- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- નેપોલિયન (પ્રથમ) પણ આ નગરની ભવ્યતા, પ્રાચીનતા અને જગત પરના પ્રગાઢ પ્રભાવને જોઈને આપોઆપ બોલી ઊઠયો હતો કે રોમનો ઇતિહાસ એ આખા જગતનો ઇતિહાસ છે.'
ત મે એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનોનું નામ સાંભળ્યું છે ? તમે આ નામ સાંભળીને નકારમાં માથું ધુણાવશો, પરંતુ આ નામ છે ઈટાલીના વિસેન્ઝામાં આવેલા એક નાનકડા ગામમાં જન્મેલા સોનિયા ગાંધીનું. ભારતીય રાજકારણમાં તો તેઓનો વિદેશી કુળમાં જન્મ્યા હોવાનો મુદ્દો ઘણા વખત સુધી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યો હતો, પરંતુ આ બધી રાજકીય બાબતોને અળગી કરીને જ્યારે ઈટાલીના પ્રવાસે ગયો, ત્યારે મારી નજર આ ભવ્ય દેશના અતીતની છબી અને વર્તમાન જનજીવનની તાસીર જોવાની હતી.
મૂળે તો વિશ્વનાં પાંચ ખંડના અગ્રણીઓનાં ડેલિગેશન સાથે વેટિકનમાં પોપ જ્હોન પોલ(દ્વિતીય) સાથે મુલાકાત યોજાઈ હતી અને ખ્રિસ્તી ધર્મના વરિષ્ઠ કાર્ડિનલો સાથે વૈશ્વિક પ્રશ્નો વિશે પરિસંવાદ યોજાયો હતો, પરંતુ ત્યાં પહોંચતા પૂર્વે ઈટાલીમાં ઇતિહાસના જિજ્ઞાસુ તરીકે મનમાં ઈટાલીની રાજધાની રોમ વિશે કેટલીય મધુર અને રોમાંચક કલ્પનાઓ કરી હતી. કારણ એટલું જ કે આ જગત ઘણા મહાનગરો ધરાવે છે, પણ એ સહુમાં શાશ્વત તો રોમ ગણાય છે અને એથી તો એ ઉક્તિ અત્યંત પ્રચલિત છે,' ઁછનન ઇર્ચગજ ન્ીચગજ ર્ા ઇર્સી' પોતાની માતૃભૂમિ ફ્રાંસ તરફ ગાઢ આસક્તિ રાખનાર નેપોલિયન (પ્રથમ) પણ આ નગરની ભવ્યતા, પ્રાચીનતા અને જગત પરના પ્રગાઢ પ્રભાવને જોઈને આપોઆપ બોલી ઊઠયો હતો કે રોમનો ઇતિહાસ એ આખા જગતનો ઇતિહાસ છે.'
રોમના સ્થાપત્યની ભવ્યતા અને એનાં સ્મરણીય સ્મારકો આ શહેરની રમણીયતામાં કોઈ ઓર વધારો કરતા હતા, પરંતુ એ સ્થાપત્યો નિહાળતા મારા ચિત્તમાં તો પ્રાચીન રોમન સામ્રાજ્યની ભવ્યતાની સ્મૃતિ જાગી ઊઠી હતી. પશ્ચિમી જગત પર પાંચ-પાંચ સદી સુધી આ શહેરનું આધિપત્ય હતું અને આ મહાનગર એ માનવસંસ્કૃતિનો લગભગ બે હજાર વર્ષ સુધી ધબકતો પ્રાણ બની રહ્યું. મનુષ્યજાતિનો અધ્યાય કે ઇતિહાસ રોમ વિના અધૂરો ગણાય.
