Get The App

Official Apology : ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટજી

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
Official Apology : ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટજી 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- સોશિયલ મીડિયામાં નવી નવી યુક્તિઓ અજમાવીને ચર્ચામાં રહેવાનો વ્યૂહ ઘડવામાં આવે છે. એવા જ એક વ્યૂહનું નામ છે - ઓફિશિયલ અપોલજી. કંપનીઓ લોકોની માફી માંગી રહી છે અને કારણ ફની છે!

હ્મુ મર બેઝ્ડ માર્કેટિંગ. અનેકાનેક માર્કેટિંગ સ્ટ્રેટજીમાંથી આ એક પ્રકાર આજકાલ બેહદ પોપ્યુલર થઈ રહ્યો છે. માર્કેટિંગનું માર્કેટિંગ અને મનોરંજનનું મનોરંજન. હાસ્ય-મનોરંજનનું તત્વ ઉમેરીને માર્કેટિંગની રીત લોકોને પસંદ પડી રહી છે. દુનિયામાં સ્ટ્રેસ મળે એવા અપાર કારણો આપણી આસપાસ છે ત્યારે માર્કેટિંગ મેનેજર્સ પ્રમોશન માટે રમૂજી તરકીબો અજમાવે છે. અમુક સેકન્ડની એડ ફની બને એવી તકેદારી રાખવામાં આવે છે અને એવી તરકીબો કારગત પણ નીવડતી હોય છે.

હાસ્યને માર્કેટિંગ સાથે જોડવાની રીત આમ તો ખૂબ જૂની છે. જ્યારે થિયેટરોમાં નાટકો ભજવાતા ત્યારે પણ આવી તરકીબોથી નાટકની કે પછી અન્ય ચીજવસ્તુઓની જાહેરાતો થતી હતી, પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં હ્મુમર બેઝ્ડ માર્કેટિંગનો નવો અંદાજ જોવા મળે છે. રમૂજી જાહેરાતો બનાવીને સફળ માર્કેટિંગ કરાયું હોય એવા કેટલાય ઉદાહરણો ૨૦૧૦ પછી જોવા મળ્યા છે.

માર્કેટિંગમાં જેનો ઉલ્લેખ થતો હોય છે એવું એક ઉદાહરણ છે અમેરિકન ચોકલેટ સ્નિકર્ઝનું. ચોકલેટ બાર વેચતી આ જગતની સૌથી મોટી કંપનીએ ૨૦૧૦ પછી ખાસ સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખીને વર્લ્ડવાઈડ એક કેમ્પેઈન લોંચ કર્યું હતું. યુ આર નોટ યુ આર વ્હેન યુ આર હંગ્રી. આ કેમ્પેઈનમાં સેલિબ્રિટીથી લઈને સાધારણ મોડલ્સનો ઉપયોગ કરીને એવી એવી જાહેરાતો બનાવાઈ હતી કે જેમાં ભૂખ લાગવાથી લોકો ચિત્ર-વિચિત્ર હરકતો કરવા માંડે છે. ફોર એક્ઝામ્પલ, કેપ્ટન કૂલ ધોનીએ રાડારાડી કરી મૂકી હોય તો કેવું લાગે? પણ એને કોઈ ચોકલેટ બાર ખવડાવે પછી એ તેના મૂળ અવતારમાં આવી જાય છે. આવું ગ્લોબલી માર્કેટિંગ કર્યું. એ જાહેરાતો ખૂબ ફની હતી અને તેનાથી માર્કેટમાં કંપનીની પોઝિશન વધુ સ્ટ્રોંગ થઈ.

અમેરિકાની ઓલ્ડ સ્પાઈસ નામની એક ૯૦ વર્ષ જૂની અને જાણીતી કંપની છે. પુરુષોની પ્રોડક્ટ ઓફર કરતી આ કંપનીએ તો ફની જાહેરાતની મદદથી પોતાની પ્રોડક્ટ્સનું એવું કેમ્પેઈન કર્યું કે કંપનીને નવજીવન મળી ગયું. કંપનીના વેચાણમાં એવો તડાકો પડી ગયો કે આખી કંપની ફરીથી બેઠી થઈ ગઈ ને કંપનીની પ્રોડક્ટ્સ ફરીથી માર્કેટમાં છવાઈ ગઈ.

