Get The App

દેશમાં સમાન નાગરિક ધારો લાગુ પાડવો શકય બનશે ?

Updated: Jul 18th, 2021

GS TEAM

Google News
Google News
દેશમાં સમાન નાગરિક ધારો લાગુ  પાડવો શકય બનશે ? 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- કેન્દ્ર સરકારે સમાન નાગરિક ધારો (કોમન સિવિલ કોડ) લાવવાની વાત  છેડીને  વિવાદનો  મધપૂડો છંછેડયો છે. મુસ્લિમોનો એક બહુ મોટો  વર્ગ વિરોધનો સૂર આલાપી રહ્યો છે. 

આ ખા દેશમાં  રાજકીય  માહોલ ગરમાયો છે. બે વર્ષ પૂર્વે  કેન્દ્ર સરકારે સમાન નાગરિક ધારો (કોમન સિવિલકોડ)  લાવવાની વાત છેડીને વિવાદનો મધપૂડો છંછેડયો છે. મુસ્લિમોનો એક બહુ મોટો  વર્ગ વિરોધનો સૂર આલાપી રહ્યો છે. 

થોડાં સમય પૂર્વે કાયદા પંચે  વિવાહ, તલાક, ગુજરાન ખર્ચ અને પુરુષ તેમ જ મહિલાઓનાં લગ્નની ઉંમરથી સંબંધિત કાયદામાં સુધારાની ભલામણ કરી હતી. જોકે પૂર્ણ અહેવાલ  આપવાના બદલે અધ્યયન પત્ર જાહેર કરતાં પંચે ધાર્મિક સ્વતંત્રતાને જાળવી રાખી છે.  પંચે ખરું કહ્યું છે કે ત્રણ તલાક અને બાળવિવાહ જેવાં સામાજિક દૂષણોને ધાર્મિક  પરંપરાની  આડમાં  લાવીને  અમલમાં  મૂકવાની પરવાનગી હોવી જોઈએ નહીં. પરિવાર  કાયદામાં સુધાર શીર્ષક હેઠળ  બહાર પાડવામાં આવેલા પત્રમાં પંચે લખ્યું  છે કે ધર્મના નામે કાયદા અંતર્ગત  આનું  સંરક્ષણ લેવું ખૂબ મોટી ભૂલ હશે. અહીં ઉલ્લેખ કરવો ઘટે  કે ત્રણ તલાક અથવા તલાક-એ-બિદત પરનો ખરડો સંસદમાં પસાર થઈ ગયો છે.

પંચ તમામ ધર્મોના પર્સનલ લૉમાં રહેલી વિસંગતિઓ દૂર કરી  તેમાં સુધારા કરે એ જ ઈચ્છનીય  છે.  દેશમાં  ઘણી વિષમતા હોઈ સમાન નાગરિક ધારાના હિતધારકોમાં તેના પર વ્યાપક ચર્ચા થવી આવશ્યક છે અને સાથોસાથ પર્સનલ લૉમાંની ખામીઓ બંધારણના વ્યાપમાં રહી દૂર કરવાની પણ આવશ્યક્તા છે.  વિવાહ, છૂટાછેડા, દત્તક અને વારસાના પ્રકરણે પર્સનલ લૉમાં સુધારો સમયની માગ છે. 

  દેશમાં   સમાન નાગરિક ધારાની દિશામાં  આગળ વધવા માટે નિમાયેલા કાયદા પંચ  (લો કમિશન)  એ તમામ સમુદાયનાં સંગઠનો સાથે વિચાર-વિમર્શ કરવાનું નક્કી કર્યું છે,  પરંતુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ અને અન્ય મુસ્લિમ સંગઠનોએ લો કમિશનના બહિષ્કારની જાહેરાત કરવા સાથે જ કમિશન એક સ્વતંત્ર સંસ્થા તરીકે કાર્ય નથી કરી રહ્યું અને સરકારે આ બહાને  મુસ્લિમ  સમુદાય સામે યુદ્ધ છેડયું  હોવાનો  આક્ષેપ કર્યો હતો.

મુસ્લિમ બોર્ડે કહ્યું હતું કે લો કમિશને બહાર પાડેલી ૧૬ પ્રશ્નોની યાદી ફરેબી છે અને સવાલો એકતરફી છે.

મુસ્લિમ  પર્સનલ લો બોર્ડ તરફથી હઝરત મૌલાના વલી રહેમાનીએ જણાવ્યું હતું કે  સમાન નાગરિક ધારો (સિવિલ કોડ) દેશનાં હિતમાં ન હોવાથી બોર્ડ તેના વિરોધમાં છે,  ભારત તેની વિવિધતાઓ માટે જાણીતો  છે તેથી તેનું સન્માન થવું જોઈએ.  દેશમાં કોઈપણ વ્યક્તિ કે સમુદાય તેના ધર્મ પ્રમાણે  રહેવાની સ્વતંર્ત્રા દેશના  બંધારણે આપેલી છે.  જ્યારે  કોમન સિવિલ કોડ દેશના તમામ નાગરિકોને એક રંગે રંગી નાખશે તેથી દેશની વિવિધતામાં  એકતાની મૂળ ભાવના સામે જોખમ ઊભું થશે.

