Get The App

પાંખો જ વજનદાર બની જાય તો મુક્ત ગગનમાં વિહરી નથી શકાતું

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
પાંખો જ વજનદાર બની જાય તો મુક્ત ગગનમાં વિહરી નથી શકાતું 1 - image

- ઓશો અહંકાર અને ઘમંડી વ્યક્તિની પીડા કેવી હોય છે તે સમજાવે છે : ઘૂંટણના ઘસારાનું દર્દ થાય ત્યારે જ ઘૂંટણ જેવું કોઈ અંગ છે તેનો આપણને એહસાસ થાય છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ભૌતિક દુનિયામાં મેળવેલા છોગા પ્રત્યેક પળ સાથે લઈને ફરતી વ્યક્તિની સ્થિતિ દયનીય હોય છે

સ તત ઘમંડ, અહંકાર અને તેમના હોદ્દાના ભાર સાથે જીવતી વ્યક્તિ કેવી પીડા અનુભવતી હશે? સતત અંગત જીવનમાં પણ પોતાના પાવર સાથે ફરતી વ્યક્તિની પીડાને સમજવા માટે કેવું ઉદાહરણ આપી શકાય? તે પશ્નનો ઓશોએ ચોટદાર તાર્કિક ઉત્તર આપ્યો છે.

ઓશો કહે છે કે 'આપણે આટલી સહજતાથી જીવન જીવી શકીએ છીએ તેનું એક જ કારણ છે કે આપણને આપણા સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, તેના અંગો, ઉપાંગો અવિરત તેમનું કાર્ય કરતા રહે છે તેનો એહસાસ જ નથી થતો હોતો.

ઉદાહરણ તરીકે આપણા ઘૂંટણ વર્ષોથી આપણું વજન ઝીલીને ચાલવામાં મદદ કરતા રહ્યા છે. આપણે કેટલું વજન ઊંચકીને ફર્યા હોઈશું.પણ ક્યારેય ઘૂંટણની આવી તાકાત કે આપણા જીવનમાં પ્રદાન અંગે વિચાર સુદ્ધા કર્યો છે? જાણે ઘૂંટણનું અસ્તિત્વ જ નથી તે રીતે આપણે જીવનભર તેની હાજરી તરફ દુર્લક્ષ સેવતા હોઈએ છીએ.અને આ જ કારણે આપણે હળવાફૂલ બનીને જીવી શકીએ છીએ.

હવે માની લો કે આ જ ઘૂંટણમાં ઘસારો પહોંચે કે ગાદી તૂટી જાય અને   એક ડગલું માંડી જુઓ, પીડા સાથે બુમ પાડી ઉઠશો. બેઠા કે સુતા હશો ત્યારે પગ હલતા જ મોમાંથી શીશકારો નીકળી જશે.

જે ઘૂંટણના અસ્તિત્વને જ તે બરાબર કાર્ય કરતા હતા ત્યારે ભૂલી ગયા હતા તે ઘૂંટણ હવે એવી તો પીડા આપે છે કે તમારું ક્ષણે ક્ષણનું ધ્યાન તે ઘૂંટણમાં જ રહેશે. તમારી સમક્ષ દુનિયાભરના દ્રશ્યો અને વ્યંજનો હાજર કરવામાં આવશે તો પણ દર્દને લીધે તમે કંઈ જ માણી શકતા નથી. અજબ બેચેની, અકળામણ સાથે પીડાના લબકારા જારી જ છે. તમે જ આ સ્થિતિ જાણો છો. તમારી આજુબાજુના માણસોને તો ખબર જ નથી હોતી કે તમે કેવા સમયમાંથી પસાર થઇ રહ્યા છો.

તમને થશે કે આ બધી વાતમાં સતત ઘમંડમાં રાચતી વ્યક્તિની પીડાને સમજાવવાની વાત ક્યાં આવી.