ઘણી વખત ડાર્ક હ્મુમરનો પણ ઉપયોગ થતો હોય છે. કોઈનું મૃત્યુ એ જાહેરાત કે માર્કેટિંગનો વિષય ન બની શકે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં રેલવે અકસ્માતો રોકવા માટે ડાર્ક હ્મુમરનો ઉપયોગ કરીને ડમ્બ વેય્ઝ ટુ ડાઈ નામનું કેમ્પેઈનિંગ કર્યું. લોકો સાવધાની ન રાખતા હોવાથી ટ્રેન અકસ્માતોમાં મૃત્યુ થાય છે એ બતાવીને તેમની આ મૃત્યુની રીત મુરખાઓ જેવી છે એમ કહેવાયું. એ માર્કેટિંગની ધારી અસર થઈ. યુટયૂબમાં એની જાહેરાતોને લાખો વ્યૂઝ મળ્યાં ને એક જ વર્ષમાં આવા અપમૃત્યુનું પ્રમાણ પણ ઘટી ગયું.

આવા કેમ્પેઈનની સોશિયલ મીડિયાના જમાનામાં ખૂબ અસર થતી હોવાથી દિવસે દિવસે ફની બાબતને હાઈલાઈટ કરીને માર્કેટિંગ કરવાનું વધ્યું છે. એક એવો જ ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં શરૂ થયો છે, જેનું નામ છે : ઓફિશિયલ અપોલજી.

***

સત્તાવાર માફી કે જાહેર માફી એ ક્ષમાયાચનાનો બહુ પ્રચલિત પ્રકાર છે. જાહેરજીવનમાં એનો ઉપયોગ થતો હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ સંસ્થાગત જાહેરનામામાં પબ્લિક અપોલજીને સ્થાન આપ્યું છે. કોઈ કંપની, સંસ્થા કે વ્યક્તિએ સમાજનું, સમાજના ચોક્કસ વર્ગનું કે વ્યક્તિનું અપમાન કર્યું હોય અને તેનો વિરોધ ઉઠે કે પછી અપમાન કરનારને પોતાની ભૂલ સમજાય ત્યારે એ માફી માંગે છે. રાજકારણીઓના ભાગે માફી માંગવાનું અવારનવાર આવતું રહે છે, કારણ કે સમાજની લાગણી દુભાય એવા નિવેદનો પણ મોસ્ટલી રાજકારણીઓ જ કરતાં હોય છે.

પણ આપણી કોઈ ભૂલ ન હોય તે છતાં આપણે આપણી સારપ માટે માફી માંગીએ તો કેવું લાગે? કોઈ વ્યક્તિ એમ કહે કે - મારો સ્વભાવ બહુ સારો છે અને હું કોઈને હર્ટ કરતો નથી એટલે માફી માંગું છું - તો એ હાસ્યાસ્પદ ઠરે છે. કોઈ કહે કે હું સ્માર્ટ અને હેન્ડસમ છું એ બદલ માફી માંગું છું તો કેવું લાગે? એ હરકત રમૂજમાં ખપે છે કે હાસ્યાસ્પદ ગણાય છે.

