- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'ઇડન' ફિલ્મ આપણને જાણે કે પૂછે છે કે તમે તમારાં ઘર, દેશ કે માનવસમાજથી દૂર જઈ શકો છો, પણ તમારી જાતથી શી રીતે દૂર જઈ શકશો? તમારી વૃત્તિઓ અને અહંકારથી શી રીતે અંતર કરી શકશો?
અ મુક ફિલ્મમેકરો એવા છે કે જેમની ફિલ્મો માટે 'આ જોવાય કે ન જોવાય?' એવો સવાલ પૂછવાનો જ ન હોય, કારણ કે અમુક કેસમાં જવાબ સ્પષ્ટ હોય છે: હા, જોવાય. બિલકુલ જોવાય. હોલિવુડના રોન હાર્વર્ડ આ પ્રકારના ડિરેક્ટર છે. આજ સુધીમાં એમણે ડિરેક્ટ કરેલી ફિલ્મો કુલ ૯ ઓસ્કર અવોર્ડ્ઝ જીતી ચૂકી છે. એમણે ખુદ 'અ બ્યુટીફુલ માઇન્ડ' (૨૦૧૧) માટે બે ઓસ્કર જીત્યા છે - એક ડિરેક્ટર તરીકે અને બીજો પ્રોડયુસર તરીકે. 'અપોલો ૧૩', 'સિન્ડ્રેલા મેન', 'ધ દા વિન્ચી કોડ', 'રશ' જેવી કેટલીય અફલાતૂન ફિલ્મો એમના નામે બોલે છે. આજે આપણે એમની લેટેસ્ટ ફિલ્મ 'ઇડન' વિશે વાત કરવી છે, જે થોડા હજુ દિવસો પહેલાં જ અમેઝોન પ્રાઇમ વીડિયો પર મૂકાઈ.
'ઇડન' સત્યઘટનાત્મક છે. ફિલ્મનું બહારનું માળખું સર્વાઇવલ ડ્રામા પ્રકારનું છે. મજા એ છે કે અહીં માત્ર અસ્તિત્ત્વ ટકાવી રાખવાના સ્થૂળ સંઘર્ષની વાત નથી. આ ફિલ્મ તમને જીવન, મૃત્યુ, સપનાં, મહત્ત્વાકાંક્ષા, આઝાદી, આદર્શવાદ અને પલાયનવાદ જેવા કેટલાય વિષયો પર વિચારતા કરી મૂકે છે. 'ઇડન'માં ફિલોસોફિકલ ઊંડાણ છે. મહેરબાની કહીને 'ફિલોસોફિકલ ઊંડાણ' જેવો ભારેખમ શબ્દપ્રયોગ વાંચીને એવું નહીં સમજતા કે ફિલ્મ બોરિંગ, અઘરી-અઘરી કે ધીમી હશે. બિલકુલ નહીં. ફિલ્મ એવી ઇન્ટરેસ્ટિંગ અને ઘટનાપ્રચુર છે કે એક વાર જોવાનું શરૂ કરશો એટલે પૂરી કર્યા વિના ઊભા થવાનું મન નહીં થાય.
શું છે આ ફિલ્મમાં? વાત પહેલા વિશ્વયુદ્ધ પછીના સમયગાળાની છે. ડો. ફ્રેડરિક રિટર નામના એક જર્મન મહાશય પોતાનો વ્યવસાય, ઘર-બાર બધું જ છોડીને ગેલેપેગસ નામના નિર્જન ટાપુ પર રહેવા જતા રહ્યા છે. દેશ-દુનિયામાં ફેલાયેલી અંધાધૂંધી, બર્બરતા, ફાસિસ્ટ વિચારધારા, મૂડીવાદનો વધતો જતો પ્રભાવ વગેરેથી ડો. ફ્રેડરિક ત્રાસી ગયા છે. તેઓ દઢપણે માને છે કે માણસજાતને આ રીતે સુખ-શાંતિ મળી શકે જ નહીં. તેમને લાગે છે કે એક નવી સમાજવ્યવસ્થા ઊભી કરવાની અને નવાં મૂલ્યો સ્થાપવાની જરૂર છે... પણ એક્ઝેટલી કેવી સમાજવ્યવસ્થા? કેવાં મૂલ્યો? ડો. ફ્રેડરિક આ પ્રશ્નોનો નક્કર ઉત્તર શોધવા માગે છે. તેઓ વિચારક છે, લેખક છે અને પાછા સેલિબ્રિટી પણ છે. તેમની જીવનશૈલી અને તેમના આગામી પુસ્તક વિશે જર્મનીમાં તેમજ અન્યત્ર ખાસ્સી ઉત્સુકતા ફેલાયેલી છે. ટાપુ પર તેઓ એકલા નથી, એમની પાર્ટનર ડૉર પણ એમની સાથે છે. ડૉર બુદ્ધિમાન સ્ત્રી છે. ડૉ. ફ્રેડરિકનાં વૈચારિક મૂલ્યોથી એ ખાસ્સી પ્રભાવિત છે.
