Get The App

વલ્લભભાઈ અસીલને બચાવવા કદી અસત્ય બોલ્યાં નથી

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈ અસીલને બચાવવા કદી અસત્ય બોલ્યાં નથી 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- વલ્લભભાઈ  એ બરાબર જાણતા હતા કે આવા અસીલના બચાવમાં શું ના કરવું. આ કેસમાં દોષિતને બચાવવાનો કોઈ પુરાવો તેમણે રજૂ કર્યો નહીં, કોઈ દલીલો કરી નહીં, કોઈની ઉલટ તપાસ પણ કરી નહીં, છતાં એ અસીલ નિર્દોષ છૂટી ગયો

વ કીલાતના વ્યવસાયમાં વલ્લભભાઈ પોતાના અસીલને માટે તો તેઓ કંઈ પણ કરી છૂટવાની તત્પરતા દાખવાતા હતા. કારણ કે તેમની નજર સામે અસીલને જીતાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નહી. કોઈપણ કેસ હાથમાં લીધા પછી તેની સાચી-ખોટી બાબતને નહીં, પરંતુ તેમાં હાર-જીતની શક્યતાને તેઓ ચકાસતા રહેતાં. કારણ કે તેમની સામે સત્યનિા, મૂલ્યનિા વગેરેની સમાંતરે અસીલને જીતાડવાનો કર્મયોગ અગ્રીમ સ્થાને રહેતો.

વલ્લભભાઈના નીકટના સાથી મિત્ર અને તેમની હયાતીમાં જ વલ્લભચરિત્ર લખનાર રાવજીભાઈ પટેલે આવો એક રસપ્રદ કિસ્સો નોંધ્યો છે. તેમાં વાત એમ હતી કે ભરજુવાનીમાં વિધૂર થયેલાં જે વલ્લભભાઈએ જીવનભર માન્યામાં ન આવે તેવો ચારિત્ર સંયમ કેળવ્યો હતો, તે વલ્લભભાઈ વકીલાતમાં એવો કેસ હાથમાં લઈ બેઠા હતા, જેણે એક જુવાન બહેનના ચારિત્ર્ય ઉપર હાથ નાંખ્યો હતો. એ બહેનના પરિવારજનોએ પેલા અસંયમી જુવાન વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરેલો, અને આરોપ મુકેલો કે એ ઉછંકલ જુવાને વ્યાભિચાર માટે યુવાન સ્ત્રીના ઘરમાં બળપૂર્વક પ્રવેશ કર્યો છે. વલ્લભભાઈ આવા ખોટા કેસમાં ચારિત્ર્યહીન અસીલને પડખે ઉભા રહે અને તેને જીતાડે એમાં સફળ કે પ્રતિતિ વકીલ તરીકે ભલે માન પામે, પરંતુ તેમની મૂલ્યનિા તો શંકાના ઘેરાવામાં જ આવે ને?

પરંતુ વલ્લભભાઈ એ બરાબર જાણતા હતા કે આવા અસીલના બચાવમાં શું ના કરવું. આ કેસમાં દોષિતને બચાવવાનો કોઈ પુરાવો તેમણે રજૂ કર્યો નહીં, કોઈ દલીલો કરી નહીં, કોઈની ઉલટ તપાસ પણ કરી નહીં, છતાં એ અસીલ નિર્દોષ છૂટી ગયો. સત્ય, મૂલ્ય અને કર્મની એરણે ચઢેલો આ કેસ વલ્લભભાઈની બોરસદ વકીલાત સમયનો બહુ ચર્ચિત અને વિચક્ષણ દાખલો બની ગયો.

એ વખતના બોરસદના અંગ્રેજ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કેસની દલીલો શરૂ કરતી વખતે વલ્લભભાઈએ નૈતિક અધ:પતન અંગે જુદા-જુદા સમાજોના વિચારો, રિવાજો અને માન્યતાઓ વિશે લાંબુલચક ભાષણ આપવા માંડયું. ત્યારે જજ સાહેબ તો નશામાં ચકચૂર બેઠેલાં, એટલે કાંઈ બોલ્યા નહીં. પરંતુ તેમનો શિરસ્તેદાર (આસિસ્ટન્ટ) વચમાં તાડૂકી ઉઠયો કે આ બધા વર્ણન કરવાને બદલે સીધી કેસની વાત કરો. વલ્લભભાઈને જોઈતી તક મળી ગઈ, અને તેમણે મેજિસ્ટ્રેટને સવાલ કર્યો કે મારે કેસ કોની આગળ ચલાવવાનો છે? હું શિરસ્તેદાર આગળ કેસ ચલાવવા આવ્યો નથી. 

