Get The App

પોયણી માટે એની માતાએ 7 આચાર સંહિતાઓ નક્કી કરી

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
પોયણી માટે એની માતાએ 7 આચાર સંહિતાઓ નક્કી કરી 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- માતા પણ જો કડક સાસુ જેવી હોય તો દીકરી ફરિયાદ કોને કરે ? 'બેટી બચાઓ' એ શું ફોગટ સૂત્ર છે ? હવામાં પડઘાતો પ્રશ્ન...

'આ વકાર' બંગલો હતો બહુ વિશાળ, પણ એમાં આણ પ્રવર્તે માત્ર બે જ માણસની ! મમ્મી અપર્ણાદેવીની અને પપ્પા અંબરકુમારની. અલંકાર તેમનો મોટો દીકરો અને પોયણી એમની નાની દીકરી. બન્ને એક જ માતાપિતાના સંતાન, પણ ઘરમાં બન્ને માટેના કાયદા અલગ-અલગ. અલંકારને પુત્ર હોવાને નાતે બધી જ સ્વતંત્રતા ભોગવવાની છૂટ અને પોયણી માટે ?... સ્વતંત્રતા જેવો કોઈ શબ્દ જ નહીં. તેના માટે મમ્મી-પપ્પાની ડિક્શનરીમાં હુકમ, વટ અને હઠ સિવાય અન્ય કોઈ પણ શબ્દ જોવા મળતો નહોતો.

અલંકાર બન્ને માટે સર્વસ્વ હતો. પરીક્ષાનું પરિણામ આવે એટલે તરત જ અંબરકુમાર અલંકાર અને પોયણી બન્નેના ગુણપત્રક લઈને બેસી જતા. અલંકાર માંડ ચાલીસથી પીસ્તાળીસ ટકા ગુણ મેળવીને પાસ થતો... પણ અંબરકુમાર અને અપર્ણાદેવી સૌ પહેલાં અલંકારનું ગુણપત્રક હાથમાં લેતાં. અંબરકુમાર પરિણામ જોઈને કહેતાં : 'બેટા, હું તને કહી કહીને થાકી ગયો નિયમિત રીતે વાંચ, પણ તેં ગણકાર્યું નહિ.'

'પપ્પા, તમે ચિંતા શું કરવા કરો છો ? મેં તમારી પ્રોપર્ટીના દસ્તાવેજો, એફ.ડી.ની રસીદ, શેરનાં રોકાણ, બધુ ંજ છૂપી રીતે જોઈ લીધું છે. એક યહૂદી કહેવત છે 'પૈસાદારોને સંતાનો નથી હોતાં. વારસદારો હોય છે.'કહીને અલંકાર ખડખડાટ હસ્યો ત્યારે અપર્ણાદેવી પણ તેને જોરથી તાલી આપીને કહ્યું હતું 'જોયું ને અલંકારના પપ્પા, તમારો દીકરો કેટલો હોંશિયાર છે...'

પોયણી પોતાનું ગુણપત્રક મમ્મી-પપ્પા આગળ મૂકે એ પહેલાં જ અપર્ણાદેવી તાડૂકી ઉઠયા. 'બાજુએ મૂક તારું ગુણપત્રક. પોયણી હું સારી રીતે સમજું છું તારી દાનત. ભાઈના ગુણ ઓછા આવ્યા છે અને તારા વધારે આવ્યા છે એટલે ભાઈને નીચો દેખાડવા ગુણપત્રક લઈને અહીં આવી છે... તારું પરિણામ સારું આવે કે ન આવે અમને કોઈ ફરક નથી પડતો. તું તો પારકા ઘરની થાપણ છે. તારે અભ્યાસમાં નહીં ઘરના કામકાજમાં વધુ ધ્યાન આપવું જોઈએ. ચલ જા, અલંકારભાઈ માટે મોસંબીનો જ્યૂસ લઈ આવ. બિચારો તડકામાં સ્કૂટર ચલાવીને ઘરે આવ્યો છે.' પોયણી પ્રત્યેનું મમ્મી-પપ્પાનું વર્તન અલંકારને પસંદ નહોતું.. એ પોયણીનું ઉપરાણું લેવા જાય એટલે અપર્ણાદેવી તેને ચૂપ કરાવી દેતાં : 'અલંકાર બેટા, તું તો દીકરો છે. તને તો જીવની જેમ જાળવવો પડે. પણ પોયણીને ખવડાવી-પીવડાવીને અલમસ્ત ન બનાવાય. આખરે એણે સાસરે જવાનું છે. જાડી છોકરીને પસંદ કોણ કરે ? દીકરીઓને મર્યાદામાં રહેતાં અત્યારથી શિખવાડવું જોઈએ. નહીં તો સાસરે જઈને દુ:ખી થાય.'

