Get The App

મારી પાસે એની અંતિમ નિશાની છે... .

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
મારી પાસે એની અંતિમ નિશાની છે...                           . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- લાગણીઓ નવો સવો આકાર લઈને એક કુણા સંબંધમાંથી વૃક્ષ બનવા તરફ આગળ વધતી હતી ત્યાં જ મોટો ભડકો થયો અને બંનેની લાગણીનો કુણો છોડ તેમાં સ્વાહા થઈ ગયો...

'આ જે તો દિવસ જ કેવો ઉગ્યો છે ખબર નથી પડતી. પહેલાં શારદા મોડી આવી, પછી લોટ બાફવામાં મોડું કર્યું અને હવે મારે પાપડ મુકવા જવા છે પણ ધાબે મારી સાથે કોઈ આવે તેમ નથી. ખબર નહીં કાલે કોનું મોઢું જોઈને દિવસ પૂરો કર્યો હતો.' - દિપ્તી બબડાટ કરતી કરતી ઘરની અગાસીમાં આવી અને બગીચામાં ત્રણ-ચાર દુપટ્ટા અને એક સાડી પાથર્યા અને તેની ઉપર ઈંટો મુકી.

'શારદા લોટનું તપેલું ઉપર મુકી જા. મારે આજે બીજા પણ ઘણા કામ છે. તું નીચે રસોડું સાફ કરીને ઘરમાં પણ સાફસફાઈ કરી દેજે. જમવાનું બની ગયું છે એટલે હવે બીજું કોઈ કામ નથી. હા, તારી મોટીને આજનો દિવસ મારી પાસે રહેવા દેજે તો મારે ઝટ કામ પૂરું થાય. એ બપોરે તારા ઘરે આવી જશે.' - દિપ્તીએ બુમ મારી અને પાસે પડેલી ખુરશીમાં ગોઠવાઈ. 

શારદા ઉપર આવીને લોટનું તપેલું મુકી ગઈ અને દિપ્તી પાપડ દબાવીને બનાવવા બેઠી. તેણે શારદાની મોટી છોકરી સોનુને પાપડ દબાવતા શીખવ્યું અને તેને એક પછી એક આપવા કહ્યું. લગભગ કલાકમાં તો મોટાભાગના પાપડ બનીને સુકાવા મુકાઈ ગયા. છેલ્લો લોટ ચાલતો હતો ત્યાં જ એક ફૂટબોલ આવીને સુકવેલા પાપડ ઉપર પડયો અને સામેની તરફ અગાસીની દિવાલને અથડાઈને દિપ્તીના બરડે પાછો અથડાયો.

'આ કોણ સવાર, સવારમાં ફૂટબોલ રમવા માંડયું છે. કૌશલ્યા કાકી આ તમારી અગાસીમાં કોણે ફૂટબોલ રમે છે. વિવાન તું આવ્યો છે બેટા... અહીંયા મારા પાપડ તૂટી ગયા, જરા ધ્યાન તો રાખ.' - દિપ્તીએ થોડા અણગમા સાથે કહ્યું.

'સોરી આન્ટી, મેં થોડી વધારે જોરથી કિક મારી દીધી. વિવાનનો વાંક નથી. આઈ એમ સોરી.' - એક છોકરાએ પાળી ઉપર ચડીને કહ્યું અને વિવાન પણ ત્યાં આવીને ઊભો રહ્યો. દિપ્તી તે છોકરાની સામે જ જોઈ રહી.

'કંઈ વાંધો નહીં બેટા, હવે ધ્યાન રાખજો. મારા પાપડ બન્યા પહેલાં જ તૂટી ના જાય. વિવાન, મહેમાન આવ્યા છે ઘરે. આ છોકરો કોણ છે, પહેલી વખત જોયો' - 

દિપ્તીએ કહ્યું.

'બુઆ, આ લોકો ઉપરના માળે રહેવા આવ્યા છે. દાદી કહેતા હતા કે, તેઓ અહીંયા ભાડે રહેવાના છે. આનું નામ સુદિપ્ત છે. તેના દાદી અને મારા દાદી નીચે વાતો કરે છે.' - વિવાને કહ્યું અને દિપ્તીના કાન સરવા થયા અને તેણે ચમકીને ફરી પેલા છોકરા સામે જોયું. તે હજી આગળ કંઈ બોલે તે પહેલાં જ કૌશલ્યા કાકી તેમની જ હમઉમ્ર મહિલા સાથે અગાસીમાં આવ્યા.

'દિપ્તી, તું અહીંયા...' - કૌશલ્યા કાકી સાથે આવેલી મહિલાએ પ્રશ્ન કર્યો અને દિપ્તી અનિમેષ નજરે તેમને જોતી હતી. 

