- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- મહાન સંસ્કૃતિના બણગા ફૂંકીને વિશ્વગુરુ થવાના તોરમાં જગત તો નથી ભોળવાયું, પણ આપણે જાતને છેતરીએ છીએ એટલે ભૂલી જઈએ છીએ કે - હજુ આપણે અનેક બાબતોમાં દુનિયા પર આધારિત અને મોટા ભાગની પ્રજા જીવવા માટે સંઘર્ષ કરતી હોય એવું રાષ્ટ્ર છીએ!
જુ લાઈ ૧૯૪૪માં અમેરિકાના ન્યુ હેમ્પશાયરના બ્રેટનવૂડ્સ ખાતે એક બેઠક મળી હતી. જેવું તેવું સંમેલન નહોતું. ૪૪ દેશોના પ્રતિનિધિઓ એમાં હતા. એજેન્ડા હતો જેની હાર હવે નક્કી દેખાતી હતી એવો હિટલર હારે, પછી વિશ્વનું અર્થતંત્ર ફરી પાટે ચડાવવાનો. પહેલા વિશ્વયુદ્ધનો વર્સાઈની સંધિ રાજકીય રીતે આકરો દંડ નાખવા જતા તો જર્મનીમાં નાઝી પાર્ટીનો ભસ્માસુર પેદા થયેલો. એટલે આ વખતે દુનિયાના ચોવટીયાઓ વધુ સાવધ હતા જેની ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાયરની કન્ઝયુમરિઝ્મની દવાના ડોઝે પહેલા અમેરિકા ને પછી વર્તમાન ચીનને આર્થિક મહાસત્તા બનાવી દીધેલું એ બ્રિટીશ અર્થશાસ્ત્રી જોન મેનાર્ડ કેઈન્સ પણ ત્યાં મોજૂદ હતો.
સદીઓ સુધી જેનો દબદબો દુનિયા પર બ્રિટીશ રાજને કારણે રહ્યો એ સ્ટર્લિંગ પાઉન્ડ હવે પદભ્રષ્ટ થવાનો હતો. બબ્બે વિશ્વયુદ્ધને અને વિવિધ આઝાદી અંદોલનને કારણે દુનિયાભરમાંથી પાવર ગુમાવવાની ધારે આવેલા બ્રિટનની હવે વર્લ્ડ ઈકોનોમીનો બોજ ખેંચવાની દાનત ને હેસિયત પહેલા જેવી રહી નહોતી, એની એને ખબર હતી. એ તો ભારતના ઉત્પાદન ને વેપારને લીધે બ્રિટનની આર્થિક તબિયત સુધરેલી છે, એનો પણ અભ્યાસુ હતો. બધે નવા યુધ્ધો ફાટી નીકળે એ પહેલા એમને ગુલામ બનાવ્યા વિના એક તાંતણે બાંધવાની જરૂરિયાત પશ્ચિમના મુત્સદ્દીઓને લાગતી હતી. કેઈન્સનો મૂળ મુસદ્દો હતો, 'આર્થિક બરબાદીમાં બેહાલ ને ત્રસ્ત પ્રજા આશાના નામે હિટલર જેવા તાનાશાહના હાથમાં જઈ પડે છે, એ રોકવું હોય તો ગ્લોબલ ઇકોનોમિક કોઓપરેશન જોઈએ. જેથી કોઈ એક દેશ અચાનક સાવ ફટીચર ના થાય ને એકલો દુનિયા સામે શિંગડા ભરાવવા પણ નીકળી ના શકે.' એના માટે એનું સૂચન સમૃદ્ધ રાષ્ટ્રોની સહાયથી એક 'વર્લ્ડ બેંક' બનાવવાનું હતું જે કમજોર દેશોના કંગાળ માણસોને ઓછા વ્યાજની સહાય આપી મદદરૂપ થાય. અને અમુક માનવીય સિદ્ધાંતોનું ગ્લોબલ લેવલ પર પાલન કરાવે.
