Get The App

બાળકોના ચહેરા પરનું હાસ્ય

Updated: Apr 17th, 2021

GS TEAM

Google News
Google News
બાળકોના ચહેરા પરનું હાસ્ય 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- પેરા બેરેટને માત્ર એટલું જ યાદ આવ્યું કે તે ઓટાકીના હાઈવે પર ડ્રાઈવ કરતા હતા. એની કાર સેન્ટર લાઈનને છોડીને બીજી તરફથી આવનારી ગાડી સાથે અથડાઈ ગઈ. 

મો ટાભાગના માનવીઓને મૃત્યુ સાવ નજીક આવે, ત્યારે જીવનનું મૂલ્ય સમજાય છે, પરંતુ ન્યૂઝીલૅન્ડના પેરા બેરેટને એના જીવનમાં સર્જાયેલી એક ઘટનાથી સમજાયું કે જીવન કેટલું બધું મૂલ્યવાન છે ! ન્યૂઝીલૅન્ડના ઓટાકીમાં જન્મેલા પેરા બેરેટનો ઉછેર અત્યંત સુંદર અને સુરમ્ય કુદરતી વાતાવરણમાં થયો હતો. નદી, પહાડ અને સમુદ્ર એ સહુ એના નાનપણના સાથી હતા. એમના દાદાની કાપીટી આઇલૅન્ડમાં જમીન હતી અને પિતા કાપીટી આઇલૅન્ડમાં નેચર ટૂર દ્વારા પ્રકૃતિદર્શન કરાવતા.

આમ પેરા બેરેટ એટલા નસીબદાર હતા કે કાપીટી આઇલૅન્ડ અને ઓટાકીના કુદરતી સૌંદર્યની વચ્ચે એમનું બાળપણ વીત્યું. જોકે પેરા બેરેટે વાઈટોહુ પ્રાયમરી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે તેને ખબર પડી કે એના જન્મ પહેલાં એની છ વર્ષ અને આઠ વર્ષની બે બહેનોનું કેપીટી સમુદ્રમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને સ્કૂલમાં તેનું સ્મારક રાખવામાં આવ્યું છે. બંને બહેનો સાથે જોડાયેલી અવનવી વાતો સાંભળતા એમનો અભ્યાસ શરૂ થયો.

રેપ ડાન્સનો શોખ ધરાવતાં અને રેપર બનવાનાં સ્વપ્ન જોતાં પંદર વર્ષની ઉંમરે હિપ હોપ ગ્રૂપે બનાવેલી ડેમ નેટીવ મ્યુઝિક વીડિયો જોઈ અને એના પરથી પ્રેરણા લઈને પોતાની આગવી સ્ટાઈલથી આલ્બમ બનાવ્યું. તેમને મરીન બાયૉલોજીસ્ટ બનીને વ્હેલ અને ડોલ્ફિન સાથે તરવું હતું. આવાં અનેક સ્વપ્ના સાથે વેલિંગ્ટનની વિક્ટોરિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. યુનિવર્સિટીના અંતિમ વર્ષમાં એની ભૂલના કારણે એક અકસ્માત થયો અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

બાવીસ વર્ષના પેરા બેરેટે આંખો ખોલી, ત્યારે એની આસપાસ નર્સ અને ડૉક્ટરો સારવાર આપી રહ્યા હતા. થોડી વારે બહુ મુશ્કેલી સાથે ધીમે અવાજે એટલું પૂછયું કે 'મને શું થયું છે ?' ત્યારે એક નર્સે બહુ શાંતિથી અને ધીરજથી સમજાવ્યું કે એની કારને અકસ્માત થયો છે. ત્રણ દિવસ સુધી બેભાન રહેલા પેરા બેરેટ માટે આ આઘાતજનક સમાચાર હતા. બીજે દિવસે ડૉક્ટરે આવીને એમને જણાવ્યું કે એમના માથામાં ઊંડો ઘા થયો છે. જડબામાં વાગ્યું છે અને પગમાં ઘણા ફ્રેક્ચર થયા છે, તેથી લગભગ ચાર મહિના વ્હીલચૅરના આશરે રહેવું પડશે.