'દક્ષા માસી તમે... તમે અહીંયા રહેવા આવવાના છો... આ છોકરો...' - દિપ્તીએ પણ સામે તેવી જ પ્રતિક્રિયા આપી.

'હા, હું અને સુદિપ્ત અહીંયા રહેવા આવ્યા છીએ. કૌશલ્યા બેન અમારા સગા થાય છે અને આ સુરજનો દીકરો છે. સુદિપ્ત.' - દક્ષાબેન બોલ્યા.

'સુરજે અહીંયા સાઉથ બોપલમાં જ ફ્લેટ લીધો છે. તેનું પઝેશન આવતા છ-સાત મહિના લાગે તેમ છે. તેથી આ લોકો અહીંયા જ રહેવાના છે. આમેંય છ મહિના સુદિપ્ત અહીંયા રહેશે તો વિવાન જોડે સેટ થઈ જશે અને તેની સ્કુલમાં પણ સેટ થઈ જશે.' - કૌશલ્યા કાકીએ કહ્યું.

'... તો સુરજ અને...' - દિપ્તીએ જીભ ઉપાડી ત્યાં જ દક્ષાબેન બોલ્યા.

'સુરજની ટ્રાન્સફર અમદાવાદ થઈ હતી. અમે વડોદરાનું ઘર વેચીને અમદાવાદ શિફ્ટ થવાનું નક્કી કરી દીધું હતું. ગત વર્ષે સુરજ અહીંયા મકાન ફાઈનલ કરી ગયો હતો. ચાર મહિના પહેલાં સુરજ અને સ્વાતી અહીંયા ફ્લેટનો દસ્તાવેજ કરીને વડોદરા પાછા આવતા હતા ત્યારે તેમની ગાડીને એક્સ્પ્રેસ હાઈવે ઉપર અકસ્માત નડયો હતો. તેમાં બંને અમને છોડીને જતા રહ્યા. મારી પાસે આ સુદિપ્ત બચ્યો છે જે સુરજની છેલ્લી નિશાની છે.' - દક્ષાબેન બોલ્યા અને ગળગળા થઈ ગયા.

'માસી તમે દુ:ખી ન થશો... હવે તમે અહીંયા આવી ગયા છો તો હું પણ તમારી સાથે જ છું. હું સુદિપ્તનું ધ્યાન રાખીશ. હું થોડું કામ પૂરું કરીને ત્યાં કાકીના ઘરે આવું છું. આપણે નિરાંતે વાત કરીએ.' - દિપ્તીએ કહ્યું અને દક્ષાબેનના રડમસ ચહેરા ઉપર પણ રાહતનું સ્મિત આવી ગયું. દક્ષાબેન અને કૌશલ્યાબેન નીચે ઉતર્યા અને દિપ્તીએ ઝડપથી બાકીના પાપડ બનાવીને સુકવવાનું કામ આટોપી લીધું. 

દિપ્તી નીચે આવી અને જમવા બેઠી પણ તેનું મગજ હજુ સુદિપ્તમાં જ અટકેલું હતું. સુરજની એ છેલ્લી નિશાની હતી. દિપ્તી પાસે પણ સુરજની છેલ્લી નિશાની હતી. આ વાત યાદ કરતા કરતા તે ભૂતકાળમાં સરી પડી.

દક્ષામાસી અને દિપ્તીને પરિવાર વડોદરામાં બિલકુલ બાજુ-બાજુમાં રહેતો હતો. તે સમયે દિપ્તી લગભગ દસમા ધોરણમાં હતી. તે સમયે દક્ષામાસી લોકો ત્યાં રહેવા આવ્યા હતા. સુરજ ત્યારે ૧૧મા ધોરણમાં હતો અને દિપ્તી દસમા ધોરણમાં હતી. બંને એકબીજાના મિત્રો બની ગયા હતા. થોડા સમયમાં તો બંને પરિવારો વચ્ચે ગાઢ સંબંધ કેળવાઈ ગયો હતો. કોઈપણ વાર-તહેવાર, પ્રસંગ હોય તેમાં બંનેની એકબીજાના ઘરે હાજરી અચૂક હોય. તેમાંય દિવાળી અને ઉત્તરાયણમાં તો બંને પરિવારો એકબીજાની અગાસીમાં જ હોય. સવારના નાસ્તાથી શરૂ કરીને બે દિવસ સુધી તમામ ખાવાપીવાનું બધું જ અગાસીમાં થતું. 

