Get The App

મોટિવેશન સોડા વોટરના ફીણ જેવું, શિસ્ત જ શિખર પર લઇ જાય છે

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
મોટિવેશન સોડા વોટરના ફીણ જેવું, શિસ્ત જ શિખર પર લઇ જાય છે 1 - image

- રોજ઼ વિડીયો પર નવા ગુરુ, નવા મોટિવેશનલ પોડકાસ્ટ અને પ્રેરણાદાયી પોસ્ટની ફોરવર્ડનો અતિરેક છતાંય આપણામાં બદલાવ કેમ નથી આવતો?

- હોરાઈઝન-ભવેન કચ્છી

- શિસ્તબદ્ધ જીવન કેદ નથી પણ સુખ માણવાની આઝાદી છે : જો તમે સ્વાસ્થ્યની શિસ્ત (કસરત) રાખશો, તો જ તમે બીમારી વગર ફરવાની મજા માણી શકશો

- સેન્ચુરી ફટકારવી (મોટિવેશન) અને  દરરોજ 500 બોલની નેટ પ્રેક્ટિસ કરવી (શિસ્ત)

આ ધુનિક યુગમાં આપણે 'મોટિવેશન'ના ગુલામ બની ગયા છીએ. યુટયુબના વિડીયો કે પ્રેરણાદાયી સ્પીચ સાંભળીને 'કર લો દુનિયા મુઠ્ઠી મે' જેવા જે ઉછાળા આવે છે  તે વાસ્તવમાં સોડાની બોટલના ફીણ જેવો હોય છે 'જે ક્ષણભરમાં શમી જાય છે.પણ શિસ્ત જ ધ્યેય તરફ લઇ જાય છે.

ભારત તરફથી રમી ચૂકેલ ૩૬ વર્ષીય  ફાસ્ટ બોલર ભુવનેશ્વર  કુમાર આઈ. પી.એલ.ની અત્યાર સુધીની આ  સીઝનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે ૨૩ રનમાં ચાર વિકેટ ઝડપી વિજયી દેખાવ કરવા બદલ ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અપાયો ત્યારે તેને  એક દાયકાથી પણ વધુ સમયથી આટલી ફીટનેસ સાથે વેધક  બોલિંગ કઈ રીતે  ફેંકી શકે છે તે  અંગે પૂછાયું તો  તેણે ખૂબ જ વિચારપ્રેરક કોમેન્ટ કરી જેની પ્રેરણા આપણે સૌએ લેવા જેવી છે. 

ભુવનેશ્વર કુમારે કહ્યું કે 'મોટીવેશન એ બહુ જ ઓવર રેટેડ શબ્દ છે. ખરેખર તો કોઈપણ ક્ષેત્રની સફળ વ્યક્તિનું  રહસ્ય શિસ્ત છે. હું વર્ષોથી એટલું જાણું છું કે મારે રોજ઼ ફીટનેસ  અને બોલિંગ પ્રેક્ટિસ માટે સમય ફાળવવાનો છે તો જ હું વર્ષો સુધી મેદાન પર ઝળકી ઉઠીશ.' 

ભુવનેશ્વર કુમારનું  'મોટિવેશન ઓવરરેટેડ છે' તે વિધાન એ આજના પાયા વગરના આશાવાદ પરનો સચોટ પ્રહાર છે. સફળતા કોઈ ચમત્કાર નથી, પણ એક કંટાળાજનક, એકધારી અને શિસ્તબદ્ધ પ્રક્રિયાનું અંતિમ પરિણામ છે.

રોનાલ્ડો જોડે લંચ 

ફૂટબોલ લેજેન્ડ રોનાલ્ડોના ટેલેન્ટ વિશે દુનિયા વાત કરે છે, પણ તેના સાથી ખેલાડીઓ તેની શિસ્તથી ડરે છે. માન્ચેસ્ટર યુનાઈટેડના પૂર્વ ખેલાડી પેટ્રિસ એવરાનો એક કિસ્સો જાણીતો છે. એવરા કહે છે, 'જો રોનાલ્ડો તમને બપોરના જમવા માટે ઘરે બોલાવે, તો ના પાડી દેજો!'