ત્યાં હાજર અમેરિકન ઇકોનોમિસ્ટ હેરી વ્હાઈટે સહમતી સાથે સૂચન કર્યું કે આવી સંસ્થા તો જ શક્તિશાળી રહે જો વિશ્વ વેપારની એક જ કરન્સી હોય. અલગ અલગ દેશોમાં અલગ અલગ ચલણ દૂર થાય. કેઈન્સે સૂચન કર્યું એક નવી જ વિશ્વમુદ્રા નામે 'બેન્કોર' ઘડવાનું. પણ વ્હાઈટે કહ્યું સાવ નવા ચલણ પર ભરોસો કોઈ નહીં મુકે. એની પાછળની ગેરેંટી કોની ? અને યાદ દેવડાવ્યું કે બ્રિટને પણ કરજ જેનું લેવું પડે એ અમેરિકાને લીધે વિશ્વયુધ્ધમાં મિત્રરાષ્ટ્રોને નિર્ણાયક જીત મળીં છે. અમેરિકા કોઈ એક પ્રકારની નહિ પણ પચરંગી પ્રજાનો નવો જ અલગ મુલક છે, જેથી બધા માટે એનો ભરોસો સરખો રહે તો અમેરિકન ડોલર જ ગ્લોબલ કરન્સી કેમ નહિ ?
જગતનો અડધોઅડધ સુવર્ણ ફિઝીકલી જેની પાસે હોય એ અમેરિકાના ડોલરને ઠુકરાવવાની કોણ હિમ્મત કરે ? કેઈન્સે માત્ર એટલું જ કહ્યું કે વાંધો તો નથી પણ હવે જો ડોલર ડૂબશે તો આખી દુનિયા બરબાદ થઇ જશે. પણ અમેરિકાના શાસકો મૂળભૂત રીતે તો વેપારી. ડોલર ઝપાટાબંધ એટલો ફેલાયો કે આજે પણ જગતનો ૯૦% જેટલો કારોબાર એમાં થાય છે, ને બાકીના જે બીજા ચલણમાં ધંધો કરે એને પણ વિશ્વસ્તરે ખરીદી વેંચાણ માટે ક્યાંક ને ક્યાંક ડોલરના શરણે જવું પડે છે. અરે, અમરિકાવિરોધી ત્રાસવાદીઓ જ્યાં હોય એ અફઘાનિસ્તાન કે સિરિયામાં પણ ભરોસો તો ડોલર પર જ કરે છે આજે પણ લોકો ! યુરો કે યુઆનને આગળ કરવાની બહુ કોશિશ થઇ અને બ્રિકસ દેશોની નવી કરન્સીના કૂકડા પણ બોલાવાયા પણ ડોલરિયો ગઢ હજુ અડીખમ છે.
ઓગસ્ટ ૧૯૭૧માં એક બીજો ટવીસ્ટ ડોલરના અશ્વમેધમાં આવ્યો. અમેરિકાના કેમ્પ ડેવિડમાં તત્કાલીન પ્રમુખ રીચાર્ડ નિકસન ધૂંધવાટમાં ચર્ચા કરતા હતા કે આપણો ખજાનો આમ ખાલી થઇ જશે તો? વિએતનામ યુધ્ધમાં ત્યારે અમેરિકા પૈસા ગુમાવતું હતું આજની જેમ. લટકામાં હજુ બે દસકા પહેલા જે યુરોપને સહાય આપી હતી બેઠું થવા માટે એ યુરોપ અમેરિકાને ઘણું બધું વેંચતું હતું, બદલામાં ડોલર લઇ જમા કરતુ હતું પણ અમેરિકા પાસેથી એટલું બધું કંઈ ખરીદતું નહોતું. ફ્રાન્સના રાષ્ટ્પતિએ તો અમેરિકા પાસે રાખેલું પોતાનું ત્રણ હજાર ટન સોનું વહાણ ભરીને મંગાવી લીધેલું. જાપાને પણ. જેટલા ડોલર દુનિયામાં હતા એટલું સોનું હાજર સ્ટોકમાં અમેરિકાએ ગમે ત્યારે વટાવવા માટે રાખવું પડે, તો અમેરિકાના સુવર્ણભંડારનું તળિયું દેખાઈ જાય !
