ધરાર સ્વદેશીના નામે બહિષ્કારની ફાંકાફોજદારી કરનારાઓના બહિષ્કારની જરૂર છે!
સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
ભારતની ગ્લોબલ બ્રાન્ડ કઈ જે દરેક દેશમાં ઓળખાઈ જાય મર્સિડીસ કે એપલની જેમ ? આપણે ય તાતાએ જેગુઆર ખરીદી એમ કબજો કરીએ છીએ. પણ રિલાયન્સમાં ય સાઉદી આરમકોને અમેરિકન ફેસબૂકનું ઇન્વેસ્ટમેન્ટ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છેલ્લું ભાષણ લંબાયેલા લોકડાઉનથી થાકેલા ઘણા લોકોને કોરોના બાબતની જાહેરાત સાંભળવા આતુર હોઈને પહેલી વખત લાંબુ લાગ્યું ને લોકો 'રાઉન્ડ રાઉન્ડ મત ઘૂમ વિક્ટર, સેન્ટર કી બાત બોલ' જેવા મુન્નાભાઈબ્રાન્ડ મિમ્સ બનાવવા લાગ્યા એ તો હળવી રમૂજની વાત થઇ. પણ આત્મનિર્ભર ભારત સાંભળતાવેંત જ બે બાબતોમાં ઉછાળો આવ્યો. હેકિંગ એક્સપર્ટ સની વાઘેલાના કહેવા મુજબ આત્મનિર્ભર ભારતનું પેકેજ જાહેર થાય એ પહેલા જ ઇન્ટરનેટ પર 'આવ તારું કરી નાખું'ને રાષ્ટ્રમંત્ર બનાવી બેઠેલા સ્વદેશી ઉસ્તાદોને સરકારી યોજનાઓના નામે ભળતીસળતી આખી સાઈટો મિનિટોમાં લોન્ચ કરી, ભોળા લોકોને ચીતરી એના રૂપિયા પડાવી લેવા માટે.
બીજું, હમણાં કોરોનાકાળમાં સમસમીને ચૂપ બેઠેલા નવરા અંધભક્તોએ તરત જ પરદેશી વોટ્સએપ, ટવીટર, યુટયુબ, ફેસબુક, ટિકટોક વગેરે પર એમના ચાઈનીઝ પુર્જા ધરાવતા મોબાઈલમાંથી રાજીવ દીક્ષિતબ્રાન્ડ સ્વદેશી ગપગોળાની વિદેશી ટેકનોલોજીથી જ બનેલા વિડીયો કે પીડીએફ ફાઈલ કે ગૂગલ યુનિકોડના હિન્દી ગુજરાતી ફોન્ટમાં પોસ્ટ્સનું ઘોડાપૂર શરુ કરી દીધું ! આ એ જનરેશન છે, જે સ્વદેશીની વાતો કરે છે પણ સંસ્કૃતમાં રામાયણ કે મહાભારત વાંચી શકતી નથી ને યવનોએ શોધેલા કેમેરા ને સ્ક્રીનને લીધે બનેલી સિરીયલના ડાયલોગ સાંભળીને 'પ્રેરિત'થઇ જાય છે !
'સ્વદેશી' શબ્દ ભારતમાં પ્રયોગમાં લઇ આવનાર ગાંધીજી દાયકાઓ સુધી વિદેશ રહ્યા અને ભણ્યા હતા. ઉત્તમ અંગ્રેજી લખી બોલી શકતા હતા અને દુનિયાભરમાં દુશ્મનોને પણ પ્રેમ કરવાની કળા સિદ્ધ કરી ચૂકેલા હતા. એટલી હદે કે ભારતીય ઉદ્યોગપતિઓ અને ગોરા અંગ્રેજો એમને વ્યક્તિગત માન આપતા. કારણ કે ગાંધીજીની વાતમાં પોતાની લીટી મોટી કરવાની આત્મનિર્ભરતા હતી, પણ કોઈની લીટી ટૂંકી કરવાની દંભી લુચ્ચાઈભરેલી સંકુચિતતા નહોતી. એમના બહિષ્કારના આંદોલનો ગુલામ ભારતની સંપત્તિ પરદેશ ઘસડાઈ જતી એ શોષણ સામે જનજાગૃતિના હતા. અત્યારે સેંકડો ભારતીયો પરદેશ પહોંચી જાય છે, લાખો વિદ્યાર્થીઓ ભણવા જાય છે ને ત્યાં રહી પડે છે. ત્યાં કમાયેલા કરોડો ડોલરથી દીનાર સુધીનું દાન પોતાના ભારતીય વતનમાં કરે છે. ત્યારે આપણે એન.આર.આઈ.મિત્રોને ના પાડવા નથી જતા કે તમે તમારા દેશમાં કમાયેલા પૈસા રાખો, તમે જ્યાં નથી રહેતા એ દેશમાં ન આપો.ન તો ત્યાની સરકારો એમના પર પ્રતિબંધ મુકે એવી માંગણી કરીએ છીએ. પણ અહીંથી બાકાયદા નિયમો મુજબ સરકારને કહીને કોઈ લઇ જાય તો કાગારોળ મચી જાય ! તારુંમારું સહિયારું ને મારું મારા બાપનું ?
