Get The App

આયર્ન-ડૉમ : શ્રીકૃષ્ણની યુક્તિ અને અર્જુનની ધનુર્વિદ્યા!

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
આયર્ન-ડૉમ : શ્રીકૃષ્ણની યુક્તિ અને અર્જુનની ધનુર્વિદ્યા! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- ખાંડવવનમાં એ સમયે જે અગ્નિનું પ્રાગટય થયું, જેણે માંસભક્ષી જીવોનું ભક્ષણ કર્યુ, એને શાસ્ત્રોએ નામ આપ્યું, 'ક્રવ્યાદ અગ્નિ'! 

સ્વ યંનું સ્વાસ્થ્ય સુધારવાનાં પ્રયાસમાં અગ્નિદેવ દ્વારા છ-છ વખત ખાંડવવનનાં દહન માટે દાવાનળ પ્રગટાવવામાં આવ્યો, પરંતુ દેવરાજ ઈન્દ્રનાં મિત્ર હોવાને નાતે નાગરાજ તક્ષકની વિનંતીને કારણે વારંવાર વરસાદ વરસવાને કારણે અગ્નિદેવનો ધ્યેય પૂર્ણ ન થઈ શક્યું. હવે તેઓ મૃત:પાય અવસ્થામાં ખાંડવવનનાં સુરક્ષિત સ્થાન પર પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં, ત્યાં એમને સર્વપ્રથમ વાર ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. અહીંયા સુધીની કથા ગતાંક સુધી માણી હતી.

ભગવાન શ્રીકૃષ્ણે અગ્નિદેવની આ દુર્દશા જોઈને ચિંતા વ્યક્ત કરી અને કારણ જણાવવા કહ્યું. પ્રત્યુત્તરમાં અગ્નિદેવ દ્વારા સઘળો વૃત્તાંત જણાવી દેવામાં આવ્યો.

'ચિંતા ન કરશો, અગ્નિદેવ!' ભગવાન શ્રીકૃષ્ણે આશ્વાસન આપતાં કહ્યું, 'થોડા સમયની અંદર અહીં પાંડવો પધારશે. કૌરવો દ્વારા એમને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે ખાંડવવન આપી દેવામાં આવ્યું છે. આ ઘનઘોર જંગલમાં એક સમૃદ્ધ નગરી - ઈન્દ્રપ્રસ્થનું નિર્માણ કરવા માટે સર્વપ્રથમ તો સફાઈ આવશ્યક છે. આથી, આપની આવશ્યકતા રહેવાની છે.'

'પરંતુ પ્રભુ, છ-છ વખત મારા પ્રયત્નો વિફળ ગયાં છે. દરેક સમયે નાગરાજ તક્ષક પોતાના મિત્ર દેવરાજ ઈન્દ્રની સહાય થકી વન ઉપર ઘનઘોર વર્ષા કરાવી દે છે, જેથી મારું કાર્ય અધૂરું રહી જાય છે. સાતમી વખત જો હવે મારો પ્રયાસ નિષ્ફળ નીવડયો, તો મારું મૃત્યુ નિશ્ચિત છે!' અગ્નિદેવ અત્યંત મંદ સ્વરે માંડ માંડ આટલું બોલી શક્યા. 'એવું કશું નહીં થાય.' ભગવાન શ્રીકૃષ્ણે માર્મિક સ્મિત સાથે જણાવ્યું, 'આજ વખતે ખાંડવવનનું દહન થઈને રહેશે. આપ અવશ્ય સ્વસ્થ થઈ જશો.'

સાંત્વના આપીને ભગવાન તો ત્યાંથી પ્રસ્થાન કરી ગયાં, પરંતુ આ બાજુ અગ્નિદેવની વ્યાધિનો પાર નહોતો. એમને તો હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ બધું કેવી રીતે શક્ય થશે! નિર્ધારિત સમય પર ખાંડવવનનાં દહન માટે પાંડવો આગળ આવ્યાં.

