Get The App

સામ્રાજ્યવાદી ડોનાલ્ડ ટ્રમ્પ હવે ક્યુબાનો વારો કાઢશે

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
સામ્રાજ્યવાદી ડોનાલ્ડ ટ્રમ્પ હવે ક્યુબાનો વારો કાઢશે 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ક્યુબાના સર્વસામાન્ય નાગરિકો જૂનાં, તૂટા-ફૂટયા  ઘરમાં રહે છે. ભાગ્યે જ કોઈના એકમાળી મકાન દેખાય છે પણ એય જર્જરીત  હાલતમાં...

મા ણસ ગંધાય માણસ  ખાઉ..... બસ કંઈક  આ જ રીતે અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આસપાસના નાના, નબળા, આર્થિક પછાત દેશો પર કબ્જો  જમાવવાની ફિરાકમાં છે. ડેન્માર્કના સ્વાયત્ત પ્રદેશ  ગ્રીનલેન્ડ, કેનેડા, વેનેઝુએલા, ઈરાન અને પછી ક્યુબા .... આ  દેશો પર ચઢી બેસવા ટ્રમ્પ આકુળ વ્યાકુળ  થઈ ગયા છે.

ઈરાન સામેના જંગમાં બરાબર સપડાયા પછી હવે  શાંતિમંત્રણાના ઓથા હેઠળ ટ્રમ્પ પીછેહઠ કરવા તૈયાર થયા છે.  પરંતુ તેમની  હિલચાલ કંઈક એવી  છે કે હવે તેઓ  ક્યુબાનો વારો કાઢશે.

ડોનાલ્ડ ટ્રમ્પ એવી હુલ માર્યા કરે છે કે ઈરાન સામેના જંગમાંથી અમે નવરા પડીએ એટલે ક્યુબાને કબ્જે કરીશું. તેમણે એટલે સુધી બડાઈ મારી કે અમે માત્ર યુએસએસ અબ્રાહમ લિંકન વિમાન વાહક જહાજને ક્યુબા નજીક મોકલીશું એટલે ક્યુબા ડરીને અમારે શરણે આવી જશે.

ગયા મહિને ક્યુબાના પ્રમુખ મિગ્યુલ ડાયઝ કેનલે ટ્રમ્પ દ્વારા વારંવાર  ઉચ્ચારાતી  ધમકીનો કડક શબ્દોમાં  જવાબ આપતાં  કહ્યું  કે 'અમે તૈયાર છે' અમેરિકા  હુમલો કરશે તો અમે પૂરી તાકાતથી  લડી લઈશું. 

પ્રમુખે આ શબ્દો  હવાના ખાતે યોજાયેલી   રેલીમાં ઉચ્ચારતા કહ્યું  કે અમે જંગ નથી  ઈચ્છતા.  પરંતુ અમારી  ફરજ છે કે કોઈપણ દબાણને  તાબે નહીં થઈએ.

મહિના પૂર્વે તરંગી મિજાજના ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ક્યુબાની સરકાર અમારી સાથે મંત્રણા કરી રહી છે. તેમની પાસે અત્યારે પૈસા નથી, ખાવા માટે અનાજ નથી કે અન્ય કોઈ સુવિધા નથી. તેઓ ભારે મુશ્કેલીમાં છે. મને લાગે છે કે અમે કદાચ ક્યુબાનું 'ફ્રેન્ડલી ટેકઓવર' કરી લઈશું. 

જોવાની વાત એ છે કે ટ્રમ્પના આ બફાટ સામે રોષ ઠાલવવાને બદલે ક્યુબાના ઉપ-વિદેશ મંત્રી કાર્લોસ ફર્નાન્ડિઝ કોસિયોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકાએ ગયા જાન્યુઆરીમાં વેનેઝુએલાના માદુરોની ધરપકડ બાદ ક્યુબા સામે ઇંધણ પ્રતિબંધ કડક રીતે લાગુ કર્યા છે. તેનો સીધો પ્રભાવ ક્યુબાની સામાન્ય જનતા પર પડી રહ્યો છે. જો ટ્રમ્પનો આ 'ફ્રેન્ડલી ટેકઓવર'નો દાવ સફળ રહેશે, તો તે દાયકાઓ જૂની દુશ્મનાવટના અંતની શરૂઆત હોઈ શકે છે. તેમના આવા મંતવ્યનો રાજકીય વિશ્લેષકોએ એવું અર્થઘટન કર્યું હતું કે ક્યુબાની સર્વોચ્ચ નેતાગીરી હવે પાણીમાં બેસવાની તૈયારીમાં છે.

