Get The App

વિવાદની પરંપરા સર્જતા અણુ ધડાકાના પડઘા અને પરિણામ

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
વિવાદની પરંપરા સર્જતા અણુ ધડાકાના પડઘા અને પરિણામ 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ભૂગર્ભમાં હોય કે સમુદ્રમાં પરીક્ષણ માટેના અણુધડાકાઓને કદાપિ ગુપ્ત રાખી શકાય નહિ. આવા ધડાકાથી સર્જાયેલા ભૂકંપનોનાં મોજાં ગમે તેવા અવરોધોને વીંધીને  ધડાકા કરનારની ચાડી ફૂંકે છે

ચી ન, પાકિસ્તાન, ભારત, અમેરિકા કે રશિયા તેમના પોતાના જ પ્રદેશમાં અણુબોંબના પ્રયોગ કરે તો તે અમેરિકા ચીન કે રશિયાથી છુપા રહી શકતા નથી.

 છેલ્લાં ૮૦ વર્ષોથી એટલે કે સન ૧૯૪૫થી અત્યાર સુધીમાં વિશ્વની ન્યુક્લિયર ક્લબમાં જોડાયેલા તમામ દેશોએ કુલ મળીને ૨૦૫૬ અણુ અખતરાઓ આદર્યા છે. 

ભૂગર્ભ અણુપરીક્ષણ કરવાનું  રશિયાએ ૧૯૯૦, બ્રિટને ૧૯૯૧, અમેરિકાએ ૧૯૯૨ સુધી ચાલુ રાખ્યું હતું.  ચીને અને ફ્રાન્સે તો છેક ૧૯૯૬ સુધી અણુધડાકા-ભડાકા ચાલુ રાખ્યા. પરંતુ ૧૯૯૬માં  અણુ પ્રસારણ સંઘિ પર સહી કર્યા પછી આ પરીક્ષણો બંધ કરાયા. ભારત  અને પાકિસ્તાને  આ સંઘિકરાર પર સહી કરી ન હોવાથી  તેમણે ૧૯૯૮ માં અણુધડાકા કરી લીધા. જ્યારે ઊત્તર કોરિયાએ ૨૦૦૬થી ૨૦૧૭ સુધી દબંગાઈ  દાખવી અણુધડાકા કર્યે રાખ્યાં.  છેલ્લો પ્રયોગ સપ્ટેમ્બર ૨૦૧૭માં કર્યો.

ગયા  સપ્તાહે  રશિયાના પ્રમુખ પુતિને  જણાવ્યું હતું કે, રશિયાએ પોસીડોન (મહાસાગર) નામક ન્યુકિલયર પાવર્ડ સુપર ટોર્નિડોનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે કોઈ પણ દેશનાં માત્ર યુદ્ધ જહાજોને જ નહીં પરંતુ પ્રચંડ રેડીયો એકિટવ ઓશન સેલ્સ (કિરણોત્સર્ગ ધરાવતાં સમુદ્રીય મોજા ઉછાળી) તટ પ્રદેશમાં પણ ખાના-ખરાબી કરી શકે તેમ છે. આ  ઘટના પછી ચોંકી ઊઠેલા પ્રમુખ ટ્રમ્પે તરત જ પેન્ટાગોનને પરમાણુ પરીક્ષણો શરૂ કરવાના  આદેશ આપ્યા હતા. 

પરમાણુ શસ્ત્રોના ટેકનિકલ ડેટાને તો એક તરફ રાખીએ પરંતુ ટ્રમ્પ આ આદેશ આપી દુનિયાને દેખાડવા માગે છે કે, હજી પણ પરમાણુ શસ્ત્રો બાબતે અમેરિકા સર્વ પ્રથમ છે. અમેરિકાએ ૨૬ જુલાઈ ૧૯૪૫માં એરિઝોનાનાં રણમા સફળ પરમાણુ બોંબ પ્રયોગ કર્યો હતો. તે પછી હીરોશિમા અને નાગાસાકી (જાપાન) ઉપર પરમાણુ બોંબ નાખી જાપાનને શરણાગત કરી દ્વિતીય વિશ્વ યુદ્ધનો અંત આણ્યો હતો.