ને અદ્દલ આવી જ રમૂજ અત્યારે માર્કેટિંગ સ્ટ્રેટજીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થઈ રહી છે. સ્કોડાએ માર્કેટિંગના ભાગરૂપે એક પોસ્ટ મૂકી. એમાં સત્તાવાર લેટર લખ્યો હતો. પહેલી નજરે લાગે કે કંપનીએ કોઈ બાબતે માફી માંગી છે, પરંતુ લેટર વાંચીએ તો સમજાય કે ખરેખર તો એ એક માર્કેટિંગ વ્યૂહ છે. કંપનીએ પોતાની સારી સર્વિસ, ગુણવત્તા અંગે રમૂજમાં માફી માંગી. આવી સર્વિસ અને ગુણવત્તા આપવાના કારણે તેમના કસ્ટમર્સને બીજી કંપનીઓમાં પડે છે એવી મુશ્કેલી પડતી નથી અને એ માટે કંપનીને ખેદ છે! રિલાયન્સ ડિજિટલે લખ્યું - સત્તાવાર માફીનામું, અમારી સાથે શોપિંગ કરીને ગ્રાહકોને ઘણી સાઈડઈફેક્ટ્સનો સામનો કરવો પડે છે. જેમકે, સ્ટોરમાં આવીને જાત અનુભવ કરે છે એટલે સમય વધારે વીતાવે છે. બીજા સ્ટોર્સમાં જઈને બે વખત પ્રાઈસ ચેક કરે છે પછી સમજાય છે કે અમારી પ્રાઈસનો કોઈ મુકાબલો નથી. પાડોશીઓ તમારી શોપિંગ બાબતે વારંવાર પૂછપરછ કરે છે અને અમે પેમેન્ટના પણ અનેક વિકલ્પો આપીએ છીએ. આ બધી સર્વિસ માટે સોરી.

એક-બે કંપનીઓએ શરૂ કર્યું પછી તો ઢગલાબંધ કંપનીઓ એ ટ્રેન્ડમાં જોડાઈ ગઈ. ઘણી કાર કંપનીઓએ માફી માગતા લખ્યું કે અમે દિલગીર છીએ કે અમારી કાર એટલી સરસ છે કે તમારા મિત્રો અને પરિવારના સભ્યો એને તમારી પાસેથી ઉછીની લેવાનું પસંદ કરે છે. એક કંપનીએ લખ્યું કે અમારી કાર એટલી સારી છે કે અચાનક તમારે ક્યાંક અધવચ્ચે રોકાઈ જવું હોય તો એવું બનતું નથી, કારણ કે અમારી ગુણવત્તા તમને નક્કી કરેલા સ્થળે પહોંચાડે છે. વાડીલાલ સત્તાવાર માફીનામું બહાર પાડીને લખ્યું કે અમે એના માટે સોરી છીએ કે અચાનક તમારા ફ્રેન્ડ્સ તમને ટેક્સ્ટ કરીને કહેશે કે ઝરા મુસ્કુરાઈએ, વાડીલાલ ખાઈએ...

રિલાયન્સથી લઈને પીવીઆર, અંબૂજા, હલ્દીરામ, ટીસીરિઝ, બનાના લીફ, ગાર્નિયર સુધીની કેટલીય કંપનીઓએ તેમના સોશિયલ મીડિયા પેજમાંથી અપોલજીના લેટર શેર કર્યા ને હેશટેગ ઓફિશિયલ અપોલજી, હેશટેગ વીઆર સોરી લખીને આ ટ્રેન્ડને આગળ વધાર્યો.

પછી તો કંપનીઓની સાથે અન્ય લોકો જોડાયા. હજારો પોસ્ટ થઈ. અમુક સેલિબ્રિટીએ સોરીની પોસ્ટ મૂકીને રમૂજ કરી. તો સામાન્ય લોકોએ પણ જાત-ભાતના મીમ બનાવ્યા. અમને માફ કરશો એમ કહી કહીને કેટલીય રમૂજો લખી ને એમ આ વાયરલ ટ્રેન્ડ આગળ વધ્યો. માર્કેટિંગનો આ વ્યૂહ ટ્રેનિશ્નલ એડવર્ટાઈઝિંગથી જુદો હોવાથી લોકોએ ખૂબ પસંદ કર્યો. એમાં ફની બાબત હતી. ક્રિએટિવિટી હતી અને નવીનતા હતી એટલે હજારો લોકો માફીના આ ટ્રેન્ડમાં સહભાગી બન્યા. 

વેલ, આ ટ્રેન્ડ અત્યારે ભલે ભારતની કંપનીઓ અને ઈન્ડિયન યુઝર્સમાં વાયરલ થયો હોય, પરંતુ માર્કેટિંગનો આ આઈડિયા સ્વદેશી નથી.