કયુબાની ભૂગોળ પણ નિરાળી છે. અમેરિકાની નજીક એટલાન્ટિક  સાગરમાં આવેલા કેરિબિયન આઈલેન્ડમાં ક્યુબા સૌથી મોટો ટાપુ પ્રદેશ છે. અમેરિકાના ફ્લોરીડાની દક્ષિણે  સ્થિત ક્યુબાની  રાજધાની હવાના છે. અહીંની કુલ વસતિ એક કરોડ દસ લાખની છે. પોતાને સોશ્યિલીસ્ટ રિપબ્લીક ગણાવતા ક્યુબા નામ પ્રમાણે સમાજવાદી  વિચારધારાને વરેલો દેશ છે.  સ્પેનિશ એ ક્યુબાની મુખ્ય ભાષા છે.

સામ્યવાદી દેશ હોવાને નાતે ક્યુબામાં કોમ્યુનિસ્ટ   પાર્ટી એકમાત્ર કાયદેસરનો રાજકીય પક્ષ છે.  દેશના શાસન પર પક્ષનો સંપૂર્ણ અંકુશ છે.

સાકર અને તમાકુ અહીંની મુખ્ય ઉપજ છે. આ સિવાય  ટુરિઝમ પણ ક્યુબાના અર્થતંત્રને સારો એવો ટેકો આપે છે.  દેશ ગરીબ હોવા છતાં તેને ખૂબ જ સુંદર સમુદ્રી કિનારા સાંપડયા છે. આખો દેશ ૪૨,૮૦૨ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. વર્તમાન પ્રમુખ  મિગ્યુલ ડાયઝે  કાસ્ટ્રો પરિવાર પાસેથી સત્તાનો વારસો મેળવ્યો છે.

ક્યુબાના સર્વસામાન્ય નાગરિકો જૂનાં, તૂટા-ફૂટયા  ઘરમાં રહે છે. ભાગ્યે જ કોઈના એકમાળી મકાન દેખાય છે પણ એ ય જર્જરીત  હાલતમાં. અહીં શિક્ષણ અને આરોગ્ય સેવા  તદ્ન મફત છે. પરંતુ  રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજોની અછત છે.  ગામડાંઓમાં તો ઘણાંલોકો સમુહમાં  રાંધે છે અને સાથે જ જમે છે.

ખેર, હાલમાં તો ક્યુબન વાસીઓને માથે કયામત આવી છે.

ટ્રમ્પે એક એક્ઝિકયુટીવ ઓર્ડર પાસ કરીને ક્યુબા પરના પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે. ક્યુબાના ઉર્જા, સંરક્ષણ, ખાણ ખોદકામ તથા ફાયનાન્સ સેક્ટર પર જાતજાતના અંકુશ લાદયા છે. ક્યુબાના જે કોઈ નેતા કે સરકારી-મિલિટરી અફસર  ભ્રષ્ટાચાર કે પ્રજા પર દમન કરતાં હોય તેવા કોઈ પણ શખસને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.

એક પક્ષીય શાસનના ૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ક્યુબા ભારે દબાણ હેઠળ હોય તેવું લાગે છે. યુએસ મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્ર સક્રિયપણે ક્યુબાના રાષ્ટ્રપતિને સત્તા પરથી દૂર કરવા માગે છે.

એક રીતે જોઈએ તો ક્યુબા કટોકટી આ વર્ષની ત્રીજી જાન્યુઆરીએ શરૂ થઈ હતી, જ્યારે અમેરિકાએ ક્યુબાના સાથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી દૂર કર્યા હતા. આ પછી યુનાઇટેડ સ્ટેટ્સે ક્યુબા પર પણ નાકાબંધી લાદી, જેના કારણે દેશનો તેલ પુરવઠો ખોરવાઈ ગયો.