એક તરફ પારિવારિક સંબંધ ગાઢ થતા જતા હતા અને બીજી તરફ સુરજ અને દિપ્તીના સંબંધોમાં સતત પરિવર્તન આવતું જતું હતું. બંને પહેલાં પાડોશી મિત્રો ત્યારબાદ ગાઢ મિત્રો અને હવે એકદમ ગમતા મિત્રો થઈ ગયા હતા. બારમા ધોરણ બાદ દિપ્તીએ પણ સુરજની જ કોલેજમાં એડમિશન લીધું હતું. બંને હવે કોલેજમાં પણ એકબીજાની સાથે રહેતા અને ઘરે પણ અવારનવાર એકબીજાને મળતા રહેતા હતા. બંને લગ્ન પછીનું જીવન, સંતાનોના નામ, બધું જ વિચારી રાખ્યું હતું. દીકરો થાય તો સુદિપ્ત અને દિકરી થાય તો દિપ્સા નામ રાખવાનું પણ નક્કી કરી રાખ્યું હતું.

આ લાગણીઓ નવો સવો આકાર લઈને એક કુણા સંબંધમાંથી વૃક્ષ બનવા તરફ આગળ વધતી હતી ત્યાં જ મોટો ભડકો થયો અને બંનેની લાગણીનો કુણો છોડ તેમાં સ્વાહા થઈ ગયો. 

દિવાળીની રાત્રે દિપ્તી ઘરમાં દીવા કરતી હતી. બધે દીવા ગોઠવતી ગોઠવતી તે અગાસીમાં ગઈ. ત્યાં દીવા ગોઠવતી હતી ત્યાં જ સુરજ આવ્યો. તેણે દિપ્તીના હાથમાં લાલ ગુલાબનું એક બુકે આપ્યું અને હાર્ટ શેપનું એક ગ્રિટિંગ્સ કાર્ડ આપ્યું જેમાં વીલ યુ મેરી મી લખ્યું હતું. દિપ્તીએ બંને હાથમાં લીધા અને શરમાઈ ગઈ. બંને વાતો કરતા હતા ત્યાં જ દક્ષા કાકી અગાસીમાં આવ્યા અને દિપ્તી તેમને જોઈને નીચે નમીને સંતાઈ ગઈ.

તે ધીમે રહીને અગાસીમાં પડેલા એક ડ્રમમાં કાર્ડ અને બુકે મુકીને નીચે જતી રહી. ત્યારબાદ બંને પરિવારોએ દિવાળી, નવું વર્ષ બધું જ ઉજવ્યું પણ પાંચમા દિવેસ દિપ્તીની મમ્મી અગાસીમાં ગઈ અને તેના હાથમાં પેલો સામાન આવી ગયો. દિપ્તી તો મુકીને ભુલી ગઈ હતી પણ મમ્મીએ બધું પકડી પાડયું અને ઘરમાં જ્વાળામુખી ફાટયો.

મમ્મીને સમજાઈ ગયું હતું કે, આ બધું કોણે આપ્યું છે અને કેમ આપ્યું છે. મમ્મી થોડી અકળાઈ, પપ્પાની કોર્ટ ભરાઈ, જુબાનીઓ લેવાઈ અને અચાનક દક્ષા કાકી સાથેના પારિવારિક સંબંધોનો અંત આવી ગયો. જે પરિવારો એકબીજા વગર રોજિંદું ભોજન કરતા નહોતા તે હવે એકબીજાની સામે પણ જોતા નહોતા. દક્ષા કાકી તો લાગણી બતાવતા હતા પણ દિપ્તીના મમ્મી-પપ્પાએ એક અદ્રશ્ય દીવાલ ઊભી કરી દીધી હતી.

થોડા સમયમાં દિપ્તીનો પરિવાર અમદાવાદ શિફ્ટ થઈ ગયો. બીજી તરફ દક્ષા કાકી અને સુરજ ખુબ જ દુ:ખી થયા. દિપ્તીને એક વાતનો સંતોષ હતો કે, તેનો પહેલો પ્રેમ ખૂબ જ પવિત્ર હતો. તેણે સુરજે આપેલા આટફિશિયલ ગુલાબના બુકેમાંથી એક ગુલાબ કાઢી લીધું હતું જે આજે પણ તેની પાસે છે. બાકીનું બધું તો મમ્મીએ ત્યારે જ સળગાવી દીધું હતું. છતાં દિપ્તી પાસે તેની છેલ્લી નિશાની તે ફુલ હતું. દિપ્તીએ તિજોરી ખોલી અને તેના લોકરમાં રહેલું ફુલ બહાર કાઢયું, હળવેકથી ચુમ્યું અને પાછું મુકી તિજોરી બંધ કરી દીધી.

'સુદિપ્ત' - દિપ્તીએ એટલું કહ્યું અને તેના ચહેરા ઉપર સંતોષનું એક સ્મિત ઊભરી આવ્યું અને આંખોના ખુણા ભિંજાઈ ગયા.