Get The App

વંદે માતરમ્ અને બિરસા મુંડા : ભારતની સ્વાધીનતા અને સંસ્કૃતિની જ્યોતિના 150 વર્ષ!

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
વંદે માતરમ્ અને બિરસા મુંડા : ભારતની સ્વાધીનતા અને સંસ્કૃતિની જ્યોતિના 150 વર્ષ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- બિરસા મુંડાની લડતની શું ખાસિયત હતી ? વંદે માતરમ્ ગીત કઈ સંસ્થામાં નિયમિત ગવાતું હતું? આપણા ઇતિહાસની રોચક વિગતો

દુ નિયામાં માનવજાતનું પારણું જ્યાં બંધાયું, એવા જંગલજીવનથી હર્યાભર્યા આફ્રિકામાં જ રહી નોખા પ્રકારના બિશપ થયેલા ડેસમન્ડ ટૂ ટૂ નોબેલ પ્રાઇઝ વિનર શાંતિચિંતક હતા. મૂળે આફ્રિકન એવા એમણે શબ્દો ચોર્યા વગર જ કહેલું કે ''મિશનરીઝ આફ્રિકા આવ્યા, ત્યારે એમની પાસે બાઈબલ હતું ને અમારી પાસે જમીનો હતી. એમણે કહ્યું કે 'ચાલો, પ્રાર્થના કરીએ.' પછી અમે આંખો બંધ કરી. અને ઉઘાડી ત્યારે જોયું કે હવે એમની પાસે જમીનો છે, અને અમારી પાસે ફક્ત બાઈબલ !''

આવું જગતભરમાં થયું છે. માત્ર મિશનરીઓ જ નહિ, શાસકોએ પણ વન્યસંપત્તિ કે ધરતીનાં મોહથી ત્યાં સદીઓથી વસતા વનવાસીઓ સાથે સંઘર્ષ કર્યો છે. 'અવતાર' કે 'કાંતારા' જેવી ફિલ્મો આ મુદ્દે તો છે. સરળ, ભોળા અને મહેનતુ આદિવાસીઓને એમની પ્રથાઓ છોડાવી આધુનિકતાના નામે નવી ગુલામી આપવાના જાકૂબીના ધંધાને લીધે પ્રકૃતિને થયેલું નુકસાન બેહિસાબ છે. પણ વટાળપ્રવૃત્તિઓનો જે મધ્યયુગી દૌર ચાલ્યો એમાં જગતભરમાં ખ્રિસ્તી કે ઈસ્લામ બે ધર્મો વચ્ચે ફેલાવાની હોડ જામી. દક્ષિણ અમેરિકામાં મય, એઝટેક, ઈન્કા જેવી સંસ્કૃતિઓ નેસ્તનાબૂદ થઈ તે માત્ર સ્પેનિશ કલ્ચર રહ્યું. એવું આક્રમણ સદીઓથી ભારતે પણ વેઠ્યું.

સદ્નસીબે, આ દેશની સનાતન ધારામાં કશુંક ચિરંતન તત્વ છે, જે પરિવર્તન તો સ્વીકારે છે સહજ, પણ પ્રભુત્વ કોઈનું ગાંઠતું નથી. શરણાગતિ સ્વીકારવાને બદલે ક્રાંતિની અહાલેક કરે છે, પોતાની ઓળખ બચાવવા. પહેલા ઈસ્લામિક રાજવટ અને પછી ખ્રિસ્તી અંગ્રેજી શાસન સામે આવા બુલંદ નાદ ઉઠયા, જેણે જ્ઞાનનું સ્વાગત કર્યું પરદેશથી, પણ ગુલામીનું નહિ. 

એવા અમર બલિદાનો અને અદ્ભુત પ્રેરણાઓથી આપણો ઈતિહાસ સમૃદ્ધ છે, તો ભવિષ્ય ઉજ્જ્વળ છે. યોગાનુયોગે બ્રિટિશ એમ્પાયરના તાજને લીધે માતૃભુમિને તારાજ થતી રોકવા જે ક્રાંતિકારી જ્યાતિશિખરો ચમક્યા એમાંના બેની સાર્ધ શતાબ્દી યાને ૧૫૦ વર્ષ બાજુબાજુમાં આવી તાજેતરમાં. એક વ્યક્તિ છે ને બીજી કૃતિ. બિરસા મુંડા અને વંદે માતરમ્.

આવો, આજે આ જ્વલંત ઈતિહાસને અર્ધ્ય આપીએ.