આ મુદ્દે કોર્ટમાં થોડી ચકમક થઈ. છેવટે ગરબડ વધવાથી પેલા પીધેલાં મેજિસ્ટ્રેટ સફાળા જાગ્યા, અને તેમણે બગડેલી બાજી સંભાળી લેતાં વલ્લભભાઈને નરમાશથી પૂછયું કે તમારે અસીલના બચાવમાં શું કહેવું છે?

વલ્લભભાઈએ આ લાગ જોઈને દાવ બદલ્યો. તેમને થયું કે જજ નરમ થયાં છે, શરમમાં પડયા છે, એટલે તેમને થયેલી ગ્લાનિનો લાભ લઈને આખી વાતને આડે પાટે ચઢાવી દઈએ, અને જજની સહાનુભૂતિ થકી કેસને અસીલના બચાવમાં વાળી દઈએ. છતાં, પહેલાં તો એમણે કોર્ટને સ્પષ્ટ જણાવી દીધું કે હું મારા અસીલના બચાવમાં કાંઈ કહેવા માંગતો નથી. પરંતુ આપની પાસેથી જાણવા માંગુ છું કે ઈંગ્લેન્ડમાં આવા બનાવો ખૂબ બને છે, તો ત્યાંની કોર્ટમાં આવી ફરિયાદો આવે છે ખરી? જજ સાહેબે ગૌરવભેર કહ્યું કે ''હરગિજ નહીં. આવા કેસ ત્યાંની કોર્ટમાં આવતા જ નથી, કારણ કે ત્યાંની પ્રજા ઘણી સુધરેલી છે. ત્યાં આવા કાયદાની જરૂર જ નથી.'' હવે વલ્લભભાઈએ સોગઠી મારતાં કહ્યું કે ''એ સુધરેલી પ્રજા અહીં દોઢસો વરસથી રાજ કરે છે, તો ય એટલો સુધારો કરી ન શકી કે આવા કેસ કોરટમાં આવે જ નહીં? આપણે ત્યાં પણ એવો સુધરેલો સમાજ હોય, અને તેથી કરીને એમાં આવો કાયદો જ ના હોય, એ આદર્શ સ્થિતિ આપણા સમાજ માટે પણ જરૂરી નથી? આવા કઢંગા કાયદાનો અમલ ન થાય, તેની શરૂઆત તમારે ના કરવી જોઈએ?''

વલ્લભભાઈની સોગઠી બરાબર વાગી. પેલા અંગ્રેજ મેજિસ્ટ્રેટે એવો ચુકાદો આપ્યો કે આ કાયદો સભ્ય સમાજને અનુરૂપ નહીં હોવાથી ખોટો છે, માટે હું આરોપીને નિર્દોષ જાહેર કરું છું. આ કેસની જો અપીલ થઈ હોત તો કદાચ અંગ્રેજ મેજિસ્ટ્રેટની ટીકા થાત અને તેની વિરુદ્ધ ચુકાદો પણ આવત. પણ બોરસદ કોર્ટમાં તો તેમણે પોતાના અસીલને બચાવી લીધો, તો સામી તરફે પેલી બહેનના પરિવારજનોએ પણ વલ્લભભાઈનો આભાર માન્યો કે તેમના પરિવારની સ્ત્રીને કોર્ટના કઠેડામાં ઉભા રહીને શરમજનક સવાલોના જવાબો આપવામાંથી છૂટકારો મળ્યો.બીજીતરફ આરોપીને કોર્ટના કઠેડાનો બરાબરનો ડર બેસાડીને તેને પશ્ચાતાપનો શિરપાવ પણ અપાવ્યો.