મોટીવેશનની માયાજાળ: સપનાના સોદાગરો અને વાસ્તવિક વિચારો
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- લંડનના જાણીતા અખબારે મોટીવેશનલ ગુરૂ જય શેટ્ટીની કબાડાબાજી નામજોગ સાબિતી સહિત આપી છે. લોકો કેવી રીતે ઉલ્લુ બની જાય છે
એ ક બાળકને પૂછવામાં આવ્યું. ''તારે મોટા થઈને શું થવું છે?''
કોઈ ડિગ્રી કે વ્યક્તિ કે પોઝિશનને બદલે એણે જવાબ આપ્યો: ''વાઇરલ થવું છે!''
યસ. આજકાલ બધાને બસ ઝટ વાઇરલ થવું છે! વીસમી સદીમાં અમેરિકાના મોડર્ન આર્ટીસ્ટ એન્ડી વૉરહોલે એક ફ્રેઝ મશહૂર કરેલો - ફિફ્ટીન મિનિટ્સ ઓફ ફેમ ! બસ, ચમકીને રાખ થતા ફટાકડાની માફક હર કોઈને એટેન્શન, રેકિગ્નેશન જોઈએ છે. એને માટે મા-બાપો બાળકોને તૈયાર કરે છે. જુવાનિયાઓ વિચિત્ર વિડિયો બનાવવાના જોખમ લે છે, કિસમ કિસમના કોચ ભાતભાતની ટ્રેનિંગ આપે છે. ખાસ એજન્સીઓ કેમ્પેઇન ડિઝાઇન કરે છે.
જાણે આ જગતમાં એક જ કરિઅર રહી હોય એવો માહોલ બનતો જાય છે અને એ કરિઅર છે: સોશ્યલ ઇન્ફ્લુઅન્સર ! ફિલ્મસ્ટાર હોય કે સ્પોર્ટસ્ટાર, પોલિટિશ્યન હોય કે પ્રીચર - જે વિડિયો બનાવે છે, એ વેચાય છે પછી એના પુસ્તકો પણ ધૂમ વંચાય છે. જાયન્ટ ટેક કોર્પોરેશનોએ એમની સીસ્ટમના અલ્ગોરિમ જ હવે વિડિયો બેઝ્ડ રાખ્યા છે. ઓડિયોવિઝ્યુઅલ કન્ટેન્ટ (જેમ કે રીલ)ને જ વધુ 'રિચ' યાને વધુ ઓડિયન્સ મળે એવી ટ્રિક્સ- ટેક્નોલોજી વાપરે છે.
પેરેલલ, સમાંતરે એવું થયું છે કે, ઇન્ટરનેટના ડિજીટલ રિવોલ્યુશન અને વિકાસલક્ષી રાજકારણને લીધે ભારતમાં (અને જગતમાં) કન્ઝ્યુમર મિડલ ક્લાસમાં જબરો ઉછાળો આવ્યો છે. એક એવો વર્ગ છે. જેની પાસે બહું બધું છે, પણ એ જતું ન રહે એની ઇન્સિક્યુરિટીઝ પણ એવી જ વધુ છે. એક એવો વર્ગ છે કે જેને ઝટ બધું મેળવી લેવું છે. શોર્ટકટ ટુ સક્સેસના ઇઝી રેડીમેડ ફંડા જોઈએ છે. મહેનત ઓછી ને મોજ ઝાઝી. એક એવો વર્ગ પણ છે, જે ટીન-એજર છે. ઉગીને ઉભો થતો યુવા છે. બાયડિફોલ્ટ, એનો નેચર જ ડ્રીમી છે. એ સપનાના ગુલાબી ઘેનમાં જીવવાની લિજ્જત લે છે. એણે ઝાઝું જોયુંજાણ્યું વાંચ્યુવિચાર્યું અનુભવ્યું નથી. એટલે ડેપ્થના અભાવે 'ચમકે તે ચાંદી ને સુંદર તે સોનું' સમજી ઝટ સુગર કોટેડ પણ સુપરફિશ્યલ વાતોના પ્રભાવમાં આવી જાય છે. ચીકણા ચોકલેટી ક્વોટસ ને ટ્રેન્ડી સ્ટાઇલમાં શેલો સ્પિરિચ્યુઆલિટી યાને તકલાદી આધ્યાત્મિકતાથી ઝટ છેતરાઈ જાય છે.
