- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- જયારે કશુંક ખુંચે, ખટકે, વાગે, પીડે ત્યારે સમજવું કે જીવન કોઈ મુલ્યવાન પાઠ ભણાવે છે
શબદ શબદ બહુ અંતરા સાર શબદ ચિત્ત દેય.
જા શબ્દૈ સાહેબ મિલૈ સોઈ શબદ ગહિ લેય.
- કબીર દાસજી
તે ઓ કહે છે શબ્દ-શબ્દમાં ભેદ હોય છે. જે શબ્દમાં સત્વ-સત્ય હોય તે લેવો. પરમ મળે તે શબ્દ પામી લેવો... બસ!
સાદી વ્યાખ્યા તો એક જ છે; કૃત્યો કે જીવનમાંથી અવતરે તે શબ્દ બાકી બધો બડબડાટ. આમ તો જ્ઞાનને બોલવાની અને ડહાપણને સાંભળવાની ટેવ છે. લાઓત્ઝે તો કહેતા કે જાણકાર બોલતો નથી અને બોલે છે તે અ-જાણ છે. આપણી ચેતનાને તસુભાર પણ આગળ ન ખસેડતો હોય તે શબ્દ નથી, સામાન છે. તેને ખભેથી ઉતારી નાખવો બહેતર છે.
બૌદ્ધ ધર્મની ઝેન ધારામાં પાઠશાળા કરતાં જીવનશાળામાં વધારે પાઠો શીખવાય છે. એક વખત એક ઝેન રોશી ચાલવા નીકળતા હતા ત્યારે એક યુવાન શિષ્ય તેની પાસે આવીને ફરીયાદ કરી : 'માસ્ટર મને અન્યની શાબ્દિક ટીકા અને કુથલી ભારે લાગે છે, ખટકે છે, પીડે છે.' તો માસ્ટર કહે, 'આવ, સાથે ચાલતા વાતો કરીએ.' મારગમાં રોશી મૌન જ રહ્યા. શિખર પર એક મોટા પત્થર સામે આવીને તેઓ ઉભા રહ્યા અને તેના શિષ્યને કહે, 'આ પત્થરને મન ભરીને કડવા શબ્દો કહે અને તેને લાતો માર.' શિષ્યે તેમ કર્યં, પણ ખરું. રોશી કહે. 'જો તેની સ્થિરતા અને સ્વસ્થતામાં કોઈ ફેર પડયો?' તો શિષ્યે ના કહી. પછી માસ્ટરે તેના હાથમાં એક અણીદાર પત્થર મુક્યો અને પૂછયું, 'તને વાગે છે?' તો શિષ્ય કહે, 'ના'. પછી માસ્ટર કહે, 'પત્થરને ભીંસ આપ, મુઠ્ઠી વાળી ને દબાવ અને કહે દુખે છે-પીડે છે?' ત્યારે પેલો કહે છે 'હા'. આખરે માસ્ટર શિષ્યના ખભે હાથ રાખીને કહે છે. 'બેટા, પત્થર સ્વયં નથી દુખાડતો પણ તેના પરની તારી પકડ અને ભીંસ તને પીડા આપે છે. અન્યના શબ્દનું પણ એવું જ છે. તે સ્વયં દુખ નથી આપતો પણ તે શબ્દ પ્રત્યેનું તારું વળગણ અને અર્થઘટન તને પીડા આપે છે.'
અન્યના શબ્દો, વિચારો, અભિપ્રાયો તો તેનો સામાન છે તેને આપણે ખભે લઈને ફરવાનું નથી, ઉતારી નાખવાનો છે. અન્યના શબ્દ થકી આપણે સ્વયંને સમજવાની અને મુલવવાની પણ જરૂર નથી. સામે અદભૂત સૂર્યોદય હશે તો પણ અન્યના ચશ્માથી તે સ્પષ્ટ નહીં દેખાય. થોરના કાંટાને નિરખવાથી લોહી નીકળતું નથી. હા, તેને પકડવાથી વાગે છે.
આપણી અને અન્યની જીવન કથા યાત્રા અલગ છે. બન્નેના જોડાંના માપ અને અંદરના ખુણાની ધાર પણ અલગ છે. અને હા, બન્નેની રઝળપાટ પણ અલગ છે. અન્યના જોડાં કે શબ્દો ડંખ પાડી દે છે. આપણે જ્યાંથી આવ્યા છીએ અને જ્યાં પહોંચવાનું છે તેના નકશા પણ અલગ છે. આપણો શબ્દકોશ અને વિચારકોશ જે જીવનમાંથી ઉતર્યો છે-નીતર્યો છે, તે જીવન પણ અલગ-અલગ છે. તેથી અન્યનો શબ્દ ખપતો નથી.
તથાગત બુદ્ધ કહે છે, જયારે કશુંક ખુંચે, ખટકે, વાગે, પીડે ત્યારે સમજવું કે જીવન કોઈ મુલ્યવાન પાઠ ભણાવે છે.