મફતમાં પરદેશી કંપનીઓએ શોધેલા તમામ ઇનોવેશન વાપરવા છે. આપણે પ્રાચીન ભારતના યોગ-રાગ વગેરેથી આગળ છેલ્લા બસ્સો વર્ષમાં જગત હલી ને ડોલી જાય એવું તો કશું શોધ્યું નથી. વાઈરસનું વિજ્ઞાન પણ પશ્ચિમે શોધ્યું, આપણા પુરાતન ગ્રંથોમાં એનો કોઈ ઉલ્લેખ જ નથી. (વિષાણું તો આપણે પાછળથી બેસાડી દીધેલો અનુવાદ છે.બાકી કોઈ પણ સૂક્ષ્મ જંતુને એ લાગુ પડે.) ને કાલ ઉઠીને ઘણી અન્ય દવાઓ ને રસીની માફક કોવિડની રસી પણ પરદેશમાં શોધાશે તો સ્વદેશીના નામે એનો ય બહિષ્કાર કરી મરતા રહેવાનું ?
વારતહેવારે દેખાડાનાદેશભક્તોને, લોકોનાં ટોળા આકર્ષી ભાવિ નેતા બનવા માંગતા થનગનભૂષણ પંચાતિયાઓને અને આ પાણીએ પોતાના મગ ચડાવી નફો રળવા માંગતા વેપારીઓને આ સ્વદેશી નામની નવી ચ્યૂંઇંગ ગમ માફક આવી ગઈ છે. ચ્યૂઈંગ ગમની માફક જ સ્વદેશીના બહારના રંગ, સ્વાદ અને સુગંધ નીચે કંઈક ભળતું જ હોય છે. ગમની જેમ જ મન ફાવે તેમ સ્વદેશીની કલ્પના લાંબી-પહોળી કરી શકાય છે.
હિન્દુસ્તાનમાં ખૂણેખાંચરેથી 'સ્વદેશી'ના સિપહસાલારો અહાલેક જગાવવા નીકળે છે. ગામેગામ ફરવા માટે એ લોકો પાછું પેટ્રોલ વિદેશથી આયાત કરાયેલું જ વાપરે છે ! એમની એપોઇન્ટમેન્ટ લેવા માટે વિદેશી ટેકનોલોજીથી ચાલતા વિદેશી કંપનીના જ મોબાઇલ ફોન પર કોન્ટેક્ટ કરવો પડે છે ! કોઈ વળી 'સ્વદેશી વસ્તુ ભંડાર' ખોલી એનું ચેઇન માર્કેટિંગકે ઓનલાઈન ટ્રેડિંગ શરુ કરે છે, પણ એ આખો વિચાર અને ઢાંચો જ સાંગોપાંગ વિદેશી છે !
કોઈ વળી ભારતીય સંસ્કૃતિના વારસાની દુહાઈ દે છે. ભારતની જ નહિ, કોઈ સંસ્કૃતિનો વારસો સંપૂર્ણ સ્વદેશી કે સ્વાવલંબી હોતો નથી. છત્રપતિ શિવાજીની ભવાની તલવાર કે મહારાણા પ્રતાપનો અશ્વ ચેતક વિદેશી હતા ! (સંદર્ભ : ચંદ્રકાંત બક્ષી ) ગઝલ વિદેશી છે. રૂમાલ વિદેશી છે. અત્તર વિદેશી છે. બટેટાં વિદેશી છે ! સિનેમા, ટીવી, ઇન્ટરનેટ ને ક્રિકેટ વિદેશી છે ! તમાકુ અને ગુલાબ વિદેશી છે ! અને કેટલાક વળી 'સ્વદેશી' એટલે બઘું જ હિન્દુ ધર્મ મુજબનું કહીને આખી વાતને સીધી જ ધર્મ અને અઘ્યાત્મ સાથે જોડી દે છે ! એમના મત મુજબ તો શર્ટ,પેન્ટ, સ્કર્ટ, જીન્સ કે તાજમહાલ પણ 'સ્વદેશી'ના દુશ્મન છે !