પરિણામે કેટલાક મહિનાથી ઇલેકટ્રિક ગ્રીડ બંધ પડી જતાં સામ્યવાદી દેશ ક્યુબામાં અંધારપટ છવાઇ જતાં લાખો કયુબાવાસીઓ અંધારામાં જીવન જીવવા લાચાર બન્યા છે. કયુબા હાલ ઘટતા જતાં બળતણ પુરવઠા અને પાયમાલ થઇ ગયેલી ઇલેકટ્રિક ગ્રીડને સુધારવા માટે ઝઝુમી રહ્યું છે.

ક્યુબાના પ્રમુખ મિગ્યુએલે કબુલ્યું હતું કે ત્રણ મહિનામાં એકપણ ઓઇલ શિપમેન્ટ આવ્યું નથી. હાલ દેશ સૌર ઉર્જા, કુદરતી વાયુ અને થર્મોઇલેક્ટ્રિક પ્લાન્ટ્સ પર ચાલી રહ્યો છે. વીજ પુરવઠાના અભાવે હોસ્પિટલોમાં કામ બંધ થઇ ગયા હોવાથી સરકારે લાખો લોકોની સર્જરીઓને મુલત્વી રાખવી પડી છે. હવાના સહિત સમગ્ર દેશમાં વીજ પુરવઠો વારંવાર ખંડિત થાય છે.

ક્યુબા ૪૦ ટકા પેટ્રોલિયમ પેદાં કરે છે પણ તેની માંગ માટે તે પૂરતું નથી. ક્યુબાનો એક સામાજિક કાર્યકર કહે છે કે હાલમાં જનતાએ જે હાલાકી ભોગવવી પડે છે તેને કારણે ક્યુબામાં ગમે તે ઘડીએ અંધાધૂંધી ફેલાઇ જશે અને લોકો મોટાપાયે ક્યુબામાંથી હિજરત કરવા મજબૂર બનશે. 

ખરી વાત એ છે કે ટ્રમ્પ તંત્ર ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારને નબળી પાડવા માંગે છે. અમેરિકા ક્યુબામાં લોકશાહી લાવવા માંગે છે, પરંતુ ક્યુબા તેને પોતાનો આંતરિક મામલો માને છે. હવે જો અમેરિકા કોઈ લશ્કરી કાર્યવાહી કરે તો આખા લેટિન અમેરિકામાં તનાવ સર્જાઈ શકે છે.

ક્યુબા સાથેનો અમેરિકાનો વિરોધ કંઈ આજકાલનો નથી. અમેરિકનોએ છેલ્લા કેટલાક દાયકાથી અહીં કાષ્ટ્રોના શાસનને ઉથલાવવા કે એમને મોતને ઘાટ ઉતારીને પોતાના કોઈ પાળીતાને શાસક તરીકે બેસાડવાનો મનસૂબો સેવ્યો છે, છતાં એના સઘળા પ્રયાસો નાકામયાબ રહ્યા છે. કાસ્ટ્રોએ મહાસત્તા અમેરિકાની સમર્થક બટિસ્ટા સરકારને ક્યુબામાંથી ૧૯૫૯માં ઉખાડી ફેંકી હતી. અને અમેરિકા જોતુ રહી ગયું હતું. ત્યારબાદ ક્યુબાની સત્તા કાસ્ટ્રોએ પોતાના હાથમાં લીધી અને ૫૦ વર્ષ સુધી સામ્યવાદી સરકારના પ્રમુખ રહ્યા. દરમિયાન અમેરિકામાં ૧૪  રાષ્ટ્રપતિ આવ્યા અને ગયા છતા કાસ્ટ્રોને સત્તા પરથી હટાવી ન શક્યા. જ્યાં સુધી કાસ્ટ્રો સત્તા પર રહ્યા ત્યાં સુધી અમેરિકાના રાષ્ટ્રપતિઓ ક્યુબાની મુલાકાત કરવાનું પણ ટાળતા રહ્યા. 

જ્યારે બટિસ્ટાનું ક્યુબામાં શાસન હતું ત્યારે મુડીવાદને કારણે દેશમાં દેહ વ્યાપાર, ગરીબી, સંગઠીત ગુનાખોરી, ડ્રગ તસ્કરી વગેરેએ માજા મુકી હતી. અને આ બધુ અમેરિકાની રહેમ નજરે થઇ રહ્યું હતું. કાસ્ટ્રોએ સત્તા પોતાના હાથમાં લીધા બાદ સૌપ્રથમ સરકારે જપ્ત કરેલી જમીનનું રાષ્ટ્રીયકરણ કરી ગરીબોને જમીન આપી દીધી હતી. ગરીબોના અધિકારોનું રક્ષણ કર્યું હતું. 

