- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- રાધાએ ગોપાલને પહોંચાડવા માટે ધાબા પરથી નાંખેલો લેટર ઝાડમાં ફસાઈ ગયો છે. છતાં એ પત્ર જાણે રાધાએ પોતાના માટે જ લખ્યો હોય એમ ઢંઢેરો પીટી નાંખે છે!
ભ લે 'સંગમ' પહેલી એવી ફિલ્મ હતી. જેમાં બબ્બે ઈન્ટરવલ પડતા હતા, ભલે પહેલી એવી ભારતીય ફિલ્મ હતી જેનું ઘણું બધું શૂટિંગ યૂરોપના ત્રણ-ચાર દેશોમાં થયું હતું, અરે, ભલે એવી એકમાત્ર સુપરહિટ ફિલ્મ છે કે આજે ૪૦ વરસ પછી પણ તેના એક સુપરહિટ ગાયનની ધૂન પરથી બનેલું ભજન આજે પણ ગુજરાતનાં મંદિરોમાં ગવાય છે !
જીહા, 'મેરે મનકી ગંગા'ની ધૂન ઉપરથી એ જમાનાના પ્રખ્યાત નંદુ ભગતે બનાવેલું ભજન 'વારેવારે અવસર નહીં આવે રે ફરી, બોલ માનવ જ બોલ, કૃષ્ણ ગોવિંદ હરિ...' આજે પણ મંદિરમાં ડોશીઓ મોજથી ગાય છે ! એમાંથી અમુકને તો ખબર પણ નથી કે ફિલ્મમાં એ ગાયન વખતે વૈજયંતિમાલા પણ બિકીની પહેરીને સ્નાન કરી રહ્યાં હતાં !
***
એમ તો, 'સંગમ'માં આપણા કોલમિયા વિવેચકો લખતા હોય છે એવો એક 'મેટાફર' પણ છે ! શું છે એ 'મેટાફર' ? તો જુઓ, ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં નામો શું છે ? ગોપાલ, રાધા અને સુંદર, બરોબર ? હવે પુરાણકથાનો સંદર્ભ ક્યો તો પણ રાધા કદી કૃષ્ણને (એટલે કે ગોપાલને) પરણી શકી નહોતી, છતાં તે કૃષ્ણના દેવસ્વરૂપ (યાને કે સુંદર, શ્યામસુંદર) ને જીવનભર પોતાના સ્વામી માનતી રહી હતી. બરોબર ? તો ફિલ્મમાં પણ એ જ છે ને ? રાધા (વૈજ્યંતિમાલા) ગોપાલને (રાજેન્દ્રકુમારને) પ્રેમ તો કરે છે પરંતુ પોતાના પતિ તરીકે તન, મન અને આત્માથી કોને સ્વીકારી લે છે ? સુંદરને ! (રાજ કપૂરને).
***
ચાલો, એ મેટાફર-બેટાફરને આઘો મુકો તો પણ 'સંગમ'માં એક ચોંકાવનારી વાત એ છે કે રાજ કપૂરે રીતસર રાજેન્દ્ર કુમારના 'આપઘાત'નો પ્લાન બનાવ્યો છે ?
હવે આમ ચોંકી જવાની જરૂર નથી, મિ. લોર્ડ ! કેમકે તમને જો આજે પણ ફિલ્મ યાદ હોય તો એની સ્ટેપ બાય સ્ટેપ મોડસ ઓપરેન્ડી સમજાઈ જશે...
***
સૌથી પહેલી વાત તો એ કે સુંદર (રાજ કપૂર) છેક બાળપણથી જાણતો હતો કે રાધા ગોપાલને જ પ્રેમ કરે છે. અને યુવાન થયા પછી 'મેરે મન કી ગંગા' ગાયન ગાતાં પહેલાં ઝાડ ઉપર બેઠેલો સુંદર શું કહે છે ? રાધા મેરે દિલ કી બાત તો સુનલો ? માન લો કી યહ ગાના ગોપાલ ગા રહા હૈ ! આનો મતલબ શું થયો ? કે ભાઈસાહેબ બહુ પરફેક્ટલી જાણે છે કે રાધાના દિલમાં તો ગોપાલ જ છે ! એથી પણ આગળ, એક સીનમાં તે પોતે સગી આંખે જુએ છે કે રાધાએ ગોપાલને પહોંચાડવા માટે ધાબા પરથી નાંખેલો લેટર ઝાડમાં ફસાઈ ગયો છે. છતાં એ પત્ર જાણે રાધાએ પોતાના માટે જ લખ્યો હોય એમ ઢંઢેરો પીટી નાંખે છે !
એટલું જ નહીં, 'મુઝે હિન્દી નહીં આતી' એવું બહાનું કાઢીને ખુદ ગોપાલ પાસે એ લેટર મોટેથી વંચાવડાવે છે ! (આમાં બિચારા ગોપાલને એટલો બધો ઈન્ટ્રોવર્ટ બતાડયો છે કે તે રાધા આગળ પ્રેમનો 'પ' પણ બોલી શકતો નથી.)
***
મિ લોર્ડ, આ બે ઘટનાઓનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે સુંદર રાધાની સાથે લગ્ન કરતાં પહેલાં જ બધું જાણતો હતો ! પરંતુ એના 'મર્ડર પ્લાન' અથવા આત્મહત્યાની 'દુષ્પ્રેરણા'નો અસલી ખેલ લગ્ન પછી શરૂ થાય છે... (હવે ધ્યાનથી વાંચજો !)