આ ત્રણે વર્ગનો ત્રિવેણી સંગમ એટલે એક લલચામણું માર્કેટ ! આકડે મધ જોઈને અનેક લુચ્ચા શિયાળો જીભ લપલપાવતા ફરે છે. વૈવિધ્યપૂર્ણ વાચન અને આધુનિક અભ્યાસના અભાવે ક્વેશ્ચન્સ પૂછવાની આદત રહેતી નથી. એકબીજાની દેખાદેખીમાં 'મેરી સર્ટ યા સાડી તેરે સે જ્યાદા સફેદ' દેખાડવાની લાહ્યમાં નવા નવા ગુરૂઓ શોધવાની ને એ બહાને જાતે જ સ્પેશ્યલ ફીલ કરાવવાની હોડ છે. એવરીવન વોન્ટસ ઇન્સ્ટન્ટ મિરેકલ. એટલે બધાને એ મહાન થવા, સફળ થવા, ખુશ થવા જ સર્જાયા છે - એવા ભવ્ય ભવિષ્ય વિશે સાંભળવું વાંચવું ખૂબ ગમે છે. રૂપિયા ને જલસા, પી, એન્ડ હેપિનેસ એમના ફેવરિટ ટોપિક્સ છે. પ્રોબ્લેમ એ છે કે આર્ટ કે સાયન્સ સમજવાની મહેનત કોઈને લેવી નથી. કશુંક મેળવવા કશુંક છોડવું પડે ને સતત સફળતા કરી કોઈને ન મળે, નવું નવું તો નિષ્ફળતા જ શીખવાડે - એવી કડવી દવાનો ડોઝ એમને માફક આવતો નથી.
એટલે જરાક આસપાસ નજર કરો, એક બાજુ વીઆર અને એઆઇની દુનિયા છે. બીજી બાજુ નવી જનરેશનના સોફિસ્ટિકેટેડ સાધુઓ, ગુરૂઓ, ભૂવાઓ, તાંત્રિકો, મોટીવેશનલ સ્પીકરો, લાઇફ કોચ, સેલ્ફ હેલ્પ બૂક્સના લેખકો, કોઈને કોઈ ફિલ્ડના એચિવર્સ, પોલિટિકલ કે બિઝનેસ લીડર્સ, વાઇરલ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો રાફડો ફાટયો છે. ફન સાથે જ્ઞાન વહેંચવાની ટ્રેનિંગ લઈને ટ્રેનર્સ કૂદી પડે છે. મારીમચડીને કોઈને કોઈ ભેદી પ્રાચીન વિદ્યા શોધી લાવે છે, ને ભૂતકાળમાં બધું જાદૂઈ હતું એટલે ભવિષ્ય એના સહારે દેવતાઈ થઈ જશે, એવું સ્માર્ટલી કોન્ફિડન્સથી સમજાવી બ્રેઇનવૉશિંગ કરે છે. તેજના લિસોટામાં આંખો અંધ થઈ જાય એમ આવા ગળચટ્ટા દીવાસ્વપ્નોમાં અક્કલ આંધળી બની જાય છે.
રિઝલ્ટમાં શું બધા પૈસાદાર કે સુખી થઈ જાય છે ? ના. ખુદ આવા બીજાના રાહબર થવા નીકળીને પોતાને પરફેક્ટ સુપર હ્યુમન તરીકે પેશ કરતા મોટીવેશનલ માંધાતાઓ પણ ઘણીવાર ફેઇલ થાય છે. મેડિકલ પ્રોબ્લેમ્સ, ક્રોધ, ટેન્શન, સ્વાર્થ, અસલામતી, ડર, ઇર્ષા વગેરે એમને વધુ સતાવે છે. એમનો ધંધો જરૂર વધે છે. પણ એ જેટલા બહાર દેખાડે છે, એટલા પરફેક્ટ હોતા નથી. મોટે ભાગે કેરફુલી પ્રિપેર્ડ ઇમેજ હોય છે એમની. જેવા હોય એવા ન દેખાય ને ન હોય એવા દેખાય એ માટે પ્રોફેશનલ ટીમ કામે લાગેલી હોય છે. અનુભવોના નામે ગપ્પાઓ અને સિદ્ધિઓના નામે ચાલાક યુક્તિઓ અજમાવી લોકરંજન કરીને એ બધાનું ફોર્ચ્યુન એન્ડ ફોલોઅર્સ વધારતા જાય છે.