ત્યાં હાજર આર્થિક સલાહકાર જોન કોનેલીએ એક ખુરાફાતી આઈડિયા પ્રમુખને કહ્યો. 'અમેરિકન ડોલરને ગોલ્ડ સાથેના ભારણથી મુક્ત કરી દો. સાદી ભાષામાં દુનિયા પડે ચૂલામાં, આપણે આપણી મજબૂતાઈની ચિંતા કરો. નિકસનને ગળે ઘૂંટડો ઉતરી ગયો. ૧૫ ઓગસ્ટ ૧૯૭૧ના રોજ ટીવી પર એમણે કહી દીધું કે હવે અમેરિકન ડોલરનું કોઈ કનેક્શન રિયલ ફિઝીકલ ગોલ્ડ સાથે રહેશે નહીં. અમારું સોનું અમારું, ને ડોલર આખી દુનિયા વાપરે એનું જે મૂલ્ય નક્કી થાય એ રીતે, અમારીં બદલામાં સોનું આપવાની જવાબદારી નહિ. !
જગત પાસે આમે બીજો વિકલ્પ ત્યારે નહોતો. ચીન સુપરપાવર નહોતું ને યુરો ચલણ અસ્તિત્વમાં જ નહોતું. પાઉન્ડની ગુલામીમાંથી મુક્ત થવા તો ડોલર પસંદ કરેલો. નવા પ્રયોગ કરતા જુનું ફાવી ગયું છે તો શું ખોટું, એમ માની વિશ્વએ અમેરિકન ડોલરને છતાં પણ સ્વીકારી લીધો. આનો સાદો મતલબ એ કે ડોલરની ગેરેન્ટીની જવાબદારી અમેરિકન સરકારને બદલે અમેરિકા જ નહિ આખા જગતની જનતા માથે આવી ગઈ ! આપણે જેટલો ટકાવીને રાખીએ, જેટલી લેવડદેવડનો વિશ્વાસ એમાં રાખીએ એટલું મૂલ્ય ડોલરનું. અમેરિકા તો મનફાવે એમ છાપી પણ લે, પણ બાકીનાઓએ તો ગમે તેમ કરીને યુએસ ડોલર ભેગા કરવા પડે ! એકલદોકલ વિરોધ કરે તો આખી ટ્રેનમાંથી એ ઉતરી જાય, પણ બાકીના બધા સહિયારી મુસાફરી ચાલુ રાખે. એટલે પરાણે ડોલરને ઉંચે ટકાવવો પડે જો ગ્લોબલ ટ્રેડમાં રહેવું હોય તો !
અમેરિકા તો એની શોધખોળ, એના મનોરંજન અને આઈટીના ઉદ્યોગ, એની શિક્ષણસંસ્થાઓ, એની આર્મી, એનું સ્પેસ સાયન્સ, એની બ્રાન્ડ્સ, એનું એઆઇ, એનો રહેવા માટે મુક્ત ઉદાર માહોલ, એના થીમ પાર્ક્સ બધાને લીધે નંબર વન મહાસત્તા છે જ. પણ એના વિના ય સ્વતંત્રપણે જગતમાં ડોલરનો વટ છે. મેળવવા ને વાપરવામાં દુનિયામાં એ ગોલ્ડ કરતા પણ આસાનીથી ચાલે છે. કોઈ પણ વિદેશી વસ્તુનું ખરીદ વેંચાણ મોટા ભાગે ડોલરમાં થાય છે. રૂપિયો તો એટલો નબળો છે કે એમાંથી ભરોસો ગુમાવી વિદેશી રોકાણકારો ભાગવા લાગ્યા છે !