એકવાર રોનાલ્ડોએ એવરાને લંચ પર બોલાવ્યો. ટેબલ પર માત્ર સાદું સલાડ, બાફેલું ચિકન અને પાણી હતું. જમવાનું પૂરું થતા જ રોનાલ્ડો ઉભો થઈ ગયો અને બોલ ડ્રિબલ કરવા લાગ્યો. તેણે એવરાને પણ સાથે પ્રેક્ટિસ કરવા દબાણ કર્યું. રોનાલ્ડો માટે 'મોટિવેશન' એ હતું જ નહીં કે આજે વર્લ્ડ કપ જીતવો છે, તેના માટે શિસ્ત એ હતી કે ભલે ગમે તેટલી સફળતા કે નિષ્ફળતા મળે, ડાયેટ અને ટ્રેનિંગમાં એક સેકન્ડ કે એક ગ્રામની પણ બાંધછોડ નહીં.

666 ટ્રેનિંગ 

બાસ્કેટબોલના લેજન્ડ કોબી બ્રાયન્ટની '૬૬૬ ટ્રેનિંગ' જગવિખ્યાત છે. તે સીઝન દરમિયાન સતત ૬ મહિના, અઠવાડિયાના ૬ દિવસ અને દિવસના ૬ કલાક ટ્રેનિંગ કરતા. સવારે ૪ વાગ્યે તે કોર્ટ પર પહોંચી જતા. જ્યારે અન્ય ખેલાડીઓ સવારે ૮ વાગ્યે પ્રેક્ટિસ શરૂ કરે, ત્યારે કોબીના બે સેશન પૂરા થઈ ગયા હોય.

કોબીએ એકવાર કહ્યું હતું, 'જ્યારે તમે શિસ્તબદ્ધ હોવ છો, ત્યારે તમે તમારા મૂડના ગુલામ નથી હોતા.' મોટિવેશન એ છે કે તમને રમવાનું મન થાય ત્યારે તમે રમો, પણ ડિસિપ્લિન એ છે કે જ્યારે શરીર તૂટતું હોય, ઊંઘ આવતી હોય અને રમવાની ઈચ્છા શૂન્ય હોય, ત્યારે પણ તમે કોર્ટ પર હોવ.

લેબોરેટરી શિસ્ત 

બલ્બની શોધ કરનાર એડિસન વિશે આપણે જાણીએ છીએ, પણ તેમની 'લેબોરેટરી ડિસિપ્લિન' વિશે ઓછું બોલાય છે. તેમણે જ્યારે ૧૦,૦૦૦ વખત નિષ્ફળતા મેળવી, ત્યારે તે 'મોટિવેટેડ' નહોતા, પણ 'કન્સિસ્ટન્ટ' હતા. તેમણે એક સિસ્ટમ બનાવી હતી કે દરરોજ આટલા પ્રયોગો તો કરવા જ. શિસ્તનો અર્થ જ એ છે કે પરિણામ ગમે તે આવે, પ્રક્રિયા અટકવી જોઈએ નહીં.

મુરાકામીનો મંત્ર 

વિશ્વના શ્રેષ્ઠ લેખકોમાં જેની ગણના થાય છે તે મુરાકામી દરરોજ સવારે ૪ વાગ્યે ઉઠે છે, ૫-૬ કલાક લખે છે અને પછી ૧૦ કિલોમીટર ચાલવા  જાય છે. તે કહે છે કે 'લેખન એ માત્ર બૌદ્ધિક કામ નથી, તે શારીરિક શિસ્ત છે.' ઘણા લેખકો 'રાઈટર્સ બ્લોક' (લખવાનો મૂડ ન હોવો)ની ફરિયાદ કરે છે, પણ મુરાકામી કહે છે કે જો તમે શિસ્તબદ્ધ હોવ તો મૂડ તમારી રાહ જોશે, તમારે મૂડની રાહ જોવાની જરૂર નથી.

પરિણામ આપણા હાથમાં નથી.  (આ મોટિવેશનનો વિષય છે). પ્રયત્ન આપણા હાથમાં છે (આ શિસ્તનો વિષય છે).

ભુવનેશ્વર કુમાર જ્યારે કહે છે કે 'શિસ્ત, સાતત્યતા (કન્ઝીસ્ટન્સી) જ ધ્યેય છે' ત્યારે તે અજાણતા જ અનોખી  ફિલોસોફીનો પડઘો પાડે છે. જો તમે માત્ર જીતવા માટે મોટિવેટેડ હશો, તો હાર મળતા જ તમે ભાંગી પડશો. પણ જો તમે શિસ્તબદ્ધ હશો, તો હાર પણ તમારી પ્રક્રિયાનો જ એક ભાગ બની રહેશે.