પેરા બેરેટને માત્ર એટલું જ યાદ આવ્યું કે તે ઓટાકીના સ્ટેટ હાઈવે પર ડ્રાઈવ કરતા હતા. એની કાર સેન્ટર લાઈનને છોડીને બીજી તરફથી આવનારી ગાડી સાથે અથડાઈ ગઈ. ડૉક્ટરો, નર્સ અને દવાઓથી ધીમે ધીમે સારંુ થવા લાગ્યું, પરંતુ પોલીસે આવીને બેરેટને જે વાત કરી, તેનાથી તે સ્તબ્ધ થઈ ગયો. એને લાગ્યું કે એનાં બધાં સ્વપ્નાં ચકનાચૂર થઈ ગયા. પોલીસે એને જણાવ્યું કે જે ગાડીને એણે ટક્કર મારી હતી તેમાં બેઠેલી એક મોટી ઉંમરની મહિલાનું ત્યાં જ મૃત્યુ થયું હતું, જેને કાયદાની દ્રષ્ટિએ ગેરઈરાદાથી કરેલી હત્યા માનવામાં આવે છે.

આ સાંભળીને બેરેટને સતત એ જ વિચારો આવવા લાગ્યા કે 'મેં કોઈની જિંદગીને છીનવી લીધી ?' તે વિચારવા લાગ્યો કે ગાડીની ગતિ તેજ નહોતી કે ન તો એણે દારૂ પીધો હતો, પરંતુ જે ઘટના બની હતી તેની પીડા બેરેટને અસહ્ય થઈ પડી. પથારીમાં પડયા પડયા એને એક જ વિચાર આવ્યા કરતો હતો કે એને કારણે કોઈનું મૃત્યુ થઈ ગયું. એને થયું કે એ પ્રૌઢ મહિલાને બદલે એનું મૃત્યુ થયું હોત તો સારું થાત.

બે અઠવાડિયા હોસ્પિટલમાં રહ્યા પછી બેરેટ ઘરે આવ્યા, પરંતુ તેની બેચેની એટલી જ હતી. માતા-પિતાએ પણ એને સમજાવ્યું, પરંતુ તેની વેદના ઓછી થતી નહોતી. કોર્ટમાં કેસ ચાલ્યો અને ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે અદાલત માને છે કે આ એક દુર્ઘટના જ હતી, પરંતુ જે ઘટના બની છે તેની સાથે જ શેષ જીવન જીવવાનું છે.

આ ઘટનાએ પેરા બેરેટની જિંદગી બદલી નાખી. આગળ વધુ અભ્યાસ પૂરો કરવાને બદલે સંગીત અને લેખનમાં મન પરોવ્યું. માતા-પિતાનો તો ભરપૂર સાથ હતો. તેમાં ડેનિયલનો ઉમેરો થયો. ડેનિયલને એણે પોતાના ભૂતકાળની વાત કરી અને એની સાથે લગ્ન કર્યા. એ બે બાળકોનો પિતા બન્યો, પરંતુ એ દુર્ઘટના ભૂલી શક્યો નહીં. એણે જોયું કે માનવી પાસે સીમિત સમય છે. એમાં એણે બીજા લોકોને મદદ કરવાની છે. એમની ખુશીમાં જ સાચી ખુશી મળે છે. 

એનો એક મિત્ર ઑકલેન્ડમાં જરૂરિયાતમંદ બાળકોને ક્રિસમસમાં ભેટ આપવાનું કામ કરતો હતો. આ વાત બેરેટને સ્પર્શી ગઈ. એણે એની પત્ની અને પોતાના બેંકના સાથીઓ પાસે મદદ માંગી. બેરેટ દર વર્ષે હજારો ગરીબ બાળકોને સાંતા ક્લોઝ બનીને ક્રિસમસ ગિફ્ટ આપે છે. ૨૦૧૪માં શૂબોક્સ ક્રિસમસની સ્થાપના કરી. સ્વયંસેવકોની મદદથી ગિફ્ટને પૅક કરે છે અને બાળકો સુધી પહોંચાડે છે. વેલિંગ્ટનમાં પાંત્રીસ સ્કૂલોના સાડા ચાર-પાંચ હજાર બાળકોને એ ભેટ આપે છે.