સવાર પડે ત્યારથી અપર્ણાદેવીના પોયણી પર વ્યંગ્યબાણ ચાલુ થઈ જતાં. : 'પોયણી, છેલ્લે કાંસકો તેં વાપર્યો ? તને એ વાતની ગતાગમ નથી કે કાંસકામાં વાળ ન રહેવા જોઈએ ? ભાઈના પુસ્તકો ટેબલ પર વેરવિખેર પડયાં છે. સરખી રીતે ગોઠવવા માટે જોશી પાસે મુહૂર્ત કઢાવી આપવું ? તારાં પુસ્તકો કેવાં ટીપટોપ ગોઠવ્યાં છે. તું મોટી કલેક્ટર થવાની છું કે શું ? જા ભાઈનો રૂમ વ્યવસ્થિત કરી દે. અલંકાર તો કુળદીપક છે. મોટો થઈને એ જ અમારી સેવા કરવાનો છે. તારે તો પારકે ઘેર જવાનું છે એટલે તો તારા ઘડતરમાં હું વિશેષ ધ્યાન આપું છું. આમ ગુસ્સામાં અલંકાર સામે કેમ ટગરટગર જોયા કરે છે ? જોજે, મારા દીકરાને તારી નજર ના લાગી જાય.'

અંબરકુમારને પણ લાગતું હતું કે અપર્ણાદેવી પોયણી પ્રત્યે વધારે કઠોર વર્તન દાખવે છે, પણ તેઓ આંખ આડા કાન કરતાં અને દીકરો અલંકારની પ્રશંસામાં જ વ્યસ્ત રહેતા.

પોયણી અલંકાર સમક્ષ ઉભરો ન ઠાલવે ત્યાં સુધી અલંકારને ચેન નહોતું પડતું. તે છાનોમાનો મોટી બેન પોયણીને મળતો. પોયણી અનેકવાર ભાઈ આગળ રડી હશે... પણ મમ્મી-પપ્પાની તાનાશાહી આગળ લાચાર અલંકાર તેને કોઈ મદદ કરી શકતો નહોતો. પરંતુ તેને આશ્વાસ આપીને નોર્મલ કરવાની કોશિશ જરૂર કરતો... અને કહેતો : 'પોયણી, તું ચિંતા ન કર, મોટો થઈને હું તારા બધાં દુ:ખો દૂર કરી દઈશ.' અલંકારને બેનનું દુ:ખ વસમું લાગતું હતું. પણ પોતે અઢળક સંપત્તિનો વારસદાર થવાનો છે... એ લાલચમાં માતા-પિતા આગળ બેનનું ઉપરાણું લેતાં ખચકાતો હતો.

અલંકારને પોયણી ખૂબ જ વહાલી હતી. ઘણીવાર આડકતરી રીતે પપ્પા અંબરકુમારને કહેતો : 'પપ્પા, તમે મમ્મીને બહુ છૂટ આપી દીધી છે. તમે ટીવી પર જુઓ છો ને કે ઘરમાં મમ્મી કેટલી બધી આક્રમક હોય છે, તેવું જ આપણા ઘરમાં થયું છે. પપ્પા, તમારે પોયણી માટે પણ સ્ટ્રોંગ થવું જોઈએ. પોયણીને વગર કારણે મમ્મી આખો દિવસ ટોક્યા જ કરે છે.'