પબ્લિક ઉલ્લુ બનવા તૈયાર હોય ત્યાં ઉસ્તાદો ગલીએ ગલીએ દેખાયા કરે. જેની પાસે મેડિકલની ડિગ્રી જ નથી એવો પેલો વિશ્વરૂપ કોવિડ વખતે લોકોને મજા આવે એવું 'આવું કશું છે જ નહિ, બધું કાવત્રું છે પરદેશનું' એમ કહી ધૂતી ગયો, પણ સેકન્ડ વેવમાં કાળનો સપાટો બોલ્યો, ત્યારે કોઈ એમની ગળચી પકડવા ગયું નહિ ! સુપ્રીમ કોર્ટે હમણાં આયુર્વેદના નામે અવૈજ્ઞાનિક અને અસત્ય દાવાઓ કરીને રૂપિયા રળવા પર લાલ આંખ કરી હોવા છતાં લોકો મૂરખ બનવા ટોળે વળ્યા જ કરશે. બીજાઓને સંસાર છોડવાની, મોહમાયા અને ભૌતિકતા છોડવાની મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરનારા સેલ્ફહેલ્પ ગુરૂઓ પોતે અહંકાર છોડતા નથી !
એ બધા સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ વળી હાઇટેક લેંગ્વેજમાં ચપડચપડ બોલે છે. પોતે કેવી લ્યુક્રેટિવ (લોભામણી) કરિઅર છોડી એ ત્યાગની વાતો ખાસ ચેલાઓને રાખીને ફેલાવે છે. બંધનો, માયાના ત્યાગની વાતો કરતા કરતા એમના ગુણગાન ગાતા પુસ્તકો છપાવવાનો કે આશ્રમો, સંકુલો, વિદ્યાપીઠો, શિબિરો બનાવી બ્રાન્ડિંગ કરવાનો મોહ રાખે છે. લક્ઝરિયસ કારમાં ફરે છે,- લેવિશ સ્ટાઇલ રાખે છે. અમુક તગડા દામ વસૂલ કરે છે. અમુક ત્યાગી, વૈરાગી હોવાની વાતો કરતા કરતા કોઈને કોઈ પ્રોજેક્ટ માટે વિરાટ ફંડ મફત આપીને મૂલ્ય વસૂલવાની માર્કેટિંગ ટ્રિક્સ અજમાવે છે. પહેલેથી જ આવા ફેસીઝને ચબરાકીભરી વાતો લખી દેનારા ઘોસ્ટ બ્રેઇન્સ મળી રહે છે. ઘણા દલા તરવાડીની જેમ જાતે જ બીજાઓનો કન્ટેન્ટ બઠાવીને જરાતરા ફેરફાર સાથે પ્રસ્તુત કરે છે. ક્રૉસચેક ન થાય એવા દાવાઓ પ્રચંડ આત્મવિશ્વાસ સાથે બોલીને દંતકથાનું ધુમ્મસ રચે છે. નવી પેઢીને મોબાઇલ એડિક્ટ કહેનારા આવા ઉચ્ચ ઉપદેશકો એમના પ્રોફાઇલ કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું પણ ખાસ કહેશે ! સંસાર છોડવાના દાવા પછી પણ નવો સંસાર બનાવે છે !
ભારત વાર્તાઓનો દેશ છે, ને ભારતમાં શું જગતમાં લોકોને આંજી નાખતી વાર્તાઓ ઘડી કાઢતા વાર્તાકારોની અછત રહી નથી. સત્ય કહેનારા ખોટા આંબાઆંબલી બનાવતા નથી. હારનો સ્વીકાર કરી શીખવાનું કહે છે, કાયમ જીતવાના ખયાલી ખ્વાબ સજાવતા નથી. પણ જેમનો એજન્ડા જ બીજાને જાતે હોંશિયાર બતાવવાના બદલે, નવીનતા અને આધુનિકતા માટે પ્રેરિત કરી ખુદબુલંદી પર સક્ષમ કરવાને બદલે કસ્ટમર તરીકે ડબ્બે પુરવાનો હોય એ જાણે છે કે પબ્લિકને ડ્રામા જોઈએ. જીવનના રંગબેરંગી અનુભવો પોતે ન લીધા હોય તો શું થયું ? એ તો બનાવટી ઘડી કાઢવાના હોય!
