારા પુરુષાર્થીને ક્યારેય ભૂખ્યા મરવું પડતું નથી.
આ પાંચમાંથી કોઈ એક બાબતને સર્વોપરી માનનાર પોતાના પક્ષને પ્રાધાન્ય આપે છે અને બીજાની સર્વથા ઉપેક્ષા કરે છે. જ્યારે જૈન દર્શન પાંચ સમયવાને એકરૂપે જોઈને જીવનની ઘટનાઓની સાચી સમજ આપે છે અને એ રીતે સત્યને ઉજાગર કરે છે.
જૈન દર્શન મુજબ આ પાંચ સમવાયમાં એક પણ સમવાય હાજર ન હોય તો કાર્ય સંપન્ન થતું નથી. પ્રત્યેક કાર્ય સિદ્ધ થાય, તે માટે આ પાંચેય સમવાય હોવા આવશ્યક છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે કોઈપણ કાર્યસિદ્ધિ માટે આ પાંચ સમવાય વિના બીજું કોઈ કારણ આવશ્યક હોતું નથી. આથી જે એમ માને છે કે માત્ર એક બાબતથી જ કાર્યસિદ્ધિ થાય છે, તે એકાંતદ્રષ્ટિ ધરાવે છે. એ મિથ્યાત્વ છે. જયારે પાંચ સમવાય ભેગા થાય અને કાર્યસિદ્ધિ થાય તેને અનેકાંત કે સમ્યકત્વ છે. મોક્ષમાર્ગ માટે પણ ઉપરના પાંચ સમવાયો હોવા જરૂરી છે.
જો કોઈ એમ માને કે બધું જ નિયતિ આધારિત છે અને નસીબ જાગશે, ત્યારે આપોઆપ ધર્મના માર્ગે જવાશે, એમ માનીને ધર્મપાલન ન કરે, તો તે યોગ્ય નથી. જ્યારે જે કાળમાં જે બનવાનું છે તે કાળે જ બને છે, તેમ માનીને યોગ્ય કાળ આવશે ત્યારે ધર્માચરણ થઈ જશે એવું માનનારા પણ ખોટા છે. આવી એકાંત માન્યતા ધરાવનારને દર્શનમાં મિથ્યાદ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. આપણે જીવનની ઘટનાઓના કારણ વિશે સર્વગ્રાહી દ્રષ્ટિએ વિચારવું જોઈએ.