એક વિદ્યાર્થિનીએ ક્રિસમસ ગિફ્ટમાં સ્ટેશનરી મળે તેવી માગણી કરતાં એમણે સ્ટેશનરી સ્ટાર્ટર પૅકની શરૂઆત કરી, કારણ કે બાળકોને વર્ષ દરમિયાન એનો ૧૪૦ ડૉલર ખર્ચ થાય છે, જે ઘણા માતા-પિતાને પરવડતો નથી. એ કહે છે કે બાળકોના ચહેરા પરનું હાસ્ય મને મુક્તિનો અનુભવ કરાવે છે. એના આવા ઉમદા કાર્યને કારણે સહુ એને 'પેરા ક્લોઝ' કહે છે. ૨૦૧૯માં 'ન્યૂઝીલેન્ડ લોકલ હીરો ઑફ ધ યર' અને ૨૦૨૧માં 'કિવિબેન્ક ન્યૂઝીલેન્ડર ઑફ ધ યર' જેવા સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

બાળકોના ચહેરા પરનું હાસ્ય 2 - imageનવી દિશામાં સફળ કદમ

બચતના પાંચ લાખ રૂપિયાથી કંપની શરૂ કરી. એ જ વર્ષે  તેર લાખનું ફંડ મળ્યું. એના સાહસને સફળતા મળતાં 2019-20માં પચાસ લાખ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું

આ પણી આસપાસ એવી ઘણી વ્યક્તિઓ જોવા મળે કે જેણે શિક્ષણ કોઈ એક વિષયમાં લીધું હોય અને એનું કાર્યક્ષેત્ર સાવ ભિન્ન હોય. કેરોલીન ગોમેજના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું છે. મધ્યપ્રદેશના સરલાનગર નામના નાના શહેરમાં કેરોલીનનો જન્મ થયો હતો. માતા-પિતા બંને સરલાનગર હાયર સેકન્ડરી સ્કૂલમાં કામ કરતા હતા. કેરોલીનની માતા મેરી વિક્ટોરિયા ગોમેજ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યા બાદ આચાર્ય બન્યાં. જ્યારે કેરોલીનના પિતા સેમસન ગોમેજ રાષ્ટ્રીય કક્ષાએ ફૂટબૉલ રમતા હતા અને સ્કૂલમાં એથ્લેટિક્સનું કોચિંગ આપતા હતા. યુવાનોને જુદી જુદી રમતો પણ શીખવતા હતા.

કેરોલીન આજે પણ સરલાનગરમાં વીતાવેલા પોતાના બાળપણને યાદ કરે છે. સરલાનગરના બગીચા અને ક્લબ, કોલોનીના મિત્રો સાથે વિતાવેલા એ 'ગુજરે હુએ સમય'ને માટે કહે છે કે ત્યાં સુરક્ષાની કોઈ ચિંતા નહોતી, આમ છતાં એના માતા-પિતા એને ક્યારેય સ્કૂલના પ્રવાસમાં કે બહાર જવા દેતા નહોતા. જોકે એ બીકનું કારણ એ હતું કે કેરોલીનની મોટીબહેન એક વખત રમતસ્પર્ધા માટે બહારગામ ગઈ હતી. એ પછી એમને એવો સંદેશો મળ્યો કે તે ખોવાઈ ગઈ છે. સદ્નસીબે એ મળી ગઈ, પરંતુ ત્યારથી એના માતા-પિતા કેરોલીનને ક્યારેય બહારગામ જવા દેતા નહીં.

આવા લાડકોડમાં ઉછરેલી કેરોલીનને નાનપણથી જ ઈલેક્ટ્રોનિક્સ વિષય પ્રત્યે આકર્ષણ હતું. ઘડિયાળ અને ઘરમાં રહેલાં અન્ય ઈલેક્ટ્રોનિક્સ સાધનો બગડી ગયાં હોય તો તેનું રીપેરિંગ કરવા લાગતી. આથી બારમા ધોરણના અભ્યાસ પછી ૨૦૦૮થી ૨૦૧૨ દરમિયાન છત્તીસગઢના દુર્ગમાં આવેલી સી.આઈ.એમ.ટી. કૉલેજમાં પ્રવેશ મેળવીને ઈલેક્ટ્રોનિક્સ અન્ડ ટેલિકોમ્યુનિકેશન્સમાં બી.ઈ.ની ડિગ્રી મેળવી.

તે સમયે તે પોતાના નાના-નાનીના ઘરે ભિલાઈમાં રહેતી હતી. ઘરથી કૉલેજ વીસ કિમી. દૂર હતી. ૨૦૧૧માં કૉલેજના મિત્રો મુંબઈ જતા હતા, ત્યારે કેરોલીને પિતા પાસે મુંબઈ જવાની મંજૂરી માગી. પિતાએ મંજૂરી આપી અને મિત્રો સાથે મુંબઈમાં ખૂબ મજા કરી, પરંતુ એનો આ આનંદ લાંબો ટક્યો નહીં. થોડા સમયમાં એના પિતાનું કૅન્સરમાં મૃત્યુ થયું.