***
આપણે ચૂંટણી સુધી બધું નોર્મલ હોવાનો ડોળ કરીને, દુનિયામાં ક્યાંય ઈલેકશન માટે ના થતી હોય એવી રેલીઓ રોડ શો અને અવનવા ઉદ્ઘાટનો સમારંભો બધું કરીને અચાનક જ રાતોરાત આકાશવાણી સંભળાઈ હોય એમ ડોલર બચાવો અભિયાનમાં આવી ગયા છીએ. વિકાસ ખર્ચ અને ઉત્પાદનના યુગલગીત વિના થાય નહિ, એટલે તો જીએસટીમાં રાહત આપી લોકોને બહાર નીકળવા, વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરાયેલા. હમણાં છેલ્લા બજેટમાં સોનું ખરીદવા માટે પ્રોત્સાહન હતું. હવે વિકાસને અણધાર્યો યુ ટર્ન આપવો પડયો છે, એનું કારણ પણ આ ડોલરની સંભવિત તંગી છે. એવું નથી કે આપણી પાસે ડોલર રિઝર્વ નથી. પણ જે છે એ યુદ્ધ ખેંચાતા ઝડપભેર ઘટી રહ્યો છે. નિષ્ણાતો ઘણા સમયથી કહેતા હતા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ગળાચીપ ભારત જેવા દેશને આવી શકે છે. અમેરિકાએ યુધ્ધમાં આર્થિક નુકસાન ઉઠાવ્યું પણ એની ઈકોનોમી તો ક્યાંય તગડી છે. એ તો શસ્ત્રો વધુ વેંચશે. અને એને ઓઈલ માટે આપણી જેમ આધારિત રહેવાનું નથી બીજા દેશો પર.
સિત્તેરના દાયકામાં આવી જ ખેંચતાણ ઓઈલ માટે સહન કર્યા બાદ અમેરિકાએ પોતાનો ઓઈલ ધરાવતા દેશોમાં વધારી દીધો ને જાતે રીતસર પથ્થર તોડીને શેલ ઓઈલ પેદા કર્યું ને વેનેઝુએલા જેવા દેશો મુઠ્ઠીમાં રાખ્યા આજે. એને તો હોર્મુઝથી તેલ મંગાવવાનું નથી. એ તો બીજાને વેંચીને કમાણી કરી શકે છે, અને કરે જ છે. રશિયા પણ એ રીતે આત્મનિર્ભર છે. ઓઇલના સૌથી મોટા આયાતક યાને ઈમ્પોર્ટર ભારત અને ચીન છે. ચીન તો સામે ભારત સહિત દુનિયાને અનેક એવી ચીજો વેંચે છે કે એની તો ડોલરની આવક ઘટવાની નથી. પણ આપણી એક્સપોર્ટ માર્કેટમાં એવી કોઈ ધાક નથી. એટલે આમ પણ આપણને ડોલર એક્સપોર્ટમાંથી ઓછા મળતા હતા વસતિ, વિસ્તાર અને વાતોની સાપેક્ષે. આપણી કોઈ એવી બ્રાન્ડ નથી જે દુનિયા આખીમાં છવાઇને ઘેર ઘેર જાણીતું નામ હોય, અરે, આપણા કોઈ ગ્લોબલ લેવલ પર છવાયેલા પીણા કે બિસ્કીટ કે ચોકલેટ પણ નથી કે જેને જગત ઓળખીને એ લેવા પાગલ થતું હોય. ઉલટું એઆઇને લીધે જે નોકરીઓ જાય છે, એમાં વિદેશી કંપનીઓમાં કામ કરતા ભારતીયો ડોલરની આવક ગુમાવે છે.