સ્વદેશીના નામે રીતસર ફેક્ટચેક કરો એવું જૂઠ બોલનાર રાજીવ દીક્ષિતે ધુપ્પલ ચલાવેલું કે પોતે પરદેશમાં ભણીને મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરેલું, પણ રૂબરૂ ચેલેન્જ કરી હતી ત્યારે વિગતો આપવાના બદલે ભાઈ ગેંગેફેફે થઈ ગયેલા. સુકેશ ચંદ્રશેખર જેવા ઠગો અહીં કરોડપતિ શેઠિયાઓ અને સેલિબ્રિટી કન્યાઓને ખોટી ઓળખથી છેતરી જાય છે. કોઈ અજાગ્રત મન અને દસ ટકા દિમાગનો ઉપયોગ ને એવું કહી પ્રેરણાના પડીકાં પરદેશી પુસ્તકોમાંથી તૈયાર કરે છે. કોઈ બીજાએ મહેનતથી કરેલ રિસર્ચને પરબારો તફડાવી ફાઇવસ્ટાર હોટલોમાં સેમિનાર કરે છે. કોઈ સોશ્યલ નેટવર્કના ફોરવર્ડના મફત મહાસાગરમાંથી ડબલાં ભરી લે છે, તો કોઈ રીતસર કોન્ટ્રાક્ટ પર બીજા ભાડે રાખી એમની બુદ્ધિના જોરે બીજાને ઇમ્પ્રેસ કરે છે.
'યુ કેન વિન' લખી બીજાને જીતવાની ફોર્મ્યુલા સમજાવનાર શિવ ખેરા પોતે દિલ્હીમાં ચૂંટણી હારી ગયેલા એ તો ઠીક, પણ પછી કોઈની મેન્યુસ્ક્રીપ્ટમાંથી તૈયાર ભાણે તફડાવી એક પુસ્તક લખેલું એનો જબરો વિવાદ થયેલો. મોટે ભાગે રળેલા રૂપિયા થકી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ જતું હોય છે. મામલો એ ભુલાઈ ગયો પણ ફિલ્મોની જેમ આ જૂઠી વાર્તાઓ અને ઉધાર તફડંચીની ફોર્મ્યુલા રિપિટ થયા જ કરે છે.
તાજેતરમાં લંડનના પ્રતિષ્ઠિત ગાર્ડિયન અખબારમાં ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ જોન મેકડરમોટે નાની ઉંમરે મોટું કામ કરનાર જય શેટ્ટી બાબતે થોડા સવાલો ઉઠાવેલા. જય શેટ્ટી ચપડચપડ અંગ્રેજી ફાડતા બાબાબેબીલોગમાં ખાસ્સા પોપ્યુલર છે. પોતે અગાઉ ઇસ્કોનના સાધુ હતા ને ત્યાંથી ફરી સંસારમાં આવ્યા એ કથાને લીધે એમની વાણીનાં સુપરસક્સેસની ગેરેન્ટી અપાવતો ગેરૂ રંગ ચડયો છે. બિચારા 'ગલીબલ' યાને છેતરાવા માટે છટપટતા દુઃખી ડિપ્રેસ્ડ ઇન્સાનો જય શેટ્ટીથી ઇમ્પ્રેસ્ડ છે, કારણ કે વિલ સ્મિથ કે જેનિફર લોપેઝ કે ગ્યેનેથ પેલ્ટ્રો જેવા હોલીવૂડ સ્ટાર્ટ એના અંગત ચાહકો છે! જાણીતી સેલિબ્રિટી તમારા વખાણ કરે એટલે તમે ફટાફટ સેલિબ્રિટી થઈ જાવ! ભલેને આખરે સંસાર ત્યાગી કરતા સંસારભોગી ફિલ્મસ્ટાર્સ વધુ પ્રસિદ્ધ સાબિત થાય!
