Get The App

જય જવાન, જય કિસાન .

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
જય જવાન, જય કિસાન                                 . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- દિવ્ય ઠાકુરે સૌપ્રથમ જમીન સુધારણાનું કામ કર્યું, કારણ કે તેઓ માનતા કે જો જમીન ફળદ્રૂપ અને સ્વસ્થ નહીં હોય, તો બધું વ્યર્થ છે

ભા રતીય સૈન્યમાં કર્નલનો હોદ્દો ધરાવતા દિવ્ય ઠાકુર છેલ્લા દિવસે યુનિફોર્મમાં આવ્યા, ત્યારે એમના મનમાં એક નવી દિશામાં કામ કરવાનો નકશો બની ચૂક્યો હતો. તેમણે નિવૃત્તિ પછી એ જ શિસ્ત સાથે નવું કામ શરૂ કર્યું. મનાલી પાસે આવેલા પોતાના વતનમાં સફરજનના બગીચા સંભાળવાનું શરૂ કરીને તેઓ મિલિટરી ઑફિસરમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત બન્યા. ૧૯૪૭માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એમના દાદા બ્રિગેડીયર રાજિન્દર સિંઘે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના દાદા હંમેશાં કહેતા કે યુદ્ધ સમયે દેશની રક્ષા કરવી, એ જ માત્ર દેશસેવા નથી, પરંતુ સાથોસાથ ધરતીમાતાની સેવા કરીને લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરવી તે પણ દેશસેવાનું જ કામ છે. તેથી દિવ્ય ઠાકુર માને છે કે ઓર્ગેનિક ફાર્મિંગ એ રક્ષણનું-બચાવનું-એક નવું સ્વરૂપ છે.

દિવ્ય ઠાકુર ૨૦૧૯માં નિવૃત્ત થયા અને સફરજનના બગીચા સંભાળવાનું નક્કી કર્યું. તેઓએ વિચાર્યું કે યુદ્ધભૂમિ પર ભૂખંડથી માંડીને હવામાન સુધી ધ્યાન રાખવાનું હતું, તો અહીં પણ એવું જ છે. હિમાલયનાં ગામોમાં સફરજન એ માત્ર કોઈ પાક નથી, પરંતુ એ પ્રજાની જીવનશૈલીમાં વણાયેલી બાબત છે. કેટલીય પેઢીઓથી સફરજનની ખેતી કરનારા અનેક લોકોના જીવનની કથા અને રોજગારી તેની સાથે જોડાયેલાં છે. ખેતીમાં કેમિકલનો ઉપયોગ વધ્યો હોવાથી તેમણે જ્યારે પહેલી વાર તેમના બગીચાનું સફરજન ખાધું, ત્યારે તેમને લાગ્યું કે આ બગીચાનો આત્મા ખોવાઈ ગયો છે. 

મનાલીની બાજુમાં ચાર એકર જમીન હતી, તેમાંથી તેમણે બે એકર જમીન પર સફરજનની ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને ગાલા સફરજનની જાત કે જે મૂળે ઈટાલીની છે, તેની વાવણી કરી. બીજો પ્લોટ કે જે સમુદ્રથી સાડા સાત હજાર ફૂટ ઊંચે હતો અને થોડા કિમી. દૂર હતો, તેમાં રોયલ ડીલીસીયસ સફરજનની જાતની વાવણી કરી. આમ શરૂઆતમાં બે એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને ભવિષ્યમાં તેમના મનમાં તેને ચાર એકર સુધી વિસ્તારવાની યોજના હતી. ઘણાં વર્ષોથી આ જમીન અન્ય વ્યક્તિઓ સંભાળતી હતી. દિવ્ય ઠાકુરે સૌપ્રથમ જમીન સુધારણાનું કામ કર્યું, કારણ કે તેઓ માનતા કે જો જમીન ફળદ્રૂપ અને સ્વસ્થ નહીં હોય, તો બધું વ્યર્થ છે. તેમણે ગાયનું છાણ, ગાયનું યુરીન, ગોળ, ચણાનો લોટ અને જ્યાં પહેલાં ક્યારેય ખેતી થઈ ન હોય તેવી માટી - આ બધા મિશ્રણને સોલર પાવરથી ચાલતા બાયોફર્મેન્ટરમાં નાખ્યું, તેમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્ત્વો ઉમેરીને બાયોફર્ટીલાઇઝર બનાવ્યું. આમાં નાખવામાં આવતો ગોળ સૂક્ષ્મજીવો માટે ખોરાકનું કામ કરે છે. દિવ્ય ઠાકુર હંમેશાં એવું માને છે કે આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન એકબીજાના પૂરક છે અને બાયોફર્ટીલાઇઝર એ તેનું પ્રમાણ છે.