હા, આપણી ડોલરની એક આવક ફોરે રેમિટન્સ યાને દુનિયામાંથી ભારતમાં પૈસો મોકલાય એ છે. એક અંદાજ મુજબ ૧૩૫ અબજ ડોલર, જેમાં સામું કશું ચૂકવવું પણ ના પડે ! વર્તમાન સ્થિતિમાં અખાતી દેશોના ભારતીયો કે યુરોપ અમેરિકામાં રહેતા ભારતીયોમાં જે મિડલ ક્લાસ છે એને પણ મોંઘવારી ને મંદી નડે છે. આપણે ત્યાં તો ધાર્મિક સંસ્થાઓના નામો પણ હવાલાની ગુસપુસમાં ઉછળે છે, પણ એને કંઈ કોઈ પકડે નહિ. સરકારી સેન્સરશિપને ને સંસ્કૃતિ રક્ષકોના મોરલ પોલીસિંગને લીધે ઓનલાઈન કન્ટેન્ટ ક્રિએટર્સમાં ફફડાટ છે. હજુ તો આપણે બોલીવુડને અને યુટયુબરોને ગાળો આપી ગળે ગાળિયા નાખવા છે, જે ફોરેનથી થોડા ડોલર લઇ આવતા હોય દેશમાં સત્તાવાર રીતે. ડોલરની બીજી આવક થાય આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટને લીધે. પણ યુદ્ધ અગાઉથી જ માર્કેટમાંથી ફોરેન ઇન્વેસ્ટર્સ પૈસો પાછો ખેંચી રહ્યા છે.
કારણ કે અત્યારે ભવિષ્ય બધાને એઆઇમાં દેખાય છે, એટલે ગુજરાત કરતા નાના સાઉથ કોરિયા ને તાઈવાનમાં ડોલરના ઢગલા થાય છે. પણ આપણે એજ્યુકેશનમાં ગલગોટિયાઓની બોલબાલા છે. અનેકવાર ચેતવણીઓ આપી લખ્યું છે કે આપણું એજ્યુકેશન બહારથી મેકઅપ કરી ભલે રૂડુંરૂપાળું લાગે, અંદરથી સાવ ખાડે ગયું છે. નીટ એક્ઝામ ને અન્ય સેંકડો પેપર લીક સાબિત કરે છે કે આપણે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પણ ગોલમાલ વિના સરખી ગોઠવી શકતા નથી. અભણ નેતાઓને ખુશામતખોરો શિક્ષણમાં જોઈએ છે જે એમને માટે માથા તૈયાર રાખે. એટલે ડોલર લઈ આવી શકે એવી ટેલેન્ટ તો મોકો મળ્યે મોટા ભાગની દેશ જ છોડી દે એવી માહોલ છે. મેરિટના ઠેકાણા નથી. અનામતોનો અંત નથી. જાતિવાદ ઇલેક્શન જેવો જ એજ્યુકેશનમાં છે. માત્ર ઉંચી ઉંચી સંસ્કૃતિની વાતોના કોર્સ દાખલ કરવાથી મોડર્ન ઇનોવેશન નથી થતા. હજુ પણ મેડીસીનની બધી રિસર્ચ વાળી શોધ પરદેશથી ભારત આવે છે, આપણે ખાલી દુનિયા સ્વીકારતી જ નથી એવી ચિકિત્સાની જમાના જૂની વાતો અપગ્રેડ થયા વિના કર્યા કરીએ તો ડોલર ક્યાંથી આવે ?
