- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- શરીરના રોગોને દૂર કરવા માટે ધ્યાન અસરકારક ઉપાય છે. એ ભારતના ઋષિમુનિઓએ પાંચ હજાર વર્ષ પહેલાં જે સાબિત કરીને પોતાના નિરામય શતાયુ દ્વારા બતાવ્યું હતું, તે હવે આજના વૈજ્ઞાનિકો સ્વીકારવા લાગ્યા છે
આ જનું જગત અંતરીક્ષનાં રહસ્યો ઉકેલી રહ્યું છે. કોઈ અવકાશમાં રોકેટ કે મિસાઈલ્સ મોકલે છે, તો કોઈ ચંદ્ર કે મંગળ પર વસવાટ કરવાનું સ્વપ્ન સેવે છે. આમ વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં માનવજાતિએ હરણફાળ ભરી છે અને બીજી બાજુ એ જ માનવજાતિ અત્યારે અનેકવિધ પ્રશ્નોની પીડા ભોગવી રહી છે.
ક્યાંક વિદ્યાર્થી ઉચ્ચ ગુણ મેળવવા માટે ટેન્શન અનુભવી રહ્યો છે, તો ક્યાંક વળી કોઈ નોકરી કે પત્નીની ચિંતામાં વ્યથિત છે. જેમની પાસે સંસાર છે એને પણ સમસ્યાઓનો પાર નથી. ગરીબને પોતાની જરૂરિયાતનાં બે છેડાઓ કઈ રીતે ભેગા કરવા તેની ચિંતા છે, તો અમીરને એની અઢળક સંપત્તિની પાછળ રહેલા અયોગ્ય વ્યવહારોની પરેશાની છે.
એક અર્થમાં જુઓ તો માનવી એટલો બધો બેચેન છે કે એની આ બેચેની એના શરીર પર અસર કરે છે અને ધીરે ધીરે મનની મુશ્કેલીઓ એ તનની મુશ્કેલીઓમાં ફેરવાતી જાય છે. આજનાં ઘણાં રોગોનું સ્થાન માનવીનું મન છે અને એ રોગોનું રહેઠાણ માનવીનો દેહ છે. આને પરિણામે સાધનોથી પારાવાર સુવિધા પ્રાપ્ત થવા છતાં એના ચહેરા પર નિરાંત નથી, હાસ્ય તો બહુ દૂરની વાત થઈ. એ માનવીની આજની આ સ્ટ્રેસની પરિસ્થિતિ વિશે 'શ્રી રામકૃષ્ણ જ્યોત'ના સંપાદક અને રાજકોટ આશ્રમના અધ્યક્ષ અને વિશ્વભરમાં સ્વામી વિવેકાનંદના વિચારોનો ગ્રંથો અને પ્રવચનો દ્વારા પ્રસાર કરનાર સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ સ્ટ્રેસને દૂર કરવા માટે પોતાનાં અભ્યાસ, અનુભવ અને આંતરચેતનાનાં આધારે ઘણી મહત્ત્વની વાત કરી છે અને એને માટે એમણે બનાવેલાં ઉપાયો જોઈએ.
પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સાથે ગાઢ સંપર્ક ધરાવતા તેઓ નોંધે છે કે આજના માણસનું જીવન તનાવથી ભરેલું છે. તેથી જ માનસિક રોગો અને આત્મહત્યાનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. એ સંજોગોમાં મનુષ્યને જો સાચાં સુખશાંતિ આપી શકે તેમ હોય તો તે એકમાત્ર ધ્યાન છે. આ ઉપરાંત, અનેક રોગો વધી ગયા છે. મોટા ભાગના મનુષ્યો અનિદ્રાના રોગથી પીડાઈ રહ્યા છે. મનોરોગીઓનું પ્રમાણ વધતાં મેન્ટલ હોસ્પિટલો વધુને વધુ પ્રમાણમાં ખૂલી રહી છે. આવી પરિસ્થિતિમાં સાચા સુખ અને શાંતિ માટે ધ્યાનની જેટલી આવશ્યકતા આધુનિક યુગમાં રહેલી છે, તેટલી ક્યારેય નહોતી.