રશિયાએ પોતાની રીતે અણુપ્રયોગો શરૂ કરી દીધા તેથી ગયા સપ્તાહે અમેરિકન હવાઈદળે કેલિફોર્નિયાના વાન્ડેનબર્ગ બેઝથી શસ્ત્ર વગરના મિસાઇલ મિનટમેન-૩નું પરીક્ષણ કર્યુ હતું. મિનટમેન-૩ અમેરિકાની સૌથી જૂની આઇસીબીએમ છે. તેનો ઉપયોગ ૧૯૭૦ના દાયકાથી થઈ રહ્યો છે. તે જમીનથી લોન્ચ થાય છે અને ૧૩ હજાર કિ.મી. દૂર સુધી માર કરી શકે છે.તેમા પરમાણુ શસ્ત્ર ગોઠવી શકાય છે, જો કે પરીક્ષણ વખતે તેમા કોઈ શસ્ત્ર ન હતું.

જો કે છેલ્લા ૨૦૫૫ અણુઅખતરાઓ દરમિયાન કોઇના પેટનું પાણી સુદ્ધાં હાલ્યું ન હતું. જ્યારે ૨૦૫૬માં ઉત્તર કોરિયાના અણુ અખતરાના કારણે વિશ્વના રાજકારણીઓના પેટમાં કડકડતું તેલ રેડાઇ ગયું એ પણ વિધિની વિકૃતિ અને વિશ્વના વિકૃત રાજકારણની વિટંબણા નહિ તો બીજું શું કહેવાય?

આમ, તો જોકે ઉત્તર કોરિયાનો આ અણુ અખતરો ૩૬૦ મિટર ઊંચા એક પર્વતની તળેટીમાં ખોદવામાં આવેલી લાંબી ટનલમાં સલામતીના તમામ વૈજ્ઞાનિક પાસાં અને ગણતરીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાથી કિરણોત્સર્ગના ખતરાનાં કોઇ સંકેતો પ્રથમદર્શી પરિણામોના અભ્યાસ અને વિશ્લેષણ દરમિયાન જોવામાં આવ્યા ન હતા.

ધરતીની ધુ્રજારીઓને (વાઇબ્રેશન) માપવા માટે અમેરિકાના લશ્કરી ખાતાએ છેક ૨૦૦૦ માઇલ દૂર સુધીના નોર્વે અને બીજા દેશોમાં અણુધડાકાને ઓળખી કાઢવાના યંત્રો મૂક્યાં છે. 'ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેકટ.''ને નામે ઓળખાતી આ ગોઠવણ વડે રશિયાના લેનિનગ્રાડ શહેરમાં માત્ર થોડીક શક્તિવાળા અણુબોંબનો પ્રયોગ થાય તેને પણ અમેરિકા પકડી પાડે છે.

અણુ પરીક્ષણો મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે.  પહેલો પ્રયોગ છે એટમોસ્ફિયરીક. આ પ્રકારના  પ્રયોગ જમીનથી  ઊંચે આકાશમાં કોઈ ઊંચા ટાવર  પરથી કે બલુન દ્વારા અથવા અજાણ્યા ટાપુ પર થાય છે.  ક્યારેક પ્લેનમાંથી અણુશસ્ત્ર હવામાં પડતો મૂકીને આ અખતરો થાય છે.