ઓશો ઘૂંટણની વાતનો ટેકો લઈને ઉમેરે છે કે જ્યારે તંદુરસ્ત ઘૂંટણના અસ્તિત્વનું આપણને  ભાન નહોતું ત્યારે આપણે કેટલી મસ્તીમાં વિહરતા હતા. બોજ ઉઠાવતા હતા તો પણ બોજ મુક્ત હતા. પર્વત ચઢી શકતા હતા પણ તે ઘૂંટણ અને પગને કારણે છે તેવું વિચાર્યું નહોતું. અંગનો કે હોવાપણાનો એહસાસ જ પીડા સાથે જોડાયેલો છે. બાહ્ય કે આંતરિક કોઈપણ હાજરી મુક્ત ગગનના વિહારની મજા છીનવી લે છે.

હવે તે રીતે સમજો કે જ્યારે વ્યક્તિ પોતે શું છે, કેવી સિદ્ધિ કે કેવો હોદ્દો ધરાવે છે, તે કેટલો શ્રીમંત અને સત્તાધીશ છે તેવા મદને સતત લઈને ફરે છે એટલે તે મિજાજ અને મનોસ્થિતિ તેને સતત પીડા જ આપે. કેમ કે હવે ઘૂંટણમાં દર્દ સાથેના પગ જેવી તેની સ્થિતિ છે. તેને ગમે તેવી ખુશીના દરિયામાં સ્નાન કરાવશો તો પણ તેનું ધ્યાન તો તેના અહંકાર અને દુન્યવી પ્રાપ્ત કરેલ છોગા તરફ જ સતત પરોવાયેલું રહે છે. આવી વ્યક્તિ ક્યારેય તેના માહ્યલાં સાથે હોતી જ નથી. તે પરિવાર જોડે  પ્રવાસ કરે કે ફાઈવ સ્ટાર ભોજન લે પણ તેને મોં ભરેખમ રાખીને જ ફરે કેમ કે તેના દિલોદિમાગમાં અને રગેરેગમાં રોજેરોજ પ્રત્યેક ક્ષણ તો તે બોસ, સી.ઈ.ઓ.,  કોઈ ટોચનો વ્યવસાયી કે નામાંકિત વ્યક્તિ છે. તે વ્યક્તિ ભૂલી જાય છે કે તેના કાર્યક્ષેત્રની બહાર તે કોઈનો પતિ કે પત્ની છે. તે સંતાનો સમક્ષ પણ પિતા કરતા પણ ઘરમાં બોસ જેમ ભારેખમ થઈને વર્તન કરે છે. કોઈ સામાજિક મેળાવડા, લગ્ન કે તહેવારની ઉજવણી વખતે પણ તેનું ધ્યાન તો ઘૂંટણની પીડા ભોગવતા દર્દી જેવું થઇ ગયુ હોય છે કેમ કે સહજતા ચાલી ગઈ હોય છે. હોવાનો એહસાસ જીવ અને આત્મા જોડે વણાઈ ચુક્યો છે. જ્યારે ઘસારા વગરની ઘૂંટણની અવસ્થા હતી ત્યારે કેવી મસ્તી હતી. જ્યારે વ્યક્તિ પર તેનું વ્યક્તિત્વ સવાર થઈ જાય છે તે સાથે તે  ઘુવડ ગંભીર બની જાય છે.   સ્મિત અને હાસ્ય ચહેરા પર ભૂલથી ફરકી ન જાય તે માટે ચાંપતો પહેરો રાખે છે. કોઈ બાળગોઠિયો મિત્ર તાળી પાડીને મસ્તી કરવા જાય છે ત્યારે છાતી સરસા હાથ સાથે વાળેલી અદબ છૂટી ન જાય તેથી  બે હાથને વધુ જોરથી ભીંસી દે છે.