***
સ્ટેપ નંબર વન: યુરોપમાં હનીમૂન પર ગયા પછી રાધા સંપૂર્ણપણે સુંદરમય બની ગઈ છે એની ખાત્રી કર્યા પછી સુંદર જીદ કરીને ગોપાલને ત્યાં બોલાવે છે ! એટલું જ નહીં, વારંવાર બન્નેને એકલાં મુકીને જતો રહે છે જેથી બન્ને જણાં 'ઓકવર્ડ' હાલતમાં ફસાઈ જાય... ટુંકમાં 'ગિલ્ટી ફિલીંગ'ની શરૂઆત.
***
સ્ટેપ નંબર ટુ : સુંદર ગોપાલને પોતાના ઘરે બોલાવે છે અને 'આર્મીમાં મારે એક સાથી હતો, એના ખાસ દોસ્તે એની પ્રેમિકા સાથે પરણીને કેવો દગો કર્યો.' એની કરૂણ દાસ્તાન સંભળાવે છે. ઉપરથી 'દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા' વાળું ગાયન ગાય છે !
એટલું જ નહીં, ગાયન પતે ત્યારે સુંદર પોતાનું માથું પિયાનોમાં પછાડીને ધુ્રસકે ધુ્રસકે રડવાનું નાટક કરે છે ! પાછલ બેઠેલાં બિચારાં રાધા અને ગોપાલ હવે ફૂલ 'ગિલ્ટ'માં !
ત્યાર બાદ જાણે ઘા ઉપર મીઠું ભભરાવતો હોય એમ સુંદર કહે છે 'ઈસ સે તો અચ્છા હોતા વો દોસ્ત મર જાતા ! જોયું ? અહીં જ સુંદર ગોપાલના દિમાગમાં આત્મહત્યાનું 'બીજ' રોપી રહ્યો છે !'
***
સ્ટેપ નંબર થ્રી : રાધાના કબાટના લોકરમાં સંતાડેલો ગોપાલનો પ્રેમપત્ર મળી આવે છે ત્યારે રાજકપૂર 'હિન્દી'માં વાંચવા લાગે છે ! 'યે મેરા પ્રેમપત્ર પઢકર...' વગેરે ! અરે ભાઈ, અગાઉ તો 'મુઝે હિન્દી નહીં આતી' એવું કહીને રાધાનો પત્ર ગોપાલ પાસે વંચાવડાવ્યો હતો ! હવે છેક યુરોપ જઈને હિન્દીના કલાસ ભરી આવ્યા ?
***
સ્ટેપ નંબર ફોર : એ પ્રેમપત્ર મળ્યા પછી સુંદર વારંવાર પિયાનો પર 'દોસ્ત દોસ્ત ના રહા...' ગાવા બેસી જાય છે ! એનો હેતું શું છે ? બિચારી રાધા ઉપર સતત ટોર્ચર કરતાં રહેવાનું !
અહીં એક આડવાત પણ ઉમેરી લેવા જેવી છે કે ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરીને આ મોડસ ઓપરેન્ડીની પહેલેથી જ ખબર હતી ! એટલે જ શૈલેન્દ્રએ 'હર દિલ જો પ્યાર કરેગા' ગાયનમાં ગોપાલના અંતરામાં શું લખ્યું છે ? ખામોશી કા યે અફસાના રહ જાયેગા બાદ મેરે...
અરે ભાઈ, 'બાદ મેરે એટલે શું ? મરી ગયા પછી જ ને ?'
એ જ રીતે હસરત જયપુરીએ 'યે મેરા પ્રેમપત્ર...' ગીતમાં લખ્યું છે 'અગર મર જાઉં, રૂહ ભટકેગી તેરે ઈન્તેજાર મેં !' (અર્થાત્ ગોપાલમાં પહેલેથી જ 'સૂઈસાઈડલ ટેન્ડન્સી' હતી !)
***
સ્ટેપ નંબર ફાઈવ : રાધાએ ફાડી નાંખેલા પ્રેમપત્રના ટુકડા જોડયા પછી સુંદર શું કરે છે ? રાધાની સામે જ પોતાની રિવોલ્વર કાઢીને ધમકી આપે છે મૈં ઉસે માર ડાલુંગા ! બતા દો કૌન હૈ વો ?
***
સ્ટેપ નંબર સિક્સ : એ નાટકબાજીની શું અસર થાય છે ? રાધા સુંદરના હાથમાંથી રિવોલ્વર છીનવી લે છે અને રિવોલ્વર લઈને સીધી ક્યાં જાય છે ? ગોપાલ પાસે !
મતલબ કે ગોપાલના દિમાગમાં 'ગિલ્ટ' તો હતો જ, હવે આત્મહત્યા કરવાનું 'હથિયાર' પણ પહોંચી ગયું !
***
સ્ટેપ નંબર સેવન : (ફાઈનલ સ્ટેપ) હથિયાર ગોપાલ પાસે પહોંચી ગયું છે એની ખાત્રી થતાં જ સુંદર ગોપાલના ઘરે ઘસી આવે છે ! અહીં એ રડારોડ, કકળાટ, અને ડ્રામાબાજી કરતાં કહે છે 'ગોપાલ તુમ મુઝે ગોલી માર દો, તાકિ ઈસ કહાની કા અંત હો જાય !'
જોયું ? આને કહેવાય અલ્ટીમેટ સુસાઈડ 'સજેશન' ! (જે આજકાલ મોબાઈલનાં અમુક એપ્સ કરી રહ્યાં છે) અને છેવટે 'ધી એન્ડ' શી રીતે આવે છે ? ગોપાલ જ પોતાની જાતને ગોળી મારી દે છે ! પત્યું ?
હજી અમારી થિયરી ઉપર ભરોસાં ના બેસતો હોય તો મોબાઈલમાં 'સંગમ'નો છેલ્લો એક કલાક જોઈ લેજો.