'સ્વદેશી'નો પ્રચાર ભારતમાં ઘણીવાર ધર્મના તુંબડે કરવામાં આવે છે. વાસ્તવમાં 'સ્વદેશી'નો આખો વિચાર આર્થિક બાબતોને અનુરૂપ છે. પણ સામાન્ય રીતે માણસ ઇકોનોમિક્સ કરતાં આંકડાઓની ફેંકાફેંકથી વઘુ પ્રભાવિત થઈ જાય છે. એમાં હિંદુત્વ કે ધાર્મિક પવિત્રતા જેવા રામબાણ અર્ક ભેળવી દો, પછી એને 'સ્વદેશી'નું સીરપ મીઠું મીઠું લાગે છે.
એકબીજાની નજીક આવવાના અઢળક માર્ગો ખૂલી ગયા છે. છતાં ય 'ગ્લોબલાઇઝેશન' કંઈ ફરજીયાત નથી. આપણે આઝાદીના 44 વર્ષ સુધી એ નહોતું કર્યું. પણ આપણને 'ટેકનોલોજી ટ્રાન્સફર'ની જરૂર છે. ખાસ વિચારજો, જરૂર 'આપણને' છે ! આપણે કોઈ ગુમનામ ટાપુ પરના આદિવાસીઓ નથી. દુનિયા સાથેનો વ્યવહાર ચલાવવા આપણને 'વિદેશી હુંડિયામણ' (ફોરેન એક્સચેન્જ) પણ જોઈએ છે. આત્મનિર્ભર બનવા માટે કછોટો વાળીએ ત્યારે ડોલર કે યુરો સામે રૂપિયાનો વિનિમય દર પણ યાદ રાખવો પડે.
હવે સ્વદેશીસમર્થકો એમ કહે છે કે જરૂર પડે ત્યાં મોટી મોટી વિદેશી ટેકનોલોજી (યુદ્ધવિમાનો કે મેડિકલ સ્કેનર્સ વગેરે) લઈ લો, પણ બાકીનાનો પ્રવેશ જ અટકાવી દો ! કે એનો ધંધાકીય બહિષ્કાર કરો. વાહ ! બઘું જ આપણને અનુકૂળ હોય, અને આપણે ઇચ્છીએ એમ જ થાય ? એવું ય થાય, જો આપણે સાચે આત્મનિર્ભર મહાસત્તા હોઈએ તો ! કોઈ શા માટે માત્ર આપણને જરૂરી ચીજો જ આપી આપણો જ સ્વાર્થ પૂરો કરે ? ઇટ્સ બિઝનેસ... સામો વેપારી પોતાનો સ્વાર્થ પૂરો કરવાની તક પણ ઝડપી જ લે ને !
બે ઘડી વિચારો. ગ્લોબલાઇઝેશનનો લાભ લેવાનો શ્રેષ્ઠ રસ્તો - જનકલ્યાણ સિવાય રિફોર્મ કરીને લિબરલ પ્રાઈવેટાઇઝેશન છે. છે. 'રિલાયન્સ' કદાચ 'શેલ'ને હંફાવી શકે... પણ સરકારનું બાબુશાહી ખાતું નહીં ! કોઈ ઓછું ભણેલા ગ્રામીણ ભારતીયના દિમાગમાં આઇડિયા આવે તો ઝટ દઈનેઆસાનીથી પેટન્ટ માટે નોંધાવી એની પેટન્ટ મેળવી શકે એવી કોઈ વ્યવસ્થા આપણી પાસે છે ? ધાર્મિક અને જ્ઞાતિ-જાતિ-આફતોના કારણોસર છૂટ્ટે હાથે અપાતી લોન કે નાણાંકીય સહાય કદી કોઈ ઓળખાણ વિનાના ઉગતા વેપારીને સીધે રસ્તે સહેલાઈથી મળે છે ? ગ્લોબલાઇઝેશન મૂડીવાદના પ્રખર વિરોધી સામ્યવાદી દેશોમાં કે ચુસ્ત મઝહબી અખાતી દેશોમાં પણ એ આવ્યું છે. સવાલ એમાંથી મહત્તમ ફાયદો ઉઠાવવાનો છે. એની ટીકા કરવી એ સૂર્યપ્રકાશના કિરણોને રોકવા પૃથ્વી ઉપર પતરું મઢવા જેવી વાહિયાત બાબત છે. આ તો ભારતીય ચીજોની વિદેશોમાં માંગ વધારવાની સુવર્ણ તક છે! કોન્ફિડન્સ છે એ માટે ?