જોકે કાસ્ટ્રોના શાસનમાં એક જ પાર્ટીએ સત્તા સંભાળી રાખી. કાસ્ટ્રોના શાસનમાં બાદમાં મજુરોનું શોષણ પણ થવા લાગ્યું હતું અને લોકશાહી જેવું કંઇ ક્યુબામાં રહ્યું ન હતું. તેમ છતા કાસ્ટ્રોને બટિસ્ટાના જુલમકારક અને અમેરિકી સમર્થક શાસનમાંથી મુક્ત કરાવવા બદલ એક મહાન ક્રાંતિકારી તરીકે ઓળખવામાં આવતા.

પણ રસપ્રદ વાત એ છે કે લગભગ અડધી સદીથી સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી (સીઆઈએ) અને ક્યુબામાંથી દેશનિકાલ પામેલા લોકોએ ફિડેલ કાસ્ટ્રોને મારી નાખવાના સતત પ્રયત્નો કર્યા  હતા.  પરંતુ કોઈ સફળ  થયાં નથી પણ એમાંના ઘણા આયોજન તો એવા કલ્પનાતીત હતાં કે જેમ્સબોન્ડની ફિલ્મ બનાવનારાઓ પણ તે સ્વીકારે નહીં.

મર્યા ત્યાં સુધી અમેરિકાની સામે ન ઝુકનારા કાસ્ટ્રોની હત્યાનો અમેરિકાએ  આ રીતે  અનેક વખત પ્રયાસ કર્યો હતો.

ક્યુબા અને તેના પ્રમુખ  જાગતિક - રાજકારણમાં હમેશાં ચર્ચાનો વિષય બનતા આવ્યા છે. અમેરિકા જેવા વિશાળ અને અતિ ધનવાન રાષ્ટ્ર સામે ખોબા જેવડા ક્યુબા દેશે સતત ઘર્ષણમાં ઊતરતા રહીને પણ પોતાની અલગ છાપ જાળવી રાખી છે. મહાસત્તાઓની સેહમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે રાજ ચલાવવા ઇચ્છતાં જગતના સૌથી મોટાં લોકશાહી દેશ ભારતે આ દ્રષ્ટિએ ક્યુબા અને તેના સત્તાધીશો પાસેથી ઘણું શીખવાનું છે.

કાસ્ટ્રોનું અસ્તિત્વ અમેરિકાના શાસકોને આંખમાં કણાની જેમ ખુંચતુ. સામી બાજુએ કાસ્ટ્રોએ પણ અમેરિકાને સામ્રાજ્યવાદી તરીકે ભાંડીને લેટિન અમેરિકન દેશોને સતત અમેરિકા વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ રાખ્યું હતું. ઘરઆંગણે કાસ્ટ્રોની સામ્યવાદી સરકાર સામે પાંચ લાખ નાગરિકો પોતાની અલગ ચળવળ ચલાવતા હતા. અમેરિકાની મદદ લઈને ફ્લોરિડા ખાતે રહીને આ બળવાખોરો કાસ્ટ્રો અને તેના અનુગામી સત્તાધીશો સામે લડતા રહ્યા છે.

પ્રજાને સુખી કરવા, લોકોનું જીવનધોરણ સુધારવા કાસ્ટ્રોએ તેમના પોતાના વિચારો જડસુ હોવા છતાં ચૂસ્ત રીતે તેનો અમલ કર્યો હતો. ખાંડનું ઉત્પાદન વધારવા તેમણે લોકોને ડિસેમ્બરમાં નાતાલ ઉજવવાને બદલે જુલાઈ મહિનામાં નાતાલ ઉજવવાની ફરજ પાડી હતી! આમ છતાં લોકો તેમને લોખંડી સુપરસ્ટાર ગણતા. નિકારાગુઆ, એલ સાલ્વાડોર, ગ્રેનાડા અને બીજા લેટિન અમેરિકન દેશો અને આફ્રિકન દેશોમાં પોતાના સૈનિકો મોકલીને અમેરિકાની ઘૂસણખોરી સામે લડવામાં તેમને મદદ કરતા હતા. તેમણે હવાનામાં આઈઝલ ઓફ યુથ તરીકે ઓળખાતી એક યુનિવર્સિટી ખોલી હતી. જેમાં આફ્રિકા, એશિયા અને આરબ દેશોના યુવકો ભણવા માટે આજેય આવે છે.