દીપક ચોપ્રા પાસે તો એમડીની ડિગ્રી ને ખુદનો ફિલોસોફિકલ બેઝ હતો પણ ગાર્ડિયનનો લાંબો લેખ વાંચવા જેવો છે. એના આધારે આપણે ત્યાં છપાયેલા રિપોર્ટસમાં ઘણું ગુપચાવી દેવાયું છે. છપાયા પછી પણ જય શેટ્ટીની ટીમે જવાબ આપવાને બદલે એને ઇગ્નોર કરી પોતાની વાત કહેવાનું ચાલુ રાખ્યું છે. ઇધર કી ઇંટ, ઇધર કા રોડા, ભાનુમતીને કુનબા જોડા જેવા ઘણા યુટયુબર આજકાલ સ્ટાર થઈ જાય છે. રણબીર અલ્હાબાદિયા એ બધાનું પ્રતિનિધિત્વ કરે છે પણ આ રિપોર્ટમાં મેકડરમોટ બીજું ઘણું જાણી આવ્યા છે. પાઘડીનો વળ છેડે એ કે ભાઈ જે દાવો કરે છે એમ સાધુ નહોતા. ઇસ્કોન સાથે જોડાયેલા પણ ઝાઝું ત્યાં રહ્યા નહોતા. આમતેમ સ્વેટપેન્ટ પહેરી ફર્યા કરતા. પણ મિશેલ ઓબામાથી કિમ કાર્દેશિયન સુધીનાને ઇમ્પ્રેસ કરનાર જય શેટ્ટીએ ઉંડાણમાં સંસ્કૃત શાસ્ત્રો વાંચ્યા નથી. વેદિક સ્કોલરનો ટેગ લગાવી દીધો છે, ને સ્માર્ટલ ક્વોટસ શેર કરે છે. થિંક લાઇક એ મોંક જે એઇટ રૂલ્સ ઓફ લવ જેવા પુસ્તકો ઉપરાંત 'કામ' નામના મેડિટેશન ઇનર પીસી સામ્રાજ્યથી બે અબજ યુ.એસ. ડોલર્સની ધીકતી આવક છે. અનેક યુનિવર્સિટીને સરકારમાન્ય એવો ૭૪૦૦ ડોલરની ફી વાળો એક કોર્સ ચાલે છે, જેમાં ૧૧૦૦ સ્ટુડન્ટસને તો અધધ દામ ચૂકવી ભણી ગયા છે! નેચરલી, લગ્ન પછી જય શેટ્ટીએ કન્ટેન્ટ ક્રિએશન માટે હોલીવૂડના લોસ એન્જલ્સ ખાતે એક સમયના વિશ્વના નંબર વન ધનાઢય એવા પેટ્રોલિયમ કિંગ ગેટ્ટી પરિવારનું ઘર ખરીદ્યું છે. આલીશન જલસા નાની ઉંમરે કરતા શેટ્ટી સાહેબ અમેરિકા ભારત સહિત વિશ્વના સર્વોચ્ચ રાજનેતાઓ જોડે ડિનર લે છે. અમેરિકામાં એમના નામનું સ્મૂધી વેચાય છે.
૧૩ વર્ષ પહેલાં મુફલિસની જેમ આશ્રમમાં રહેવાનો દાવો કરનાર આજે વર્લ્ડ ફેમસ વેલનેસ ગુરૂ છે. 'પોપ સાયકોલોજી' યાને મેન્ટલ હેલ્થ વિશે ઝાઝુ સમજ્યા વિના જ્ઞાન બાંટવાનો કારોબાર અવ્વલ દરજ્જાથી કરે છે. મેકડરમોટ મૂળ તો એનો ઇન્ટરવ્યૂ એસ્ક્વાયર મેગેઝીન માટે કરવા આવેલા. પણ એના સેમિનારમાં એની ડ્રામેટિક એન્ટ્રી, સીરપ જેવા ગળચટા શબ્દો પછી જાણે અગાઉથી સ્ટેજક્રાફ્ટ ગોઠવેલું હોય એમ રડી પડતા ને આપવીતી સંભળાવી કેવો બદલાવ આવ્યો એની નાટકીય કથા કહેતા પાત્રો ને બધું જોઈ શેરલોક હોમ્સ જેવો સસ્પેન્સ મેકડરમોટના દિમાગમાં જાગ્યો.