પર્વતીય વિસ્તારોમાં પાણીનો સંગ્રહ એટલી જ મહત્ત્વની બાબત છે, તેથી તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે ટેન્ક બનાવી. આ ટેન્કમાં તેઓ પંદર હજાર લીટર પાણીનો સંગ્રહ કરે છે. માટી ભેજવાળી રહે તે માટે સેેન્સરના ઉપયોગવાળી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી. જીવજંતુઓથી સફરજનનું રક્ષણ કરવા લીમડાનું તેલ, હોર્ટીકલ્ચર મીનરલ ઓઇલ અને અન્ય જૈવિક કીટનાશકોનો ઉપયોગ કર્યો. તેમણે કૃમિ અને કીટકોના ઈંડાનો નાશ કરીને પાકનું રક્ષણ કરે તેવા ટ્રાઈકોગ્રામાનો ઉપયોગ કર્યો. તેમનું માનવું છે કે માટીના ભેજ અને ટેમ્પરેચરનો ડેટા તો સેન્સર આપે, પરંતુ સાચી સમજ તો દરરોજ ઝાડને જોવાથી આવે છે. તેમણે પદ્ધતિસર સફરજનની ખેતી કરવા માટે 'ધ સ્કૂલ ઑફ મોડર્ન એપલ ફાર્મિંગ'ના એક વર્ષના પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો. તેમણે જુલાઈ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ સુધીમાં સૌથી વધારે વીડિયો જોયા અને દર અઠવાડિયે વેબિનારમાં ભાગ લીધો. ભારતમાં આ એક માત્ર સફરજન ફાર્મિંગનો સર્ટિફાઈડ કોર્સ છે. આજે પણ તેઓ તેના સભ્ય છે અને તેના વિશેની અદ્યતન માહિતી મેળવી રહ્યા છે. આ ઉપરાંત ટકાઉ ખેતી માટે તેમણે નેશનલ ઇન્સ્ટિટયૂટ આફ એગ્રિકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટનો ત્રણ મહિનાનો ઑનલાઇન કોર્સ કર્યો. તેઓ કહે છે કે સૈન્યમાં તાલીમ અને જ્ઞાનનું જે મહત્ત્વ શીખવા મળ્યું હતું તેવું જ ફોર્મિંગમાં પણ છે. ૨૦૨૧માં સ્થપાયેલી જુજુરાના ફાર્મર પ્રોડયુસર કંપનીના તેઓ સભ્ય છે, જે ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા બસો સભ્યોથી શરૂ થયેલી તે આજે સાડા પાંચસો સભ્ય ધરાવે છે. તે નાના ખેડૂતો માટે લાઈફલાઈન છે. આ વર્ષે જુલાઈ ૨૦૨૫માં તેમના બગીચામાં અગિયાર ટન સફરજનનો પાક થયો, જેને દસ કિલોના અગિયારસો બોક્સમાં રાખવામાં આવ્યા. તેમણે તેમની બ્રાન્ડનું નામ રાખ્યું છે ટેન્કટુટ્રીઝ (Tanks2Trees). તેનું કારણ દર્શાવતા જણાવે છે કે તેમણે અને તેમના દાદાએ બખ્તરબંધ રોજીમેન્ટમાં કામ કર્યું છે. ટેન્કે અમારા કુટુંબની પરંપરાના ફેબ્રિકને વણ્યું છે અને આજે આ વૃક્ષો ટકાઉ ભવિષ્ય આપશે. સેનામાં રહીને જે અમૂલ્ય બાબતો શીખવા મળી, તે આજે ઉપયોગમાં આવી રહી છે. ખેતી એ સૌથી જૂની સેવા છે. એક સૈનિક દેશની સીમા પર રહીને રક્ષણ કરે છે. ખેડૂત ધાન્યની સલામતી આપીને આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.

મારું જીવન અંજલિ થાજો !