કાસ્ટ્રોએ પ્રજા વિદ્રોહ ન કરે તેમજ તેમની લાગણીને વિરોધીઓ વધુ પડતી ઉશ્કેરે નહીં માટે 

પ્રેસ સેન્સરશીપ ચાલુ રાખી હતી. થોડાં સમય પૂર્વે ફીડલ કાસ્ટ્રોના સૈનિકો જુલમ ગુજારે તે પૂર્વે જાન બસાવીને નાસી છૂટેલા હજારો ક્યુબન નાગરિકોએ ફ્લોરિડાના અખાતમાં બોટમાંથી કુદકો મારીને જળસમાધિ લીધી હતી. ૧૯૮૯માં ખુદ લશ્કરના સેનાપતિએ બળવો પોકારવાનો પ્રયાસ કર્યો ત્યારે કાસ્ટ્રોએ તેની પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ મૂકી તેમને ફાંસીની સજા ફરમાવી હતી. 

૧૯૬૨ ના ઓક્ટોબરની ૨૬ મીએ તે સમયમાં નીકિતા ખુશ્ચોવનાં નેતૃત્વ નીચેના સોવિયેત સંઘે ક્યુબામાં મિસાઈલ ગોઠવ્યા હતા. અમેરિકાએ તેનો જબ્બર વિરોધ કર્યો હતો. છતાં ક્યુબાના નેતાઓ ટસના મસ ના થયા. છેવટે તે સમયના અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીએ ક્યુબાના પ્રમુખ કાસ્ટ્રોને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું હતું. એ સાથે જ અમેરિકાના ક્યુબા સાથેના સંબંધ વણસ્યા હતા.

આ પૂર્વે ૧૯૬૧માં બે ઓફ પિગ્સ પર અમેરિકાના  પીઠબળથી  બળવાખોરોની  ટુકડીઓએ ચઢાઈ કરી હતી.   કાસ્ટ્રોએ  આ ટાપુ પ્રદેશ પર કબ્જો લઈને ક્યુબા સ્થિત અમેરિકન  પ્રોપર્ટી અને બિઝનેસ ટેકઓવર કરવા માંડયો ત્યારથી  બેઉ દેશો વચ્ચે વેરઝેરના બીજ રોપાયા છે. કેસ્ટ્રો વિરોધી કેટલાંક ક્યુબાના નાગરિકો મિયામી (અમેરિકા)માં શરણ લઈને રહે છે. સીઆઈએની  તાલીમ અને નાણાં ભંડોળ તેમ જ શસ્ત્રો મેળવીને  આ બંડખોરોએ બેઓફપીગ્સ પર હુમલો કર્યા હતા.  જે હવાનાની દક્ષિણે ૨૫૦ કિ.મી. દૂર આવેલા ટાપુ છે.  આ સશસ્ત્ર સંઘર્ષમાં શિકસ્ત પામ્યા પછી અમેરિકાનો અહંમ ઘવાયો.

 તાજેતરમાં ક્યુબન સરકારને ડરાવવા યુએસ નેવી થોડા થોડા સમયે અદ્યતન સર્વેલન્સ ડ્રોન એમક્યુ-૪સી ટાઇટન ક્યુબાના તટપ્રદેશ પર ઉડાવે છે. એરિયલ ફોટોગ્રાફી કરે છે. ક્યુબાએ આ પહેલા ક્યારેય કોઈ ડ્રોનને પોતાના પ્રદેશ પર આટલી નજીકથી ઉડતા નથી જોયા.

અમુક મિલિટરી નિષ્ણાતો એવું માને છે કે અમેરિકાએ વેનેઝુએલાનો કબ્જો લીધો એ પૂર્વે દિવસો સુધી આવા જ ડ્રોન દ્વારા સર્વે કર્યા હતા. આ રીતે પૂરતી માહિતી એકત્ર કર્યાના ત્રણ મહિના બાદ અમેરિકન નેવીની કમાન્ડોએ કારાકસ પર ત્રાટકી પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી.