આજકાલ તો ઉદ્યોગોમાં આંત૨૨ાષ્ટ્રીય હરિફાઈ તીવ્ર બની છે. તેમાં ટકવા માટે ઉદ્યોગપતિઓ પણ સતત દોડધામ કરી રહ્યા છે. ઉપરાંત મજૂરોના પ્રશ્નો, મંદી, વગેરેને લઈને ધંધાકીય ક્ષેત્રે પણ તનાવ જોવા મળે છે. આથી જ મેનેજમેન્ટમાં 'સ્ટ્રેસ મેનેજમેન્ટ' મહત્ત્વનો વિષય બની ગયો છે. દેશવિદેશની અનેક કંપનીઓએ પોતાના અમલદારો અને ઓફિસરોના માનસિક તનાવને દૂર કરવા ધ્યાનના વર્ગો પણ શરૂ કર્યા છે. 'મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા' જેવી કંપનીઓ આ માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક એલિસ એલ્બર્ટ દ્વારા પ્રતિપાદિત આર.ઈ.ટી. વિધિ (R.E.T.- Rational Emotive Theory) નો ઉપયોગ કરી રહી છે. 'બિઝનેસ ટુડે'માં જણાવ્યું હતું કે લાર્સન એન્ડ ટુબ્રો, ડી.સી.એમ., સેમટેલ ઇન્ડિયા, એચ.પી.સી.એલ., બી.એચ.ઈ.એલ. વગેરે અનેક મોટી કંપનીઓએ આ માટે ધ્યાન અને યોગનો સહારો લીધો છે. આજે આર્થિક ક્ષેત્રે વિશ્વકક્ષાએ ગળાકાપ હરીફાઈ થઈ રહી છે તેથી મોટી મોટી કંપનીઓના મેનેજરોમાં માનસિક તનાવ વધી રહ્યો છે. ઈન્ટરનેશનલ સર્વે રિસર્ચ કોર્પોરેશન, શિકાગોના સર્વેક્ષણ અનુસાર હવે અમેરિકાની ૪૦ ટકા કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નિયમિત કાર્યક્રમોનું આયોજન કરે છે.
એમસ્ટરડેમના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી થીસન અનેક કંપનીઓમાં ધ્યાન અને કુંડલિની યોગ કરાવી રહ્યા છે. તેમણે પોતાના પુસ્તક (Rhythm of Managing)માં આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.
માનસિક તાણ દૂર કરવા ધ્યાન બહુ જ ઉપયોગી છે. એ અંગે ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. જાપાનના ન્યૂરો સાઈક્યાટ્રીસ્ટ શ્રી કાસ્માત્સુ અને શ્રી હીરાઈએ ઇ.ઇ.જી. દ્વારા ઝેન સાધુઓ ધ્યાન કરતા હતા, ત્યારે ધ્યાનની મગજ ઉપરની અસરો વિશે પ્રયોગો કર્યા. તેમણે પહેલાં તો ૧૦થી ૧૨ c.p.s.ના આલ્ફા તરંગો જોયા. પછી તરંગોની ફ્રીક્વન્સી ઘટીને ૯થી ૧૦ c.p.s. થઈ ગઈ અને આ પછી ૪થી ૭ c.p.s. ના થીટા તરંગો દેખાયા. થીટા તરંગો ચિત્તની પ્રશાંતિની માત્રાના સૂચક છે. આમ, વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે ધ્યાન મનને શાંત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
શરીરના રોગોને દૂર કરવા માટે ધ્યાન અસરકારક ઉપાય છે. એ ભારતના ઋષિમુનિઓએ પાંચ હજાર વર્ષ પહેલાં જે સાબિત કરીને પોતાના નિરામય શતાયુ દ્વારા બતાવ્યું હતું, તે હવે આજના વૈજ્ઞાનિકો સ્વીકારવા લાગ્યા છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ડો. હર્બટ બેન્સને પ્રયોગો દ્વારા પુરવાર કરી આપ્યું છે કે ધ્યાનથી મન ઉપર એટલી બધી અસર થાય છે કે 'બ્લડ પ્રેશર' ઓછું થઈ જાય છે. પોતાના આ પ્રયોગો અને તેનાં પરિણામ તેમણે The Relaxation Responses નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે.