હા, મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ રૂડીરૂપાળી છે. તોતિંગ છે. પ્રોફેશનલ અને સોફિસ્ટિકેટેડ છે. ચમકદમકથી ભરપૂર છે. પણ દૂધે ધોયેલી નથી. એમના માયાવી મહોરાઓ પાછળ ચૂડેલના વાંસા હોઈ શકે છે. ફાઇન. એનો પોકારી પોકારીને વિરોધ કરો. એક્સપોઝ કરો સત્યના સહારે, આક્ષેપોના સહારે નહિ. આપણને સ્વદેશીભક્તો એવું શીખવાડે છે કે મલ્ટીનેશનલ કંપનીની પ્રોડક્ટનો બહિષ્કાર કરો. આ તો પલાયનવાદ છે. જરૂર છે કંપનીની શોષણખોર, ગ્રાહકવિરોધી, કર્મચારીવિરોધી, પર્યાવરણવિરોધી નીતિઓને પડકારવાની.એ માટે પ્રસાર માઘ્યમો છે, કોર્ટ છે. વળી, બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ શેતાની નથી. મલ્ટીનેશનલ કંપનીઓનો વિરોધ કરતાં કરતાં એ જે દેશની હોય એ દેશનો અને એ દેશની રહેણીકરણી અને સંસ્કૃતિનો ય વિરોધ
કરવાનો ?
હોલિવૂડની ફિલ્મ 'ઇરિન બ્રોકોવિચ' માટે અભિનેત્રી જુલિયા રોબર્ટસને ઓસ્કાર એવોર્ડ મળેલો. આ ફિલ્મમાં શહેરમાં ઝેરી પ્રદૂષણ ફેલાવતી, ગેંડાની ચામડી ધરાવતી મહાકાય કંપની સામે સ્વચ્છ આરોગ્ય અને સત્ય માટે લડતી એક મઘ્યમવર્ગીય મહિલાની વાત કરી હતી. આ ફિલ્મ સત્યકથા પર આધારિત છે. એની નાયિકા વાસ્તવિક જીવનમાં 'કુંવારી માતા' અને એકલે હાથે સંતાન ઉછેરનાર 'સિંગલ પેરન્ટ' છે. કંઈ સમજાયું ? એક : બહુરાષ્ટ્રીય કંપનીઓનાં ભોપાળાં બહાર પાડવા મહત્વનાં છે, પવિત્ર સાદગીપૂર્ણ જીવન અંગત બાબત છે - ફરજીયાત બાબત નથી ! બે : પશ્ચિમમાં શોષણખોર અને અન્યાયી, અસત્યવાદી વેપારી નીતિઓ સામે જનજાગૃતિ કે ચળવળો થાય જ છે. ફિલ્મો બને છે. પુસ્તકો લખાય છે. એમાં કેન્દ્રમાં 'માનવ' છે. ખોટો મિથ્યાભિમાની અને માત્ર તાળીઓ પડાવવા જરૂરી એવો અફીણી 'રાષ્ટ્રવાદ' નથી. આવા બુલંદ સત્યાગ્રહોને સ્વદેશી-વિદેશીના ભેદ કે સરહદો કેવી રીતે લાગુ પડે ?