શાશ્વત નગ૨ ૨ોમને ઓળખવું કઈ રીતે ? એની પ્રાચીનતા, એનો ઇતિહાસ, એની અગણિત પરંપરાઓ અને એને વિશેનો મુગ્ધભાવ - આ બધું ચિત્તમાં સાથે લઈને આ મહાનગરમાં પ્રવેશ્યો હતો, પણ 'અલ ઇટાલિયા'ના વિમાનમાં એક પ્રવાસીએ સલાહ આપી કે રોમને જાણવા માટે એની અપ્રતિમ કલાકૃતિનો વિચાર ન કરશો. ઇટાલિયન પ્રજાની જીવનશૈલીની કલ્પના ન કરશો. ઇટાલીના વર્તમાન રાજકારણની પળોજણ કે પંચાતમાં ન પડશો. રોમ એક એવું શહેર છે, જેનો પરિચય તમે પુસ્તકથી નહીં, પણ એનાં માર્ગો અને શેરીમાં પગપાળા ચાલીને જ મેળવી શકશો. એની શેરીઓમાં ઘૂમશો ત્યારે આપોઆપ એની ભવ્ય પ્રાચીનતાની ગૂઢતાનો પરિચય થશે. એના સૌંદર્યમંડિત વૈવિધ્યમય સ્થાપત્ય ધરાવતા ફુવારાઓમાંથી ઊડતા જલરાશિને જોશો એટલે તત્ક્ષણ રોમનોના સૌંદર્ય-પ્રેમની પ્રતીતિ થશે. એના માર્ગો પરનાં મહાન શિલ્પો એના જાજ્વલ્યમાન ભૂતકાળને એના સાંગોપાંગ અસબાબ સાથે તમારી સમક્ષ ખડો કરી દેશે. આથી રોમને ઓળખવા માટે આ નગરના રસ્તા પર પગપાળા જ ચાલવું પડે.
આ મહાનગર એક એવું વિરલ નગર છે કે જે પોતે કશુંય બોલ્યા વિના આપણને એનો પૂર્ણ આત્મપરિચય આપી દે છે. માત્ર તમારા ચિત્તમાં જીવંતરૂપે એનો ઇતિહાસ હોવો જોઈએ. તમારી આંખોમાં એ અમર કલાકૃતિઓને ભીતરની આંખોથી પામવાની શક્તિ હોવી જોઈએ. બસ, પછી રોમ શહે૨ જ આપોઆપ તમને મૌનની વાણીમાં સ્વયંનો ભવ્ય અને માર્મિક પરિચય રહેશે.
'અલ ઇટાલિયા'નું વિમાન ઇટાલીની ધરતી ૫૨ ઊતરે તે પહેલાં ઉદ્ધોષણા સંભળાઈ કે લિયોનાર્ડો દ વિંચી એરપોર્ટ પર થોડી ક્ષણોમાં વિમાન ઊતરશે. લિયોનાર્ડોનું નામ સાંભળતાં જ જગતને અમર કલાસર્જનો આપનાર એ મહામાનવનું સ્મરણ થયું. કેનેડી એરપોર્ટ કે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના નામથી ટેવાયેલા કાન લિયોનાર્ડો દ વિંચીનું નામ સાંભળીને થોડા ચમકી ઊઠયા. અરે ! એક કલાકારનું નામ એરપોર્ટ સાથે ! વિચારતો હતો કે ભારતના કોઈ હવાઈ મથકનું નામાભિધાન કલાકારના નામ પરથી કરવામાં આવ્યું છે ખરું ?
મહાનગર રોમમાં પ્રવેશ્યા ત્યારે એક બાબત એ પણ જોવા મળી કે અહીં લંડનની જેમ જ બહુમાળી મકાનો એ પ્રજાની પસંદગી નથી. એક વાર લંડનમાં સિટી કાઉન્સિલે આવાં બહુમાળી મકાનો બાંધ્યાં, પરંતુ ત્યાં કોઈ વસવા ગયું નહીં. એક તો આગ લાગે એટલે જાન જોખમમાં, વળી સંશોધનોએ એમ પુરવાર કર્યું કે બહુમાળી મકાનોમાં વસનારા વધુ માનસિક તાણ-સ્ટ્રેસ અનુભવતા હોય છે. આથી હાલત એવી થઈ છે કે લંડનની કાઉન્સિલે ઘણી મોટી કિંમત ચૂકવીને આ બહુમાળી મકાનો તોડવાનો કોન્ટ્રેક્ટ આપવાનું વિચાર્યું. મકાન તોડવાનું ય મોઘું પડે તેમ છે. તેથી હાલ લંડનનાં એક સમયનાં એ બહુમાળી મકાનો, અવાવરું મકાનો બની ગયાં છે.