***

જગતની જેમ ભારતમાં પણ મૂળ નિવાસી કહેવાય એવા આદિવાસી સમાજમાં અપાર વૈવિધ્ય છે. એમના દેવતા કે પૂજાપધ્ધતિ પણ અલગ. વર્તમાન ઝારખંડમાં છોટાનાગપુર તરીકે ઓળખાતા વન્યપ્રદેશ ને આસપાસ મુંડા જાતિના વનવાસીઓ રહે. એમની ભાષા પણ મુંડારી. પાછળ 'બોંગા' આવે એવા નામો વાળા એમના બધા દેવ, એમને શાંત કરવા માટે બલિ ને એવા કર્મકાંડ.

દેશનું દુર્ભાગ્ય એ કે હિન્દુ ધર્મ તીર્થસ્થળોની ઠેકેદારી ને વેપારમાં જ રહ્યો અને વનમાં રહેતા નિવાસીઓના આંસુ લૂંછવા કે ખબર પૂછવા કે પડખે ઉભવા ભાગ્યે જ પહોંચ્યો. આજે પણ કૈંક આવી જ સ્થિતિ છે અપવાદો બાદ કરતા. બહારના હોય કે આપણા જે શાસક હોય એ રાજા તરીકે વન્ય સંપત્તિ પર અધિકાર જમાવવા પહોંચે. ભોળા ઉદાર આદિવાસીઓનું શોષણ થાય. શોષક ફર્યા કરે, શોષિતની હાલત ન ફરે !

આમાં સેવાભાવ લઈ દીનદુ:ખિયાને પોતાના ધર્મમાં લેવાને પણ પવિત્ર ફરજ સમજતા મિશનરીઓ દૂર દૂર સુધી પહોંચ્યા. સતત શોષણને લીધે દરિદ્ર રહેલા અને આધુનિક શિક્ષણથી વંચિત આદિવાસીઓને એમણે દવાઓ, ભોજન અને શિક્ષણ આપ્યું, પણ એમની આસ્થાનો પ્રવાહ પલટાવી નાખ્યો. મુંડા વનવાસીઓ સાથે પણ આમ જ થયું. ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના ગુરૂવારે (બૃહસ્પતિના નામે બિરસા !) જન્મેલા બિરસાના પિતા સુગના અને માતા કરમી સાથે પણ આવું જ થયું. કંગાળ સ્થિતિમાં પણ એની પ્રતિભા ઓજસ્વી, મુંડા આદિવાસીઓમાં ભગવાન જન્મ લેશે એવી ભવિષ્યવાણીની માન્યતાઓ હતી એમાં બિરસાનું બચપણ ગોકુળના નંદબાબા જેવું પ્રકૃતિ ને પશુપંખી સંગાથે ગયું મા-બાપે એને ભણાવવાનું નક્કી કર્યું પણ જર્મન મિશનરી સ્કૂલમાં ભણવા માટે બધાએ ધર્મપરિવર્તન કરાવવું પડયું. તરૂણાઈમાં પ્રવેશતા બિરસાએ સવાલો પૂછવાના ચાલુ કર્યા અને નવગામના જમીનદાર જગમોહનસિંહના મુનશી આનંદ પાંડેના સંપર્કમાં આવ્યા.

એ સંબંધમાં એને ભારતીય ધર્મશાસ્ત્રો ને ઇશ્વરીય ચરિત્રોનો પરિચય થયો. રામાયણ, મહાભારતની કથાઓ જાણી. આદિવાસીઓને પછાત કે બેઇમાન, ચોર, અંધશ્રદ્ધાળુ કહેતા પરદેશી પરધર્મી પાદરીઓ સામે એણે પડકાર શરૂ કર્યા કે, 'તમે કેવળ ધર્મોપદેશક નથી, બ્રિટિશ સરકાર સાથે તમારી મિલીભગત છે. એમના અધર્મ કે અન્યાયને તમે છાવરો છો. કપડાં જુદા છે, પણ ત્વચાનો રંગ એક જ છે એટલે. અને મારા હમવતનીઓને એમના જ પ્રદેશમાં આવીને, એમનો હક છિનવીને એમની ધરતી ને ધાન્ય પર કબજો કરીને, એમની શ્રદ્ધા ફેરવીને પાછા એમને જ નીચા- નબળા જાણી વખોડી કાઢો છો ! આ તો લાલચ ને સત્તાનો ધર્મ થયો, તમે ઉપદેશ આપો છો એ પ્રેમ ને ક્ષમાનો નહિ !'