બેઉ દેશોની લશ્કરી તાકાતની સરખામણી કરતાં કહી શકાય કે અમેરિકા ધારે ત્યારે ક્યુબાનો કબ્જો લઈ શકે છે. કારણ કે ક્યુબા પાસે માત્ર નામનું લશ્કર છે. શસ્ત્રસરંજામની બાબતમાં પણ સાવ કંગાળ છે.

ક્યુબન રિવોલ્યુશનરી આર્મ્ડ ફોસસમાં આશરે ૫૦,૦૦૦ જવાનો છે, ઉપરાંત ૩૯,૦૦૦ થી ૧૩૦,૦૦૦ તૈયાર રિઝવસ્ટ્સ અને ૧૦ લાખથી વધુ સભ્યોનું વિશાળ અર્ધલશ્કરી દળ છે. સેના મુખ્યત્વે જૂના સોવિયેત યુગના સાધનોથી સજ્જ છે અને પિપલ્સ વૉરના રક્ષણાત્મક સિદ્ધાંત પર આધાર રાખીને ફરજ બજાવે છે પરંતુ તાલીમ અને વાહનોના બળતણમાં ટંચાઈનો સામનો કરે છે. આંતરિક સંરક્ષણ અને ગતિશીલતા માટે અર્ધલશ્કરી દળ રચાયેલ છે. પરંતુ બટાલિયન સ્તરથી વધુ બળ એકત્ર કરી હુમલાખોર સામે લડવાની ખૂબ મર્યાદિત ક્ષમતા છે. દેશના કાયદા મુજબ જરૂર જણાય તો તમામ નાગરિકોને યુધ્ધમાં ફરજિયાત જોતરી શકાય તેવી વ્યવસ્થા છે. 

બહુ ઓછા શબ્દોમાં કહેવું હોય તો કયુબાની સંરક્ષણશક્તિ ખૂબ જ નબળી છે, અમેરિકાની વિરાટ સૈન્ય તાકાત સામે કયુબા એક નાના મચ્છર જેવું સાબિત થાય. એટલે આ ટચુકડા ટાપું દેશનો કબ્જો લઈ લેવો અમેરિકા માટે ખૂબ આસાન છે.

ટૂંકમાં એટલું કહી શકાય કે આજે ક્યુબામાં જે કંઈ સારું છે તે ફક્ત ત્યાંની શ્રેષ્ઠ આરોગ્ય સેવા, સાક્ષરતાના ઊંચા દર, બાળકોમાં સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા લેવાતી તકેદારી વગેરે બાબતે ક્યુબાનો દાખલો અનુકરણી છે. પરંતુ તેની સાથે બેરોજગારી, ગુનાખોરી, ભ્રષ્ટાચાર, વેશ્યાવૃત્તિ અને સંઘરાખોરીએ માઝા મૂકી છે. સામ્યવાદી શાસકોએ દેશની હાલત સુધારવા પર્યટન માટે વિદેશી સહેલાણીઓને આવવાની છુટ આપી ત્યારથી ક્યુબામાં વેશ્યાવૃત્તિ અને ઈતર ગુનાખોરીને વેગ મળ્યો છે. ટુરિઝમના વિકાસનો લાભ પણ ગણ્યાગાંઠયા મોટા નેતાઓ અને તેમના આડતિયાઓને મળે છે. જ્યારે મોટા ભાગની ક્યુબન પ્રજા દિવસે દિવસે કંગાળ થતી જાય છે. શિક્ષિતોને પણ હવે સામ્યવાદી નેતાઓના  લાંબાલચક, લાગણીસભર અને દેશદાઝવાળા ભાષણોમાં રસ નથી. બ્રેડ, શાકભાજી, ઘરવપરાશની સામાન્ય ચીજો પણ દોહ્યલી બની જાય ત્યારે પ્રજા વિફરે નહીં તો શું થાય?

ક્યુબનવાસીઓ અવઢવમાં છે. હાલનું સામ્યવાદી શાસન સારું કે અમેરિકા કબ્જો જમાવે પછીની હાલત લાભદાયી હશે તેની જ કલ્પનામાં તેઓ રાચ્યા કરતા હશે.