પિતાનો સ્વભાવ એટલો મિલનસાર હતો કે કોલોનીમાં અને અન્ય જગ્યાએ એ જ્યાં જતી, ત્યાં સહુ એના પિતાની જ વાત કરીને એમને યાદ કરતા હતા. કેરોલીન કહે છે કે તેને પિતાના મૃત્યુનો આઘાત એટલો બધો લાગ્યો હતો કે તે અંદરથી સાવ ભાંગી ગઈ હતી, તેથી તે સરલાનગર છોડીને મુંબઈ આવી મુંબઈમાં એક કંપનીમાં એક્ઝીક્યુટીવ એડમિનિસ્ટ્રેટર તરીકે પચીસ હજારના પગારથી નોકરી કરી.

દોઢેક વર્ષ પછી પિતાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી અને યુ.કે.ની લંકેસ્ટર યુનિવર્સિટીમાં એમ.એસ. માટે પ્રયત્ન કર્યો અને પ્રવેશ મળી ગયો. એના શિક્ષણનો કેટલોક ખર્ચ એનાં સગાંઓએ આપ્યો. બે વર્ષ કેરોલીન લંડનમાં રહીને ફાયનાન્સમાં એમ.એસ.ની ડિગ્રી લઈને ૨૦૧૬માં ભારત પાછી આવી. ગુડગાંવમાં ફાયનાન્શિયલ એનાલિસ્ટ તરીકે એક કંપનીમાં નોકરી કરવા લાગી.

કેરોલીન જીવનમાં ગોઠવાતી જતી હતી. એના કામમાં એને આનંદ આવવા લાગ્યો, પરંતુ એવામાં એ વારંવાર બીમાર પડવા લાગી. ઘણી સારવાર કરી, પણ કશો ફેર પડયો નહીં. એના વાળ ખૂબ ઉતરવા લાગ્યા. ઘરેલુ ઉપચાર પણ કર્યા. આ સમયે તે આયુર્વેદિક ડૉ. ઉનિયાલને મળી. એમની સારવારથી સારું થવા લાગ્યું, તેથી એણે આયુર્વેદિક ઉપચારો પર સંશોધન કરવા માંડયું. એણે ડૉ. ઉનિયાલ દ્વારા અપાતી દવાઓ અને ઉત્પાદનો વિશે એમની સાથે ઘણી ચર્ચા કરી. કેરોલીન જેમ જેમ જાણકારી મેળવતી ગઈ, તેમ તેમ એને એમાં રસ પડવા લાગ્યો. તે પણ પોતાની સમજ પ્રમાણે જુદા જુદા પ્રયોગો કરવા લાગી.

ડૉ. ઉનિયાલે એને ત્રીસ  ઘટકોની સૂચિ આપી અને એ કેવી રીતે કામ કરે છે તેની સમજ આપી. જુદી જુદી જડીબુટ્ટીઓ વિશે જાણકારી આપી અને તેનાથી શું લાભ થાય છે તે શીખવ્યું. આ બધું જાણ્યા પછી કેરોલીને હેર ઑઇલની પાંચસો બોટલ બનાવી અને પરિવારજનો તેમજ મિત્રોને ભેટ આપી. એનાં ઉત્પાદનો અંગે ઉત્સાહજનક અને હકારાત્મક પ્રતિભાવ મળતા એનો આત્મવિશ્વાસ વધી ગયો. એણે ૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં રીવ્ઝ ક્લાઈવ ઑન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી. પોતાની બચતના પાંચ લાખ રૂપિયાથી કંપની શરૂ કરી. એ જ વર્ષે એપ્રિલ મહિનામાં તેર લાખનું ફંડ મળ્યું.

એના સાહસને સફળતા મળતાં ૨૦૧૯-૨૦માં પચાસ લાખ રૂપિયાનું ટર્નઆવર હાંસલ કર્યું, ત્યારબાદ જુલાઈમાં સિત્તેર લાખનું ફંડ મળ્યું. એ એના ઉત્પાદનો બહાર તૈયાર કરાવે છે, જેથી એ વેચાણ અને માર્કેટિંગ પર ધ્યાન આપી શકે. અત્યારે એની કંપનીમાં આઠ કર્મચારીઓ કામ કરે છે. તેઓ ઉત્પાદન કેમ વધે અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તથા વેચાણ વધારવા પર કામ કરી રહ્યાં છે. સેમસન ગોમેજની લાડપ્યારમાં ઉછરેલી નાની દીકરી કેરોલીન અત્યારે સફળતાપૂર્વક વ્યવસાય કરે છે.

Tags :