બીજો પ્રકાર છે ભૂમિગત પરીક્ષણનો.  વિશ્વની તમામ આઠ અણુસત્તા ભૂગર્ભ પરીક્ષણ કરી ચૂકી છે.  જો કે આ પ્રકારના અણુપ્રયોગોને બે અલગ રીતે કરવામાં આવે છે.  જેમાં કાં તો અણુપરીક્ષણ ભૂગર્ભમાં  ઊંડે બનાવાયેલી જમીનથી સમાંતરે ટનલમાં કરાય છે.  અથવા ઊંડો કૂવો  ખોદી તેમાં ધાતુના આવરણની દીવાલ  બનાવી તેની અંદર અણુધડાકો  કરાય છે. 

ત્રીજો પ્રકાર છે એક્સોએટમોસ્ફિયરીક.  જેમાં અણુધડાકો પૃથ્વીના  વાતાવરણની બહાર કરાય છે. આ માટેના  પ્રાયોગિક  સામગ્રીને  રોકેટ વડે  ઊંચે આકાશમાં  લઈ  જવાય છે. આમ ખૂબ ઊંચાઈએ કરાતા  અણુ વિસ્ફોટથી  ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ  ઉત્પન્ન થાય છે.

અંડરવોટર ટેસ્ટ એટલે કે પાણીની અંદર પણ અણુવિસ્ફોટ  થાય છે.  મોટે ભાગે  નૌકાદળ માટે બનાવાયેલા અણુશસ્ત્રની  તાકાત માપવા આ પ્રકારના ટેસ્ટ  સમુદ્રમાં  કરાય છે.  ખાસ કરીને  દરિયાઈ ટોર્પીડોના પરીક્ષણ હંમેશાં  પાણીની અંદર થાય છે.

અણુપરીક્ષણના એક નવો પ્રકાર છે 'સાલ્વો ટેસ્ટ'  જેમાં એક સાથે  અલગ અલગ  ક્ષમતા ધરાવતા અણુશસ્ત્રોનો એક સાથે પ્રયોગ કરાય છે. આવા પરીક્ષણ  મુખ્યત્વે  અમેરિકા અને રશિયાએ  જ કર્યાં છે.

મહાસત્તાઓ દ્વારા ક્યારેક નિર્દોષ અણુપરીક્ષણ કરાય છે! આવા ફક્ત શાંતિમય પ્રયોગો (ખાસ કરીને તાલીમાર્થીઓ માટે) ને ઓપરેશન પ્લોવશેર' નામ અપાય છે.

અણુ અખતરા માટે અણુબોંબની તાકાત પ્રમાણે રણમાં ઊંડો ખાડો ખોદવો પડે છે. બે કક્ષાના કંટ્રોલરૂમ રખાય છે. ખાડા નજીકના કંટ્રોલરૂમમાં ઇજનેરો અને વિજ્ઞાનીઓ બેસે છે અને દૂરના કંટ્રોલરૂમ આગળ દેશના નેતાને અણુધડાકા દેખાડવા હોય તો તેમને રખાય છે.

અખતરાને દિવસે આખા રણ વિસ્તારને માનવરહિત અને પશુરહિત બનાવી દેવાય છે. મોટું અણુશસ્ત્ર બનાવ્યું હોય અને ખાડામાં ઉતારવાનું હોય તો એક મોટી ક્રેન લાવવી પડે છે. ૨૦૦ થી ૧૦૦૦ ફૂટ નીચે બોંબને કે અણુશસ્ત્રને ઉતારવામાં આવે છે. તે બોંબની ઉપર 'કેનીસ્ટર સેન્સર્સ' તરીકે ઓળખાતા ધડાકાને માપવાના યંત્રને પણ ઉતારવું પડે છે. અણુશસ્ત્રનો અખતરો કરવાનો હોય તો એક ત્રીજો વૉર-રૂમ અર્થાત યુધ્ધનો ઓરડો ઊભો કરાય છે. આ રૂમમાં અણુશકિત પંચના ઉચ્ચ અમલદારો બેસે છે. ટેસ્ટ-સાઇટ અર્થાત્ અણુપ્રયોગના સ્થળમાં પૂરેપૂરી ચકાસણીની ખાતરી કરી લેવાય છે. હવામાનની છેલ્લી તપાસ કરાય છે. ત્યારબાદ છ આંકડાવાળો નંબર કોમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવે છે. સંકેત બરાબર સાચો હોય એટલે અણુધડાકાની ચાંપ આપોઆપ દબાય છે અને જમીનમાં જબ્બર ધડાકો થાય છે. ધડાકાને કારણે ૨૦૦ કે ૧૦૦૦ ફૂટ ઊંડે ૧૦૦ ફૂટ પહોળો ખાડો થઇ જાય છે. બોંબની ઉપર રાખેલા કેનીસ્ટર સેન્સરમાં આ ધડાકાની પ્રબળતા મપાઇ જાય છે. આ કેનીસ્ટર અને સેન્સરનો નાશ થાય છે પણ એ પ્રબળતાનું માપ કંટ્રોલરૂમને આપતું જાય છે. બોંબનો ધડાકો થાય એટલે મેગ્નેટિક વેવ્ઝ અર્થાત્ ચુંબકીય મોજાંઓ પ્રસરે છે. બોંબ ફૂટે એટલે ધડાકો થાય, જબ્બર ગરમી અને રેડિયેશન પેદા થાય.