વ ર્ષા દેશપાંડે મહારાષ્ટ્રના સતારામાં રહીને મહિલા અધિકાર માટે કામ કરે છે. તેઓ એડવોકેટ છે, પરંતુ અદાલતના ખંડને બદલે જનસમૂહ વચ્ચે વધારે જોવા મળે છે. તેઓ માને છે કે જે લોકો કાયદામાં અને અન્યાય સામે લડવામાં વિશ્વાસ ધરાવે છે. તેના માટે એડવોકેટ એ મુખ્ય સ્ત્રોત છે. સામાજિક કાર્યકર્તા વર્ષા દેશપાંડેએ પોતાનું સમગ્ર જીવન ભારતની ગ્રામીણ, આદિવાસી, અલ્પસંખ્યક, વંચિત અને દલિત મહિલાઓને ન્યાય, સમાન અધિકાર અને સન્માન અપાવવામાં વીતાવ્યું છે. તેમણે જોયું કે ગ્રામીણ ભારતની મહિલાઓ માત્ર સામાજિક અને આર્થિક રૂપે જ નહીં, પરંતુ માનસિક રૂપે પણ એક ઊંડા અવિશ્વાસ અને ભયમાં જીવી રહી છે. તેમને ન તો શિક્ષણ મળ્યું છે, ન સ્વાસ્થ્ય સેવા, ન સંપત્તિ કે ન નિર્ણય લેવાનો અધિકાર. સ્ત્રીઓનું શારીરિક, માનસિક અને જાતીય રીતે તેના પતિ દ્વારા શોષણ થાય છે. દારુનું વ્યસન ધરાવતો પતિ બધી રીતે તેને હેરાન કરે છે અને બાળકો તેના પિતાને માતાને મારતા જોઈ રહે છે. આ બધી સમસ્યાઓ સામે વર્ષા દેશપાંડેએ અવાજ ઉઠાવ્યો અને ૧૯૯૦માં તેમણે દલિત મહિલા વિકાસ મંડળની સ્થાપના કરી. આ સંસ્થા છેલ્લા પાંત્રીસ વર્ષથી લૈંગિક ભેદભાવ, ઘરેલું હિંસા, બાળવિવાહ જેવી સમસ્યા સામે અવાજ ઉઠાવે છે.

વર્ષા દેશપાંડેએ સૌથી પહેલું કામ સતારામાં કેટલી મહિલાઓને તેના પરિવારજનોએ ત્યજી દીધી છે, તેના સર્વેનું કર્યું. આ બધી સ્ત્રીઓને એકત્ર કરીને કલેક્ટરને રાશનકાર્ડ આપવાની માગણી કરી અને તેમને યોગ્ય રોજગારી મળે તેવો પ્રયત્ન કર્યો અને આ સ્ત્રીઓને રાશનકાર્ડ મળ્યું. આની સફળતાથી પ્રેરાઈને સમગ્ર સતારા જિલ્લામાં આવી સ્ત્રીઓનો સર્વે કરવામાં આવ્યો. આશરે પાંચ હજાર મહિલાઓ એવી હતી કે જેને એના પતિ કે પરિવારે ત્યજી દીધી હતી. તેઓનું રજિસ્ટ્રેશન કરીને ગ્રામ્ય કક્ષાએ સેલ્ફ હેલ્પ ગ્રૂપ બનાવ્યા. તેમણે સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે જુદા જુદા પ્રોજેક્ટ શરૂ કર્યા. તેમાંનો એક છે 'ઝુંકા ભાખરી કેન્દ્ર' જે ત્યજાયેલી સ્ત્રીઓ દ્વારા ચલાવવામાં આવતું ભોજનકેન્દ્ર છે. તેઓ રસોઈ કરીને એસ.ટી. બસસ્ટેન્ડ આગળ આવતાં-જતાં મુસાફરોને ભોજન પૂરું પાડે છે. ૨૦૦૧માં તે મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સંસાધન ઓથોરિટી સાથે જોડાયું છે અને તે પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, ૨૦૦૫ અંતર્ગત તેને સર્વિસ આપવાની ૨૦૦૭થી મંજૂરી મળી છે. તેઓ 'સમતા યુવા જાગર' પ્રોગ્રામ ચલાવે છે તે અન્વયે તેઓ ઘરેલુ હિંસા, દહેજવિરોધી ચળવળ, બાળવિવાહ અને જાતિપરીક્ષણ જેવી સમસ્યાઓ સામે લડત આપે છે.