એક તરફ  દેશમાં હવે રૂઢીવાદી માનસિક્તા તૂટી રહી છે, બધા સમાજો નજીક આવી રહ્યા છે. આજના ભારતમાં ધર્મ અને જાતિના સીમાડા ઝડપથી તૂટી રહ્યા છે. આંતરધર્મી અને આંતરજાતીય લગ્નો અને છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયમાં દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાનો એકદમ યોગ્ય સમય છે તેમ દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડા સંબંધિત એક ચૂકાદામાં જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ૧૯૮૫માં આ સંદર્ભમાં નિર્દેશો આપ્યા હોવાનો ઉલ્લેખ કરીને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ દિશામાં પગલું લેવાની પણ ભલામણ કરી છે. હાઈકોર્ટે ઉમેર્યું કે અલગ અલગ ધર્મો અને જાતીઓના પર્સનલ કાયદાઓના કારણે યુવાનોની સાથે અદાલતોએ પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક કાયદા સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે.

આમ જુઓ તો આ  વિવાદ આઝાદી પૂર્વેથી  ચાલ્યો આવે છે.  કાયદે  આઝમ  મોહમ્મદ અલી ઝિણા  છેક  ફેબુ્રઆરી  ૧૯૨૫ માં   બ્રિટિશ ભારતની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં  એવું  બોલ્યા હતા  કે ભારતમાંની અદાલતો માટે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કરવું એ ભૂલભરેલું ગણાશે. આ પ્રકારે શરિયાના કુરાન મુજબના અર્થઘટનનાં દ્વાર બંધ કરી દેવાયાં હતાં.

અત્રે એ  ઊલ્લેખનીય  છે કે  ઓક્ટોબર, ૧૯૩૧માં મહાત્મા ગાંધીએ લંડનની ગોળમેજી પરિષદની લઘુમતી સમિતિ દ્વારા વિચારણા કરવા માટે એક આવેદનપત્ર રજૂ કર્યું. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 'પર્સનલ લોઝ (અંગત કાયદા)ને બંધારણમાં ઘડેલી ચોક્કસ જોગવાઈઓ દ્વારા રક્ષણ આપવામાં આવશે.'

એપ્રિલ, ૧૯૩૮માં કોંગ્રેસપ્રમુખ જવાહરલાલ નેહરુએ ઝીણાને લખેલા પત્રમાં લખ્યું હતું કે 'તેમનો પક્ષ કોઈપણ કોમના પર્સનલ લોમાં કોઈ પ્રકારે ચંચુપાત કે દખલ કરવાની ઈચ્છા ધરાવતો નથી.' તેમ છતાં દેશના ભાગલા પડયા બાદ આ વિવિધપૂર્વકની બાંયધરીને ફગાવી દેવામાં આવી હતી. 'ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઑફ સ્ટેટ પોલિસી' અંતર્ગત ડિસેમ્બર, ૧૯૪૮માં બંધારણીય એસેમ્બલી દ્વારા ભારતીય બંધારણની ૪૪મી કલમ ઘડવામાં આવી.

દરમિયાન ૧૯૪૮ની બંધારણીય એસેમ્બલીના મુસ્લિમ સભ્યોએ વ્યક્ત કરેલી આશંકા ૨૦૧૬માં સાચી ઠરી છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પોતાની મુલાકાત વખતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'મુસ્લિમ મહિલાઓને બંધારણ મુજબના તેમના અધિકારો અપાવવાનું કામ સરકાર અને સમાજનું છે.' તેમણે એવો શોક વ્યક્ત કર્યો હતો કે 'કોઈ ફોન પર જ ત્રણ વખત તલાક કહી મારી મુસ્લિમ બહેનોનું જીવન નષ્ટ કરી નાખે તેમાં તેમનો શું દોષ છે?'

મોદીએ  નિવેદન કર્યું તે જ દિવસે અલીગઢના પ્રતિષ્ઠિત ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબના નેતૃત્વ હેઠળના એક મુસ્લિમ બુદ્ધિજીવીઓનાં જૂથે એમ જણાવતું નિવેદન કર્યું હતું કે 'મુસ્લિમોને તેમના (મોદીના) અચાનક ઉભરાયેલા 'મહિલાઓ પ્રત્યેના પ્રેમ'માં જરા પણ વિશ્વાસ નથી તેમ છતાં તેઓ ભારતમાં  ચલણમાં છે એવા ટ્રીપલ તલાકના કાયદાનો વિરોધ કરે છે અને તેને નાબૂદ કરવાની મુસ્લિમ મહિલાઓની માગણીનું સમર્થન કરે છે.' 

અત્યારે  બંધારણની  કલમ ૪૪માં લખાયેલી ભાષાના મુદ્દે સર્વત્ર ભારે ગડમથલ ચાલી રહી છે. મોટાભાગના લોકો એમ માને છે કે આપણા દેશમાં  કોમન સિવિલ લો (સમાન નાગરિક કાયદા) નથી. જો કે, હકીકતમાં  એ છે કે એક સિવાયના તમામ નાગરિકો કાયદા સમાન છે અને તે છે 'પર્સનલ લો' જે ધાર્મિક  જૂથો  કે સંગઠનોની  સાથે બદલાય છે. પર્સનલ લો લગ્ન, છૂટાછેડા, વારસો, નિભાવ, બાળકની કસ્ટડી અને દત્તક જેવી બાબતોેને સાંકળી લે છે.

