Get The App

અર્વાચીન ભારતીય હોકીની શતાબ્દી શિખરથી તળેટી, ને પુન: ઉત્થાનની ગાથા

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
અર્વાચીન ભારતીય હોકીની શતાબ્દી શિખરથી તળેટી, ને પુન: ઉત્થાનની ગાથા 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલી હોકીના સૌપ્રથમ રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના 7 નવેમ્બર, 1926મા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો

સ મયની ચકડોળ સતત ચાલતી જ રહેે છે. ક્યારેક આકાશ હાથવેંતમાં લાગવા માંડે છે ને ક્યારેક છેક તળિયે હોવાનો અહેેસાસ કરાવતી રહે છે. વર્તમાન અને નજીકના ભવિષ્યથી થોડે ઊંચે જઈને જ્યારે પણ કોઈ પણ ક્ષેત્રનું વિહંગ-અવલોકન કરવાની કુશળતા કેળવાય તો એ બાબત સ્પષ્ટ જ થઈ જાય ક્યારેય કશું સ્થિર નથી. જેવી રીતે પૃથ્વી પર રહીને તેની ગતિનો અહેસાસ થતો નથી, તેવી જ રીતે કાળના ક્રમને નીરખવા માટે વિરાટના દર્શનની દ્રષ્ટિનો વિકાસ કરવો પડે અને તેના થકી જ અહેસાસ થાય વર્તમાનના પ્રયાસો એ ભવિષ્યની ઊંચાઈનો પાયો નાંખનારા બની રહેશે. દરેેક પ્રયાસમાં જેટલી નિષ્ઠા, ખંત અને ઉદાત્ત ભાવના સાથેના પરિશ્ચમનો પરસેવો રેડાયેલો હશે તેટલી જ વધુ અને ચિરકાલીન ઊંચાઈને હાંસલ કરી શકાય છે.

ભારતમાં હાલમાં પુન:ઉત્થાનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને સંસ્કૃતિ અને સ્વદેશીની પ્રાથમિકતાનો ઉદય થઈ રહ્યો છે. જ્યારે ભારતની પોતીકી રમત - હોકીમાં પણ વૈશ્વિક ફલક થી લઈને લોકહૃદયમાં તેના ગુમાવેલા સામ્રાજ્યના સિંહાસન પર ફરી આરુઢ થવાની આશા સંચરિત થઈ રહી છે. વૈશ્વિક મહા-રમતોત્સવ - ઓલિમ્પિકની છેલ્લી બે આવૃત્તિમાં ભારતની પુરુષ ટીમે  મેળવેલી કાંસ્ય સફળતાએ ફરી ઊંચાઈ તરફ પહોંચવાના પ્રયાસનું જ પ્રતિબિંબ છે. જે ઉજ્જવળ આવતીકાલને પણ દર્શાવી રહી છે. 

હોકીની રમત પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિની સાથે વણાયેલી રહી છે અને હાલમાં આધુનિક પ્રવાહમાં પણ તેે પોતાનો આગવો મુકામ હાંસલ કરવા માટેના પ્રયાસો જારી જ છે. અર્વાચીન યુગમાં ભારતીય હોકીની એક શતાબ્દીની લાંબી સફર પૂર્ણ થઈ છે. શતાબ્દી એ કોઈ પણ યાત્રાનો મહત્વનો પડાવ છે, જે પથને તો દર્શાવે છે જ, તેની સાથે સાથે ભવિષ્યના રોડમેપને તૈયાર કરવામાં પણ મદદરૂપ બને છે. આ તબક્કે વિકાસની યાત્રાના પડાવ તેમજ સફરના ચડાવ-ઉતારની તરફ સ્વાભાવિક રીતે જ ધ્યાન ખેંચાય. અર્વાચીન ભારતીય હોકીની શતાબ્દી એ સ્વદેશીનું ગૌરવ અનુભવતા દરેક માટે ઉજવણીનો પ્રસંગ છે, પણ હાલના તબક્કે આ વિરાટ મહોત્સવ જાણે ભારતીય હોકી અને તેની સાથે જોડાયેલા જૂજ ચાહકોનું કૌટુંબિક સીમાચિહ્નની ઉજવણી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

હાલમાં અર્વાચીન ભારતીય હોકીનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. ઈ.સ. ૧૯૨૫માં ૭મી નવેમ્બરના રોજ મધ્ય પ્રદેેશના ગ્વાલિયરમાં ભારતીય અને તે સમયે સત્તા સંભાળતા બ્રિટિશરોની એક બેઠક યોજાઈ અને ત્યારે ભારતીય હોકી સંઘની સ્થાપના થઈ. ભારતમાં ભારે લોકપ્રિયતા ધરાવતી ક્રિકેટની રમતનું સંચાલન કરતાં બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે કે બીસીસીઆઈ કરતાં ભારતીય હોકી સંઘ ત્રણ વર્ષની સિનિયોરિટી ધરાવે છે ! ભારતીય હોકી સંઘની સ્થાપનામાં આર્મી સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડની સાથે સાથે પંજાબ, બંગાળ તેમજ પશ્ચિમ ભારત હોકી સંઘ (હાલ વિખેરી નંખાયું છેે) તેમજ ગ્વાલિયર સ્પોર્ટ્સ એસોસિએશને મહત્વની ભૂમિકા ભજવી હતી.