અણુધડાકા બાદ થતી તમામ અસર અને ગતિવિધિઓની નોંધ લેવા માટે સક્રિય કરાયેલી યંત્ર સામગ્રી અને સાધનોની સક્ષમ કામગીરી માટે આવું સમતુલ તાપમાન જાળવવું આવશ્યક હોય છે. ટનલની છત પર ઝાંખા દીવાઓ, શીતળ કોંક્રીટની દીવાલો તથા પોલાદના પ્રચંડ પ્રવેશદ્વારોથી સુસજ્જ આવી ટનલમાં પાછળના ભાગે બનાવેલા નાના ખંડોમાં બનાવેલા અનેક પગથિયાં ઉપર અણુધડાકા બાદ ભૂમિમાં ઉપસ્થિત થતાં કંપનોને માપવા માટે અત્યંત સંવેદનશીલ યંત્રો ગોઠવવામાં આવ્યા હોય છે. જે ધડાકાના પરિણામે ઉપજતાં ભૂકંપના મોજાં ઝીલી લે છે. આ સમગ્ર ભૂકંપનોના આલેખો (કાર્ડીઓગ્રામ જેવી ગ્રાફીક પ્રતિભા) જોડવામાં આવે છે. ભૂગર્ભમાં પેદા થયેલા આ કંપનો દુનિયાના કોઇપણ ખૂણે બેસાડવામાં આવેલાં જ આવાં યંત્રો દ્વારા ઝીલવામાં આવે છે અને જે તે યંત્રોમાં ગોઠવવામાં આવેલા પરદા ઉપર અંકિત થાય છે અને રેખારૂપે પેપર ઉપર ઉપસાવવામાં આવે છે. આ ભૂગર્ભના કંપનોનો વૈજ્ઞાનિકો દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા બાદ તેનાં શક્તિશાળી પ્રમાણો તેનાથી સર્જાવાને અપેક્ષિત વિનાશ અને આપદાઓના સંકેતો સાકાર કરે છે. આમ માનવી પોતે ઇરાદાપૂર્વક પ્રાકૃતિક નહિ પરંતુ સ્વૈચ્છીક પ્રચંડ વિનાશક બળોને જાગૃત કરે છે.

