Get The App

પૂર્વજન્મ-પુનર્જન્મના સિદ્ધાંતને પુરવાર કરતી અદ્ભુત ઘટનાઓ

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
પૂર્વજન્મ-પુનર્જન્મના સિદ્ધાંતને પુરવાર કરતી અદ્ભુત ઘટનાઓ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- 'મારું નામ ગીતા છે. મારું ઘર તો જૂનાગઢમાં છે.' તે તેના ઘર અને કુટંબીજનોની વાતો કરતી. તે વારંવાર આવું બોલતી એટલે તેના કુટુંબના લોકોને તે જે કહેતી હતી...

બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।

તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ।।

'હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. હે પરંતપ (અર્જુન) તે બધાનું મને સ્મરણ છે, પણ તું તે બધાને ભૂલી ચૂક્યો છે.'

- ભગવાન શ્રીકૃષ્ણ (ગીતા), અધ્યાય-૪, શ્લોક-૫

મ રણ બાદ પણ જીવન ચાલુ રહે છે એ બાબત પુનર્જન્મની ઘટનાઓ બાદ સાબિત થતી રહે છે. મરણ વ્યક્તિના અસ્તિત્વનો સમૂળગો અંત નથી. મરણ બાદ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય છે પણ તેનું સૂક્ષ્મ શરીર અને આત્મા ટકી રહે છે. તે આત્મા ક્યાં તો પ્રેત કે પિતૃલોકમાં જાય છે અથવા નવું શરીર ધારણ કરી પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. ક્યારેક પુનર્જન્મ લીધા પછી વ્યક્તિને તેના પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવે છે. દેશ-વિદેશમાં આવી અનેક ઘટનાઓ બની છે.

એક ઘટના છે મુઝફ્ફરનગર જિલ્લાના ખેડી અલીપુર ગામની. આ ગામમાં એક છોકરાનો જન્મ થયો. માતા-પિતાએ એનું નામ પાડયું વીરસિંહ. તે સાડા ત્રણ વર્ષનો થયો ત્યારે વીરસિંહના માતા-પિતા સમક્ષ એક મુસીબત ઊભી થઈ. વીરસિંહને તેના પૂર્વજન્મની વાતો યાદ આવવા લાગી. તેણે જણાવ્યું કે તેના પૂર્વજન્મમાં તે શિકારપુરનાં પંડિત લક્ષ્મીચંદનો પુત્ર હતો. તે જન્મમાં તેનું નામ સોમદત્ત હતું. તે તેના પૂર્વજન્મની ઘણી બધી ઘટનાની વાતો પણ કરતો. તેને તેના પૂર્વજન્મના ઘરમાં લઈ જવા માટે તે હઠ પકડતો. તે જીદ કરતો કે તેને તેના પૂર્વજન્મના માતા-પિતાને મળવું છે. આ વાત જંગલની આગની જેમ ચોમેર ફેલાઈ ગઈ. તે શિકારપુરના પંડિત લક્ષ્મીચંદના કાને પણ પડી. તેમણે આ વાતની સચ્ચાઈ જાણવાનો નિર્ણય કર્યો. તે થોડી વ્યક્તિઓ સાથે ખેડી અલીપુર ગામમાં આવ્યા.

તેમણે વીરસિંહના માતા-પિતાને ઘરની બહાર બોલાવ્યા અને પોતાનો પરિચય આપ્યો. તેમણે વીરસિંહ લક્ષ્મીચંદને જોઈને શી પ્રતિક્રિયા કરે છે તે જોવાનું નક્કી કર્યું. વીરસિંહને કશું કહ્યું નહીં. એને એમ જ બહાર બોલાવવામાં આવ્યો. વીરસિંહ બહાર આવ્યો અને લક્ષ્મીચંદને જોતાં જ ચમકી ગયો. તે દોડીને તેમની પાસે પહોંચી ગયો અને તેમને 'પિતાજી, પિતાજી' કહીને વળગી પડયો. બહાર ઊભેલી અનેક વ્યક્તિઓમાં એણે લક્ષ્મીચંદને ઓળખી કાઢ્યા હતા. લક્ષ્મીચંદ, મરણ બાદ પુનર્જન્મ પામેલા પોતાના પુત્રને મળી ભાવવિભોર બની ગયા અને તેમની આંખોમાંથી આંસુ પણ વહેવા લાગ્યા. વીરસિંહ લક્ષ્મીચંદના કુટુંબ અને ઘરની કેટલીય વાતો કરી તેથી તેમને ખાતરી થઈ ગઈ કે તે તેમનો મરણ પામેલો પુત્ર જ છે જે આ રૂપે પુનર્જન્મ પામેલો છે.