મોટાભાગના શારીરિક રોગોનું કારણ મન છે. મનમાં જો ચિંતા હોય, હતાશા કે નિરાશા હોય તો શરીર અવશ્ય માંદું પડે છે. જણાવે છે કે સામાન્ય રીતે મગજને ૨૦ ટકા લોહી જોઈએ છે, પણ જો મગજમાં તનાવ હોય તો વધારે લોહી જોઈએ. આ વધારાનું લોહી મગજ, પેટ કે કરોડરજ્જુના સ્નાયુમાંથી લઈ લે છે. આથી અલ્સર, રક્તચાપ, હૃદયરોગ, સ્પોન્ડીલિસિસ વગેરે રોગો થાય છે. ડો. દીપક ચોપરાએ પોતાનાં સુપ્રસિદ્ધ પુસ્તકો 'ધ સ્વોન્ટમ હિલિંગ', 'ધ એઈજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઇન્ડ' વગેરેમાં ધ્યાનની માનસિક અને શારીરિક તંદુરસ્તી ઉપર કેવી અસર પડે છે, તે જણાવ્યું છે.
શરીર પર મનની કેવી અસર પડે છે તે વિશે એક રસપ્રદ પ્રસંગ પૂ. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક 'મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઇફ'માં ટાંકવામાં આવ્યો છે. એક સ્ત્રી સંધિવાના રોગથી પીડાતી હતી. ઘણી દવા કરી પણ રોગ મટતો ન હતો. આ રોગથી તે કંટાળી ગઈ હતી. તે 'ડિપ્રેશન'માં આવી ગઈ હતી એટલે તે એક 'સાઈક્યાટ્રીસ્ટ' પાસે ગઈ. તે મનોચિકિત્સકે તેની બધી વાતો ધ્યાનથી સાંભળી. પછી તેના પરિવારજનો વિશે તેને પ્રશ્નો પૂછયા અને ઘણી માહિતી મેળવી. તેમાંથી તેને તે સ્ત્રીના રોગનું મૂળ કારણ મળી ગયું. એ કારણ હતું, તેની બહેન સાથેનો અણબનાવ. એ ચિકિત્સકે તેને કહ્યું, 'તમારો રોગ હવે ગયો જ સમજજો, પણ તમારે તમારી બહેન સાથે પ્રેમભર્યો વર્તાવ કરવો પડશે. તમે તેને ખરા દિલથી ચાહશો તો તમે સાજા થઈ જશો.'
'ના, એને તો હું જિંદગીભર બોલાવીશ નહીં. એણે મારા વિશે બધાંને કેવું ખોટું ભરાવી દીધું છે. એ માફીને લાયક જ નથી.'
'તો પછી તમે જિંદગીભર આ આંગળાંની અકડાઈ અને સંધિવાના દર્દની પીડા ભોગવ્યા કરો.' 'આવું તે નિદાન કદી હોય ?' એમ કહેતી કહેતી તે સ્ત્રી ચાલી ગઈ. પણ બે-એક મહિના પછી તે હસતી હસતી પાછી આવી અને આભાર માનતાં તેણે એ મનોચિકિત્સકને કહ્યું, 'ખરેખર, તમારી સલાહ માનીને હું સામે ચાલીને મારી બહેનના ઘરે ગઈ અને કહ્યું, 'આખરે તો આપણે બેઉ સગી બહેનો છીએ. આપણી વચ્ચે આવા અબોલા શોભતા નથી. ચાલ, મેં તને બધું માફ કરી દીધું.' પછી તો મારી બહેન મને ભેટીને રડવા લાગી, તેણે પણ ભૂલ કબૂલ કરી લીધી. આમ, અમારી વચ્ચે પહેલાં જેવો જ પ્રેમનો તંતુ જોડાઈ ગયો. અને આશ્ચર્ય ! મારા સાંધાઓનું અક્કડપણું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. અને હવે તો હું લગભગ સાજી થઈ છું.' મનના ભાવોની શરીર પર કેટલી ઊંડી અસર પડે છે, એનું આ સચોટ ઉદાહરણ છે. ધ્યાનથી મન શાંત અને સ્થિર થાય છે અને તેથી શરીર પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. એ વિશે હવે પછી જોઈશું.