ત્રણ : 'સારા નાગરિક' હોવાનું સ્વદેશીની પ્રગતિ માટે જેટલું જરૂરી છે, એટલું 'સાચા ધાર્મિક' હોવાનું નથી. સ્વદેશી આંદોલનકારીઓ તોપ વેપારી બાબતો પર માંડવાને બદલે સાંસ્કૃતિક બાબતો પર પણ માંડે છે. અમેરિકાની 'મુક્ત' જીવનશૈલી જીવતી યુવતી પણ 'ગાંધીચીંઘ્યા' માર્ગે જઈ શકે છે. સવાલ વિચારોની પ્રમાણિકતાનો છે, આચારોના દંભનો નથી. ચાર : સ્વદેશીની ભક્તિમાં અંધ થઈને આખા દેશને, એની કળા-સંગીત- સાહિત્ય-ફિલ્મ- સિરિયલ્સકે જીવનશૈલીને ભાંડવાની વાત એકપક્ષીય છે. કંપની, ઉદ્યોગપતિ, નેતા કે કર્મચારી ગુનેગાર હોઈ શકે છે - પણ આખા સમાજ, ધર્મ કે સંસ્કૃતિને આરોપીના પાંજરામાં ઊભા રાખીને એનો બહિષ્કાર કરવાની અપીલો ગલત જ નહિ, અન્યાયી પણ છે ! એમાં ઘણીવાર તો સારી, સાચી અને અનુકરણીય બાબતનો પણ વિરોધ થઈ જાય છે ! ઇન ફેક્ટ, સત્યોથી પહોંચી ન વળાય ત્યાં ફેક ન્યુઝ ના બનાવટી વિડીયો ને સમાચારોનો મારો ચાલુ થયા છે, ભોળિયાઓના બ્રેઈનવોશિંગ માટે ! નફફટ થઈને એની તરકીબો ય પછી પરદેશી ટેકનોલોજીથી જ શીખેલી હોય !
એક બાજુથી આપણે 'આઝાદી' અને 'સ્વતંત્રતા'ની વાત કરીએ છીએ. બીજી બાજુથી ગ્રાહકની પસંદગીની મૂળભૂત 'આઝાદી' છીનવી લેવાની બહિષ્કારોના ગપોડી મેસેજીઝ ફોરવર્ડ કરીએ છીએ. જગતનું શ્રેષ્ઠ મનોરંજન, જગતની શ્રેષ્ઠ કળાઓ અને જગતની શ્રેષ્ઠ ટેકનોલોજી ભારતીય ગ્રાહક સામે પેશ થાય એ ઉત્તમ બાબત છે. આમ પણ એવરેજ ઇન્ડિયનની માનસિકતા બંધિયાર હોય છે. આવી વૈશ્વિક લહેરખીઓનો સ્પર્શ એના દિમાગને થોડું ખુલ્લું કરે છે. એને પંચતંત્રની ખબર જ હતી - હવે થોડીકવાર મિકી માઉસ કે ટોમ એન્ડ જેરીને પણ એ માણી શકે છે. બાય ધ વે, વોલ્ટ ડિઝનીના વિદેશી કાર્ટૂન્સને જોયા વિના જ ઘણાં સ્વદેશીપૂજકો વિરોધ કરે છે, પણ એમને ખબર નથી કે અંકલ સ્ક્જના પાત્ર દ્વારા ડિઝનીએ તમામ કોર્પોરેટ શોષણખોર ઉદ્યોગપતિઓની કેવી ઠેકડી ઉડાડી છે ! બાળમાનસ આવા શુભ સંદેશાઓથી પ્રભાવિત થાય છે, એ વખાણવાપાત્ર છે કે વખોડવાપાત્ર ?
આપણે આત્મનિર્ભર થઇ પરદેશના લેવલની ક્વોલિટી ચિલ્ડ્રન ફિલ્મ્સ કેટલી બનાવી ? આપણા બાળસાહિત્યકારોની ઓરિજીનલ વાર્તાઓ પરથી આપણે જ નહિ દુનિયા ય જોયા કરે એવું કામ કર્યું વેબ સિરીઝમાં ? રામાયણ દૂરદર્શન પર મફતમાં લોકડાઉનમાં સૌથી વધુ વિશાળ વસતિમાં જોવાઈ એ ગૌરવની વાત છે. પણ ગેમ ઓફ થ્રોન્સની સાત સીઝન લોકડાઉનની રજા વગર પેઈડ પ્લેટફોર્મ પર પૈસા ખર્ચી વિશ્વના બધા દેશોએ જોઈ. આપણે કેમ આ સ્કેલનું કદી વિચારતા જ નથી ? ટીવી કેબલ નેટવર્ક જ વિદેશી વિચાર છે. એકાદ નીરવ મોદીનું નામ પરદેશમાં ચમકે પાછળ તરત કોઈને કોઈ ફ્રોડની સ્ટોરીનું ફોલો અપ આવી જાય. ક્રિએટીવિટી બધી રૂપિયા પડાવવાની છેતરપિંડીમાં જ ઘસી નાખવાની?