નેચરલી પોલિટિકલી મોટિવેટેડ મિશનરીઓ આ સચ્ચાઈથી દુભાયા પણ બિરસાએ કાચી ઉંમરે ભગતસિંહની જેમ અભ્યાસ કરીને એ પણ જોયું કે બહારથી કોઈ પ્રવેશે એની જગ્યા આપણે પણ છોડી છે. આપણા ખુદમાં પણ સુધારા ને સાફ-સફાઈની જરૂર છે. સ્વતંત્રતાના સુખ ભોગવવા માટે આપણે દૂષણોથી મુક્ત થવું પડશે આપણી મૂળ સંસ્કૃતિનું સત્ય સમજવું પડશે. પોતાનો માણસ પોતીકી ભાષામાં વાત કરે એ તરત ગળે ઉતરે. મુંડાઓમાં બિરસાનો પ્રભાવ વધતો ગયો એટલે એમની ધરી આસપાસ નવું સંગઠ્ઠન મજબૂત થતું ગયું. ચમત્કારોની વાયકાઓથી વનવિસ્તારમાં એમને 'ચૂઝન વન' જેવા ભગવાન માનવા લાગ્યા બધા !

બિરસાએ 'બિરસાઇન' નામે પંથ શરૂ કર્યો. પોતે જનોઈ ધારણ કરી હોવાનું કહેવાય છે. ઇસાઇગત સામે બિરસાગત સ્વદેશી હતી, પોતાની માટીની હતી. સિંગબોંગ ! નામે ઇશ્વર એક છે કહી પશુઓની હિંસા અટકાવવાનું કહ્યું, નશામુક્તિની ટહેલ નાખી, સ્વચ્છ ઘરમાં તુલસીનો છોડ અને 'સિરના' નામે વનનો એક ભાગ અધ્યાત્મ ભૂમિ એવા નિયમો રચ્યા. ભગવાન બિરસા મુંડા તરીકે જ આદિવાસીઓ એમને માથે ચડાવતા વિનાકારણ શત્રુની પણ હિંસા ન કરવી, એવા ભારતીય સિદ્ધાંત પર તેઓ ચાલ્યા. એમણે વૈદકીય ઔષધિઓથી સારવાર પણ શરૂ કરી.

યુવાન બિરસા મુંડાની ભગવાન તરીકે લોકપ્રિયતા વધવા લાગી. અંગ્રેજોએ વન્ય સંશાધનો પર અધિકાર જમાવવા એને આરક્ષિત ક્ષેત્ર બનાવ્યું ત્યારે બિરસાએ ઉલગુલાન નામની ક્રાંતિનું રણશિંગુ ફૂક્યું. બિરસાને પાગલ ઠેરવી પકડવાના પ્રયાસો બ્રિટીશ રાજે કર્યા. આરંભની નિષ્ક્રિયતા બાદ લોકરોષ જાગે એ પહેલાં ગુપચુપ કેદ પકડી લીધા પછી. વનવાસીઓને ખબર પડતા પોલીસ ચોકીને ઘેરો ઘાલ્યો. અધિકારીઓએ કહ્યું કે, 'કેદ થાય એ ભગવાન ન હોય.' પણ અનુયાયીઓ કહે, 'એ તો એમની મરજી છે. દર્શન નહિ થાય તો ઉપવાસ કરીશું.'

અંતે ત્રીસેક જેટલા સમર્થકો પણ કેદ થયા. બિરસાની હાલત ચકાસવા કલક્તાથી આવેલા ડૉક્ટર સેજર્સે એમને મળીને કહ્યું, 'પૂર્વની સભ્યતામાં સ્વયંને ભગવાન માનવું સાહજીક છે. એટલા માત્રથી કોઈ ગાંડા છે એમ ન કહેવાય. બિરસાનો ક્રાંતિ બાબતે દોષ નથી આપણી ન્યાય વ્યવસ્થા આદિવાસીઓ માટે આંધળી જ નહિ, મૂંગી બહેરી છે. કારણ કે આપણે એમની ભાષા પણ સમજતા નથી ને અંગ્રેજીના નામે એમને છેતરીએ છીએ!'

રાંચીની અદાલતે તો છોડી મૂક્યા બધાને પણ સરકારે ફરી કેદ પકડીને ૧૯ નવેમ્બર, ૧૮૯૫માં બે વર્ષની જેલ કરાવી. છૂટીને બિરસાએ ક્રાંતિની પ્રવૃત્તિ શરૂ કરી, ગુપ્ત રીતે બધા એકજૂટ થયા. મુંડાઓના પૂર્વજોની પુણ્યભૂમિ ગણાય એવા સ્થાનો ફરતા ડોમબારી પર્વત પર એ રહ્યા.