તે સમયે ભારતમાં હોકીની રમત ભારે લોકપ્રિયતા ધરાવતી હતી અને તેના બહોળા વ્યાપને કારણે જ ૧૯૨૪માં જ્યારે આંતરરાષ્ટ્રીય હોકી સંઘની સ્થાપના થઈ, તેની પ્રેરણાના આધારે જ પછીના વર્ષે ભારતીય હોકી સંઘની રચના કરવામાં આવી. આ સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતીય હોકીને પણ સ્થાન મળ્યું. તે સમયે બ્રિટિશરોના આર્મી સ્પોર્ટ્સ બોર્ડે ભારતીય હોકીને વિશ્વફલક પર મૂકવામાં મહત્વની ભૂમિકા ભજવી. સ્થાપના બાદ ભારતની હોકી ટીમે સૌપ્રથમ વિદેશ પ્રવાસ ૧૯૨૬માં કર્યો હતો. ત્યારે ભારતીય આર્મીની હોકી ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી. આ ટીમમાં યુવા ખેલાડી ધ્યાનચંદ પણ સામેલ હતા, તેવું કેટલાક રેકોર્ડ્સ દર્શાવે છે.  ભારતીય ટીમ તરીકેની ઓળખ ધરાવતી તે ટીમે ન્યુઝીલેન્ડમાં ધૂમ મચાવતા ૨૧માંથી ૧૮ મેચો જીતી લીધી હતી અને બે મેચ ડ્રો રહી હતી. જ્યારે ટીમને એકમાત્ર હાર ૩-૪થી ન્યુઝીલેન્ડની ટીમ સામે મળી હતી. 

ભારતીય ટીમે રનની જેમ ગોલ ફટકાર્યા હતા અને તે પ્રવાસમાં ભારતીય આર્મીની ટીમે ૨૧ મેચમાં કુલ ૧૯૦થી વધુ ગોલ ફટકાર્યા હતા. જ્યારે હરિફ ટીમ ૨૧ ગોલ નોંધાવી શકી હતી. આ પ્રવાસથી પરત ફરતાં ભારત શ્રીલંકામાં પણ એક મેચ રમ્યું હતુ અને જીત્યું હતુ. આંતરરાષ્ટ્રીય હોકીમાં ધમાકેદાર શરુઆત કરનારી ભારતીય હોકી ટીમે ૧૯૨૮ના એમ્સ્ટ્રેડેમ ઓલિમ્પિકમાં એક તરફી જીતની સાથે સનસનાટી મચાવી હતી. ૧૯૨૮ થી લઈને ૧૯૫૬ સુધી યોજાયેલી સળંગ છ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સ્વર્ણિમ સફળતા મેળવીને આગવો ઈતિહાસ રચી દીધો હતો. મેજર ધ્યાન ચંદે ભારતીય હોકીને આખી દુનિયામાં ગૌરવ અપાવતા ડંકો વગાડી દીધો હતો. ભારત ૧૯૬૪માં પણ વિજેતા બન્યું હતુ.

જોકે ત્યાર બાદ ભારતીય હોકીનો સંઘર્ષનો કાળ શરુ થયો. આમ છતાં ભારતીય હોકી ટીમે ચંદ્રક જીતવાનો સિલસિલો તો જારી જ રાખ્યો હતો. હોકીના વર્લ્ડ કપમાં પણ ભારતે ૧૯૭૧માં કાંસ્ય, ૧૯૭૩માં રજત અને ૧૯૭૫માં સુવર્ણ ચંદ્રક જીતીને પોતાને હોકીની મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરી દીધી. આ દરમિયાન જ આખરે યુરોપીયન દેશોએ તેમના બાહુલ્યને સહારે આંતરરાષ્ટ્રીય હોકીમાં એસ્ટ્રોટર્ફ - કૃત્રિમ ઘાંસના મેદાનને ફરજીયાાત બનાવ્યું અને તેમનો આ નિર્ણય ભારત માટે ફટકા સમાન સાબિત થયો. રમતનું મેદાન જ બદલાઈ જતાં દોડવાથી લઈને તમામ પ્રકારના કૌશલ્યોમાં ધરમૂળ ફેરફાર થઈ ગયો અને તેની સાથે કદમ મિલાવવામાં સંઘર્ષ શરુ થયો. આ નિર્ણય પછી ભારત ૧૯૮૦ના મોસ્કો ઓલિમ્પિકમાં જ હોકીનો સુવર્ણચંદ્રક જીતી શક્યું હતું. જોકે ત્યાર બાદ તબક્કાવાર ભારતીય હોકીની પડતી જોવા મળી. 