વાસ્તવમાં સ્વદેશીની બધી ઘરગથ્થુ 'થિયરી'ને 'પ્રેક્ટિકલ' બનાવો તો, જગતભરના પ્રવાસો, કળાઓ, વિજ્ઞાન, સંગીત બધું છોડવું પડે. શોધ તો બધી ફોરેનમાં મૂળ કોન્સેપ્ટની છે. આ વાંચો છો એ પ્રિન્ટિંગ કે ડિજીટલ તાઈપથી ઘરમાં ચલાવો છો એ લાઈટની સ્વીચ કે ડ્રેસ -પર્સની ઝિપ સુધીની ! એની યાદી એક લેખ નહિ, એક પુસ્તક જેવડી થાય. આપણે પહેલું કોમ્યુટર કે પહેલું રોકેટ કે પહેલો સેટેલાઈટ કે પહેલો સ્માર્ટફોન કદી શોધતા નથી. કોઈક વર્ષો આપીને અઢળક રૂપિયા ને કલાકો બગાડીને શોધે પછી એની નકલ શીખીને એને 'મેઇક ઇન ઇન્ડિયા'નું સ્ટીકર લગાડી દઈએ છીએ.અહીં કશું બહારનું ખપતું નથી પણ બહારવાળા સુંદર પિચાઈ કે સત્ય નાદેલા કે સુનીતા વિલિયમ્સને તક આપે તો આપણો સ્ટેમ્પ મારવા પહોંચી જઈએ છીએ ભારતીય મૂળનો.
પણ અહીં એ હોય તો ટેલન્ટની કદર કરવાને બદલે ખટપટથી ટાંટિયાંખેંચ કરીએ છીએ. ખરેખર, તો સાચી આત્મનિર્ભરતા શીખવાડવા ભારતીય સમાજને દુનિયા ક્યાં પહોંચી છે અને તેમાં શું ચાલે છે, તેની વઘુ ને વઘુ જાણકારી અને સમજ આપવાની છે. એની પાંખોમાં આંતરરાષ્ટ્રીય પવન પૂરવાનો છે. પણ સ્વદેશીભક્તો તો એને જ્યાં છે એનાથી પણ વઘુ સાંકડા બનવાનો ઉપદેશ આપે છે. કૂવામાંના દેડકામાંથી ખાળકૂવાનો દેડકો બનાવવા માંગે છે. પોતાનું ટોયલેટ કે વાસણ જાતે સાફ કરતા હજુ માંડ લોકડાઉનમાં થોડા શીખ્યા, જે આત્મનિર્ભરતા વિદેશમાં વર્ષોથી છે.
માણસને બે વાત હંમેશા ગમે છે : આનંદ અને પરિવર્તન ! (ચેરિશ એન્ડ ચેન્જ !). પાશ્ચાત્ય સંસ્કૃતિ વિશ્વભરમાં વઘુ ને વઘુ ઝડપે છવાઈ ને સ્વીકારાઈ રહી છે. કારણ કે, એ આ બંને વાતો મોકળાશથી પ્રાઈવસીની ફ્રીડમ જાળવીને આપે છે. લોકોને એ ગમે છે,માટે એની પાછળ ઘેલા થાય છે. જોરજુલમ કે બીકથી નહિ ! કંપનીઓ એડવર્ટાઇઝિંગથી પ્રચાર કરે છે. ભારે ક્રિએટીવ અને મસ્ત મનોરંજક હોય છે, આ જાહેરાતો ! એની ટીકા કરવાને બદલે 'સ્વદેશી'ના સમર્થનમાં એવી જ રસપ્રદ જાહેરાતો કેમ નથી બનાવવામાં આવતી ? કેમ લોકોના દિમાગમાં લોકલ 'સ્વદેશી' એટલે ''સાદી, રંગ-રૂપ-રચનામાં પછાત, સસ્તી અને આકર્ષક પેકેજીંગ-માર્કેટીંગ વિનાની સુગંધહીન બરછટ ચીજો'' એવી જ ઇમેજ જાણે-અજાણે ફિટ થઈ ગઈ છે ?