વધુ ખણખોદ કરતા સાધુતાનો આખો દાવો જ કાચો લાગ્યો. જય શેટ્ટીની એક કોલેજકાળની ગર્લફ્રેન્ડ લીલા આજે સાથે જ સાયકોલોજીના ફિલ્ડમાં પ્રોફેશનલ છે.
એણે બધા વટાણા વેરી દીધા. એવું નીકળ્યું કે એમનો લાઇફ કોર્સ જે સંસ્થાઓ દ્વારા પ્રમાણિત હોવાનો દાવો કરાયેલો. એમાંના ઘણાંને પોતાનું નામ વપરાય છે એ ખબર જ નહોતી ! એના અમુક જૂના બ્લોગ ને વિડિયોઝમાં ફેકચ્યુઅલી એના જ જીવન વિશેની વિરોધાભાસી વાતો હતી. (ગાર્ડિયનના લેખ બાદ ચૂપચાપ કોર્સના એવા ક્લેઇમ ને જૂની પોસ્ટ સત્તાવાર સાઇટ પરથી ગાયબ થઈ ગઈ છે !) કોર્સમાં ચોમેરથી ભેગી કરેલી વિગતો આવી રીતે ગોઠવીને પીરસાય છે, પણ પછી આખું ફોર્મેટ એક પ્રકારના મલ્ટીલેવલ માર્કેટિંગનું થઈ જાય છે, જેમાં એમાંથી ભણેલા ખુદ લાઇફ ટ્રેનર થઈને કમિશન એજન્ટની જેમ કોર્સ વેચે ને નવા મેમ્બર્સ ભેગા કરી કમાય !
કોવિડ અગાઉ પણ નિકોલ આર્બર નામના એક વ્હીસલ બ્લોઅરે 'શેટ્ટી ફૂલ ઓફ શિટ' નામનો વિડિયો બનાવી શેટ્ટી સાહેબ બીજા કોના કોના વિડિયો, રેડિટ પરની ફિલ્મો, અન્યોની પોસ્ટસ કે બૂક્સમાંથી બેઠેબેઠું ઉઠાવી ક્રેડિટ વિના ચીપકાવી દેતા હતા એ પુરાવા સહિત મુકેલું. કેટલું તો વર્ડ ટુ વર્ડ બઠાવી લેવાયેલું મટીરિયલ હતું ! મૂળ વ્યક્તિઓએ એને મેઇલ પણ કરેલા યદાકદા, પણ કોઈ જવાબ જ નહોતો મળેલો. આર્બરના વિડિયો પછી શેટ્ટીની સો જેટલી પોસ્ટ એની ટીમે રિમૂવ કરી. ખાસ એજન્સી ભાડે રાખી સર્ચ એન્જીનના ઓપ્ટિમાઇઝેશન (રિઝલ્ટસ) ઉંચા દામે ફેરવવામાં આવ્યા એવો પણ ઉલ્લેખ છે. વકીલોએ આસિસ્ટન્ટની ભૂલ જેવા ખુલાસા કરી દીધા. કોવિડમાં વાત ઢબુરાઈ ગઈ. આ બધું ભોપાળું મોટા પાયે છતું થયા વિના આજે પણ કારોબાર ધમધોકાર ચાલુ છે !
આવી રીતે કોણ કોણ કેવી રીતે મૂરખ બનાવે છે ને ચેતી જવા માટે શું સાવચેતી રાખવી- થોડી વધુ વાતો શતદલમાં 'અનાવૃત' કરીશું !
ફાસ્ટ ફોરવર્ડ...
જેમ વૃક્ષના ડાળખા- પાંદડા બદલાયા કરે, મુળિયા નહિ. એમ તમારી વાતો, વિગતો, અભિપ્રાયો ભલે નવા નવા બદલાયા કરે, પણ મૂલ્યો અને સિદ્ધાંતો બદલાવા ન જોઈએ ! (વિક્ટર હ્યુગો)