ભારતીય હોકી સંઘના સંચાલનની સમસ્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરના કંગાળ દેખાવને કારણે ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં તો ભારત ક્વોલિફાય પણ થઈ શક્યું નહતુ. જે ભારતીય હોકીની સફરનો સૌથી નાલેશીભર્યો તબક્કો રહ્યો. જોકે ત્યાર બાદ ભારતીય હોકી સંઘની સામે હોકી ઈન્ડિયા સંગઠનની રચના કરવામાં આવી અને કાયદાકીય લડાઈના પગલે ભારતીય હોકીની ધૂરા હોકી ઈન્ડિયાના હાથમાં સોંપવામાં આવી ત્યાર બાદ પણ ભારતીય ટીમના દેખાવમાં ચડાવ-ઉતાર જોવા મળ્યા અને આખરે ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય હોકીનો ઓલિમ્પિક ચંદ્રકના દુકાળનો અંત આવ્યો અને ત્યાર બાદ ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમમાં પણ તિરંગો લહેરાવ્યો અને હજુુ પણ ભારતીય હોકી જોર-શોરથી આગળ વધવા માટે તૈયારી કરી રહી છે. 

વૈશ્વિક હોકીમાં મેજર ધ્યાનચંદનું નામ એટલા જ ગૌરવથી લેવામાં આવે છે, કે જેટલા ગૌરવથી બોક્સિંગમાં મુહમ્મદ અલીના અને ક્રિકેટમાં સર ડોન બ્રેડમેનના નામનો ઉલ્લેખ થાય છે. જોકે ભારતીય હોકીના અન્ય ધુરંધરોના નામ તેમના ચંદ્રકો અને સફળતા જેટલા લોકપ્રિય બની શક્યા નથી. 

ઈતિહાસમાં ભલે તેઓની છાપ અમીટ રહી છે. ભારતીય હોકી ટીમ તરફથી સૌથી વધુ ચાર-ચાર ચંદ્રકો જીતનારા ખેલાડી તરીકેનું ગૌરવ લેસ્લી ક્લાઉડીઅસ અને ઉધમ સિંઘ ધરાવે છે, જેઓ ત્રણ સુવણ અને એક રજત ચંદ્રક વિજેતા ટીમના સભ્ય રહી ચૂક્યા છેે. આ ઉપરાંત બલબીર સિંહ સિનિયરની સાથે સાથે રિચાર્ડ એલન, રંગનાથન ફ્રાન્સીસ, રણધીર સિંઘ, શંકર લક્ષ્મણ તેમજ હરિપાલ કૌશિક જેવા ઓલિમ્પિકની ગોલ્ડન હેટ્રિક ધરાવતા ખેલાડીઓના નામ હજુ પણ અજાણ્યા જેવા જ લાગે. 

ભારતને હોકીનો એકમાત્ર વર્લ્ડ કપ જીતાડનારા અજીત પાલ સિંઘની સાથે જયપાલ સિંઘ મુન્ડા, અસલમ શેરખાન, મેજર ધ્યાન ચંદના પુત્ર અશોક કુમાર, રુપ સિંઘ, પરગટ સિંઘ તેમજ ધનરાજ પિલ્લે સહિતના અનેક સિતારાઓ ભારતીય હોકીના ઈતિહાસને ઉજાળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય હોકી ટીમની સિદ્ધિઓએ હોકી ખેલાડીઓેને પણ આગવી ઓળખ અપાવી છેે. ગોલકિપર પી.આર. શ્રીજેશની સાથે સાથે હરમનપ્રીત સિંઘ, અમીત રોહીદાસ  તેમજ મનદીપ સિંઘ વગેરેને પણ આગવી ઓળખ મળી છે. 

એક શતાબ્દીની સફર બાદ હવે ભારતીય હોકીએ ફરી ઊંચાઈને હાંસલ કરવા તરફ આગેકૂચ કરી લીધી છે. છેલ્લા બે ઓલિમ્પિકના કાંસ્યએ ખેલાડીઓ અને ચાહકોની આંખોમાં સુવર્ણનું સ્વપ્ન ફરી ધબકતું કર્યું છે અને હવે તેના સાકાર થવાનો ઈંતજાર છે.