બિરસા મુંડાની સૂચના હતી કે આપણે હિંસાખોરી ને કાપાકાપીના રસ્તે નથી જવું. આપણા આદર્શો ઉદાત્ત છે. પણ માત્ર અંગ્રેજોમાં ધાક બેસાડવી છે, જેથી એ ડરે ને જંગલમાં પેશકદમી અને નિર્દોષ આદિવાસીઓની કનડગત છોડે. ૨૪ ડિસેમ્બર, ૧૮૯૯માં રાંચીથી ચાઈબાસના ક્ષેત્રમાં ગોરા અમલદારોના, ખ્રિસ્તી મિશનરીઓના થાણા, ઘર અને પોલિસચોકીએ તીરવર્ષા થઈ. ૭ જાન્યુઆરી ૧૯૦૦ના દિવસે ૨૦ બંદૂકધારી સિપાઈઓ પર પચાસ તીરંદાજ આદિવાસીઓએ ગેરિલા સ્ટાઇલ હુમલો કર્યો. બેના મોત થયા બાકીના ખૂંટી પોલિસમથકેથી ભાગી છૂટયા. વળતી કાર્યવાહીમાં ગયા મુંડાનું મૃત્યુ થયું. ડોમબારી પર્વત પર બિરસાને બચાવવા ચાર હજાર લોકો ફોજ સામે ઉભા રહ્યા છાતી કાઢીને. અંધાધૂંધ ગોળીબારમાં તત્કાલીન સરકારી રિપોર્ટ મુજબ ૭ મોત થયા. તપાસ સમિતિ મુજબ ૨૦. પણ ચર્ચા થઈ કે ૮ જાન્યુઆરી ૧૮૯૯માં ૪૦૦થી વધુ મોત થયાને એ પર્વતની વનસ્પતિઓ લોહીથી સિંચાઈ !

બે મહિના સુધી 'અન્ડરગ્રાઉન્ડ' બિરસાને અંતે પોલિસે આકરા જુલમ પછી શોધ્યા. જેલવાસ થયો. પુરાવાના  અભાવે છૂટી જશે એવું લાગતું હતું, પણ ૯ જૂન, ૧૯૦૦ના રોજ લોહીની ઉલટી બાદ અચાનક એમનું અવસાન થયું, જે રહસ્યમય રહ્યું !

માત્ર ૨૫ વર્ષના આયુષ્યમાં મુંડા લોકોમાં ભગવાનની જેમ પૂજાતા બિરસા મુંડાએ આદિવાસી એકતા અને આસ્થાની પ્રેરણા જ્યોત પ્રગટાવી. અસહકાર સફળ કરી બતાવ્યો અને નવી પેઢીનો નવા જ્ઞાન માટે, શિક્ષણ માટે પણ ઉત્સાહ વધાર્યો. અંગ્રેજ શાસને ભૂમિસુધાર કાયદા લાવવા પડયા કારણ કે શોષણ અને અન્યાયની ગુલામી અટકાવવી હોય તો પોતાની ઓળખ જાળવી એક બનવાના બિરસા મુંડાના અભય સામે લશ્કરી તાકાત ઝાંખી પડે એ બોધ બિરસા મુંડા દોઢસો વર્ષે પણ તાજો છે !

***

બિરસા તો જંગલ જીવનમાંથી મિશનરી સ્કૂલમાં ભણતા ભણતા સ્વની શોધમાં નીકળ્યા ને લડયા. પણ નગર નગર આઝાદીનો અવાજ બની ગયું બંકિમચંદ્ર ચેટરજીનું ગીત વંદે માતરમ્. શરૂઆતનો ભાગ સંસ્કૃતમાં દોઢસોએક વર્ષે પહેલા લખાયો. જેમાં ભારતમાતાની કાવ્યાત્મક સ્તુતિ પછીનો ભાગ મુખ્યત્વે દેવી દુર્ગાની સ્તુતિરૂપે બંગાળીમાં લખાયો. અને ૧૮૮૨માં બંકિમબાબુની જ ક્રાંતિની કથા કહેતી નવલકથા 'આનંદમઠ'માં એને સ્થાન મળ્યું. પછી તો એવું ગૂંજ્યું કે સવ્યસાચી ભટ્ટાચાર્યે ૨૦૦૩માં 'બાયોગ્રાફી ઓફ એ સોંગ' નામની કિતાબ લખી !