ભૂગર્ભ અણુધડાકાઓને કદાપિ પણ ગુપ્ત રાખી શકાય નહિ. આવા ધડાકાથી સર્જાયેલા ભૂકંપનોનાં મોજાંઓ ગમે તેવા અવરોધોને પણ વીંધીને પૃથ્વી પર પ્રસારીત થવા લાગે છે. હવે આમ તો ભૂકંપનોનાં મોજાં, ધરતીકંપ અને ભૂગર્ભમાં કરવામાં આવતા અણુધડાકા બંને દ્વારા ઉત્પન્ન થાય છે, પરંતુ આવા મોજાંના પ્રકારમાં તફાવત જોવામાં આવે છે. પ્રાકૃતિક ધરતીકંપ દ્વારા ઉત્પન્ન થયેલાં ભૂકંપનોનાં મોજાં ઊભી અને આડી બંને દિશાઓમાં પેદા થાય છે અને પ્રવાસ કરે છે જ્યારે અણુધડાકાથી પેદા થયેલાં ભૂકંપનોનાં મોજાં માત્ર ઊભી દિશામાં ઉત્પન્ન થાય છે અને એક જ તફાવતના કારણે અણુધડાકાનું ભૂગર્ભસ્થાન નિશ્ચિત કરી શકાય છે. હવે ધરતીકંપના આડા મોજાં જેમ જેમ પ્રસારિત થતાં જાય છે તેમ તેમ તે ધીરે ધીરે કમજોર થઇ જાય છે. પરંતુ અણુધડાકાના કારણે ઉત્પન્ન થયેલાં મોજાં ફક્ત ઊભા હોવાથી તેની નિશ્ચિતતા સંશય ઉપજાવે છે.

અણુધડાકાના પ્રયોગો ભલે ગુપ્ત રાખવાના પ્રયાસો કરવામાં આવે તો પણ તે છુપાવી શકતા નથી કારણ કે અણુધડાકાથી ઉત્પન્ન થતાં ભૂકંપનો પારખી લેવા માટેની ટેક્નોલોજીમાં ખૂબ જ પ્રગતિ સાધવામાં આવી છે અને આ ટેક્નોલોજી હવે ભારત પાસે પણ છે. અમેરિકાએ પાકિસ્તાનમાં કાહુટાથી બહુ દૂર નહિ એવા સ્થળે ભૂગર્ભમાં થતી હલચલ, ખાસ કરીને અણુધડાકાને કારણે, જાણવા માટે થોડા વર્ષ પૂર્વે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે સેસ્મિક સેન્ટર બનાવ્યું છે. આવી સુવિધા આમ તો વૈજ્ઞાનિક સંશોધન માટેની છે અને બીજા બાવન દેશોમાં ઊભી કરવામાં આવી છે.

આ કેન્દ્ર દ્વારા ભારત, ચીન અને પાકિસ્તાન ઉપરાંત ઇરાન, મધ્ય એશિયા અને તિબેટમાં થતી અણુપ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવે છે. 

ભારત દ્વારા પોખરણ ખાતે કરવામાં આવેલા અણુધડાકા માટે બનાવેલા બોમ્બને ૧૦૭ મીટર ઉંડે બનાવેલા ખંડમાં મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ ધડાકો થયો ત્યારે બોમ્બની બરાબર ઉપરની જમીન પ્રતિ સેકન્ડ ૨૫-૩૦ મીટરની ગતિના દરે ઉપસી આવી હતી અને પરિણામે પૃથ્વીની સપાટી પર સર્જાેયેલા ઘુંમટનો વ્યાસ ૧૭૦ મીટર અને ઉંચાઇ ૩૪ મીટર હતી પરંતુ બોમ્બવિસ્ફોટના સ્થળે નીચે સર્જાયેલા ખાડાની ત્રિજ્યા ૪૭ મીટર હતી.

અલબત્ત ભારત સરકારે આ અણુપ્રયોગને ગુપ્ત રાખવા ખૂબ જહેમત ઉઠાવી હતી. બન્યું એવું કે પીવાના પાણીની શોધમાં નીકળેલા બે ભારતીય જવાનો ભારતની અણુ ગુપ્તતાની લક્ષ્મણરેખા પાર કરી બેઠા અને તેમને પૂછપરછ માટે સીધા દિલ્હી લાવવામાં આવ્યા એટલું જ નહીં તેઓ નોકરીમાંથી હાથ ધોઇ બેઠા. થોડાં વરસો પહેલાં અણુ પરીક્ષણની અટકળો વહેતી થયેલી એ વખતનો આ કિસ્સો છે.