વિદેશીઓને ટુરિઝમમાં પણ મોટે પાયે રસ પડે એવી શિસ્ત અને સ્વચ્છતા આપણે પાંચ હજાર વર્ષની દિવ્ય પવિત્રતાના ગાણા ગાયા પછી પણ કેળવતા નથી. ફોરેન સાથેનું કનેક્શન ધરાવે એવા આધુનિક યુવક યુવતીઓ તો આપણા જનમઘરડા સમાજને બગડી ગયેલા પાપીઓ લાગે છે ! ફેશન બાબતે આપણું માનસ ખુલ્લું નથી. અધૂરામાં પૂરું આપણે જેના માટે પોરસાઈએ છીએ એ નફરતી ઝેરના એકધારા વાતાવરણે દેશની છબી બગડી નાખી છે. ચીન સાથે ભળતું નથી પણ ખુદ વિદેશમંત્રી મોટી ઈકોનોમી છે વાળી કબૂલાત કરી લે એવો ડર લાગે છે ને એટલી હદે ચીન પર અર્થતંત્ર આપણું આયાતને લીધે નિર્ભર છે કે આપણે
કાલ્પનિક ધુરંધર બનાવીએ એમ ચીનના નામની તો ફિલ્મ પણ રિલીઝ થવા દેતા નથી ! હજુ તાજમહાલને તેજો મહાલય બનાવવાના ઠેકડા મારવા છે, પણ પરદેશીઓ એ જોવા આવે છે એનું મહત્વ સમજતા નથી. એ નવા મંદિરો કરતા જૂની ગુફાઓ જોવા વધુ આવશે. પોલમપોલ વોટ્સએપના ગપ્પામાં સનાતન ને રાષ્ટ્રવાદના નામે ચાલે, પણ એટલી ખબર નથી પડતી કે હિટલર જેવા અનુભવોને લીધે દુનિયાના પાવરફુલ દેશોને આવી એકાંગી રાષ્ટ્રવાદની વાતોની એલર્જી છે. અને ડોલર કમાવી દે એવા દેશો મોટા ભાગના ખ્રિસ્તી કે ઇસ્લામિક છે, જેને ભારતનો એક નવરો વર્ગ રોજ સવારે ઉઠીને ઉછળી ઉછળીને ગાળો આપે છે !
લેટ્સ ગેટ રિયલ. જે વાતો રાષ્ટ્રજોગ થવી જોઈએ પણ ચૂંટણીની ચટણી પીસવામાં કોઈ ખોંખારો ખાઈને પ્રજાને સમજાવવા માટે કહેતું નથી, ઉલટું કોઈ સ્વાર્થ વિના કહે એને જ દેશદ્રોહી ઠેરવી એના પર ટ્રોલિયાઝોમ્બીઓ છૂટા મૂકી દેવાય છે. આપણે કૃષિપ્રધાન દેશ હોવાની વાતો કરીએ છીએ પણ ફર્ટીલાઈઝર યાને ખાતર પણ આપણે દુનિયાથી મેળવવાનું થાય છે. એના વિના આટલી બધું વસતિ આ સંયમનો દંભ કરતો દેશ જે પેદા કરી બેઠો છે એ ખાય શું ? આર્ર્ગેનિક ખેતીમાં એટલું પ્રોડક્શન જ ના થાય. ભારત યુરીયા જેવા ફર્ટીલાઈઝરનો દુનિયામાં સૌથી વધુ આયાત કરતો દેશ છે, જેને માટે આપણે ડોલર ચુકવવા પડે છે. કોને ? મહત્તમ રશિયા, ઓમાન, સાઉદી અરેબિયા ને મોરોક્કો પાસેથી. નોંધી લો, એક સિવાયના બધા દેશો ઇસ્લામિક છે. આપણે મોટા ઉપાડે શિંગતેલ ને તલના તેલની વાત કરીએ છીએ પણ બજારમાં મળતા ૯૯% પેક નાસ્તામાં તેલ વપરાય છે એ પામ ઓઈલ છે. વડાપ્રધાને વાહનોમાં નાખવાના નહિ, પેટમાં નાખવાના તેલમાં પણ કટ મુકવાનું કહેવું પડયું છે કારણ કે આપણે સૌથી વધુ ખાવાનું પામ તેલ પણ જગતમાં આયાત કરીએ છીએ. એમાં થોડુંક થાઇલેન્ડ ને પાપુઆ ન્યુ ગિનીથી પણ કુલ ખાવાના તેલનો ૬૦% વપરાશ જે પામ ઓઈલનો છે એ મેક્સિમમ આવે છે મલેશિયા અને ઇન્ડોનેશિયા પાસેથી ! અગેઇન મુસ્લિમ દેશો !