જેમ્સ ક્લિયરની અદભૂત  વાત 

'Atomic Habits' ના લેખક જેમ્સ ક્લિયરના આ વિષય પરના  વિચારો અદ્ભુત છે.તે કહે છે કે, 'તમે તમારા લક્ષ્યોના સ્તર સુધી નથી પહોંચતા, તમે તમારી સિસ્ટમના સ્તર સુધી નીચે પડો છો. બીજી રીતે સમજીએ તો  લક્ષ્ય (Goal) : સેન્ચુરી ફટકારવી (મોટિવેશન)  અને  સિસ્ટમ (System) : દરરોજ ૫૦૦ બોલની નેટ પ્રેક્ટિસ કરવી (શિસ્ત).

જ્યારે મોટિવેશન ગાયબ થઈ જાય છે, ત્યારે આ 'સિસ્ટમ' જ તમને પકડી રાખે છે.

એક શિષ્યએ તેના જેન માસ્ટરને પૂછયું, 'ગુરુજી, જ્ઞાન મેળવ્યા પછી જીવનમાં શું બદલાવ આવે?'

માસ્ટરે કહ્યું, 'જ્ઞાન મેળવતા પહેલા હું લાકડા કાપતો અને કૂવામાંથી પાણી ભરતો. જ્ઞાન મળ્યા પછી પણ હું લાકડા કાપું છું અને કૂવામાંથી પાણી ભરું છું.'

આનો અર્થ એ છે કે સફળતા કે જ્ઞાન મળ્યા પછી પણ 'કંટાળાજનક' શિસ્ત જાળવી રાખવી એ જ સાચી સિદ્ધિ છે. 

શિસ્ત એટલે સ્વતંત્રતા 

માલ્કમ ગ્લેડવેલે કહ્યું છે કે કોઈપણ ક્ષેત્રના નિષ્ણાતને જુઓ ત્યારે મનોમન એટલું વિચારજો કે તેણે મોટીવેશનથી  નહીં પણ  ૧૦,૦૦૦ કલાક શિસ્તબદ્ધ કામ કે પ્રેક્ટિસ કરીને મુકામ પામ્યો હશે.

હવે સવાલ એ થાય કે શિસ્તને લીધે જીવન કંટાળાજનક કે કેદ જેવું ન થઈ જાય? તો જાણી લો કે શિસ્ત એટલે સ્વતંત્રતા. તમને લાગશે કે આ તો વિરોધાભાસ છે. તો જરા જુદી રીતે સમજીએ. 

જો તમે નાણાકીય શિસ્ત રાખશો, તો જ તમે આર્થિક રીતે સ્વતંત્ર થઈને જીવન માણી શકશો.

જો તમે સ્વાસ્થ્યની શિસ્ત (કસરત) રાખશો, તો જ તમે બીમારી વગર ફરવાની મજા માણી શકશો.

જ્ઞાન પોસ્ટ

શિસ્ત હોય પણ સંસ્કાર ન હોય તે ન ચાલે. જીવન એ સિતારના બે તાર જેવું હોવું જોઈએ. એક તાર શિસ્તનો છે અને બીજો સંસ્કારનો. જો બંને યોગ્ય રીતે ખેંચાયેલા હશે, તો જ જીવનનું સંગીત મધુર વાગશે. શિસ્ત વગરનું જીવન અસ્તવ્યસ્ત છે અને સંસ્કાર વગરનું જીવન શુષ્ક છે. માટે, શિસ્તને 'સાધન' બનાવો અને સંસ્કારને 'સાધ્ય'.?આવું કઈંક પણ વાંચ્યું હતું કે 'સંસ્કાર એ તો આત્માની સુગંધ છે,શિસ્ત એ તો માત્ર કાયાનો પ્રબંધ છે.' 

મોટિવેશન વરસાદ જેવું છે - આવે અને જાય.

શિસ્ત સૂર્ય જેવી  છે - દરરોજ સમયસર ઉગે છે.

તે પણ યાદ રાખો કે શિસ્તને માત્ર કારકિર્દીની સફળતાની રીતે જ મહત્વ ન આપતા.જે  પરિવારમાં ઘરનો પુરુષ કે મહિલા સભ્ય શિસ્ત સાથે રોજ઼ વહેલી  સવારે ઉઠી મોડી  રાત્રી સુધી બધાની જરૂરિયાત પુરી કરે છે, સમય સાચવે છે તે જ પરિવાર સુખી હશે. છતા પૈસે  દરિદ્રતા જેવું વાતાવરણ ઘરમાં અડ્ડો ન જમાવી દે તે માટે આવી શિસ્ત અને સંસ્કાર ધરાવતી વ્યક્તિ  પરિવારમાં  પાયારૂપ ભૂમિકા ભજવતી  હોય છે.