આર્મી એન્જિનિયર્સની ખાસ ટુકડીના આ સૈનિકો પોખરણ નજીકના અણુ પરીક્ષણ સ્થળની ચોકી કરતા હતા. તેમની ફરજ માત્ર સ્થળની બહારના ભાગની જ રખેવાળી કરવાની હતી. તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો જેનું એ પરિણામ તેમણે ભોગવવું પડયું.

ભારત સરકાર પોખરણના અણુ પરીક્ષણની બાબતમાં કે ત્યાંની હિલચાલ અંગે ગુપ્તતા જાળવવામાં કોઇ કચાશ રાખવા માગતી ન હતી. એનું આ ઉદાહરણ છે. સરકારને ગુપ્તતા જાળવવાના તેના વળગણનું ફળ પણ મળ્યું. ભારતે કરેલા અણુ પરીક્ષણની ગંધ ત્યાં ઊડતા ગીધડાને પણ ન આવી અને હવાને પણ એનો અંદેશો ન મળ્યો. ઉપગ્રહો પણ અંધારામાં રહ્યા. અણુ પરીક્ષણ માટે ભારતે હમેશાં મે મહિનો જ પસંદ કર્યો  છે એ વાત મહત્ત્વની છે. જાસૂસો રોકીને ગુપ્ત માહિતીઓ મેળવવામાં જિજ્ઞાસુ જાસૂસી સંસ્થાઓને બહુ સફળતા નહીં મળતી હોવાથી તેઓ હવે ઉપગ્રહો પર આધાર રાખતી થઇ છે અને ખાસ કરીને મે મહિનામાં રણમાં હવાનાં મોજાં વંટોળિયો સર્જે છે. એટલું જ નહીં દિવસો સુધી વંટોળિયો ધૂળ અને રેતીની ડમરીઓ ઉડાડતો રહે છે. પરિણામે ઉપગ્રહોનું ચિત્ર અસ્પષ્ટ અને ધૂંધળું રહે છે. સામાન્ય સંજોગોમાં રણમાં આવી હિલચાલ કે પ્રવૃત્તિઓની ચાડી ખાતાં ટાયરોનાં નિશાન પણ સખત પવનને અને વંટોળિયાને લીધે તરત જ ભૂંસાઇ જાય છે અને આને કારણે જ આ મહિનામાં ઉપગ્રહો નિષ્ફળ નીવડે છે.

બીજું જાપ્તો, દેખરેખ કે ચાંપતી નજર રાખવાની રમતમાં શક્તિશાળી શસ્ત્ર તરીકે ઓળખાતા ઇન્ફ્રા-રેડ સેન્સરોને પણ આ મહિનામાં હિલચાલ પકડવામાં  મુશ્કેલીઓ નડે છે. કારણ કે રણમાં દિવસ દરમિયાન ઉષ્ણતામાન ઓછામાં ઓછું ૫૦ ડીગ્રી સેલ્સિયસ જોવા મળે છે. શિયાળામાં ખાસ કરીને રાત્રી દરમિયાન રણ સાવ ઠંડું થઇ જતું હોય છે પરિણામે નાનામાં નાની પ્રવૃત્તિને ઇન્ફ્રા-રેડ સેન્સરો પકડી શકે છે.

આંતરરાષ્ટ્રીય  નિષ્ણાતોએ અવારનવાર એવી કબૂલાત કરી છે કે હકીકતમાં અમેરિકા ભારતના અણુ કાર્યક્રમની ગંધ મેળવી શકતું નથી.