ઇટાલીનાં મકાનોની બાંધણીમાં પ્રાચીન અને અર્વાચીન બંનેનું સંમિશ્રણ છે. પ્રાચીન રોમમાં ફરીએ ત્યારે એનું ઈંટોથી થયેલું બાંધકામ એની પ્રાચીનતાની ગવાહી પૂરે છે. અર્વાચીન રોમનાં મકાનો નાનાં પણ ઘાટીલાં છે. ક્યાંક વિશાળ ખેતરમાં એકાદ નાનું મકાન બાંધીને રહેતું એકલદોકલ કુટુંબ જોવા મળે, બહુ બહુ તો બે કે ત્રણ માળના ફ્લેટ મળે.
એરપોર્ટથી ઉતારા તરફ જતાં દરેક ફ્લેટની બહાર પડતી ગેલરી પર નજર પડી. આ ગેલરી એટલે નાનકડું ઉદ્યાન જ સમજી લો. સરસ મજાનાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં હોય, નાના નાના છોડ હોય અને એનાથી ગેલરી રળિયામણી બની હોય. પ્રજાની સૌંદર્યદ્રષ્ટિ એની હરિયાળી ગેલરીમાં પ્રગટ થાય છે ! આવી રમણીય ગેલરી ભારે ઉત્સુકતાથી હું જોઈ રહ્યો હતો, ત્યારે મારા સહપ્રવાસી ગીઓ૨ગીઓ કાલકાગ્નોએ કહ્યું કે રોમન પ્રજાના જીવનમાં ગેલરી મહત્ત્વનું અંગ છે. જે લોકો ફ્લેટમાં વસે છે એમને માટે આ ગેલરી એ પાડોશીઓ સાથેના સંપર્કનું જીવંત સ્થળ છે. એ પછી હળવાશથી કાલકાગ્નોએ ઉમેર્યું કે પડોશીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કામ પણ આ ગેલરીમાંથી થતું હોય છે ! આટલું બોલ્યા પછી ખડખડાટ હાસ્ય સાથે ઉમેર્યું કે જો તમારે 'ગોસીપ' કે ચાડીચુગલીનો ખજાનો મેળવવો હોય તો તે ઇટાલીની ગેલરીમાંથી મળી રહેશે.
કાલકાગ્નોની વાત સાંભળીને મને આપણી 'ઓટલા પરિષદ'નું સ્મરણ કરાવ્યું. જેનું સ્થાન આજે આપણે ત્યાં કદાચ બગીચાના બાંકડા પર કે પાનના ગલ્લાઓ પર બેઠેલા નવરા કે નિવૃત્ત લોકોએ લીધું છે.
નાનાં નાનાં મકાન અને ઘાસનાં ૨મણીય મેદાનો વચ્ચેથી મોટર પસાર થતી હતી ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. ઇટાલીના સૂર્યાસ્તની પણ એક જુદી જ અનુભૂતિ હતી અને સૂર્યની વિદાય સાથે અમે હોટલમાં પ્રવેશ કર્યો.
રોમમાં પ્રવેશ એટલે કે એક સમયના જાજ્વલ્યમાન રોમન એમ્પાયરની નગરીમાં પ્રવેશ. રોમમાં પ્રવેશ એટલે પેપલ સ્ટેટમાં પ્રવેશ અને રોમમાં પ્રવેશ એટલે ૧૮૭૧થી સંયુક્ત ઇટાલીની રાજધાનીમાં પ્રવેશ.
પહેલી નજરે ઇટાલિયન પ્રજાની એક વિશેષતા ઊડીને આંખે વળગી. આ પ્રજા કપડાંની ભારે શોખીન. એનાં કપડાંમાં સુઘડતા પણ એટલી જ હોય. રસ્તા પર ભાગ્યે જ લઘરવઘર કપડાં પહેરેલો માણસ જોવા મળે. ઇંગ્લેન્ડ અને ઇટાલીની પ્રજા પોશાકની બાબતમાં નખશિખ વિચાર કરતી લાગે. સહેજ પણ લઘરાપણું હોય, તો લેશમાત્ર ચલાવી ન લે. આનાથી સાવ અવળી ગંગા અમેરિકાનાં શહેરોમાં જોવા મળે. અવ્યવસ્થિત, ચોળાયેલો કે વિચિત્ર પોશાક પહેરનારા અમેરિકામાં ઠેર ઠેર મળે.