ડૉ. ફ્રેડરિક અને ડૉરે જ્યાં પોતાનું ઘર માંડયું છે તે ગેલેપેગોસ ટાપુ પેસેફિક મહાસાગરમાં આવેલો અસલી ટાપુ છે. દક્ષિણ અમેરિકાનો ઇક્વોડર દેશ ત્યાંથી એકાદ હજાર કિલોમીટર દૂર થાય. ફિલ્મમાં દેખાડયું છે કે ત્રણ-ચાર મહિને એકાદું વહાણ ટાપુને કાંઠે લાંગરે છે, ને દંપતી માટે જરૂરિયાત પૂરતો સામાન, ટપાલ વગેરે લેતું આવે છે. એક વાર વહાણમાંથી એક જર્મન પરિવાર પણ ઉતરે છે - પતિ-પત્ની (હાઇન્ઝ અને માર્ગારેટ) અને એમનો આઠ-દસ વર્ષનો દીકરો. તેઓ જઈને ડૉ. ફ્રેડરિકને મળે છે. કહે છે: અમને પણ શાંતિ જોઈએ છે, અમારે પણ સુખચેનથી જીવવું છે. શક્ય છે કે આ ટાપુનાં શુદ્ધ હવા-પાણીથી અમારો માંદો દીકરો સાજો થઈ જાય.
ડૉ. ફ્રેડરિક અને ડૉરને આ અચાનક આવી ચડેલા 'મહેમાનો' ગમતા નથી. અત્યાર સુધી આ વિરાટ વર્જિન ટાપુ પર ફ્કત તેમનો એકાધિકાર હતો. તેઓ નિર્જનતાથી ટેવાઈ ચૂક્યાં છે,
પણ હવે આ પરિવારે અહીં આવીને 'ભીડ' કરી નાખી છે. ડૉ. ફ્રેડરિક દાઢમાં ડૉરને કહે છે: તું ચિંતા ન કર. આ ટાપુ પર જંગલી જનાવરો છે, ઝેરી જીવજંતુ છે. હું જાણીજોઈને આ લોકોને એવી જગ્યાએ 'સેટલ' કરીશ કે જ્યાં પીવાનું પાણી અતિ મર્યાદિત છે. તું જોજે, આ પરિવાર અહીં જીવી જ નહીં શકે...
ડો. ફ્રેડરિકની વાત સાચી છે, કેમ કે ટાપુ જેટલો સુંદર છે એટલો ભયાવહ પણ છે. થોડા દિવસો પછી ઔર થોડાક માણસો ટાપુ પર ટપકી પડે છે. એ છે ઇલોઇઝ નામની ભમરાળી સ્ત્રી, જે પોતાને કોઈ શાહી ખાનદાનની વારસદાર ગણાવે છે. એની સાથે એના બે પ્રેમીઓ જેમની સાથે એ મન ફાવે ત્યારે કામક્રીડા કરતી રહે છે. સાથે એક સેવક પણ છે. અતિ મહત્ત્વાકાંક્ષી ઇલોઇઝ આ ટાપુ પર એક વૈભવી રિસોર્ટ ઊભો કરવા માગે છે, કે જેમાં ટુરિસ્ટો આવીને મોજથી રહી શકે! ડો. ફ્રેડરિકને થાય છે કે હું તો સમાજથી બચવા માટે આટલે દૂર ટાપુ પર આવીને વસ્યો હતો, પણ હવે અહીં જ સમાજ ઊભો થવા લાગ્યો છે...