ઉપખંડમાં અણુ તંગદિલી અંગે ક્રિટિકલ માસ નામનું પુસ્તક લખીને જાણીતા બનેલા એનબીસીના રિપોર્ટર રોબર્ટ વિન્ફ્રેમે જણાવ્યું હતું કે પાકિસ્તાનના અણુ કાર્યક્રમ વિશે અમેરિકા પાસે સંપૂર્ણ જાણકારી છે. શું ચાલી રહ્યું છે તે વિશે એની પાસે રજેરજની માહિતી છે, પરંતુ આનાથી તદ્દન ઉલટું ભારતના અણુ કાર્યક્રમની તેની પાસે કોઇ માહિતી નથી.

આ સમગ્ર ઓપરેશન અણુ ઉર્જા પંચના અધ્યક્ષ આર. ચિદંબરમ તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક બાબતોના સલાહકાર એ. પી. જે. અબ્દુલ કલામે સંભાળ્યું હતું. 

તેમ છતાં અણુ અખતરાઓને છુપા રાખવાના યંત્રો પણ શોધી કાઢવામાં આવ્યા હોવાથી હવે વિજ્ઞાનીઓ અણુ અખતરા કરવા માટે ધરતીકંપના સમયની રાહ જુએ છે અને ધરતીકંપની આગાહી કરી શકાતી હોવાથી અણુધડાકાને ધરતીકંપના સમય સાથે સાંકળી લેવામાં આવે છે. પરિણામે અણુધડાકાને પ્રાકૃતિક ધરતીકંપ તરીકે ખપાવી દેવામાં આવે છે.

જૂના બનાવેલાં અણુશસ્ત્રોનો પણ અવારનવાર અખતરો કરવો પડે છે. ભારતને તો હજી આવી સમસ્યા નથી પણ રશિયા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને અમેરિકાએ જે જૂનાં અણુશસ્ત્રો બનાવીને મૂક્યાં છે તેમાં જે યુરેનિયમનો અંશ હોય તે કાટ ખાય છે એટલે જૂનાં અણુશસ્ત્રો કામયાબ રહ્યાં છે કે નહીં તેના અખતરા કરવા પડે છે. હવે અમેરિકાની લોરેન્સ લિવરમોર લેબોરેટેરી અને બીજી લેબોરેટરીમાં જે સ્ટારવૉર્સ માટેનાં લેસર શસ્ત્રો બને છે તેની ચકાસણી જુદા સ્થળે ક૨વાની રહેશે. તે માટે પેસેફિક ટાપુને પસંદ કરાયો છે. કેલિફોનયાથી રૉકેટો ઉડાવે તે ૪૮૦૦ માઇલની સફર કરીને પેસિફક ટાપુ નજીક આવે ત્યાં તેને લેસર કિરણોથી ઉડાવી દેવાના હોય છે. આ ટાપુમાંથી માનવવસતિને દૂર કરવામાં આવી રહી છે. જે લોકો હટતા નથી તેને હાથકડી પહેરાવીને ટીંગાટોળી કરીને બોટમાં બેસાડીને ખસેડાયા છે. 

ખરી રીતે તો જરી પુરાણા યુએસ પરમાણુ શસ્ત્રોના ભંડારને જાળવવા માટે જવાબદાર વૈજ્ઞાનિકો નિર્ણાયક પ્રયાસ માટે તૈયારી કરી રહ્યા છે, જેને તેમણે 'ટિકલીંગ ધી ડ્રેગન્સ ટેલ' (ડ્રેગનની પૂંછડીને છંછેડવા) નામ આપ્યું છે. આવા શસ્ત્રોની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા તેઓ ભૂગર્ભ પરીક્ષણ માટે તૈયારી કરવા આગામી વર્ષે મહત્વના ઘટકોને નેવાડા રણમાં  મોકલવાનું શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

૧૯૯૨થી ભૂગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ લાગુ પડયા પછી રાષ્ટ્રીય સંરક્ષણ લેબોરેટરીઝના નિષ્ણાંતો પરમાણું હથિયારોની વાસ્તિવક અસરકારકતા નક્કી નથી કરી શક્યા. જો કે તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે તેઓ આ  સમસ્યાનો ઉકેલ લાવવાની તૈયારીમાં છે. ૨૦૨૭થી શરૂ થવા અપેક્ષિત ૧.૮ અબજ ડોલરનો સ્કોર્પિયસ પ્રોજેક્ટ સૈદ્ધાંતિક કમ્પ્યુટર મોડેલિંગથી આગળ પરીક્ષણ કરશે.