***

મૂળ આ વાયરલ ટ્રેન્ડ ફિલિપાઈન્સના કારણે વિશ્વભરમાં ફેલાયો. ગયા વર્ષે ફિલિપાઈન્સમાં હ્યુમર બેઝ્ડ માર્કેટિંગના ભાગરૂપે નાના પાયે સોશિયલ મીડિયામાં ઓફિશિયલ અપોલજીનો આ કીમિયો કોઈએ અજમાવ્યો હતો. ફિલિપાઈન્સમાં તો એ ઘણો ચાલ્યો પણ પછી ઠંડો પડી ગયો. નવી નવી સોશિયલ મીડિયા માર્કેટિંગ ટેકનિક શોધતા કોઈ માર્કેટિંગ મેનેજરના ધ્યાનમાં એકાદ મહિના પહેલાં આ ટ્રેન્ડ આવ્યો. એ પછી તો ચીનથી લઈને અમેરિકા, યુરોપના સોશિયલ મીડિયામાં આ ટ્રેન્ડ ખૂબ ચાલ્યો ને એ રીતે આ સપ્તાહમાં ભારત પહોંચી ગયો. ભારતમાં તો વળી મીમ્સમાં ક્રિએટિવ મોજું ફરી વળ્યું.

સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સર્સ પણ હ્મુમરસ કન્ટેન્ટ બનાવીને પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે. એનાથી તેમને સારો રિસ્પોન્સ મળે છે અને પ્રોડક્ટ્સને પણ ફાયદો થાય છે. રમૂજી કન્ટેન્ટ્સની બોલબાલા વધી હોવાથી મોટી મોટી કંપનીઓ હવે રમૂજ બાબતે સીરિયલ થઈ છે!

જર્નલ ઓફ માર્કેટિંગ અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયામાં ૭૨ ટકા લોકો એવી બ્રાન્ડ પસંદ કરે છે, જેની જાહેરાતોમાં રમૂજનું તત્ત્વ હોય છે. વેલ, જાહેરાત માટે એમ કહેવાય છે સારી જાહેરાત એ છે જે માત્ર માર્કેટિંગ ન કરે, પણ લોકમાનસમાં જગ્યા કરે. આ સૂત્રને સાર્થક કરવા માટે જાહેરાતો રમૂજી બનાવવામાં આવે છે, કારણ કે બીજા બધાની સરખામણીએ ફની બાબતો વધારે યાદ રહેતી હોય છે. 

ઓનલાઈન માર્કેટિંગમાં શોર્ટ વીડિયોનો દબદબો

સોશિયલ મીડિયાના કારણે માર્કેટિંગની વ્યાખ્યા નવેસરથી લખવી પડી છે. હવે ડિજિટલ માર્કેટિંગ સૌથી મહત્ત્વની બાબત ગણાય છે. મોટાભાગની કંપનીઓ ટ્રેડિશ્નલ મીડિયાની સાથે સાથે ડિજિટલ મીડિયા માટે ય માતબર બજેટ ફાળવે છે. ડિજિટલ માર્કેટિંગમાં બ્લોગ પોસ્ટ, ઈમેઈલ, મેસેજ, લોંગ વીડિયો, શોર્ટ વીડિયો, ફોટો, ઈન્ટરવ્યૂ વગેરેનો સમાવેશ થાય છે. એમાં સૌથી અસરકારક મીડિયમ છે - શોર્ટ વીડિયો. ડિજિટલ માર્કેટિંગમાં શોર્ટ વીડિયોથી ૨૯ ટકા કસ્ટમર્સ મેળવી શકાય છે. ૨૮ ટકા સાથે ફોટો બીજા અને ૨૧ ટકા સાથે ઈન્ટરવ્યૂ ત્રીજા ક્રમે છે. લોકો સોશિયલ મીડિયામાં વાંચવાનું પણ પસંદ કરે છે, તેના કારણે બ્લોગ વાંચીને ૧૯.૪૧ ટકા યુઝર્સ પ્રોડક્ટ પસંદ કરે છે.