આપણે આટલા વર્ષે વાતોના વડા સિવાય તેલ, ખાતર, ઉર્જા કશામાં આયાતને બદલે નિકાસ થાય એવી કોઈ મોથ મારી નથી. માત્ર રેલો આવે ત્યારે બધા ફફડે છે એટલું જ. પછી જુગાડુસેટિગ શરુ. જે એનઆરઆઈ ભારત ભારત કરીને રોવા લાગે છે એ બધા કંઈ પરદેશ છોડી અહીં આવી જવાના નથી કે આપણા રાજકારણીઓને અંગત સ્વાર્થ સિવાય ડોલર મફતમાં દેશ માટે દાન આપવાના નથી. કારણ કે રાજકારણીઓ જ ભ્રષ્ટાચાર દૂર કરતા નથી. કેટલાયનાં સંતાનો ફોરેનમાં સેટલ છે. સંકટ આવે ત્યારે ઈમોશનલ પ્રજાને એન્ગેજ રાખે એવી સ્ટંટબાજી કરતા આવડી ગઈ છે હવે.
પણ લાંબા ગાળે એક્સપોર્ટ થાય એવું ઉત્પાદન વધારવા આપણે શું કર્યું ? ઉલટું હવે દરેક ચૂંટણીમાં જીતવા માટે પેલી મફતની રેવડીઓની લ્હાણી કરવાનો ધારો પડી ગયો. મતદારો કહે છે કે પાંચ વર્ષ આ ઘર ભરશે એમના એટલે અત્યારે મળે એ ગજવાભેગું કરી લો. જાણે વોટખરીદી માટે સરકાર જ ધુમાડો કરે છે ફંડનો કાયદેસર. અને મૂડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરે છે એમાં મળતિયાઓના નેક્સસને લીધે કોસ્મેટિક સુંદરતા પછી કામ કેવા થાય છે, એ તો મોટા ભાગના નવા રોડ એક ચોમાસે જુઓ ત્યાં દેખાય જ છે. ને હજુ જંગલો ને પહાડો કાપીને નવા નવા પ્રોજેક્ટના નામે વાતાવરણ ફનાફાતિયા કરવાની હોડ છે ભારતમાં. હજુ માથે દેવું છે એ પણ વધે છે. ઉદારીકરણ વખતે જીડીપીના ૫૦% જેટલું હતું, ૨૦૦૪માં એ વધીને ૬૨% જેટલું થયેલું, ૨૦૧૪માં એ ઘટીને ૪૯%એ આવેલું. અને અત્યારે અનુમાન છે ૮૪% ! આથીં વધુ જાપાન, ચીન કે અમેરિકાનું છે પણ એમની ઈકોનોમી ને માથાદીઠ આવક સાચે જ મજબૂત છે. કરકસર તો સરકારી ખર્ચ ને પગારોમાં કરવાની પહેલી જરૂર છે. પણ હવે તો અભ્યાસ માટે ડેટા કેટલો સાચો મળે એમાં પણ શંકા છે. આંકડાની હેરાફેરીની શંકામાં દુનિયા આપણા રિપોર્ટ્સ પર ભરોસો ઓછો મુકે છે.