સાવધાની ભર્યા અભિગમને કારણે તેનું નામ 'ટિકલીંગ ધી ડ્રેગન્સ ટેલ' રખાયું છે. તેનો હેતુ પુરાણા થતા પરમાણુ હથિયારોની અસરકારકતા ચકાસવાનો છે. શીત યુદ્ધ દરમ્યાન આવી સમસ્યા પરમાણુ પરીક્ષણ દ્વારા ઉકેલાતી હતી, પણ પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મુકાયા પછી હવે આધુનિક ટેસ્ટીંગ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

છેલ્લા એક દાયકા દરમ્યાન પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે જેમાં જટિલ હાઈ-એનર્જી ઈલેક્ટ્રોન બીમ ઈન્જેક્ટરની એસેમ્બ્લી હાલ ચાલી રહી છે. ફૂટબોલના મેદાનની લંબાઈ જેટલું આ મશીન નેવાડા રાષ્ટ્રીય સિક્યુરિટી સાઈટ ખાતે જમીન નીચે હજાર ફીટ ભૂગર્ભમાં મુકવામાં આવશે. સ્કોર્પિયસ પ્રોજેક્ટમાં વિવિધ રાષ્ટ્રીય લેબોરેટરીઝ સામેલ છે. તેનાથી રાષ્ટ્રની પરમાણુ સુરક્ષા જાળવવા જરૂરી મહત્વનો ડાટા મળવાની ખાતરી છે. 

અમેરિકાની માફક જ રશિયા પણ તેનાં અણુશસ્ત્રોના અખતરા ચાલુ રાખે છે. તેને પારખવા માટે અમેરિકાએ તેના સેઇસ્મોલોજીસ્ટ અર્થાત્ ભૂસ્તરશાસ્ત્રીઓને તૈયાર કર્યા છે. અમેરિકા અને રશિયાએ પરસ્પર કરેલી સમજૂતી પ્રમાણે, અણુ-વિસ્ફોટને મર્યાદિત કરવા કે બંધ કરવા કે એકબીજાને જાણ કરીને જ અણુઅખતરા કરી શકાય એમ નક્કી કર્યું છે. છતાં અણુઅખતરાને છુપા રાખવા માટેના યંત્રો રશિયા, ચીન તથા અમેરિકાએ શોધ્યાં છે.

અણુ અખતરાઓની ચકાસણી અંગે જીનીવા પરિષદના વૈજ્ઞાનિક નિષ્ણાતોના એક જૂથની ભલામણના પરિણામે ભૂકંપની માહિતીના વિનિયમ માટે આંતરરાષ્ટ્રીય જાગતિક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં ભારત સહિત પચાસ દેશોએ પોતાની સંમતિ વ્યક્ત કરી હતી તેમ છતાં અણુ અખતરાઓનો આ સિલસિલો ચાલુ રહ્યો છે અને રહેશે. હમણાં તો જાણે અમેરિકાએ અને રશિયાએ પોતાની રીતે અણુ અખતરો કર્યો અને નજીકના ભવિષ્યમાં ઇરાન અને ઉત્તર કોરિયા પણ આ બે મહાસત્તાને અનુસરે તો કાંઇ નવાઇ નહિ. આવા અણુ અખતરાના પડઘા અને પરિણામે પૃથ્વી ઉપર કેવા પરિબળો પ્રબળ થશે એ તો ભવિષ્યમાં પ્રકૃતિ જ પ્રદર્શિત કરશે.