તો શું આ ટાપુ પર ખરેખર માણસોની વસ્તી વધતી જવાની છે? પેલો પરિવાર ટાપુના વિષમ વાતાવરણમાં ટકી શક્યો? પેલા બીમાર છોકરાનું શું થયું? એ સાજો થયો કે વધારે માંદો પડયો? ઇલોઇઝનો ભવ્ય રિસોર્ટ બનાવવાનો પ્લાન કામિયાબ થયો? આ સૌ પાત્રોના આંતરિક સંબંધોમાં કેવા ચડાવઉતાર આવ્યા? આ સવાલોના જવાબ તમારે ફિલ્મ જોઈને મેળવી લેવાના છે.
ફિલ્મની કાસ્ટિંગ મસ્ત છે. ડો. ફ્રેડરિકનું પાત્ર જુડ લૉએ ભજવ્યું છે. વેનેસા કર્બી એની પાર્ટનર બની છે. નખરેબાજ ઇલોઇઝનું કિરદાર ઍના દ આર્મસ નામની અભિનેત્રીએ ભજવ્યું છે. આ ત્રણેય ઓસ્કર-નોમિનેટેડ કલાકારો છે. સિડની સ્વીનીને આપણે સોશિયલ મીડિયા પર અતિ ગ્લેમરસ અવતારમાં જોઈ છે. આ ફિલ્મમાં માર્ગારેટ (આગંતુક કપલ પૈકીની સ્ત્રી)ના પાત્રમાં એનો અભિનય જોજો.
આ બધુંય બરાબર, પણ અહીં ફિલ્મમેકર 'કવિ' આખરે કહેવા શું માગે છે? અહીં ઇડન ટાપુને એક પ્રતીક તરીકે લેવાનો છે. તેના પર વસતા ગણ્યાગાંઠયા માણસો સમગ્ર માનવજાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફિલ્મ આપણને જાણે કે પૂછે છે કે તમે તમારાં ઘર, દેશ કે માનવસમાજથી દૂર જઈ શકો છો, પણ તમારી જાતથી શી રીતે દૂર જઈ શકશો? તમારી વૃત્તિઓ અને અહંકારથી શી રીતે અંતર કરી શકશો? આપણને એવું માનવામાં અનુકૂળતા રહે છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે, ગામડાં તોડીને શહેરો ઊભાં કર્યાં એટલે, ઇન્ટરનેટ-મોબાઇલ-આધુનિક ટેકનોલોજી આવ્યાં એટલે આપણે 'બગડી' ગયા, આપણું અધ:પતન થયું, પણ શું આ થિયરીમાં તથ્ય છે? સચ્ચાઈ તો એ છે કે સમાજમાં, દુનિયામાં અને આપણી ભીતર જે અંધકાર અને અંધાધૂંધી વ્યાપેલાં જોઈએ છીએ તે આજકાલનાં નથી, તે તો સદીઓ-સહાબ્દિઓ જૂનાં છે. આપણે સૌ સુખ-શાંતિ અને સાર્થકતા શોધી રહ્યા છીએ... પણ આ શોધ કંઈ સમાજથી દૂર કશેક નાસી જવાથી કે ઇવન પ્રકૃતિના ખોળે જતા રહેવાથી પૂરી નહીં થાય. આ શોધ તો ભીતર નજર દોડાવીને આત્મબોધ થકી જ પૂરી થઈ શકે, ખરું?
ચાંપલા રિવ્યુઅર્સની પરવા કર્યા વિના ઓટીટી પર આ ફિલ્મ જોજો. ગમશે.
શો-સ્ટોપર
'આપણે સમાજથી ભાગીને પ્રકૃતિના ખોળે જઈએ છીએ, પણ ખરેખર તો ત્યાં આપણી ખુદની પ્રકૃતિ કેવી છે તેનો પરિચય થતો હોય છે.' - રોન હાર્વર્ડ