ભગવદ્દ ગીતામાં એટેચ અને ડિટેચ અને તેથી પણ આગળ સ્થિતપ્રજ્ઞા અવસ્થા પર ભાર મુકાયો છે. તમે જે સમયે જે કાર્ય કરતા હોવ તેમાં લીન થઇ જાવ પણ એક વખત તે કાર્યની જગ્યાએ બીજું કાર્ય હાથમાં લો તે સાથે જ પહેલા કાર્યનો થાક કે લાગણી આગળ નથી ધપાવવાની પણ જાણે પહેલું કાર્ય હતું જ નહીં તેમ બીજું કાર્ય કે નવી ભૂમિકામાં તમારું સંપૂર્ણ આપી દો. ઓફિસમાં બોસ છો પણ ઘરમાં પગ મુકતા પરિવારજન બની જવાનુ છે. મનોરંજન માણતી વખતે દર્શક, રમત વખતે યુવા તરવરાટ અને સામાજિક પ્રસંગ વખતે મિત્ર કે બોજ વીનાના બનીને મજા કરવાની છે. હા, કેમ વર્તવું અને ન વર્તવું તેનો વિવેક ચોક્કસ હોવો જોઈએ.

વીજ પ્રવાહ તો એક જ છે પણ એક સ્વિચ પંખો ચલાવે છે, બીજી સ્વિચ દબાવો તો ટયૂબ લાઈટ થાય છે અને ત્રીજીથી એર કન્ડિશન ચાલે. બસ, આ જ રીતે આપણી અંદર રહેલી ઉર્જાને સ્વિચ મોડમાં લાવવાની છે. ઘેર આવો ત્યારે ઓફિસની સ્વિચ બંધ કરીને ઘરની સ્વિચ અને સંતાનને અભ્યાસ કરાવો ત્યારે વાલી બનતી સ્વિચ આમ વિવિધ જવાબદારી અને કાર્યો કરવાથી હળવા તો રહેવાશે જ પણ જીવનને માણી પણ શકાશે.

નાટક કે ફિલ્મમાં રાજાનું પાત્ર ભજવનારને પુરી ખાતરી હોય છે કે તે રાજા નથી. એક વખત ભૂમિકા પુરી થશે તે સાથે જ રાજાનો મુગુટ, સિંહાસન, રાણીઓ બધું જ વિખેરાઈ જવાનુ છે. શક્ય છે અંગત જીવનમાં તે સાવ રંક પણ હોય. જો તે ઘેર પણ રાજાના વેશમાં જ જાય તો કેવો બેહુદો લાગે.

આપણે પણ આ રીતે જીવનના જુદા જુદા ચહેરા મહોરા સાથે રોલ જ ભજવતા હોઈએ છીએ પણ સમસ્યા એ થાય છે કે આપણને જે રોલ રુઆબ અને તુમાખી આપતો હોય તે રોલના ગેટ અપ અને મેક અપ સાથે જ બધે ફરીએ છીએ અને દુ:ખી થઈએ છીએ. જીવનની મજાની બીજી ભૂમિકાઓ માણી નથી શકતા.

ઘણા તો એવા પણ છે જેઓ નિવૃત્તિ પછી પણ તેમનો રોફ લઈને ફરે છે. કેટલીયે પત્ની છે જેઓએ તેમના પતિને આજીવન પતિ તરીકે નથી જોયા. સંતાનોએ પિતા કે માતા નથી જોયા. ઈશ્વરે આપણને મુક્ત ગગનમાં વિહરવા મજાની પાંખો આપી છે પણ આપણે જ આપણી પાંખો પર વજનિયા લટકાવીને વજનદાર બનાવી દીધી છે.

સતત કંઈક છીએ તે ભૂલી જઈશું તો જ આપણી અવનવી રસપ્રદ ભૂમિકાનો આસ્વાદ માણી શકીશું.

જ્ઞાન પોસ્ટ

મલ્ટીવર્સનો અને મલ્ટી ટેલેન્ટનો જમાનો છે. પણ જીવનમાં મલ્ટી રોલ ભજવવાનું સૌથી મહત્વનું છે તે આપણે ભૂલી ગયા છીએ.