આ બધું કામ કરતા વર્ષા દેશપાંડેને ખ્યાલ આવ્યો કે પરિવારમાં સંતાનમાં પુત્રનું મહત્ત્વ હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન જાતિ પરીક્ષણ માટે સ્ત્રી પર દબાણ કરવામાં આવે છે અને જાતિપરીક્ષણમાં ખબર પડે કે પુત્રી છે તો તેના જન્મ પહેલાં જ ગર્ભ પડાવી નાખવામાં આવે છે. આવી માનસિકતા સમાજમાં દરેક ખૂણે ફેલાયેલી છે, તેથી તેની સામે કાયદાથી નહીં, પણ સંસ્કાર જગાડીને લડવું પડશે. તેમણે જાતિપરીક્ષણની સામે અભિયાન ચલાવ્યું અને પુત્રીજન્મના મહત્ત્વને સમજાવીને સમાજમાં જાગૃતિ આણવાનો પ્રયત્ન કર્યો. તેમણે ૨૦૦૪માં લેક લાડકી અભિયાન ચલાવ્યું, જેમાં જાતિપરીક્ષણ કરતાં રોકવાનું કામ કર્યું. ભારત સરકારના સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે તેમાં સહકાર આપ્યો અને સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, અહમદનગર, પુણે, બીડ અને મુંબઈ - એમ આઠ જિલ્લાઓમાં આ કામ કર્યું. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે તો મહારાષ્ટ્રમાં એક હજાર પુરુષે ૮૮૩ સ્ત્રીઓનું પ્રમાણ છે, જે ભારતમાં સૌથી ઓછું હતું. ૧૯૯૪થી ભારતમાં જાતિપરીક્ષણ કરાવવું ગેરકાયદેસર છે, આમ છતાં ઘણી જગ્યાએ જાતિપરીક્ષણ થાય છે અને કન્યાભ્રૂણ હત્યા પણ થાય છે. આને રોકવા માટે વર્ષા દેશપાંડેએ આશરે છપ્પન જેટલા સ્ટીંગ ઓપરેશન કર્યા અને અનેક ડૉક્ટરોને બેથી ચાર વર્ષ કે તેથી વધુ વર્ષની જેલની સજા થઈ.

વર્ષા દેશપાંડે સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ અને ધ નેશનલ ઇન્સ્પેક્શન અન્ડ મોનીટરીંગ કમિટીના સભ્ય છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ વિલેજ હેલ્થ ન્યૂટ્રીશન એન્ડ સેનિટેશન કમિટી માટે સહાય કરે છે. સરકારના 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાન અંતર્ગત બીડ જિલ્લામાં કમિટિના સાડા બાર હજાર સભ્યને તાલીમ આપી. અન્ય નવ જિલ્લામાં માસ્ટર્સ ટ્રેનર તૈયાર કર્યા જે સ્ત્રીઓના આરોગ્ય અને જાતિપરીક્ષણ વિશે લોકોમાં જાગૃતિ આણે છે. તેમણે છેલ્લાં સાડા ત્રણ દાયકામાં લાખો મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓના જીવનને વધુ સારું બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.  દલિત મહિલા વિકાસ મંડળના અધ્યક્ષ તરીકે ઘણા કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું છે. લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા બદલ ૨૦૨૫નો યુ.એન. પોપ્યુલેશન અવાર્ડ અમેરિકામાં એનાયત થયો. આ ઍવૉર્ડ મેળવનારા તેઓ ભારતના ત્રીજી વ્યક્તિ છે. આ પહેલાં ઇન્દિરા ગાંધી અને જે.આર.ડી. તાતાને આ ઍવૉર્ડ મળ્યો છે. તેઓ કહે છે કે આ સન્માન માત્ર એના સામાજિક સંઘર્ષની આંતરરાષ્ટ્રીય માન્યતા નથી, પરંતુ દાયકાઓથી જેમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે તેવી ભારતની મહિલાને વૈશ્વિક મંચ પર લાવવાની ઐતિહાસિક ઘટના છે. આ મારું સન્માન નથી, પરંતુ ભારતની હજારો મહિલાઓના સંઘર્ષ, સાહસ અને સામૂહિક ચેતનાને મળેલી વૈશ્વિક માન્યતા છે.