કારણ કે, વિદેશી કંપનીઓની માફક તક મળ્યે નાના-મોટા સ્વદેશી વેપારીઓએ પણ તક મળ્યે પોતાના જ દેશના ગ્રાહકને પૂરેપૂરો લૂંટી લીધો છે. 1991 પહેલાં તો એટલી મલ્ટીનેશનલ કંપનીઓ નહોતી,
મુક્ત વેપાર નહોતો - એ ચાર દાયકાઓમાં સ્વદેશી વેપારીઓએ શું ધાડ મારી ? કઈ નવી-અનોખી વસ્તુઓ પેશ કરી ? ક્યાં ગ્રાહકને ફાયદો કરાવ્યો ? હરિફાઈને બદલે બધા પોતાની સિન્ડિકેટ જમાવીને 'મોનોપોલી માર્કેટ' બનાવી બેસી ગયા હતા. ગ્રાહકોની ત્રણ-ત્રણ પેઢી મૂંગે મોઢે આ તમાશાનો બોજ ઉંચકીને પસાર થઈ ગઈ - પણ સ્વદેશી સરકારો કે વેપારીઓના પગ નીચે રેલો ન આવ્યો, ત્યાં સુધી હલ્યા જ નહિ ! પછીના ચાર દાયકે આ જ હાલત છે. હાઈવે હોટલો એમઆરપીથી વધુ બિસ્કીટ કે વેફરના ભાવ લઇ લે છે. મલ્ટીપ્લેકસવાળા ધાણી કે પાણીના. કોઈ પાકગના તો કોઈ પાઠયપુસ્તકોના. ક્યાંક પેટીસમાં તેલ ખોરું હોય તો ક્યાંક મીઠાઈનો માવો વાસી હોય. વળી, રૂપિયા એડવાન્સ લઇ સુવિધા સરખી આપવાની જ નહિ. કાયદાઓ કડક એટલે કરવાના કે કંપનીઓ સાથે ખાનગીમાં સેટિંગ કરી શકાય તગડું.
નાગરિકહિતની વાત જ નહિ ! આપણને ટિકટોક કે ઝૂમ દેખાય છે ટાર્ગેટ તરીકે. એપ ખરાબ નથી હોતી. એ તો નિર્જીવ પ્રોડક્ટ છે. યુઝર ખરાબ હોય છે. કસમથી, એ એંગલ શુદ્ધ સ્વદેશી. ઘરના અને બહારના બંને લૂંટવા જ માંગતા હોય તો પછી શ્રેષ્ઠ વસ્તુ ભોગવીને જ લૂંટાવું રહ્યું!
જરા નજર નાખો તો આવા પાઈરસી ને રાશનથી ફેશન સુધી તકલાદી માલની ઘપલાબાજીના સેંકડો ઉદાહરણો નજર સામે આવી જશે. આ બઘું શોષણ ને ભ્રષ્ટાચાર કોણ કરે છે? મલ્ટીનેશનલ કંપનીઓ? ના, આપણા જ સ્વદેશી વેપારી મિત્રો કે કંપનીઓ કે સરકારી કર્મચારીઓ કે નેતાઓ! મલ્ટીનેશનલ કંપનીઓ પૈસા વિદેશ લઇ જાય છે. કબૂલ. પણ રીસ્રાચ કરે છે. અહીં રોજગારી પણ ઉભી કરે છે. ટેક્સ સરકારે વસૂલ કરવાનો છે એમની પાસેથી,ત્યાં તો સુપ્રિમ કોર્ટ કહે તો ય ટેલિકોમ કંપનીઓમાં થયું એમ સરકાર જ રાહત આપી દે ! એ માટે નિયમો સરકાર બનાવી જ શકે. જો કોરોનાકાળ પછી તક લેવી હોય તો ફોરેનના તગડા આઉટસોસગ કોન્ટ્રાકટ જોઇશે. માઇન્ડ વેલ, ભારતની બજાર મોટી છે, ગ્રાહકો ઘણાં છે. એમાં કોઇપણ વેપારીને રસ પડે જ. પણ યાદ રાખો કે આ મલ્ટીનેશનલ કંપનીઓ ભારત કે ચીનના એક પણ ગ્રાહકની ખરીદી વિના જ, અગાઉથી જ વિરાટ બની ચૂકી હતી ! ભારત કે ચીન પાસે માથા ઘણાં છે. પણ અમેરિકા- યુરોપ પાસે સર્જનશક્તિ ને ખરીદશકિત છે! બ્રાન્ડ બિલ્ડિંગ છે.