પરંપરાગત રીતે તો પર્સનલ લોને  ધાર્મિક ગણવામા ંઆવ્યો છે. જો કે, તેને ખરેખર તો ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી.  અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે સમાન નાગરિક કાયદા માટેની માગણી કરનારા હિન્દુઓ પોતે બાળ ગંગાધર તિળક જેવા આઈકોનિક નેતાથી દોરવાયા  હતા અને તેમણે હિન્દુ પર્સનલ લો, ધાર્મિક કાયદો હોવાનો દાવો કર્યો હતો તેમ જ તત્કાલીન બ્રિટિશ રાજવટને  તેમાં  ચંચુપાત નહીં કરવાની   ચીમકી આપી હતી.

ઉલ્લેખનીય   બાબત છે કે  બંધારણનું  ચેપ્ટર-૪, જેમાં કલમ ૪૪ આપેલી છે તે બંધારણના 'ડાયરેક્ટરિવ પ્રિન્સિપલ' પર આધારિત છે. તેમાં સમગ્ર રાષ્ટ્ર તરીકે તમામ વર્ગના લોકોનાં હિતનું ધ્યાન રાખવું જરૂરી બને છે.  

ભારતમાં હિંદુ-મુસ્લિમને લાગુ પડતા કાયદા અલગ અલગ હોવાથી ઊભી થયેલી સ્થિતિ દૂર કરવા કોર્ટે આ સૂચન કર્યું છે. બંધારણની કલમ ૪૪ હેઠળ રાજ્યને તેની નીતિ ઘડવા માટે જે આદેશાત્મક માર્ગરેખા દીધી છે તે પ્રમાણે કોર્ટે વડા પ્રધાનને 'તાજી નજર' નાખીને સમાન સિવિલ કોડ અમલમાં લાવવા  પગલાં લેવાં કહ્યું છે. 

આ જ્વલનશીલ મુદ્દે વકીલો અને બુદ્ધિમંતોના અભિપ્રાયો સાવ અલગ  અલગ છે. અમદાવાદના ઉદારમતવાદી પ્રોફેસર ડૉ.વારિસ અલવી કહે છે, 'ખરેખર તો આઝાદી વખતે જ સમાન સિવિલ કોડ લાગુ કરાયો હોત તો અંત્યારે સ્વીકારાઈ ગયો હોત. હજીય અનેક જાતિના પર્સનલ લૉ હેઠળ અન્યાય થઈ રહ્યા છે તેથી ચુકાદો આવકારદાયક છે.'

વડોદરાની  એમ.એસ.યુનિવર્સિટીના   એક  પ્રોફેસર  કહે છે, 'હા, હું સમાન સિવિલ કોડ ઈચ્છું છું. પણ મારો સવાલ એ છે કે સમાન સિવિલ કોડ કયો આવશે? ધર્મઝનૂનીઓ કહે છે તેવો કે વિવેકી માણસો સૂચવે છે તેવો? હું માનું છું કે સમાન સિવિલ કોડ ઘડવા માટે નિષ્ણાતોની એક પેનલ હોવી જોઈએ અને શરૂઆતમાં લોકોને તેની સાથે તાલમેલ બેસે તે માટેનો સમય દેવો જોઈએ.'

એ સાચું છે કે  જો સમજદારીપૂર્વકનો કોમન પર્સનલ લો (કાયદો) ઘડવામા ંઆવે તો તે અનેક દૂષણો, અન્યાય તેમ જ  વિવિધ  કોમોમાં પ્રવર્તતી ગેરરીતીઓને અટકાવવા-નાબૂદ કરવામાં મદદરૂપ થશે અને તેની સાથોસાથ દેશની એકતા તથા અખંડિતતાને સુધ્ધાં તે મજબૂત બનાવશે તેમ છતાં  એમ ધારી લેવું ખોટુ ંગણાશે કે આવા કાયદાની અનુપસ્થિતિમાં અખંડિતતાની પ્રક્રિયા નિષ્ફળ જઈ શકે છે.

 કાયદા પંચ તમામ ધર્મોના પર્સનલ લૉમાં રહેલી વિસંગતિઓ દૂર કરી  તેમાં સુધારા કરે એ જ ઈચ્છનીય  છે.  દેશમાં  ઘણી વિષમતા હોઈ સમાન નાગરિક  ધારાના   હિતધારકોમાં તેના પર વ્યાપક ચર્ચા થવી આવશ્યક છે અને સાથોસાથ પર્સનલ લૉમાંની ખામીઓ બંધારણના વ્યાપમાં રહી દૂર કરવાની પણ આવશ્યક્તા છે.  વિવાહ, છૂટાછેડા, દત્તક અને વારસાના પ્રકરણે પર્સનલ લૉમાં સુધારો સમયની માગ છે.