એ વખતે ભારતના હકો માટે તે પૂર્ણ નહિ તો આંશિક સ્વતંત્રતા માટે લડતું સૌથી મોટું અને ભણેલા વિદ્વાનો તથા શેરીના કાર્યકરોને આકર્ષતું સંગઠન હતું ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ. ૧૮૯૬માં એના કલકત્તા અધિવેશનમાં 'વંદે માતરમ્' ગવાયું ત્યારે ૧૩૫ વર્ષ પહેલા એ કોણે કમ્પોઝ કરેલું, જાણો છો ? જેમને કારણ વગર એની સામે મૂકી દેવાય છે એવા બંગાળના જ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે ! ૧૯૦૫ સુધીમાં તો સ્વદેશી ચળવળનું એ ગીત બન્યું.

જેમ ફોર્ટ ગ્લોસ્ટર મિલના મજદુરોએ બ્રિટીશરો સામે એ ગાયું એમ એ બધે અંગ્રેજી હકૂમત પડકારવા ગવાતું થયું. ૧૯૧૫માં મહાત્મા ગાંધીની હાજરીમાં એ ત્યારના મદ્રાસમાં ગવાયું ત્યારે 'ભારતમાતાની લાજવાબ પ્રશસ્તિ કરતી કવિતા' કહીને ગાંધીજીએ એને 'નેશનલ સોંગ' કહ્યું અને એના વર્ણન જેવી આપણી માતૃભૂમિ બનાવવાનો સંકલ્પ યાદ કરાવ્યો !

અનેક ભાષામાં એના અનુવાદ થયા કોંગ્રેસના દરેક અધિવેશનમાં એ (અને પછીથી સાથે જનગણમન) ગવાતું. વંદે માતરમ્ બોલો તો તત્કાલીન બ્રિટીશ રાજને કિંગ/ ક્વિન વિરોધી નારો લાગતો. એટલે જેલમાં જવાની કે લાઠીઓ ખાવાની તૈયારી ન હોય એવા સંગઠ્ઠનો એ ન ગાતા. કોંગ્રેસનું ગણાતું હોઈ એના વિરોધીઓ પણ નહિ. પણ ૧૯૩૦ પછી મુસ્લિમ લીગે આજે પણ ચાલે છે એવા મૂર્ખ મઝહબી વાંધા-વચકા શરૂ કર્યા. ઇસ્લામમાં બૂતપરસ્તીની મનાઈ છે, પણ વતનપરસ્તીની તો આદેશ છે. રહેમાન જેવાઓએ ગાયું જ ને ! પણ જાણી જોઈને અલગ પડવાની વાયડાઈ કરતા કેટલાક રેડિકલ મુસ્લિમો હજુ એનો વિરોધ કરે છે. ૧૯૩૭માં પંડિત નેહરૂએ એના બે સ્ટન્ઝા લીધા જે આઝાદી પછી રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ માન્ય રાખ્યા કારણ કે આખુ ગીત લાંબુ થતું હતું અને પછી ભારતમાતામાંથી ભવાની સ્તુતિની છાંટ વધુ આવતી. સુભાષ બાબુએ પસંદ કરેલ, જનગણમન વિજયનું ગીત ગણાયું, ને વંદે માતરમ્ સંઘર્ષનું,

પણ એન્થમ સોંગના વિવાદમાં 'નેશનલ' સ્પિરિટ ભૂલાતો જાય એ જોઈ 'માતા ફરી રડી' જેવો વિષાદ આઝાદી પછી પણ ન થાય

ફાસ્ટ ફોરવર્ડ

'જનગણમનનો ભારત ભાગ્યવિધાતા કોઈ પાંચમો કે છઠ્ઠો કે એક જ્યોર્જ નથી. આવી ગેરસમજ એટલે છે કે બ્રિટિશ રાજવીના ભારત આગમન વખતે જે ગીત ગવાયું છે, એ સમજ્યા વિના કોઈ પત્રકારે એને જનગણમન કહી દિધું. મારો ભારત ભાગ્ય વિધાતા એ આધ્યાત્મિક નિયતિ છે, ભારતનું ચૈતન્ય છે, ભારતવાસીઓના સંયુક્ત માનસમાં જાગતી ચેતનાનો એ રથ છે, જે દરેક ઉતારચડાવ અને સંઘર્ષો છતાં પોતાની અસ્મિતા ટકાવી આગળ વધે છે. આ આપણું દર્શન છે, ને આપણી આધ્યાત્મિક જીતનું પ્રતીક છે !'

(વિશ્વ વંદનીય રવિન્દ્રનાથ ટાગોર, પી.બી. સેનને લખેલા પત્રમાં)

Tags :