ભારતની ગ્લોબલ બ્રાન્ડ કઈ જે દરેક દેશમાં ઓળખાઈ જાય મસડીસ કે એપલની જેમ ? આપણે ય તાતાએ જેગુઆર ખરીદી એમ કબજો કરીએ છીએ. પણ રિલાયન્સમાં ય સાઉદી આરમકોને અમેરિકન ફેસબૂકનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ એફડીઆઈને ના પાડી ન શકીએ. પણ બ્રાન્ડ એ જુદી માયા છે. સબીર ભાટિયાએ હોટમેઈલ શોધ્યો ને દિવ્ય નરેન્દ્રે ફેસબુક શોધ્યું એ સાચું. પણ એ લોકો ભારતમાં હતા જ નહિ એ વખતે.અમેરિકામાં હતા. અને બિલ ગેટ્સ કે માર્ક ઝકરબર્ગે જે સ્કેલ પણ એ શોધો દુનિયામાં ક્યાંય હેંગ કે હેક ન થાય ને લોકો તરત સ્વીકારે એ લેવલે મૂકી એવો વિચાર આવે તો ય એ માટે જગત ભરોસો કરે એવું પ્લેટફોર્મ ઉભી કરવાની સીસ્ટમની ત્રેવડ વિકસાવવી પડે. એ માટે હરીફાઈ આવે કે તરત બજેટના રોદણાં રોઈ થમ્સ અપ વેંચાઈ ગયું કે બાલાજી વેફર્સ ભારતની બહાર ગઈ જ નહિ એવું ન ચાલે. આપણે ટક મળે તો બ્રાન્ડ બનાવવાને બદલે બેંક બેલેન્સ બનાવી લઈએ છીએ. પિત્ઝા ખાઈએ પણ પાણીપૂરી ખવડાવતા નથી.
આપણું સ્વદેશી ભેળપુરી જેવું દંભી કેમ છે ? જેમાં ના ગમતી બધી ફેક્ટસ ગુપચાવી દેવામાં આવે છે? લંડનમાં ભણેલા યુવાનને મેનેજમેન્ટ સોંપનાર અને દાતણને બદલે ટૂથપેસ્ટ એ આખો ફોરેન કોન્સેપ્ટ અંકે કરી લેનાર સ્વદેશી કંપની પતંજલિના ગેટનો આ લેખ સાથેનો ફોટો જુઓ.અંગ્રેજીને બદલે હિન્દીમાં લખ્યું છે, એટલું સ્વદેશી. પણ લખ્યું છે શું ? ફૂડ એન્ડ હર્બલ પાર્ક લિ. ! ખાદ્ય એવં વનસ્પતિ ઉદ્યાન નહિ !
સાચું કહેનારા પર પશ્ચિમના કાવતરાં જેવા આધારહીન આક્ષેપોએ ચડવા સિવાય અને આ લોકલ છે ને આ લોકલ નથી એવા ઉધાર મેસેજીઝ ગ્લોબલ પ્લેટફોર્મ પર મફતમાં શેર કરવા સિવાય ખરેખર વડાપ્રધાને વાત કરી એમ આત્મનિર્ભર ભારત શું એ જાણવું હોય તો આ ખંડન પછી મંડનની વાતો આવતા બુધવારે શતદલ પૂતમાં અનાવૃત કરીશું. ત્યાં સુધી આત્મનિર્ભરતાના પાયોનીયર એવા ગાંધીજીની આ ટકોર યાદ રાખજો : 'સ્વદેશી એટલે બાપના કૂવામાં બૂડી મરવું એમ નહિ!'
ફાસ્ટ ફોરવર્ડ :
''હવે તો સતત મેસેજીઝનો મારો જોઇને લાગે છે કે રિક્ષાવાળા અને ખટારા વાળા પાછળ 'તું તારૂ કર' ને બદલે 'આત્મનિર્ભર' જ લખેલું જોવા મળશે !''
(અંજુ વ્યાસ)