આપણે અહીં સીનસપાટા કરવા માટે હજુ ઈકોનોમી એટલી સોલિડ કર્યા વિના ઈમેજ બિલ્ડિંગ ફોરેનમાં કરવા ગયા. નયા ભારતના નામે વિકસિત ભારત બનતા બનતા બુલી જેવી છાપ ઉભી કરી. હજુ હમણાં બતાવ્યું એમ આપણી એ કેપેસિટી નથી થઇ. પેટ્રોલ ડીઝલ વગર માત્ર વાહનો નહિ, ઉદ્યોગોથી ઊર્જા બધંહ ભારતમાં થંભી જાય ! આપણે ૯૦% પેટ્રોલ ને ગેસ બહારથી લઈએ છીએ એમાં પણ ઇસ્લામિક દેશો છે. આપણે એના વિના વિકાસ તો શું શ્વાસ પણ લઇ શકીએ એમ નથી શાંતિનો. અભિમન્યુ તો છ કોઠા શીખીને સાતમાં વગર યુદ્ધમાં ગયેલો. આપણે બે ત્રણ કોઠામાં જ મહારથી જેવા મિજાજમાં જગત સામે આવ્યા. આ યુદ્ધ અગાઉ પણ આમ જ પર્સનલ ઈગો કલેશમાં અમેરિકા સાથે ટકરાવાનું થયું એ લાંબી વાત છે, પણ એ બેલેન્સ કરવા રશિયા જે ભારતને પ્રમાણમાં સસ્તું ઓઈલ આપતું હતું, એની સાથે બગાડવાનું થયું. એ સુધારવા જતા અમેરિકન પ્રમુખની કમાન છટકી. આપણા ઓઈલ નહિ ઓવરઓલ એક્સપોર્ટ માર્કેટની બે મોટી બજાર છે, ઈસાઈ અમેરિકા અને મુસ્લિમ યુએઈ. બેઉ ઈરાન જોડે યુધ્ધમાં છે.
ઈરાન આપણી જોડે જુનો વહેવાર સામેથી રાખતું હતું. ૨૦૦૮માં ડોલરને બદલે રૂપિયામાં અમેરિકાના પ્રતિબંધ છતાં ઈરાને ઓઈલ આપણને આપેલું, એ રોમાંચક સ્ટોરી છે. ઈરાન સસ્તા ભાવે ઓઈલ આપતું હતું. ચાબહાર બંદર અને ફરઝાદ બી ડેવલપ કરવા ભારત પર ભરોસો મૂકતું હતું. પણ આપણે શસ્ત્ર આપતા ઇઝરાયેલ સાથે હોવાનું જાહેર એલાન કર્યું ને શરૂઆતમાં ઔપચારિક શોક પણ ના બતાવ્યો પછી એ દરવાજો પણ અંગત સંબંધમાંથી વેપારી વહેવારમાં ફેરવાઈ ગયો હોય એવું લાગે છે. જો કે જગતનો વહેવાર લાગણી પર નહિ, પરસ્પરના ફાયદા પર ચાલે છે, પણ મોટો સવાલ એ છે કે કામચલાઉ થીગડાં સિવાય કોવિડ પછી એવા ને એવા આપણે રહ્યા. જનતા આર્થિક આબોહવા ટાઈટ છતાં ચેન ના લૂંટાય ત્યાં સુધી યુદ્ધ એ જ કલ્યાણના સનાતન ઘેનમાં છે !
ફાસ્ટ ફોરવર્ડ
અમેરિકામાં અર્થશાસ્ત્રના ડોક્ટરેટ કક્ષાના નિષ્ણાત થઈને જે.સી.કુમારપ્પા પાછા ભારત આવ્યા ત્યારે ગાંધીજીને મળવા ગયા. ગાંધીજી એમની કુટિર બહાર ખાદીની પોતડીમાં બેસી જાતે રસોઈ માટેના ઘઉંમાંથી કાંકરા વીણતા હતા. કુમાંર્પ્પાએ કહ્યું કે 'બાપુ, ભારતની આર્થિક પ્રગતિ માટે મારે આપની સાથે જોડાઈને યોગદાન દેવું છે' ગાંધીજીએ હસીને કાંકરાવાળા ઘઉંની થાળી પકડાવીને કહ્યું' આ દેશનું અત્યારે આ જ અર્થશાસ્ત્ર સમજવાનું છે. બે ટંકની રોટી માટે રોતીટળવળતી પ્રજાનું !'