ત્યારે અંબરકુમાર હસીને કહેતા 'બેટા, હું સમજું છું કે પોયણી માટે તારી મમ્મી જરા કડક છે. પણ તે પોયણીના સારા ભવિષ્ય માટે જ તેને તૈયાર કરી રહ્યા છે. તું ચિંતા ન કર. તું જલસા કર બેટા.'

પોયણીએ પંદરમા વર્ષમાં પ્રવેશ કર્યો એટલે અપર્ણાદેવીએ તેના માટે આચારસંહિતા બહાર પાડી.

પોયણીનો મોબાઈલ અપર્ણાદેવી પાસે રહેશે. તેણે પોતાની પાસે મોબાઈલ રાખવાનો નહીં. કોઈનો ફોન આવે તો અપર્ણાદેવીની હાજરીમાં જ વાત કરવા દેવામાં આવશે.

એક નામની એક વ્યક્તિના સપ્તાહમાં બે થી વધુ ફોન આવશે તો ફોન પર વાત કરવા દેવામાં આવશે નહી.

કોઈપણ પુરુષમિત્રનો ફોન આવવો ના જોઈએ.

હરવા-ફરવા કે સહેલીને ઘેર જવા માટે અપર્ણાદેવીની પૂર્વમંજૂરી લેવી જરૂરી છે.

બહાર જતી વખતે સાદાં વસ્ત્રો ધારણ કરવાં. ફેશનેબલ વસ્ત્રો ધારણ કરવાથી અન્ય યુવકોનું ધ્યાન ખેંચાય.

લગ્ન માટે ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. માટે સ્નાતક સુધીનો જ અભ્યાસ કરવા દેવાશે.

ભવિષ્યમાં સાસરે જવાનું હોવાથી ઘરનાં બધાં કામ અને રસોઈની તાલીમમાં વધુ ધ્યાન આપવું પડશે.

પોયણી મમ્મીની આચારસંહિતાના જાહેરનામાથી સમસમી ઊઠી હતી. તે માર ખાઈ લેવાની તૈયારી સાથે વિદ્રોહી બનવા માગતી હતી પણ અલંકારભાઈ છૂપી રીતે તેને હાથ જોડીને શાંત રહેવાની વિનંતી કરતા. પોયણી મૂંગા મોઢે બધું સહન કરતી હતી. પરંતુ આ બધાની અસર તેના અભ્યાસ પર પડતી હતી. તેનું અભ્યાસમાં મન ચોંટતું નહોતું. એટલે એના પરિણામ પર અસર પડી હતી. કાયમ ૮૦ ટકા માર્ક્સ લાવનાર પોયણી બબ્બે વિષયમાં નાપાસ થવા માંડી.

પોયણીનું પરિણામ જોઈને અપર્ણાદેવીએ ધમકી આપી કે 'જો આવું ને આવું રિઝલ્ટ આવશે તો તેનું જલ્દીથી લગ્ન કરી સાસરે મોકલી દેવામાં આવશે.'

અને અગિયારમા ધોરણની વાર્ષિક પરીક્ષામા પોયણી ત્રણ વિષયમાં ફેઈલ થઈ. પોયણી રીઝલ્ટ લઈને ઉદાસ વદને સ્કૂલના બાંકડે બેઠી હતી. સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ઘેર જતા રહ્યા. પોયણી એકલી-અટૂલી બેઠી હતી. શાળાને તાળુ મારવા માટે શાળાના ચોકીદાર ચંદુકાકા આવ્યા. તેમણે પોયણીને બેઠેલી જોઈને પૂછ્યું : 'બેટા, તારે ઘેર નથી જવું ? તારાં મમ્મી-પપ્પા ચિંતા કરતાં હશે.'