રોમની એ બજારમાં તૈયા૨ કપડાંની કતારબંધ દુકાનો જાણે ગ્રાહકોની રાહ જોતી ઊભી હોય ! એમાં ગ્રાહકોની અવરજવર પણ થતી હોય. ભારતની દ્રષ્ટિએે આ વસ્ત્રો ઘણાં મોંઘાં લાગે. દસ હજાર રૂપિયાનું સ્વેટર હોય અને પચીસ હજાર રૂપિયાનો ઓવરકોટ હોય, પણ આખા યુરોપમાં કપડાંની સિલાઈ માટે અને એના ફિટિંગ માટે ઇટાલીની કારીગરીને ભાગ્યે જ કોઈ આંબી શકે.
એમાંય ઇટાલીના ફ્લોરેન્સ શહે૨ની ઉત્તર-પશ્ચિમે આવેલું પ્રાટો એના સમૃદ્ધ લોકો માટે જાણીતું છે. ઇટાલીના સરેરાશ નાગરિકો કરતાં અહીંના લોકોની આવક બમણી છે, કારણ કે સોળ લાખની વસ્તી ધરાવતા આ ગામમાં પંદર હજાર ટેક્સ્ટાઇલ વર્કશોપ છે. આમાંની તેર હજાર વર્કશોપમાં તો દસ કે એથી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય છે. એમને કર્મચારી કહેવા મુશ્કેલ છે, કારણ કે મોટા ભાગના એક જ કુટુંબના સભ્ય હોય છે. આ પ્રાટોમાં યુરોપભરનાં વપરાયેલાં કપડાં એકઠાં થાય છે. એને રિપ્રોસેસ કરીને એના યાર્નને જાળવીને નવાં કપડાં બનાવવાનો ઉદ્યોગ ચાલે છે.
છેક ચૌદમી સદીથી પ્રાટો આ માટે જાણીતું છે. એક જ કુટુંબના સભ્યો કામ કરતા હોવાથી કારખાનાનો ખર્ચ ઓછો આવે છે. વળી નાના પાયે ફેક્ટરી ચાલતી હોવાથી બીજા 'ઓવરહેડ' પણ ઓછા આવે છે. આજના જગતનું એક સૂત્ર છે, Small is beautiful' (નાનું તે સુંદર) એ સૂત્ર ઔદ્યોગિક દ્રષ્ટિએ જોવું હોય તો ઇટાલીના પ્રાટોમાં જોવા મળે. મજાની વાત એ છે કે કૌટુંબિક ધંધાની માફક આ ટેક્સ્ટાઇલ વર્કશોપ ચાલે છે. જેવી કોઈ ફેશન બદલાઈ કે તરત જ આ લઘુ-ઉદ્યોગ કરનારાઓ ફેશન બદલી શકે છે. શાશ્વતનગર રોમનાં કેટલાય અવનવા અનુભવોની વાત કરવાની બાકી રહી ગઈ છે, તે હવે પછી...
મનઝરૂખો
પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ જુલિયસ સીઝરના જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. એક વાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યા અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, 'હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે તમારા વિરોધીઓના આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપો ને ! મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. પરમ મિત્રને દુ:ખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને કાગળોનું એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલા ઘણા આક્ષેપભર્યા કાગળો હતા. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠયો. જ્યારે સીઝર થોડી વાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યા. આ જોઈને એમના મિત્રએ પૂછયું, 'તમે શા માટે આ બધા કાગળો સળગાવી નાખ્યા. એ તો ઘણા કીમતી હતા. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યા હોત.' આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, 'અરે દોસ્ત, મેં વિચાર કર્યા પછી જ આ કાગળો સળગાવ્યા છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોય, ત્યાં સુધી એને જોઈને હું મનોમન ક્રોધથી ધૂંધવાતો રહેત. મારે માટે ક્રોધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તણાવપૂર્વક જીવવાનો શો અર્થ ?' પેલા મિત્રએ ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી.