શ્રીકૃષ્ણ પણ એમની સાથે ત્યાં ઉપસ્થિત રહ્યાં. અર્જુનને એમણે વિશેષ સૂચના આપતાં કહ્યું કે સર્વપ્રથમ તો તીરની પ્રચંડ વર્ષા સમગ્ર ખાંડવવન ઉપર થવી જોઈએ. એમણે વિશેષત: ભાર મૂક્યો, એક લોખંડી કવચ બનાવવા ઉપર! અર્થાત્ અર્જુન દ્વારા એટલા બધાં તીરો ધનુષમાંથી છોડવામાં આવે, કે સમગ્ર ખાંડવવન ઉપર તીરનું એક અર્ધવર્તુળાકાર આવરણ બની જાય.

તીરોનાં આ આવરણને કારણે જો નાગરાજ તક્ષક ફરી એક વખત દેવરાજ ઈન્દ્રની સહાયતા લે, તો પણ એમના દ્વારા કરવામાં આવતો વરસાદ ખાંડવવનની આગને બૂઝાવી ન શકે, એ માટેની આ અમોઘ યુક્તિ હતી. યોજના મુજબ, અર્જુને બાણવર્ષા આરંભી. થોડા સમયની અંદર તો સમગ્ર જંગલ બાણથી ઢંકાઈ ગયું. તક્ષકે ઈન્દ્રની મદદ લઈને વરસાદ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ! અલબત્ત, તેને ક્યાં જાણ હતી કે શ્રીકૃષ્ણ આ ઘટના પૂર્વે  પણ એક વખત દેવરાજ ઈન્દ્રનાં અભિમાનનું ખંડન કરી ચૂક્યાં છે... ગોવર્ધન પર્વત ઊંચકીને! ગામવાસીને ઈન્દ્રનાં કોપથી બચાવવા માટે શ્રીકૃષ્ણે બાલ્યાવસ્થામાં પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચકી લીધો હતો. લાગલગાટ કેટલાંય દિવસો સુધી ઈન્દ્રએ મુશળધાર વરસાદ વરસાવ્યે રાખ્યો, પરંતુ તેનું ષડયંત્ર વિફળ નીવડયું હતું.

બસ, એવી જ રીતે આજ વખતે પણ ભગવાન શ્રીકૃષ્ણની દિવ્યલીલા અને યુક્તિ થકી અગ્નિદેવ ખાંડવવનનું દહન કરી શક્યાં અને ત્યાં નિવાસ કરતાં ખૂંખાર માંસભક્ષી જીવોનું ભક્ષણ કરી સ્વાસ્થ્યમાં સુધાર લાવી શક્યાં. આ ઘટના પછી એમનું સ્વાસ્થ્ય ક્રમશ: ઉત્કૃષ્ટ થવા માંડયું અને ફરી વખત પહેલાંની જેમ વૈદિક યજ્ઞાો શરૂ થઈ શક્યાં.

ખાંડવવનમાં એ સમયે જે અગ્નિનું પ્રાગટય થયું, જેણે માંસભક્ષી જીવોનું ભક્ષણ કર્યુ, એને શાસ્ત્રોએ નામ આપ્યું, 'ક્રવ્યાદ અગ્નિ'! કોઈપણ શુભ કાર્યો અથવા હોમ-હવનમાં પ્રજ્વલિત થતાં અગ્નિને કહેવામાં આવે છે, 'જાતવેદ અગ્નિ'! પરંતુ અશુભ કાર્યો અથવા સ્મશાનમાં પ્રજ્વલિત અગ્નિને કહેવાય છે 'ક્રવ્યાદ'!

આ કારણોસર, જો ધ્યાનથી વિચારો તો 'શ્રીસૂક્તમ્'માં ભગવાન જાતવેદ અગ્નિને પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓ દેવી મા લક્ષ્મીને આહ્વાન આપે. મા પદ્મિનીને જાગૃત કરવા માટે તથા સ્વયંનાં જીવનમાં તમામ પ્રકારની સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવવા માટે 'શ્રીસૂક્તમ્'ને અમોઘ શસ્ત્ર માનવામાં આવે છે, જેના થકી શ્રીવિદ્યા સાધના પણ સંભવ છે. 'શ્રીસૂક્તમ્'નાં આરંભ અને અંત એમ બંને ઋચાઓમાં 'જાતવેદ અગ્નિ'નો ઉલ્લેખ જોવા મળે છે.