ચંદુકાકાએ પોયણીને સમજાવીને ઘેર મોકલી. ઘરની અંદર જતાં પહેલાં ઘરનું વાતાવરણ કેવું છે એ જાણવા એણે પ્રયાસ કર્યો. ત્યારે તેની મમ્મીના શબ્દો કાને અથડાયા. 'આજે પોયણીનું રીઝલ્ટ છે. મને ખાતરી છે કે એ નાપાસ જ થવાની છે. ખબરદાર છે જો એને ઘરમાં પેસવા દીધી છે તો. બહાર ભટકી ખાવા દો. મા-બાપના પૈસે તાગડધિન્ના બહુ કર્યા. એને બહારથી ને બહારથી જ એના મામાને ઘેર મોકલી દઈશ અને ગામડામાં જ એના લગ્નનું મોટા ભાઈ ગોઠવી દેશે.'

મમ્મીની વાત સાંભળી પોયણી દુ:ખી થઈ ગઈ. તે ઘરે જવાને બદલે પાછી વળી ગઈ. બે-ત્રણ દિવસ ખાધા-પીધા સિવાય મંદિરના ઓટલે પડી રહી હતી. શરીરમાં તાવ પણ હતો. તેમની પાડોશમાં રહેતા ગિરિજા આન્ટીની પોયણી પર નજર પડી. તેમણે પોયણીને જગાડીને કહ્યું, 'બેટા, પોયણી તું અહીં છે. તારો ભાઈ અલંકાર તારી યાદમાં બસ રડયા કરે છે. તારી મમ્મી તને શોધવાની ના પાડી છે પણ તારો ભાઈ બે-ત્રણ દિવસથી જમ્યો નથી. એણે તને શોધી કાઢીને લઈ આવવાની જિદ પકડી છે. તેને પણ બહુ તાવ આવ્યો છે. તારા નામની લવરી કર્યા કરે છે. બેટા, ચાલ તારા ઘરે તને લઈ જઉં.'

પોયણીએ ગિરિજા આન્ટી સાથે પોતાને ઘેર જવાની ના પાડી અને પોતાના ભાઈને અનાથાલયમાં લઈને આવવા માટે વિનંતી કરી. તે મંદિર પાસેના અનાથાલયમાં ગઈ અને છુટ્ટા મોઢે રડતાં રડતાં કહ્યું કે 'મારું ઘર એ ઘર નથી. પણ ત્રાસવાદી મમ્મીનો અડ્ડો છે. મને અહીં અનાથાલયમાં રહેવા દો. હું કામ કરીશ. મજૂરી કરીશ પણ મારે ઘેર નથી જવું.'

ગિરિજાદેવીએ ઘરે જઈને અલંકારને વાત કરી. અલંકાર દોડતો પોયણીને લેવા ગયો. બન્ને ભાઈ-બહેન એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડયાં. થોડી જ વારમાં અપર્ણાદેવી અને અંબરકુમાર પોલીસ લઈને અનાથાલયમાં આવ્યા. એમને આવેલા જોઈને પોયણી બેહોશ થઈ ગઈ. તે ત્રુટક ત્રુટક અવાજે બોલતી હતી : 'ભાઈ, મારે ઘેર નથી આવવું. તમારી બેન મરી જશે પણ નહીં આવે.' કહેતાંની સાથે જ પોયણીનું પ્રાણપંખેરું ઊડી ગયું.

અલંકાર મનોમન વિચારી રહ્યો હતો... 'નારીને સમાજ અન્યાય કરે એ તો સમજી શકાય પણ પોતાની માતા જ એને જીવન ટૂંકાવવાની ફરજ પડે એવું વર્તન દાખવે એ અભિશાપ કહેવાય. દીકરીને ગૌરવ અર્પણની શિખામણ માતાને આપવાની જરૂર નથી કારણ કે એ પણ આખરે તો કોઈની દીકરી જ છે ને ! માતા પણ જો કડક સાસુ જેવી હોય તો દીકરી કોને ફરિયાદ કરે !? શું બેટી બચાવો, એ ફોગટ સૂત્ર છે ?' હવામાં પ્રશ્ન પડઘાતો હતો....