પછી વીરસિંહને એના પૂર્વજન્મના ઘેર લાવવામાં આવ્યો. તેણે દૂરથી તેનું ઘર બતાવી દીધું. ઘરમાં પ્રવેશતાંની સાથે તેની માતા અને બહેનોને ઓળખી લીધા. આડોસ-પાડોશના લોકોને પણ એમના નામથી બોલાવ્યા અને તેમની જીવનની ભૂતકાળની ઘટનાઓ પણ જણાવી. તેણે એવું પણ જણાવ્યું કે તેના મરણ બાદ તે પ્રેતલોકમાંથી વારંવાર તેના ઘરની સામે ઊગેલા પીપળાના ઝાડ પર પ્રેતરૂપે આવીને બેસતો અને તેના ઘરના લોકોને આવતા-જતાં જોતો હતો. બધાંને ખાતરી થઈ ગઈ કે લક્ષ્મીચંદના મૃત પુત્ર સોમદત્તે જ વીરસિંહ રૂપે ફરી જન્મ લીધો છે. તે વખતે એક દ્વિધા એવી ઊભી થઇ કે તેણે ક્યાં રહેવું ? આ જન્મના માતા-પિતાને ઘેર કે પૂર્વજન્મના માતા-પિતાને ઘેર ? વીરસિંહે તો પહેલા એવો જ હઠાગ્રહ રાખ્યો તે કે પૂર્વજન્મના પિતા લક્ષ્મીચંદના ઘેર જ રહેશે. તેની ઇચ્છાને બધાએ માન આપ્યું અને તેને ત્યાં જ રહેવા મોકલી દીધો. તેમ છતાં તેણે પાછળથી બન્ને પરિવાર સાથે સંબંધ બનાવી રાખ્યો. તે ખેડી અલીપુરના ઘેર પણ અવારનવાર આવતો. પૂર્વજન્મના અને પુનર્જન્મના માતા-પિતા અને કુટુંબીજનોનો સ્નેહ તેને પ્રાપ્ત થયો.

ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ શહેરમાં બનેલી પુનર્જન્મને લગતી ઘટના પણ રસપ્રદ છે. ૧૯૬૦માં પ્રવીણચંદ્ર શાહ નામના બેન્ક કર્મચારીને ત્યાં એક બાળકીનો જન્મ થયો. તેનું નામ રાજુલ પાડવામાં આવ્યું. તે કિશોર વયની થઈ હશે ત્યારે એકાએક તેને તેના પૂર્વજન્મની બાબતો યાદ આવવા લાગી. એક દિવસ તે બોલી ઉઠી - 'મારું નામ ગીતા છે. મારુ ંઘર તો જૂનાગઢમાં છે.' તે તેના ઘર અને કુટંબીજનોની વાતો કરતી. તે વારંવાર આવું બોલતી એટલે તેના કુટુંબના લોકોને તે જે કહેતી હતી તેની તપાસ કરવાનું મન થયું. તેના દાદા વ્રજલાલભાઈએ એમના જમાઈને જૂનાગઢ તપાસ કરવા મોકલ્યા. તેમણે તપાસ કરી તો રાજુલની વાતો એકદમ સાચી નીકળી. તેણે જે શેરીનું નામ આપ્યું હતું ત્યાં ગોકળદાસ ઠક્કરને ઘેર એક દીકરીનો જન્મ થયો હતો જેનું નામ ગીતા હતું. તે નાની ઉંમરે જ મરણ પામી હતી.

પછી વધારે ખાતરી કરવા રાજુલના કુટુંબીજનો તેને જૂનાગઢમાં ગોકળદાસ ઠક્કરને ઘેર લઈ આવ્યા. તેણે ઘરના બધાને એમના નામ સાથે બોલાવ્યા. એમના ઘરની બાજુમાં એક મીઠાઈની દુકાન હતી. તે ત્યાં દોડી ગઈ અને મીઠાઈવાળાને પણ તેના નામથી બોલાવ્યો. એટલું જ નહીં, એના પૂર્વજન્મમાં એ ગીતા રૂપે હતી ત્યારે તેને જે મીઠાઈ બહુ જ ભાવતી હતી તે જ તેણે મીઠાઈવાળા કંદોઈ પાસે માંગી. ગોકળદાસના ઘરનાં લોકોએ કહ્યું કે એમની દીકરી ગીતાને આ જ મીઠાઈ સૌથી વધારે ભાવતી હતી અને તે માત્ર એક જ અવારનવાર ખાતી હતી.

બીજી એક અદ્ભુત બાબત તો એ બની હતી કે તે બધા રાજુલને લઈને ગોકળદાસને ઘેર જતા હતા ત્યારે ગોકળદાસના પત્ની કાન્તાબેન બારી આગળ ઊભા હતા. તેમને જોઈએ રાજુલ ભાભી, ભાભી.... એમ કહીને તેમને બોલાવવા લાગી હતી. તેણે બધાને કહ્યું હતું - 'આ જ મારા ગયા જન્મના મમ્મી છે.' તેમણે તેને પૂછ્યું હતું - 'એ મમ્મી છે તો તું 'ભાભી' કેમ કહે છે ?' તેણે જવાબ આપ્યો હતો - 'હું મમ્મીને કાયમ ભાભી કહીને જ બોલાવતી હતી.' જ્યારે તે બધા ઘરની અંદર ગયા અને ઘણી બધી ગીતાના જીવનની વાતો રાજુલના મુખેથી સાંભળી ત્યારે બે વાતને પણ પુષ્ટિ મળી કે ગીતા એની મમ્મી કાંતાબેનને કાયમ ભાભી કહીને જ સંબોધતી હતી. તેને લઈને આસપાસના વિસ્તારમાં ફરવા ગયાં ત્યારે તેણે કહ્યું - ભાભી, ચાલોને આપણે પેલા ઘરમાં જે નાનું મંદિર બનાવ્યું છે તેના દર્શન કરવા જઈએ. તમે મને લઈને આ ઘરમાં આવતા જ હતા ને ! એક ઘરની અંદર રહેલા મંદિર વિશે પણ તેને ખબર હતી !